Seven Steps to the Sky - Review books and stories free download online pdf in Gujarati

સાત પગલાં આકાશમાં - સમીક્ષા

પુસ્તકનું નામ:- સાત પગલાં આકાશમાં

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

'સાત પગલાં આકાશમાં'ના લેખિકા કુન્દનિકા કાપડિયાનો જન્મ જાન્યુઆરી ૧૧, ૧૯૨૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડિયાને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે મેળવ્યું હતુ. કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કોલેજ)માં પૂર્ણ કર્યું હતું. ત્યાં તેમણે ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ.ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી 'એન્ટાયર પોલીટીક્સ' સાથે એમ. એ.ની પદવી મેળવી હતી. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે આવેલા વાંકલ ગામે નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેઓ ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી યાત્રિક અને ૧૯૬૨ થી ૧૯૮૦ સુધી નવનીતના સંપાદક પણ રહી ચૂક્યા છે. તેમને મુખ્યત્વે ભારતના લેખકો ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર અને બહારના દેશોના લેખકો શેક્સપિયર અને ઈબ્સનમાંથી સર્જનકાર્યની પ્રેરણા મળી હતી. આ લેખકોના વાંચનથી એમની સાહિત્ય દ્વારા કશુંક યોગદાન આપવાની ભાવના ઘડાઈ. ‘સ્નેહધન’ તેમનું તખલ્લુસ હતું. એમની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ વાર્તા છે. જન્મભૂમિ પત્રએ યોજેલી આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં આ વાર્તા પુરસ્કૃત થયેલી. એમના વાર્તાસંગ્રહોમાં 'પ્રેમનાં આંસુ', 'વધુ ને વધુ સુંદર', 'કાગળની હોડી' અને 'જવા દઈશું તમને' મુખ્ય છે. ફિલસૂફી, સંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે.

એમણે લખેલી ત્રણ નવલકથાઓ પૈકી 'પહેલી પરોઢ થતાં પહેલાં' જીવનમાં પડેલા દુઃખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે. અગનપિપાસા (૧૯૭૨) બુદ્ધિ કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવો દ્રષ્ટિકોણ પ્રગટ કરતી કથા છે. સાત પગલાં આકાશમાં (૧૯૮૪)' નામની એમની બહુચર્ચિત દીર્ઘનવલ આધુનિક નારીના વિદ્રોહની કંઈક અંશે દસ્તાવેજી કથા છે.

એમણે છ જેટલા અનુવાદ આપ્યા છે: લોરા ઈંગ્લસ વાઈલ્ડર નામની લેખિકાની નવલકથાનો અનુવાદ વસંત આવશે, મેરી એલન ચેઝના જીવનના-ખાસ કરી બાળપણના અનુભવોનો સાહિત્યિક સુષ્માવાળો અનુવાદ દિલભર મૈત્રી અને બંગાળી લેખિકા રાણી ચંદના- પ્રવાસવર્ણનનો અનુવાદ પૂર્ણકુંભ તેમના અનુવાદના ઉત્તમ ઉદાહરણો છે. ઉપરાંત એમના પ્રકીર્ણ લેખોનો સંગ્રહ દ્વાર અને દીવાલ, પ્રાર્થનાસંકલન પરમસમીપે પણ નોંધપાત્ર છે.

તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સંખ્યાબંધ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. ૧૯૮૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા સાત પગલાં આકાશમાં માટે મળ્યો. ૧૯૮૪માં તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : સાત પગલાં આકાશમાં

લેખક : કુન્દનિકા કાપડિયા

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર

કિંમત : 499 ₹. 

પૃષ્ઠ સંખ્યા : 384

 

બાહ્ય મૂલ્યાંકન:-

મુખપૃષ્ઠ પર સાત વખત સાત પગલાં આકાશમાં લખાયું છે અને છેલ્લે એક વાડની નિશાની છે જે સ્ત્રીઓ માટે બંધક બનતી ઘટનાઓની સૂચક છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

1982ના જુલાઈથી શરૂ થઈ 40 અઠવાડિયાં સુધી આ નવલકથા ધારાવાહી રૂપે ‘જન્મભૂમિ-પ્રવાસી’ની રવિવારીય આવૃત્તિમાં પ્રગટ થઈ હતી. મોટાભાગની સત્ય ઘટનાઓ પર આધારિત આ સામાજિક નવલકથાએ ત્યારથી જ સાહિત્ય અને સમાજમાં સારી એવી હલચલ મચાવી દીધી હતી. આ નવલકથાનાં સ્ત્રીપાત્રોએ, ખાસ કરીને નાયિકા વસુધાએ નારીવાદી વલણો પ્રભાવક રીતે વ્યક્ત કર્યાં છે. ગુજરાતી સાહિત્યમાં નારીવાદી વલણોનો આરંભ કુન્દનિકાબહેનથી થયો તેમ મનાય છે. સ્ત્રી અને પુરુષો વચ્ચેના સંબંધોની સંકુલ અને નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાને નિરુપતી, કુંદનિકા કાપડિયાની નવલકથા, કેટલીક સત્ય ઘટનાઓ અને મુખ્યત્વે વસુધાના પાત્ર દ્વારા સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. આ નવલકથાનો દીવારોં કે પાર આકાશ નામે હિંદીમાં અનુવાદ થયો છે. તેના અનુવાદક નંદિની મહેતા હતા. આ વાર્તા પરથી એક ગુજરાતી ટી.વી. ધારાવાહિક શ્રેણી પણ પ્રસારીત થઇ ચુકી છે. ત્યાર બાદ એક હિંદી ધારાવાહિક ઉમ્મીદ નયી સુબહ કી પણ બની હતે જે દૂરદર્શનના દૂરદર્શન દોપહર પર પ્રસારિત થઈ હતી.

વસુધા પરણીને સાસરે આવે છે. તેનું વ્યક્તિત્વ વિશિષ્ટ છે. એક વાર તેણે પોતાની જાતને મનોમન એક વચન આપેલું, ‘આજે ભલે હું લગ્ન કરું, સંસાર વસાવું, પણ દૂર-સુદૂરના કોઈક દિવસે હું મારી ઇચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ…. હું મારું પોતાનું એક ગીત રચીશ અને હું પોતે તે ગાઈશ.’ નવલકથામાં પછી એવી ઘટનાઓ બને છે કે વસુધા પતિ વ્યોમેશ, પુત્રો-પુત્રવધૂઓ વગેરેને છોડી, જ્યાં દરેકના વ્યક્તિત્વને સ્વતંત્ર રીતે ખીલવાની મોકળાશ રહે તેવા આનંદગ્રામમાં જાય છે, રહે છે.

 

શીર્ષક:-

અહીં પ્રયોજાયેલું શીર્ષક લાક્ષણિક છે. સાત પગલાં દ્વારા સપ્તપદી-લગ્નજીવનનું વ્યવધાન સુચવાય છે, તો ‘આકાશ’ દ્વારા એ વ્યવધાનમાંથી મળતી મુક્તિ સુચવાય છે. આમ, શીર્ષક આંશિક કથાસૂચક બની રહે છે.

 

પાત્રરચના:-

અહીં મુખ્ય પાત્ર વસુધા છે. વસુધા સિવાયનાં સ્ત્રીપાત્રોનાં જીવનની ઘટનાઓ, તેમનાં વિચારોકાર્યો – આ બધાંમાં, સત્ય ઘટનાઓનો આધાર લીધો હોઈ, લેખિકાની તે સાથે ઊંડી નિસબત હોઈ તેમની રજૂઆત કરતી ભાષામાં હૃદયસ્પર્શિતા અને સચોટતા આવી છે. એક અર્થમાં આ નવલકથા સામાજિક વિદ્રોહની નવલકથા છે. આમ છતાં અહીં એવાં પાત્રો પણ છે જે નવસર્જનની પીઠિકા બાંધે છે; જેમ કે, ઈશા-સ્વરૂપ, આભા-ગગનેન્દ્ર, આદિત્ય, અગ્નિવેશ વગેરે.

 

સંવાદો/વર્ણન:-

વર્ણન મોટેભાગે સામાજિક વધુ છે. સ્ત્રીઓની આંતરિક વેદનાને સંવાદો કે ચોટદાર વાક્યો દ્વારા વાચા અપાઈ છે. જેમકે,

"અંધારામાં વહેલાં આંસુ ઉંઘમાં લૂછાઈ જાય છે."

"બહુ સાદુ કામ કરું છું. જ્યાં એક આંસુ ટપક્યું હોય ત્યાં બે હાસ્ય વાવું છું."

 

લેખનશૈલી:-

લેખિકાની શૈલી સાવ સાદી, સરળ છતાં રસાળ અને હૃદય સોંસરવી ઉતરી જાય તેવી છે. વાચકને પહેલેથી અંત સુધી જકડી રાખે તેવી છે. આલંકારિક ભાષાનો પ્રયોગ તત્વચિંતનની વાતોમાં વિશેષ જોવા મળે છે. લેખિકાની ભાષાકીય સુસજજતા આંખે ઉડીને વળગે એવી છે. લાંબા વર્ણનોમાં પડયા વિના 'સીધી બાત.. નો બકવાસ' ટેકનીક ફળીભૂત છે. જરૂર પૂરતાં વર્ણનો, કથનો અને સંવાદો  કથાને રોચક અને રોમાંચક બનાવે છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

આખી કથા નારીકેન્દ્રી છે તેથી વસુધાને અહીં વધુ મહત્વ અપાયું છે. પરંતુ આ વાત ઉપસાવવા જતાં નાયિકા વસુધાની પડછે વ્યોમેશના પાત્રને સભાનપણે એક પક્ષી, કુંઠિત અને સ્ત્રીઓને અન્યાય કરનારા પુરુષોના પ્રતિંનિધિ જેવું ચીતર્યું છે તેમાં અસંતુલિત આલેખન કળાઈ જાય છે. વળી, ઘણા બધાં પાત્રો અને સમસ્યાઓનું એકસાથે નિરુપણ કરવા જતાં નવલકથાના આકારની સુરેખતા પણ સઘાયેલી નથી અને તેથી આનંદગ્રામની યોજનાની વાસ્તવિકતા સંશય પ્રેરે તેવી છે.

આ નવલકથા એક સુશ્ર્લિષ્ટ કલાકૃતિ હોવા બાબત ઠીક ઠીક વિવાદ પ્રવર્તે છે. આ નવલકથાનો ઉત્તરાર્ધ તેના પૂર્વાર્ધની તુલનામાં કંઈક શિથિલ હોવાનું કેટલાક વિવેચકોનું મંતવ્ય છે.

આમ છતાં પાત્રોનાં મનોવિશ્લેષણો અને મનોમંથનો કથાને રસપ્રદ બનાવે છે. એક નારી દ્વારા લખાયેલી, નારીચિત્તનાં સંવેદનોને વાચા આપતી અને એ રીતે નારીપ્રધાન ઠરેલી આ નવલકથા ગુજરાતી નવલકથાસાહિત્યમાં ઉલ્લેખનીય છે જ. ગુજરાતીમાં કોઈ એક પુસ્તકને છ પારિતોષિક મળ્યાં હોય એવું કદાચ પહેલી વાર આ પુસ્તકની બાબતમાં બન્યું છે. તેનો ભારતની કેટલીક ભાષાઓમાં અનુવાદ પણ થયો છે.

 

મુખવાસ:-

કામનાઓના આરંભ સાથે ક્રાંતિની ટોચ પર પહોંચી શાંત ઝરૂખો શોધતી સ્ત્રીની ઑથા એટલે સાત પગલાં આકાશમાં..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED