એનિમલ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એનિમલ

એનિમલ

- રાકેશ ઠક્કર

ફિલ્મ એનિમલ માં રણબીર કપૂરનો અભિનય જોયા પછી માનવું પડશે કે એ ખરેખર સુપરસ્ટાર બની ગયો છે. પહેલી ફ્લોપ ફિલ્મ સાંવરિયા થી નિષ્ફળ શરૂઆત કરનાર રણબીર એક અભિનેતા તરીકે આટલી જબરદસ્ત સફળતા મેળવશે એવી કોઈએ કલ્પના કરી ન હતી. પણ હવે પછીના દાયકામાં એ બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડશે એવી કલ્પના જ નહીં વિશ્વાસ કરી શકાય એમ છે.

સમીક્ષકોએ ફિલ્મ માટે મિશ્ર અભિપ્રાય આપ્યો હતો. કેમકે ફિલ્મમાં અનેક ખામીઓ છે. એમાં ખૂનખરાબા સાથે કાયદો અને વ્યવસ્થા જેવું કંઇ બતાવ્યું જ નથી એ વાત ખટકે છે. છતાં નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા અને રણબીરના કામને કારણે દર્શકો ફિલ્મ જોયા વગર રહી શક્યા નથી. બીજી ફિલ્મો સમાપ્ત થઈ થઈ જતી હોય છે ત્યારે એ સમય બે કલાક પછી ઇન્ટરવલ આવે છે. પહેલો ભાગ ઝડપથી પૂરો થાય છે અને બીજો ભાગ ખેંચાતો લાગે છે.

ફિલ્મમાં વિજય નામના એક એવા છોકરાની વાર્તા છે જે પિતા બલબીર સિંહના પ્રેમનો ભૂખ્યો હોય છે અને એ જે રીતે પ્રેમ ચાહતો હોય છે એ રીતે એને મળ્યો હોતો નથી. પણ તે પિતા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી દે છે. પિતા પર હુમલો થયા છે ત્યારે એ પિતાની સુરક્ષાના નામ પર ખૂનખરાબા પર ઉતરી આવે છે. પિતાને ખબર પડી જાય છે કે એમનો પુત્ર ગુનેગાર બની ગયો છે અને માનસિક રીતે પરેશાન છે. સાથે એની પ્રેમ વાર્તા ચાલે છે. તે સ્કૂલ સમયની ગીતાંજલીને એની સગાઈના દિવસે મળે છે. અને ગીતાંજલી એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. મુખ્યત્વે તે પિતાના દુશ્મનોના અંત માટે નીકળી પડે છે.

ઘણાંના પાત્રાલેખનમાં અતિશયોક્તિ છે. ફિલ્મને સર્ટિફિકેટ મળ્યું હતું તથા કમજોર દિલના લોકોએ જોવી ના જોઈએ એવી સલાહ મળી હતી છતાં બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી શકી હોવાથી માનવું પડશે કે દર્શકોને ફિલ્મની સ્ક્રીપ્ટ ગમી છે. ચુસ્ત પટકથાને લીધે લાંબી હોવા છતાં મનોરંજન મળે છે. રૂંવાડા ઊભા કરી દે એવા અંત પછી પણ એવી સરપ્રાઈઝ છે કે છેલ્લા નંબર પડ્યા પછી દર્શકો બેસી રહે છે અને ખુશ થાય છે. ફિલ્મની સીકવલ એનિમલ પાર્કજાહેર થઈ ગઈ છે.

એનિમલ પસંદ આવવાનું એક કારણ એવું છે કે આજના OTT ના એડલ્ટ સિરીઝના જમાનામાં મોટા પડદા પર પુખ્ત વયનાઓ માટેની એ પ્રકારની આ પહેલી ફિલ્મ છે. રણબીરે અભિનયમાં બેમિસાલ કમાલ કર્યો છે. એની કારકિર્દીનો આ શ્રેષ્ઠ અભિનય છે એ વિષે બેમત હોય શકે નહીં. અગાઉ સંજૂમાં એણે સંજય દત્તના પાત્રને પડદા પર એવું સાકાર કર્યું હતું કે શ્રેષ્ઠ બની રહ્યું હતું.

ફરીથી એ એનિમલમાં પોતાના પાત્રના શરણે ગયો છે. બૉડી લેન્ગ્વેજ, આંખો અને ભાવથી એણે એનિમલ જેવા વ્યક્તિત્વને સાકાર કર્યું છે. તેણે કિશોરવયના રણવિજયથી ખૂંખાર વિજય તરીકેની જીવનયાત્રા જીવી છે. ક્યારેક એનું પાત્ર જુગુપ્સાપ્રેરક બની જાય છે. ચોકલેટી હીરો તરીકે દેખાતા રહેલા રણબીરની આ પાત્રમાં કલ્પના કરવાનું મુશ્કેલ હતું. સંદીપ પહેલાં કોઈ નિર્દેશકે સ્ક્રીપ્ટ તૈયાર કરતી વખતે આવું વિચાર્યું ન હતું. એના પાત્રમાં હિંસાનું પેશન છે. હિંસા બાબતે એ કોઈપણ વિલનથી ભયાનક છે. સમય એવો આવ્યો છે કે દર્શકો હવે આવા હીરોને પણ સરળતાથી જોઈ શકે છે.

વિલન તરીકે બોબડો હોવા છતાં બૉબીનો અભિનય બોલે છે. મૂંગા વ્યક્તિના પાત્ર માટે એણે એક મહિના સુધી સાંકેતિક ભાષા શીખી હતી. એક્શન પણ જબરદસ્ત છે. છેલ્લે બૉબીનું પાત્ર ફિલ્મને એક અલગ સ્તર પર લઈ જાય છે. અલબત્ત એ હજુ મોટી ભૂમિકાનો અધિકારી હતો. એ વધુ મનોરંજન પૂરું પાડી શક્યો હોત. ટ્રેલરમાં એને જોઈને જે પ્રકારની ભૂમિકાની અપેક્ષા હતી એ પૂરી થતી નથી.

રશ્મિકા મંદાનાની સંવાદ બોલવાની સ્ટાઈલ સામે કોઈને વાંધો હોય શકે પણ એનું પાત્ર પ્રભાવિત કરી જાય છે. પરિવારનો વિરોધ કરીને એક સનકી સાથે લગ્ન કરીને બે બાળકોની માતા બનવા સુધીની એની યાત્રા એ જીવી ગઈ છે. એના કેટલાક ઈમોશનલ દ્રશ્યો ચોંકાવી દે એવા છે.

તૃપ્તિ ડિમરી ઝોયાની નાની ભૂમિકામાં યાદગાર કામ કરીને અસર મૂકી ગઈ છે. એના પાત્રથી ધીમી પડેલી વાર્તા પાટા પર ચઢી જાય છે. અનિલ કપૂર માટે બહોળા અનુભવને કારણે આ ભૂમિકા ભજવવાનું સહજ રહ્યું છે.

ફિલ્મના હુઆ મૈં કે અર્જન વૈલી જેવા ગીતોમાં જ નહીં બેકગ્રાઉન્ડમાં પણ સંગીત દમદાર છે. નિર્દેશક સંદીપ વાંગાને દાદ આપવી પડશે કે સમાજ અને આદર્શવાદની પરવા કર્યા વગર માત્ર ત્રણ જ ફિલ્મો બનાવી છે. એમાં અર્જુન રેડ્ડી અને કબીર સિંઘ તો એક જ કહી શકાય. છતાં એક અલગ પ્રકારના સિનેમાની રચના કરી છે. એક એડિટર તરીકે પોણા ચાર કલાકની ફિલ્મને ટૂંકી કરીને દર્શકોને છેલ્લે સુધી જકડી રાખ્યા છે. ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ દ્રશ્યથી શરૂ થઈને એમાં જ પૂરી થાય છે. ફિલ્મની વાર્તા ગોડફાધર ની યાદ અપાવે છે અને એક જ લીટીની છે. એમાં ઊંડાણ નથી અને કેટલાક સંવાદ કે દ્રશ્યો વધુ પડતાં બીભત્સ કે હિંસાથી પ્રચૂર લાગશે તેથી લૉજીક શોધ્યા વગર માત્ર મનોરંજનના આશયથી જોઈ શકાય એવી ફિલ્મ છે. હવે નિર્દેશકો સિનેમાની સ્વતંત્રતાના નામ પર કંઇ પણ બતાવી રહ્યા છે એનું એનિમલ વધુ એક ઉદાહરણ છે.