પ્રેમ - નફરત - ૧૦૩ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૧૦૩

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦૩

રચના અને મીતાબેન લખમલભાઈની વાત બહુ ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને મનોમન એનું આકલન કરી રહ્યા હતા. એમની વાત પરથી એવું લાગતું હતું કે રણજીતલાલના મૃત્યુ પાછળ મોટું રહસ્ય છુપાયેલું છે. મુકાદમ તરીકે આવેલો અશરફ અસલમાં કોણ હશે એ જાણવાની ઉત્સુકતા બંનેના ચહેરા પર લખમલભાઈને દેખાઈ.

લખમલભાઈ કોઈ દ્રશ્યને જીવંત કરી રહ્યા હોય એવા ભાવ એમના ચહેરા પર હતા. એ પોતે પણ પોતાની વાતથી જાણે આશ્ચર્ય અનુભવતા હોય એવા ભાવ હતા. એ બોલ્યા:મને અશરફનો ચહેરો જોઈને તરત જ શંકા ગઈ. મને એના ચહેરા પરની દાઢીમાં એક અલગ ચહેરો લાગતો હોવા છતાં એ અસલમ હોવાનું લાગ્યું. અસલમને દાઢી ન હતી. અસલમ અમારી કંપનીમાં અગાઉ ગોટાળો કરી ગયો હતો. એના પર દયા ખાઈને જવા દીધો હતો. ત્યારે થયું કે એને સજા કર્યા વગર છોડી દઈને ભૂલ કરી હતી. જો એ જ અસલમ હોય તો કંપની પર જોખમ વધી ગયું હતું. અને હવે એને લાવનાર શિંદે પણ કંપની માટે ખતરારૂપ હતો. જો શિંદેને પૂછવામાં આવે તો એને ખ્યાલ આવી જાય કે હું અસલમને ઓળખી ગયો છું. મેં મારા એક વિશ્વાસુ માણસને રોકીને અસલમ પર વોચ ગોઠવી. મેં નક્કી કર્યું હતું કે અસલમને કે શિંદેને કોઈ ગંધ ના આવવી જોઈએ. આ વખતે એને રંગે હાથ પકડીને જેલ ભેગો કરી દેવો હતો. મારા માણસે પહેલા જ દિવસે માહિતી આપી કે અશરફ અને શિંદે વચ્ચે સારું બને છે. એમની વચ્ચે મુકાદમ અને મેનેજર જેવા નહીં પણ મિત્ર જેવા સંબંધ છે. બીજા દિવસે મારા માણસે અશરફનો પીછો કર્યો પણ એ પોતાના ઘરે જવાને બદલે કોઈ હોટલમાં રહેવા ગયો. અમે માન્યું કે એ બહારગામથી આવ્યો છે. એનું અહીં કોઈ ઘર કે સંબંધી નથી. એક માણસ મારફત એની પાસેથી માહિતી કઢાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે જાણવા મળ્યું કે એ તો ઉત્તરપ્રદેશથી આવ્યો છે. એ અસલમ હોવાની શકયતા લાગતી નથી. મને સમજાતું ન હતું કે અશરફની પરીક્ષા કેવી રીતે લેવી. એણે કંપનીમાં જમા કરાવેલું ચૂંટણી ઓળખકાર્ડ અશરફના નામનું જ હતું. કાગળ પર એ બરાબર હતો. જ્યાં સુધી એની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ ના મળે કે એનું કામ શંકા ઉપજાવે એવું ના હોય ત્યાં સુધી કંઇ કરી શકાય એમ ન હતું...

રચનાને થયું કે લખમલભાઈ બહુ લાંબી વાત કરી રહ્યા છે. આ બધું કહેવા પાછળ એમનો આશય શું છે એ સમજાતો નથી. એ સમય લઈને આવ્યા છે અને આરવની જાણ બહાર આવ્યા છે એ પરથી લાગે છે કે કોઈ મોટું રહસ્ય છતું કરવાના છે. એ કોઈ ચાલ રમી રહ્યા છે કે શું?

લખમલભાઈ થોડી થોડી વારે બંને તરફ જોઈ લેતા હતા. એ આગળ બોલ્યા:જ્યારે અશરફ વિષે કોઈ વાંધાજનક માહિતી ના મળી ત્યારે મને થયું કે હવે શિંદેને કોઈ રીતે પૂછવું પડશે. અને મેં શિંદેને બોલાવી બીજા મજૂરો ઉપરાંત મુકાદમ તરીકે અશરફનું કામ કેવું છે એની માહિતી પૂછી. એણે કહ્યું કે માણસ મહેનતુ અને ઈમાનદાર છે, મજૂરો પણ એની સાથે સીધા ચાલે છે. કામગીરી સારી થઈ રહી છે. મેં પૂછ્યું કે એ બીજા રાજ્યનો અને આપણા માટે અજાણ્યો છે તો કોઈ વાંધો તો નહીં આવે ને? ત્યારે એણે કહ્યું કે મારા ઓળખીતા એક ભાઈની ભલામણથી એને મુકાદમ તરીકે રાખ્યો છે. ચિંતા કરવા જેવું નથી. શિંદેએ એના વિષે સારું જ કહ્યું એટલે મારી શંકા ખોટી હોવાનું મને લાગ્યું. પણ અમારી મુલાકાત પછીના દિવસે કંપનીનો ડિરેક્ટર દોડતો મારી પાસે આવ્યો અને મને એક પત્ર બતાવ્યો. એ પત્ર જોઈ હું ચોંકી ઉઠ્યો. મને સમજાતું ના હતું કે આવું કેમ બની શકે?

ક્રમશ: