લોહીનો ‌ડાઘ - પ્રકરણ 13 - છેલ્લો ભાગ કરસનજી રાઠોડ તંત્રી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાવ ભીનાં હૈયાં - 28

    આ બધું જોઈ મને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આ બધું શશિએ જ કરેલું...

  • સ્ત્રીનું રૂપ

    માનસીએ પરણીને ઘરમાં પ્રવેશ કર્યો. કુમકુમના પગલાં સાસુમાએ પડા...

  • શંખનાદ - 13

    વિક્રમ સન્યાલે એક હિન્દુસ્તાની તરીકે ખુલે આમ પાકિસ્તાન ને દે...

  • નિયતિ - ભાગ 7

    નિયતિ ભાગ 7રિદ્ધિ અને વિધિ બને કોલેજની બહાર નીકળતા જ કૃણાલ ઉ...

  • એક પંજાબી છોકરી - 34

    સોહમના મમ્મી સોનાલીને કંઇક પૂછવા જતા હતા ત્યાં બોલતા બોલતા અ...

શ્રેણી
શેયર કરો

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 13 - છેલ્લો ભાગ

બંને કેરીઓ મોહનના જૂના મકાને આવ્યા. બારણું ખુલ્લું હતું ઓરડામાં ઝાંખો કેરોસીન નો દીવો બળે રહ્યો હતો. ઓરડા વચ્ચે જ ભાંગ્યો તૂટ્યો ખાટલો પડ્યો હતો. ખાટલા ઉપર બે- ત્રણ ગોદડાં ના ગાભા વચ્ચે માનવ- આકારનું ચામડીથી મળેલું હાડપિંજર પડ્યું હોય એવું લાગતું હતું. મોહન ખાટલાની બિલકુલ પાસે જઈને ઉભો રહ્યો .મકાનમાં આજુ બાજુ નજર દોડાવી ,મેવાએતો મુલાકાતમાં કહ્યું હતું, કે' ગાંડી રતુડી 'રૂપાની સેવા કરે છે પરંતુ તે અત્યારે ક્યાંય દેખાતી ન હતી . ગોદડીમાં સહેજ સળવળાટ જેવું થયું એટલે મોહને ઉપરથી ગોદડી હટાવી લીધી. અને તેની આંખો આઘાત, દયા અને ક્રોધ થી ફાટી ગઈ. પોતાની પત્ની રૂપા ચામડે મઢેલા હાડપિંજરની જેમ, તેમાં પડી હતી. મોહન મોટેથી બોલ્યો." રૂપા...! રૂપા..!
રૂપા ની આખો અર્ધ ખુલી હતી ,પરંતુ તેણી કંઈ જ ન બોલી. તે કંપી ઉઠ્યો .તો શું પોતે મોડો પડ્યો હતો ? પોતાને આવતા પહેલા જ ભગવાને તેને ઉપર -- ને તે આગળ વિચારી ન શક્યો. ફરીથી રૂપાના કાન પાસે જઈને તે મોટા અવાજો બોલ્યો." રૂપા ...!આ વખતે એના કાને કંઈક સાંભળ્યું હોય તેમ તેણી ની સ્થિર આંખો મોહનના ચહેરા તરફ જોઈ રહી. અને એ આંખોએ પ્રતિબિંબ ઝીલ્યું હોય તેમ તેના સૂકા હોંઠ ફફડ્યા ."ત..મે ! આવી.. ગ..યા..? હા, રૂપા ! જેલમાંથી ભાગીને આવ્યો છું. પરંતુ તારી આ દશા ? મોહન રૂપાના કાન પાસે મોં લઈ જઈને જોરથી બોલ્યો . રૂપા ના ફિક્કા હોંઠ કાંઈક કહેવા ફફડ્યા પરંતુ અવાજ ન નીકળ્યો . તેણીએ હાથ વડે પોતાને પાણી પાવાનો ઇશારો કર્યો. મોહને પાસે પડેલા ધડા માંથી હાથના ખોબા વડે પાણી પાયું, એટલે રૂપાના દેહમાં સહેજ નવચેતન આવ્યું હોય તેમ, શ્વાસ ખાઈને તે થોડા સ્પષ્ટ અવાજે બોલી." હું તમારી જ વાટ જોતી'તી. . મારે તમને એક વાત કહેવી છે. એ વિના મારો જીવ નીકળે એમ લાગતું નથી ." મોહનને આશ્ચર્ય થયું : આવી હાલતમાં શું કહેવું હશે ? એટલે તે અધીરાઈ થી બોલ્યો. "લ્યો કહો હવે,શું કહેવું છે ? રૂપાએ એક નજર પે'લા બીજા કેદી તરફ નાખી, અને પોતાની નજર નીચે ઢાળી દીધી જાણે કે તે કંઈક કહેવા માગતી હતી પરંતુ પહેલાની હાજરીમાં નહીં મોહન સમજી ગયો અને પેલા બીજા કેદી ને બહાર જવા ઈશારો કર્યો. રૂપા એ પ્રથમ બારણા તરફ નજર નાખી.અને પછી ધીમા સાદે,ઘરના ખૂણે પડેલી પતરા ની જૂની પેટી લાવવા કહ્યું .મોહની પેટી પાસે ગયો ને ફૂંક મારીને ઉપરથી ધૂળ દૂર કરીને એ પેટી લઈને રૂપા પાસે આવ્યો. પેલો કેદી બારીમાંથી ખાનગી રીતે આ બધો તમાશો જોઈ રહ્યો હતો. રૂપાએ મોહનને પેટી ખોલવા કહ્યું. મોહને પેટી ખોલી. અંદર કરોળિયાના જાળાં બાઝેલા હતા. ને વંદા, કંસારા અને ભમરીઓએ ઘર કર્યા હતાં .પેટીમાં ચાર- પાંચ રાતાં જુનાં લુગડા વાળેલા પડ્યાં હતાં. રૂપાએ મોહન નેં અંદરથી કપડાં બહાર કાઢવા કહ્યું. મોહન એક પછી એક લુગડો બહાર કાઢતો ગયો અને રૂપાને બતાવતો ગયો. રૂપા માથું હલાવી ને ના ભણતી ગઈ. સૌથી નીચેનું લૂગડું નેં પેટી માંથી કાઢીને મોહન રૂપાને બતાવતો બોલ્યો." આ ...?
રૂપાએ નજર સ્થિર કરી, લુગડાને બરાબર ઓળખ્યું ,અને બોલી."હા... આ.. આ ! અને લુગડા ને પહોળું કરવા હાથથી ઇશારો કર્યો. મોહનને કંઈ સમજ પડતી ન હતી. છતાં પણ તે રૂપાના કહેવા પ્રમાણે કરી રહ્યો હતો. મોહને એ લૂગડું પહોળું કર્યું. લુગડામાં ક્યાંક ક્યાંક ઝીણા ઝીણા કાણાં પડી ગયાં હતાં . રૂપાએ તાકાત એકઠી કરીને જમણો હાથ માંડ માંડ ઊંચો કર્યો .અને લુગડાના મધ્ય ભાગમાં આંગળી અડકાડી . ઊંડી ઉતરી ગયેલી તેણીની આંખોમાં અશ્રુના બે બિંદુઓ ઉપસી આવ્યા. અને પાછા આંખોમાં જ સમાઈ ગયા. કંઈક કહેવા તેણીએ હોંઠ ફફડાવ્યા, પણ અવાજ ન નીકળ્યો . મોહને પાસે પડેલા ધડામાંથી ફરી બે હથેળી પાણી પાયું .રૂપા ને ફરી વાચા ફૂટી અને તૂટક અવાજે તે બોલી "આ મારું 'પરણેતર'નું લૂગડું છે. અને એ લુગડામાં આછા -આછા દેખાતા ડાઘ ઉપર આંગળી મૂકીને તે બોલી"આ એ 'કપાતરના' બાપના 'લોહીનો ડાઘ' છે ." "કોણ કપાતર ? મોહનને કંઈ સમજ ન પડી. રૂપાએ એક ઊંડો શ્વાસ લીધો .જાણે કે બધી જ તાકાત એકઠી કરીને તે બોલતી હોય તેમ બોલી. "કોણ તે,એ'જેને આપણે આજ સુધી ,આપણો જ દીકરો માન્યો છે‌. તે કપાતર હીરીયો ! એક પળ શ્વાસ ખાઈને તે આગળ બોલી." મને માફ કરજો !આજ દિવસ સુધી એક વાત મેં તમારાથી છાની રાખી છે.તમારું લોહી સગા બાપને જેલમાં ના ધકેલી શકે .તમારું લોહી સગી માં ને ઘરમાંથી ન કાઢી મૂકે." એ સમયે પૂરતી તેની બધી જ માંદગી ન જાણે ક્યાં ચાલી ગઈ હતીઃ તે પહેલાથી વધુ સ્પષ્ટ અવાજે બોલી" મને યાદ છે, હા, બરાબર યાદ છે .આપણા લગ્નને બે મહિના થયા હતા. એ મારું 'બીજું આણું 'હતું અમારા ગામની નદીએ હું કપડાં ધોવા ગઈ હતી એ વખતે પાછળથી આવીને છેતરીને મારા ઉપર હુમલો કરીને ભેમા દારૂડિયાએ મને બેભાન કરીને મારી 'લાજ' લુંટી હતી.પછી તો એને પણ જીવતો નહોતો મૂક્યો. રૂપા એ એ તૂટક સ્વરે આગળ ચલાવ્યું. એ ઝઘડામાં એ દારૂડિયા ના ' લોહીનો આ ડાઘ 'હીરો તમારો દીકરો ન ..ન...." રૂપાની જીભે લોચા વાળ્યા ,તેની વાચા કપાઈ ગઈ, ને આંખો પ્રતિબિંબ વિહોણી થઈ ગઈ . આ દુનિયામાં લાખો માણસો મૃત્યુ પામે છે .અને તેની સાથે જ ,નાના કે મોટા લાખો રહસ્યો પણ મૃત્યુ પામે છે. બારી પાસે ઉભેલા કેદીના કાન ચમક્યા પચીસ વર્ષ પહેલાના એક ખૂનનો ભેદ અનાયાસે જ ઉકેલી ગયો હતો .પરંતુ તેમાં એ હવે કંઈ જ કરી શકે એમ ન હતો રૂપાને આ દુનિયાનો ન્યાય મંજૂર ન હતો. તે ઉપરવાળાની અદાલતમાં ન્યાય મેળવવા ચાલી ગઈ હતી. રૂપા બોલતી બંધ થઈ એટલે મોહને તેનું માથું પકડીને હલાવ્યું." રૂપા..!
રૂપા ...! એમ બૂમ પાડી.પરંતુ તેનો નિસ્તેજ દેહ જોઈને મોહન સમજી ગયો કે,પોતાની રૂપા હવે પછી આ દુનિયામાં ક્યારેય બોલવાની નથી . મોહનની આંખમાંથી દડ -દડ આંસુ વહેવા લાગ્યાં. તે રૂપાના મૃતખોળિયા ને જોઈ રહ્યો અને વિચારી રહ્યો .'લોહીના ડાઘ'ને જીવનના ડાઘને પાનેતરમાં છુપાવીને હસ્તે મોં એ પોતાને ,જિંદગીભર સાથ આપનારી સ્ત્રી ને ધિક્કારવી ,કે વંદવી ?
મોહન ઉભો થયો. તે હોંઠ ભીસીને બોલ્યો." આજ સુધી જેને હું મારો જ પુત્ર માનતો હતો. જેને માટે હું ખૂનનો ગુનો મારા માથે ઓઢવા તૈયાર થયો હતો .એ જ શું મારું 'લોહી ન હતું ? મારી દેવી જેવી પત્નીને તેણે કમોતે મળવા મજબૂર કરી . ને બીજી જ પળે પેટીમાંથી એક અવાવરું છરી કાઢીને, તે લઇ ને તેણે દોટ દીધી." હું તને ,નહીં છોડુ..હીરીયા...! જીવતો નહીં જ છોડુ....!
બારી પાસે ઉભેલા પેલા કેદી ના પેટમાં ધ્રાસકો પડ્યો .તેણે પણ મોહનની પાછળ દોટ દીધી .તે બંને નવા મકાને પહોંચ્યા તો મોહનની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. હીરાને હથકડીઓ પહેરાવીને પોલીસ જીપ માં બેસાડી રહી હતી. પરંતુ પોલીસનો હવે મોહનને ડર ન હતો .તેણે વિચાર્યું કે, જો 'આ મોકો ચૂકી ગયો ,તો પોતે રૂપાના આત્માને ક્યારેય ન્યાય નહીં અપાવી શકે .તેથી પોલીસની પરવા કર્યા વિના હાથમાં છરી લઈને તેણે હીરા તરફ આંધળી દોટ દીધી.
અને એ જ વખતે પાછળ દોડ્યા આવતા કેદી એ મોહન ને બાથ ભરીને મોહનના હાથમાંથી છૂરી ઝૂંટવી લીધી .મોહને પહેલા કેદી સામે જોયું. પેલા કેદીએ પોતાની બનાવટી દાઢી મૂછો ખેંચીને ફેંકી દીધી . "સાહેબ, તમે ..? મોહની આંખો આશ્ચર્ય થી ફાટી ગઈ. તેણે જોયું તો પેલો કેદી ,બીજું કોઈ નહીં પરંતુ 'ઇન્સ્પેક્ટર મલ્હોત્રા 'હતા.
" હા મોહન, હું છું તું ! તું નિર્દોષ છે. તું ઘેર જા ,અને તારી પત્નીની અંતિમ ક્રિયા ની તૈયારી કરાવ ."ઇન્સ્પેક્ટર મલ્હોત્રા હસતાં -હસતા બોલ્યા . "પણ સાહેબ, આ બધું તમે ---?મોહનને હજી બધી વાત સમજાણી ન હતી. "હા મોહન, તારા જેવા કોઈ નિર્દોષને સજા ન થઈ જાય એ માટે આવા તો અમારે અસંખ્ય નાટકો- વિશ પલટા કરીને ભજવવા પડે છે જા હવે સૌ સારા વાના થશે ! મોહને પોતાના જૂના ધર તરફ દોડ દીધી. રૂપાના મરણના સમાચાર સાંભળીને ત્યાં કેટલાય માણસો ભેગા થઈ ગયા હતા વાઘો ,મેવો ને રૂડો તથા તેમના કુટુંબીજનો સૌ ત્યાં દોડી આવ્યા હતા. બૈરાઓનું કરુણ રુદન ચાલુ થઈ ગયું હતું. કોઈક આદમીની આંખમાંથી પણ આંસુ પડી જતા હતા તો કોઈક વળી રામનું નામ લો ! છાતી કાઠી રાખો, થવાનું હતું તે થઈ ગયું, પ્રભુને ગમ્યું તે ખરું ! વગેરે કહીને એકબીજાને આશ્વાસન આપતા હતા. જ્યારે મોહન નાતો મોં,આંખો અને હૈયું એ ત્રણેય રડતાં હતાં. રૂડાએ કહ્યું "મોહન, આ બધી જ જંજાળ છે .એનો અને તમારો સંબંધ હવે પૂરો થયો છે. રોઈ- રોઈને મરી જઈએ તોય, ગયેલું થોડું પાછું આવવાનું છે ? મેંવો આશ્વાસન આપતા બોલ્યો." મોહન, આપણે બધા ઉપરવાળાની વાડીના છોડ છીએ. જે છોડ પાકી જાય એને, એ' લઈ લે છે .પછી શોક કરીને શું કામ ?" મોહન પણ હવે થોડો શાંત થયો. તે વિચારી રહ્યો .પોતાની સંસાર વાડી ઉજ્જડ ન બને તે માટે એ 'ભૂંડી' વાતને આખી જિંદગી ભર પેટમાં ભંડારીને જીવનારી એ સ્ત્રી એ જિંદગીમાં શું વેદના નહીં સહી હોય ? એના દિલમાં વસ્યું.'સાચે જ રૂપા, તું સ્ત્રી નહીં દેવી હતી..!
અડધી રાત વીતી ચૂકી હતી. કુતરા- બિલાડા શબ ને આભડી જાય તે માટે દિવસ ઉગે ત્યાં સુધી ,મડદાની ચોકી કરવાની હતી .શબ ને ઓસરી માં લીંપણ કરીને તેના ઉપર સુવાડી દીધું હતું .પાસે જ ઘીનો દીવો અને અગરબત્તીઓ ચાલુ હતાં .ને બધા જ શબની આજુબાજુ કુંડાળું વળીને બેઠા હતા. કુકડાએ પોતાની ફરજ અદા કરી ,પરોઢ થઈ ગયું હતું. માણસો જાગવા લાગ્યા હતા. બૈરા નું રુદન ફરી પાછું ચાલુ થઈ ગયું હતું .રાતે નહોતો આવ્યા તે ધીમે ધીમે ત્યાં આવવા લાગ્યા હતા .પાંચ- છ આદમી લાકડા એકઠા કરવાની વેતરણમાં પડ્યા હતા. પરોઢિયે પનિહારીઓથી ધબકતો ગામ કૂવો, ગામમાં આજે મડદું પડ્યું હોવાથી શુંનો હતો .છતાં પણ બે કઠણ કાળજાની પણહારીઓ છાતી કાઠી કરીને અત્યારે પાણી ભરવા જઈ રહી હતી. એક પનિહારી બોલી "અલી બા, આ ગામ કૂવો એટલો ઊંડો છે કે પાણી ખેચતા- ખેંચતા હાથે દુખે છે .ઠાલા ચકલા મૂકી રાખ્યા છે પણ પાણી તો હજુ આવતું નથી !" સાથેની બીજી સ્ત્રી બોલી "સરપંચબા કહેતા હતા કે, આ પંદર દહાડામાં તો હવે ચકલે પાણી આવતું થઈ જશે !"
"તો -તો છૂટકો ! પાણી ખેંચવું તો મટી જશે ."એ વાતમાં સૂર પુરાવતા બોલી. તે દરમિયાન બંને સ્ત્રીઓ ગામ કૂવે પહોંચી ગઈ હતી.બીજી સ્ત્રીએ વાત બદલી "અલીબા જોને ,બાપડા મોહન બાપાના ઘરની દશા બેઠી એ .ડોશી સાવ રેઢા મર્યા.ને ડોસો બાપડો જેલમાં સબડે છે ."
પે'લી સ્ત્રી ઘડે દોરડું બાંધતાં બોલી."ઈસલો કહેતો હતો કે આજ રાતે જ, એમાં પોલીસ હીરીયા ને પકડી ગઈ. છે. ને ડોસા ને છુટા કરી દીધા છે .". બીજી સ્ત્રી ઘડાને કુવામાં ઉતારતો બોલી." તો તો સારું ! મરતાં મરતાં ડોશી એ ડોસા નું મોઢું તો ભાળ્યું હશે ."બહાર અજવાળું થઈ ગયું હતું, પરંતુ કૂવામાં તો હજુ અંધારું હતું. બીજી સ્ત્રીએ ઘડાને પાણીમાં ડુબાડવા માટે દોરડે હાથ ઘુમાવ્યો .ઘડો કંઈક વસ્તુ સાથે અથડાયો .તેથી તેણી બોલી "અલી બા, કુવામાં કાંઈક પડ્યું છે." બીજી સ્ત્રીએ પણ ઘડો ગુમાવ્યો તો એનો ઘડો પણ કોઈક વસ્તુ સાથે અથડાયો, એ પણ બોલી" અલીબુન કાંઈક પડ્યું છે તો ખરું જ !'બંને સ્ત્રીઓએ આંખો ફાડીને ધારી -ધારીને કૂવાના પાણીમાં જોયું તો કોક બૈરું કૂવામાં તરતું હોય એવું તેમને લાગ્યું. બંને સ્ત્રીઓ ધડા ત્યાંજ મૂકીને ચીસો પાડતી ગામ તરફ દોડી .ગામ માં જઈને વાત કરી કે ગામ કુવામાં કોક બૈરું તરી રહ્યું છે. એટલે તરત જ દશ-પંદર આદમી એકઠા થઈને કૂવામાં શું છે તેની તપાસ કરવા આવ્યા. તેમણે જોયું તો કોઈ સ્ત્રીનો મૃતદેહ પાણીમાં તરતો હતો .કેટલીય મહેનત બાદ એ લોકોએ એ મૃતદેહને બહાર કાઢ્યો ,ને ઓળખ્યો, તો એ' મૃતદેહ ' ગાંડી રતુડી 'નો હતોં ગાંડી રતુડી ,ડાહી બનવા આ દુનિયામાંથી હવે બીજી દુનિયામાં ચાલી ગઈ હતી . બધે વાત ફેલાઈ ગઈ કે ગાંડી રતુડીએ કુવામાં પડીને આપઘાત કર્યો છે . આજે ભલે એ ગાંડી હતી પરંતુ એક દિવસ તો તે સૌથી ડાહી અને સમજૂ હતી ને ,તેથી તેના ઘરવાળા પણ ત્યાં દોડી આવ્યાં .ને કરૂણ રુદન કરવા લાગ્યાં . તેના પિતા પરસોતમ રડતા -રડતા કહેતા હતા ."હજુ પરમ દિવસે તો મેં એને ,રૂપા ડોશીની પાસે ડાહ્યા ની જેમ વાતો કરતા જોઈ હતી." તો કેટલાક લોકો ખાનગીમાં ગુસપુસ કરતા હતા કે ,"અલ્યા ભાઈ આ ગાંડી ને તો વળી એવું શું દુઃખ હશે ? કે તેને આપઘાત કરવો પડે ? પરંતુ એનો જવાબ તો એક રતન પાસે જ હતો .જે આ દુનિયામાં હવે હયાત ન હતી.
હીરાની બાબતમાં પૂછપરછ કરવા ની હોવાથી બે કોન્સ્ટેબલો હીરા ની વહુ નીતાને બોલાવવા તેમના ઘેર આવ્યા. દરવાજો ખુલ્લો હતો. બે -ચાર બૂમો પાડી છતાં કઈ જવાબ ન મળ્યો. એટલે બંને બંગલામાં ગયા .અંદર બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હતી .પરંતુ નીતા ક્યાંક દેખાતી ન હતી.બંને કોસ્ટેબલો દોડતા પાછા પોલીસ સ્ટેશને આવ્યા .ઇસ્પેક્ટર મલ્હોત્રા નેં વાત કરી. ઇસ્પેક્ટર મલ્હોત્રાએ ત્યાં મકાને જઈને પૂરી તપાસ કરી ,તો ખબર પડી કે હીરાને પોલીસ પકડી ગઈ તે પછી તરત જ, તેની વહુ નીતા હાથમાં આવ્યા એટલા ઘરેણા અને રોકડ રકમ લઈને ક્યાંક છું મંતર થઈ ગઈ છે .
એક જ દિવસે પીપળીયામાં બે માણસોના મરણ થવાથી આખું ગામ શોકમાં ડૂબેલું હતું. રૂપા અને રતનની સમશાન યાત્રા સાથે જ નીકળી .લગભગ આખું ગામ તેમાં સામેલ હતું .કોઈક ખાનગી ગુસપુસ કરી લેતું હતું." તેમનો દીકરો હીરો કેમ દેખાતો નથી ? ને આ મોહન ક્યારે જેલમાંથી છૂટ્યો? "બીજો એને કાનમાં કહેતો હતો " એ કપાતરે જ, શેઠ કાંતિલાલ નું ખૂન કર્યું હતું .ને એને બચાવવા માટે મોહને ખોટું -ખોટું પોતાના માથે ઓઢી લીધું હતું .પરંતુ આખરે સાચ ક્યાંય બહાર આવ્યા વગર રહે છે ખરું ? હીરાને પોલીસ પકડી ગઈ છે ,અને એની બાયડી ઘરમાંથી હાથફેરો કરીને, બધું જ લઈને ક્યાંક ભાગી ગઈ છે ."
જુદી -જુદી બે ચિતાઓ ઉપર રૂપા અને રતનના મૃતદેહોને ગોઠવવામાં આવ્યા . ડાઘુઓ એ ચિંતા ની આજુબાજુ ચાર ફેરા ફરીને અગ્નિ મૂક્યો .મોહન મૂંગા હોઠે ,રડતા હૈયે અને રડતી આંખે ચિંતામાં બળી રહેલ રૂપાના દેહને એકીટશે જોઈ રહ્યો હતો. તેની આંખો આગળ જ રૂપાને સોડ તરીકે ઓઢાડેલી ,પરણેતરની લાલ ઓઢણીમાં આછો દેખાતો ડાઘ ,છતાં ધારીને જોનારને ચોખ્ખો દેખાય તેમ બળી રહ્યો હતો. પે'લા ભીમા દારૂડિયા ના. "લોહીનો એ ડાઘ "

( સમાપ્ત. )

લેખક નો પરિચય
લેખક કરસનજી અરજણજી રાઠોડ બનાસકાંઠા જિલ્લાના, ભાભર તાલુકાના, તનવાડ ગામના વતની છે. તેમણે એક થી ચાર ધોરણ સુધી અભ્યાસ તેમના વતન તનવાડની પ્રાથમિક શાળામાં કર્યો છે. તેમજ પાંચ થી આઠ ધોરણ સુધીનો અભ્યાસ ગ્રામ ભારતી અમરાપુર ,તાલુકો માણસા, જીલ્લો ગાંધીનગર ખાતે કર્યો છે .ધોરણ આઠ પાસ કર્યા પછી સંજોગોવશાત તેમને અભ્યાસ છોડવો પડ્યો. અભ્યાસ છોડ્યા બાદ પોતાના વતન તનવાડ માં બાપદાદાનો ખેતી નો વ્યવસાય અપનાવ્યો. ખેતી કરતાં કરતાં કેરોસીનના દીવે સતત વાંચતાં તેમણે લખવાનું ચાલુ કર્યું .અને ૧૯૮૮ માં પ્રથમ નવલકથા લખી' લોહીનો ડાઘ' ત્યારબાદ ૧૯૯૧ માં બીજી નવલકથા લખી 'સાટા -પેટા' ત્યારબાદ ૧૯૯૨થી ૧૯૯૭ સુધી છ વર્ષ 'સરહદના કિનારે' સાપ્તાહિકના તંત્રી અને પ્રકાશક તરીકે સાપ્તાહિક પ્રકાશિત કર્યું . સને.૨૦૦૧ થી ૨૦૧૬ સુધી સતત પંદર વર્ષ તનવાડ ગામના બિન હરીફ( સમરસ )સરપંચ તરીકે સેવા આપી છે.ભાભર તાલુકાના ઠાકોર સમાજના શ્રી સદવિચાર વિકાસ ટ્રસ્ટ ભાભરની ૨૦૦૬ માં સ્થાપના કરી હાલ પણ તેના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે .આ ટ્રસ્ટ ભાભર ખાતે આવેલ' ગાયત્રી ગર્લ્સ હાઇસ્કુલ ભાભર' તથા' શ્રીસદ વિચાર કન્યા છાત્રાલય ભાભર'નું સંચાલન કરે છે .એશિયા ખંડમાં સૌથી મોટી ડેરી બનાસ ડેરીમાં ૨૦૧૬ થી ૨૦૨૧ સુધી સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે ડિરેક્ટર તરીકે પણ સેવા આપેલ છે .મો.૯૯૦૪૮૨૬૧૫૦.