ડંકી Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડંકી

ડંકી

-રાકેશ ઠક્કર

નિર્દેશક રાજકુમાર હીરાની હોવાથી ફિલ્મ ડંકી શાહરૂખ ખાનની પઠાન અને જવાન જેવી મસાલા ફિલ્મ નહીં હોય એનો તો બધાને જ ખ્યાલ હતો. પણ ફિલ્મનું લેખન નબળું હશે એનો અંદાજ ન હતો. રાજકુમાર હીરાનીની અગાઉની બધી જ ફિલ્મો મુન્નાભાઈ, થ્રી ઈડિયટ્સ, પીકે, સંજૂ વગેરેમાં એમના નિર્દેશન સાથે લેખનનો પણ કમાલ હતો. ડંકી એ બાબતે કાચી રહી ગઈ છે. લેખકોએ લંડન જવા માગતા પરિવારની સમસ્યાઓ અને પીડાઓ બરાબર બતાવી નથી. જેથી લંડન જવાનું એમની પાસે મજબૂત કારણ હતું એ વાત પ્રસ્થાપિત થતી નથી. કોમેડી અને રોમાન્સની થોડી કમી પણ લાગશે. અલબત્ત રાજકુમાર અને શાહરૂખના ચાહકો માટે આ ફિલ્મ એકવાર જોવા જેવી જરૂર છે.

ફિલ્મમાં વિદેશ જવા પ્રયત્ન કરતા પંજાબના ત્રણ મિત્રોની વાર્તા છે. એમાં મનુ (તાપસી પન્નુ) નું ઘર કેટલીક દુખ:દ ઘટનાઓને કારણે ગીરવે મૂકવામાં આવ્યું છે. બીજો બલ્લી (અનિલ ગ્રોવર) અને ત્રીજો બગ્ગૂ (વિક્રમ કોચર) પોતાની માતાની ગરીબીની તકલીફોથી પરેશાન છે. ત્યારે હરદીપ સિંહ ઢીલ્લન એટલે કે હાર્ડી (શાહરૂખ ખાન) નો ગામમાં પ્રવેશ થાય છે. તે મનુને મળે છે અને રોકાઈ જાય છે. એ સૈનિક હોય છે અને મનુ સહિત ત્રણેય મિત્રોને લંડન પહોંચાડવાનું મિશન હાથ પર લે છે. હાર્ડીને ખબર પડે છે કે અંગ્રેજીની એક પરીક્ષા પાસ કરવાથી લંડનના સ્ટુડન્ટ વિઝા મળી જાય છે. એ ત્રણેયને ગીતૂ ગિલાટી (બોમન ઈરાની) પાસે અંગ્રેજી શીખવા લઈ જાય છે જ્યાં લંડન જવા માગતા સિધ્ધૂ (વિકી કૌશલ) સાથે મુલાકાત થાય છે. ત્યાં બધા નક્કી કરે છે કે લંડન જવા ડંકી મારવી પડશે. મતલબ કે કબૂતરબાજીનો સહારો લેવો પડશે. એમને ખબર હોતી નથી કે આમ ગેરકાયદે લંડન જવાનો રસ્તો બહુ મુશ્કેલ હોય છે. આ યાત્રામાં ઘણું બધુ બને છે એ ડંકી ની મુખ્ય વાર્તા છે. બધાં લંડન પહોંચે છે પણ હાર્ડી પાછો આવી જાય છે. મનુ સાથેનો એનો પ્રેમ અધૂરો રહી જાય છે. ૨૫ વર્ષ બાદ મનુ હાર્ડીને વિનંતી કરે છે કે એમને પાછા પોતાના દેશ આવવું છે. હવે હાર્ડી એમને દેશમાં પાછા લાવી શકશે? મનુ સાથેનો એનો પ્રેમ પૂર્ણ થશે? વગેરે સવાલોના જવાબ જોવા ફિલ્મ જોવી પડશે.

રાજકુમાર હીરાનીએ એક અલગ અને નવી વાર્તા જરૂર પસંદ કરી છે પરંતુ એમાં જે કોમેડી, રોમાન્સ અને ઇમોશન હોવા જોઈએ એ પૂરતા નથી. એમની અત્યાર સુધીની ફિલ્મોની જેમ કોમેડી મજબૂત પક્ષ બની શક્યો નથી. તેથી સીટીમાર અને તાળીમાર દ્રશ્યો ઓછા છે. લંડન જવા અંગ્રેજી શીખવાનો જે ભાગ છે એમાં પણ અપેક્ષા પ્રમાણે હાસ્ય મળતું નથી. કેટલાક દ્રશ્યોને બાદ કરતાં ઘણા જોક્સ અને વન લાઇનર્સ સામાન્ય લાગે છે. હીરાનીએ અસલ જિંદગીમાં કબૂતરબાજી કરનારાની વિગતોથી એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ એ જ વાત ફિલ્મના પાત્રો મારફત બતાવી હોત તો વધુ અસરકારક બની શકી હોત.

ફિલ્મનો પહેલો ભાગ મનોરંજન પૂરું પાડે છે પણ એમાં વાર્તાનો મૂળ મુદ્દો જ ગાયબ છે. હીરાની પાત્રોના નિર્માણમાં સમય લગાવી દે છે. ઇન્ટરવલ પછી બધું વધારે નાટકીય લાગે છે. ફિલ્મની વાર્તા એટલી બધી ફેલાવી દીધી છે કે એને સમેટવાનું હીરાની માટે મુશ્કેલ બની ગયું છે. પોણા ત્રણ કલાકની લંબાઈ રાખી હોવા છતાં ઘણા પ્રશ્નો અનુત્તર રહી ગયા છે. મિત્રોની યુવાની અને વૃધ્ધવસ્થા વચ્ચેના પચીસ વર્ષમાં શું થયું એ બતાવ્યું જ નથી. ક્લાઇમેક્સમાં શું હશે એનો અંદાજ પહેલાથી જ આવી જતો હોવાથી પ્રભાવિત કરી શકતો નથી. હીરાનીની વાર્તામાં સતત વૈવિધ્યપૂર્ણ પ્રસંગો આવતા રહેતા હોય છે. ડંકી માં એવું થતું નથી. ઇમોશનની રીતે દ્રશ્યો સારા છે. હીરાનીએ એના પર જ વધારે ધ્યાન આપ્યું છે. શાહરૂખ અને તાપસી વચ્ચેની વાતો વધુ પડતી છે. એમાં મનોરંજનની જરૂરિયાત હતી.

ગીતો વાર્તાને મદદરૂપ થાય છે. રાજકુમાર હીરાનીની ફિલ્મોનું સંગીત ક્યારેય ચાર્ટબસ્ટર રહ્યું નથી એટલે વધારે આશા ન હતી. લુટ્ટ પુટ ગયા, ઓ માહી, મેં તેરા રાસ્તા દેખૂંગા વગેરે ઠીકઠાક છે અને વાર્તામાં બરાબર પરોવવામાં આવ્યા છે. બેકગ્રાઉન્ડ સંગીત સારું છે.

ફિલ્મમાં કલાકારોનો અભિનય સારો છે. શાહરૂખ ખાન પોતાની ભૂમિકાને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કરે છે. ઈમોશનલ દ્રશ્યોમાં તેનો અભિનય સ્પર્શી જાય છે. પરંતુ હીરાની સાથેની પહેલી ફિલ્મ હોવાથી શાહરૂખ પાસે જે આશા હતી એ પૂરી થતી નથી. હીરાનીના આઈકોનિક હીરો જેવો એ બની શક્યો નથી. એક કારણ એવું છે કે શાહરૂખનો પંજાબી બોલવાનો અંદાજ બરાબર નથી. પાછળથી એ સહજ જરૂર બને છે. આ ફિલ્મમાં શાહરૂખના પાત્રમાં એની જ અગાઉની કેટલીક ફિલ્મોના પાત્રોનો પડછાયો પડતો દેખાય છે. વિકી કૌશલ મહેમાન ભૂમિકામાં હોવા છતાં સૌથી વધુ પ્રભાવ છોડી જાય છે. શાહરૂખે સાચું જ કહ્યું હતું કે એને શૂટિંગ દરમ્યાન વિકી પાસેથી અભિનયમાં ઘણું શીખવા મળ્યું હતું. પહેલા ભાગમાં વિકીના પાત્રના પ્રવેશ પછી ફિલ્મ વધુ જોવાલાયક બને છે. એક હતાશ અને બેચેન પ્રેમીના પાત્રને એણે જીવી બતાવ્યું છે. તાપસી પન્નુ પોતાના ઈમોશનલ પાસાથી પ્રભાવિત કરે છે. હીરાનીએ તાપસીની અભિનય પ્રતિભાનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. અનિલ ગ્રોવર હીરાનીની શ્રેષ્ઠ શોધ બની રહે એમ છે. વિક્રમ કોચર સહાયક અભિનેતા તરીકે પોતાની ફરજ બજાવી જાય છે.

ફિલ્મ ઘણી બધી અપેક્ષાઓ પૂરી કરતી નથી. એની પાછળના કારણો જોઈએ તો વાર્તા નવી જરૂર લાગે છે પણ મુદ્દો આઉટડેટેડ છે. રાજકુમાર હીરાનીએ વિધુ વિનોદ ચોપડા કેમ્પની બહાર આવીને આ ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં જાહેરાતો ઘણી બતાવી દીધી છે. ડંકી માં એક્શન જરૂર છે પણ શાહરૂખ જે ફિલ્મમાં હોય એમાં ઘણા વધારે એક્શન દ્રશ્યોની જરૂર રહે છે. ફિલગુડ પ્રકારની ફિલ્મોના શોખીનો ડંકી થી નિરાશ થશે નહીં.