Chat Chaska books and stories free download online pdf in Gujarati

ચાટ ચસ્કા

આભાર : કથાબીજ શ્રી અનિલ કુલકર્ણી સાથેની વાતચીત માંથી.
Warning: Don't Use this story In any form of Audio Visual medium without wroters permission. Writer is Member of SWA. SWA Membership No: 32928. If is so legal action will be taken against you.

અનિલ નાહીને બહાર નીકળ્યો ને ત્યાં જ એનો મોબાઈલ રણક્યો, પગ ભીના હોવાથી લપસી ના પડાય એટલે એ સાચવીને, ધીરે પગલે, ટીવી પાસે પડેલા મોબાઈલ પાસે પહોંચ્યો અને જેવો મોબાઈલ પાસે પહોંચ્યો કે રિંગ બંધ થઈ ગઈ. એને થયું કે એના બોસનો ફોન હશે અથવા કોઈ કલીગનો ફોન હશે એટલે એણે સામે ફોન કરવાનું માંડી વાળ્યું ને પોતાના ડ્રેસિંગ રૂમ તરફ જવા લાગ્યો, ત્યાં જ ફરી મોબાઇલે ગાવાનું શરૂ કર્યું, " हर घडी बदल रही है रूप जिंदगी....हर पल यहां जी भर जियो" અનિલની આ રીંગટોન હતી. અનિલ પાછો ફર્યો, ને મોબાઈલ જોયો તો એની બહેનનો ફોન હતો. અનિલે જેવો ફોન ઉપાડ્યો કે એની બહેને એનો ઉધડો લેવાનું ચાલુ કર્યું. " શું કરે છે? ક્યાં હતો? ક્યારની ફોન કરું છું ઉપાડતો કેમ નથી? " . અનિલ કાંઈ ક્લેરિફિકેશન આપે એ પહેલા તો એની બહેન માયાએ કહ્યું " અનિલ તું પપ્પાનું શું ધ્યાન રાખે છે ? કાલે એમને કોલ કર્યો તો રમેશભાઈએ કોલ ઉપાડ્યો ને કહ્યું કે " સાહેબ સમોસા કચોરી ખાઈ રહ્યા છે તો પછી ફોન કરજો ખાવામાં ડિસ્ટર્બ ના કરશો. એવું સાહેબ નું કહેવું છે". પપ્પાની ઉંમર થઈ ગઈ છે, તું સમજાવ એમને કે હવે જીભના ચટાકા ઓછા કરે નહીં તો હેરાન થવાનો વારો આવશે . અનિલે કહ્યું " સારું હું એમને સમજાવીશ. તું કેમ છે? ને માયાએ એ જ એના સંસારની માયાજાળની વાત કરવાની ચાલુ કરી , એની એ જ રેકોર્ડ વગાડી કે એ કેવી રીતે એની દીકરીની દીકરીનું ધ્યાન રાખે છે, એમના જમાઈ કેટલા સારા છે, કેટલું કમાય છે અને એની દીકરીની સાસુ ધ્યાન નથી આપતી વગેરે...વગેરે...
અનિલે ઘણી વાર ફોન પતાવવા ઈચ્છુંયુ, પણ માયાના સમાચાર આગળ એનું કંઈ ના ચાલ્યું, ને આખી રામાયણ - ઉત્તર રામાયણ સુધી સાંભળવી પડી, ને માયાની બેટરી પતી જતા અરે માયાની બેટરી એમ થોડી પતે એ તો મોબાઈલની બેટરી પતી ગઈ એટલે અનિલ બચી ગયો ને ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો.

અનિલે ફોન મુક્યો અને ડાઇનિંગ ટેબલ પર બેઠેલા એના 95 વર્ષે પહોંચેલા, જુના લીમડા મજબૂત, ફાફડા અને ચટણી ખાતા મોજીલા પપ્પા તરફ જોયું અને પછી ઓફિસની યાદ આવતા જ એ પાછો પોતાના રૂમ તરફ આવ્યો. હજી પેન્ટ પહેરીને શર્ટ પહેરવા જતો જ હતો, ત્યાં ફોન પાછો રણક્યો. અનિલ શર્ટ પહેરતા પહેરતા ફોન લેવા આવ્યો, એને થયું ચોક્કસ માયા એ ફોન ચાર્જ કરી તરત જ ફોન કર્યો છે. એણે જોયું તો આ વખતે માયાનો નહીં એની મોટી બહેન જ્યોતિનો કોલ હતો.

અનિલે કોલ ઉઠાવ્યો ને જ્યોતિ, જ્યોતિ બની જ્વાલાની જેમ અનિલ પર ભડકી, " અનિલિયા શું ધ્યાન રાખે તું પપ્પાનું? મને માયાએ કહ્યું "પપ્પા સમોસા, કચોરી ,ભજીયા ફાફડા, ગોટા અને એ બધું ઝાપટે છે અને તું એમને ઝાપટવા દે છે . અરે તું એમને ઝાપટી નાખ, ને એમને સમજાવ કે હવે ઉંમર થઈ છે....................
બ્લાં.......બ્લાં....બ્લાં.....
તમે સમજી જ ગયા હશો કે જ્યોતિએ શું શું કહ્યું હશે , ને છેલ્લું વાક્ય હતું, આ બધું બંધ કરાવ પપ્પાનું, નહીં તો પપ્પા વહેલા ઉકલી જશે , નહીંતર મને કે હું આવું છું અમદાવાદ.
અનિલે એને બાંહેધરી આપતા કહ્યું કે હું સમજાવીશ એમને. ફોન મુકાઈ ગયો.

અનિલે પપ્પા સામે જોયું. પપ્પાને ખુશ જોઈ, એમને ધમકાવવાનો પ્રોગ્રામ મુલત્વી રાખ્યો અને ઓફિસે નીકળી ગયો.

આ બંને ફોન આવ્યા ને બે દિવસ વીતી ગયા હતા.
આજે રવિવાર હતો એટલે અનિલ ને પપ્પા બંને આજે સાથે બ્રેકફાસ્ટ કરવા બેઠા હતા. પપ્પાએ રમેશ પાસે વાટી દાળના ખમણ, ગાંઠિયા ને ચોળાફળી મંગાવી લીધા હતા ને જલેબી પણ. અનિલને થયું ચાલો સારો મોકો છે અત્યારે પપ્પા એકદમ ખુશ પણ છે તો વાત થઈ જશે . અનિલે કહ્યું "પપ્પા મારે તમને જરા એક વાત કરવી હતી અને અનિલ કાંઈ કહેવા જાય એ પહેલા એના પપ્પા બોલ્યા " અનિલ તને યાદ છે પેલા મહેતા કાકા હતા ? મારા ખાસ મિત્ર. અનિલે કહ્યું "હા" અનિલના પપ્પાએ કહ્યું "એ કાલે ગુજરી ગયા." અનિલ થોડો દુઃખી થઈ ગયો અને એણે પૂછ્યું "કેમ કરતા ?" પપ્પાએ કહ્યું "હાર્ટ અટેકમાં." અનિલે કહ્યું " અરે પણ એ તો ખૂબ જ ચરી પાળતા હતા. આ નહીં ખાવાનું અને તે નહીં ખાવાનું, કસરત કરતા હતા, વહેલા સુઈ જવાનું ને વહેલા ઉઠી જવાનું. અનિલના પપ્પાએ કહ્યું " હા પણ ગયા " અને એના પપ્પાના ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ બોલતા બોલતા. અનિલે એ સ્માઈલ જોઈ ને એના પપ્પાને પૂછ્યું " પપ્પા તમે કેમ આમ સ્માઈલ કરી રહ્યા છો? " ત્યારે એના પપ્પાએ કહ્યું અનિલ હું અહીં આવ્યો ને રહેવા ત્યારે ચાર રસ્તા પર પેલી બેંક છે ને એ નવી નવી ખુલી હતી. આપણી આ એક જ સોસાયટી હતી અને આજુબાજુ દૂર સુધી કશું જ નહોતું ને એનો બેન્ક મેનેજર બિચારો ખાતા ખોલાવવા માટે અમને બધાને ઘરે ઘરે મળવા આવતો. અમે લોકો સરકારી ઓફિસર એટલે એને એમ કે અમે લોકો ખાતું ખોલાવીશું એટલે બીજા પણ ખોલાવશે. રોજ ઘરે આવે અને અમને બેંકમાં ખાતું ખોલાવવા માટે કે , એ બેંકનું પહેલું ખાતું મારા બોસે ખોલાવેલું, બીજું બોસના મિત્ર ચૌહાણ સાહેબે, ત્રીજું ખાતું પટેલ અંકલે, ચોથું મેં અને પાંચમું ખાતુ મહેતાએ. અમે પાંચ જણા એ બેંકના પહેલા ખાતેદાર હતા.
ઘણા સમયથી એ ખાતું ઓપરેટ નહોતો કરતો જાણે ભૂલી જ ગયો હતો કે એ બેંકમાં મારું કોઈ ખાતું છે. કાલે ઘણા સમય પછી હું બેંકમાં ગયો. સ્ટાફ તો બદલાઈ ગયો હતો પણ એક જૂના ક્લાર્ક હતા એ મને ઓળખી ગયા. મને જોઈ કહે " અરે આવો આવો કાકા, નવા સ્ટાફને મારી ઓળખ આપતાં કહ્યું કે " આ કાકા બેંકમાં પહેલા પાંચ જણા જે ખાતા ખોલાવનાર હતા એમાંના એક છે . પહેલા હતા જાની સાહેબ એ ત્રણ વર્ષ પહેલાં ગુજરી ગયા, બીજા હતા ચૌહાણ એ પણ જાની સાહેબ પછી ગુજરી ગયા, ત્રીજા પટેલ એ ગયા વર્ષે કોરોનામાં ગુજરી ગયા અને ચોથા આ અને પાંચમાં રહ્યા મહેતા. પહેલાં પાંચ ખાતેદારોમાંથી હવે ખાલી ચોથા અને પાંચમાં બે ખાતેદાર હવે રહ્યા છે. મને કેબીન માં બેસાડી ચા પીવડાવી ને પૂછ્યું " બોલો કાકા કેમ આવવું થયું? મેં કહ્યું મારે ખાતું બંધ કરાવવું છે. એ ક્લાર્કે મને કહ્યું "શું કામ? ભલે ને રાખો ને, શું ફરક પડે છે ? ને મેં એમને મજાક કરતા કહ્યું કે ભાઈ પહેલા ત્રણ ખાતેદાર તો ગુજરી ગયા હવે ચોથો મારો નંબર છે જો હું પણ ખાતું ચાલુ રાખું અને ઉકલી જઉં તો? અમે બંને ખૂબ હસ્યા અને મેં એ ખાતું બંધ કરાવી દીધું. પહેલા ત્રણ ખાતેદાર તો ગુજરી ગયા હતા હવે મારો નંબર હતો પણ મેં ખાતું બંધ કરાવ્યું અને નંબર આવી ગયો મહેતાનો અને મેહતા ઉકલી ગયા . જો મેં ખાતું બંધ ના કરાવ્યું હોત તો કદાચ ચોથા નંબરે હું હતો, હું ગુજરી ગયો હોત, મારો નંબર આવી ગયો હોત, ને હું આ ગાંઠીયા ખમણ ને જલેબીથી વંચિત રહી ગયો હોત એટલે હસવું આવી ગયું એમની વાત સાંભળી અનિલ પણ હસી પડ્યો. એને થયું પપ્પા આ ઉંમરે પણ કેટલાં ખુશ મિજાજ છે, બધું ખાઈને પણ બીજાઓ કરતાં વધારે તંદુરસ્ત છે, તો ભલેને એમને એમની મસ્તીમાં જીવવા દો, ખાવા દો, જેટલા વર્ષ બેલેન્સ હશે એ ભલેને ખુશી ખુશી જીવે, શું કામ એમના પર પાબંધીઓ લાદવી છે? ને એણે એ વિચાર સાથે પપ્પાને કહ્યું પપ્પા ચટણી લો મસ્ત ટેસ્ટી છે તમતમતી. રમેશને કહ્યું રમેશ સાંજે નાસ્તામાં નવતાડના સમોસા લઈ આવજે પપ્પા માટે .અનિલના ચહેરા પર પણ એક સ્માઈલ આવી ગઈ. પપ્પાએ પૂછ્યું અરે બેટા તું કઈ કહેવા માંગતો હતો, પણ મારી સ્ટોરી ચાલુ થઈ ગઈ તો તારી વાત અધૂરી રહી ગઈ, બોલ શું કહેવું હતું? એજ અનિલે કહ્યું " પપ્પા સાંજે પીઝા ખાવા છે ?
Cheese Bursts કે Seven Cheese ?
અનિલના ફોનમાં રીંગ વાગી .
"हर घड़ी बदल रही है रूप जिंदगी,
धूप है कभी ,कभी है छांव जिंदगी,
हर पल यहां, जी भर जियो,
जो है समा कल हो ना हो. "
અનિલે રીંગ વાગવા દીધી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED