Prem - Nafrat - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૫

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫

આરવને એ યુવતીની આંખો જાદૂઇ લાગી. એના કાજળભર્યા નયનના કામણથી તે અંજાવા લાગ્યો હતો. તેણે જાતને સંભાળી. તે સતર્ક થઇને એની અરજીનો અભ્યાસ કરવા લાગ્યો. એક બુરખાધારી મહિલાએ આઇ.ટી. ની જગ્યા માટે અરજી કરી હતી અને એનું નામ રચના કુસુમબેન રેવાણી લખ્યું હતું. આરવે કંઇક વિચાર્યું અને એ બુરખાધારી મહિલાને પૂછ્યું:"આ જગ્યા માટે તમે પોતાને કયા કારણથી લાયક ગણો છો?' એ મહિલાએ આરવની આંખોમાં આંખો પરોવી કહ્યું:'હું મોબાઇલ વિશે ઘણી જાણકારી ધરાવું છું. મોબાઇલની નવી ટેકનોલોજીથી પરિચિત છું. મારા યોગદાનથી કંપનીને લાભ અને પ્રગતિ થઇ શકે છે...' આરવે આગળ પૂછ્યું:'તમારી પાસે કોઇ અનુભવ નથી. આ તમારી પહેલી નોકરી હોય તો તમે કયા આધાર પર મેળવવાની અપેક્ષા રાખો છો?' તે આત્મવિશ્વાસ સાથે બોલી:'નવા હોય એમની પાસે વિચારો નવા હોય છે. નવો ઉત્સાહ હોય છે. જીવનમાં આગળ વધવાની અને કંઇક કરી બતાવવાની એક ધગશ હોય છે. તમે એક તક આપશો તો તમને એ વાતનો ખ્યાલ આવી જશે. 'ઓલ ઇન વન મોબાઇલ' કંપની માટે હું ઓલ ઇન વન સાબિત થઇશ...' આરવે નવાઇથી પૂછ્યું:'એ કેવી રીતે?' તે બોલી:'હું આઇ.ટી. ની ફરજ બજાવવા ઉપરાંત કંપનીને મારી જે પણ જરૂરી સેવા હશે એ આપીશ. કંપનીના મોબાઇલમાં વધુ સારી ટેકનોલોજીના ઉપયોગ સાથે લોકોને પસંદ આવે એવા આઇડિયા આપીશ...'

આરવને થયું કે અત્યાર સુધીના ઉમેદવારોમાં આ મહિલાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારે દેખાય છે. તે કંપનીને સમર્પિત થઇને કામ કરવાની વાત કરી રહી છે. અચાનક આરવને તેનું નામ યાદ આવ્યું. તેણે ફરીથી પોતાની ઉત્સુક્તાને બાજુ પર રાખી કહ્યું:'તમે પોતે કઇ કંપનીનો મોબાઇલ વાપરો છો?' તે સહેજ વિચાર કરીને બોલી:'મારા માટે મોબાઇલ કઇ કંપનીનો છે એનું મહત્વ રહ્યું નથી. હું જે કંપનીમાં કામ કરીશ પછી એનો જ મોબાઇલ વાપરવાની છું...'

આરવને તેનો જવાબ સારો લાગ્યો. આરવે તેને પૂછ્યું કે,'કંપનીના મોબાઇલનું વેચાણ વધે એ માટે કઇ બાબતો પર ધ્યાન આપવું જોઇએ?' તેણે 'આજના જમાનામાં લોકો મોબાઇલમાં વધુ એપ વાપરતા હોવાથી અને ઝડપથી કામ કરવા માગતા હોવાથી આધુનિક પ્રોસેસર અને વધુ રેમ રાખવાનું સૂચન કર્યું.' પછી એમ પણ ઉમેર્યું કે,'હવે લોકો કોમ્પ્યુટર કે લેપટોપને બદલે મોબાઇલ પર જ વધુ કામ કરતા હોવાથી તેની સ્ક્રિન મોટી રાખવી જોઇએ.'

આરવ રચનાના જવાબોથી પ્રભાવિત થઇ રહ્યો હતો. તે બરાબર તૈયારી કરીને આવી હતી. આરવે નક્કી કર્યું કે જે ઉમેદવારો સારા લાગ્યા છે એમાં રચનાનું નામ ઉમેરવું પડશે. પરંતુ એ પહેલાં તેની પાસેથી બુરખાનો ખુલાસો પૂછવો પડશે. આરવે થોડા પ્રશ્નો પૂછીને જવાબથી સંતોષ પામીને કહ્યું:'તમારો ઇન્ટરવ્યુ પૂરો થાય છે. પણ તમારે કોઇ પ્રશ્ન હોય કે ખુલાસો કરવો હોય તો જતાં- જતાં કરી શકો છો...' આરવનો સવાલ સાંભળી રચના બુરખામાં સહેજ હસી હોય એમ એની આંખો પણ હસતી લાગી.

આરવને ખબર પડી ગઇ કે તેના નામ અને કપડાં વચ્ચે મેળ ખાતો ન હોવાથી પોતે ખુલાસો કરવાની વાત કરી એ રચના સમજી ગઇ છે.

રચનાએ બે ક્ષણ માટે આંખો મીંચી દીધી અને કંઇક વિચાર કરી ચહેરા પરથી બુરખો હઠાવી મુસ્કુરાતો ચહેરો બતાવ્યો. આરવ એના ચહેરાને જોઇ રહ્યો. એ બહુ સુંદર ન હતી પણ એના ચહેરાની સાદગી જ તેને આકર્ષક બનાવતી હતી. તે બોલી:'હું માફી ચાહું છું પરંતુ ઘણી જગ્યાએ ચહેરાને કે શારીરિક સુંદરતાને જ આધાર બનાવીને સ્ત્રીને નોકરી આપવામાં આવે છે. એ કારણે એની બીજી લાયકાતો અને ક્ષમતાઓ બાજુ પર રહી જાય છે. એ કારણે મેં નક્કી કર્યું હતું કે મારો ચહેરો જોઇને નહીં પણ મારી બુધ્ધિક્ષમતાને ધ્યાનમાં રાખીને ઇન્ટરવ્યુ થાય અને એ આધારે જ મારી પસંદગી થતી હોય તો કરવામાં આવે. હું રજા લેતાં પહેલાં ખુલાસો કરવાની જ હતી કે મેં શા માટે બુરખો પહેર્યો છે. તમારો આભાર કે તમે આ વાતને બાજુ પર રાખીને મારો ઇન્ટરવ્યુ લીધો. તમારા માટે ઉમેદવારની સુંદરતા કે જાતિ મહત્વની નથી. તમારે પોસ્ટ મુજબ યોગ્ય કર્મચારી જોઇએ છે એનો મને ખ્યાલ આવી ગયો છે...'

રચનાની વાત સાભળી આરવ તેનાથી વધારે પ્રભાવિત થયો. તેણે કહ્યું:'તમારી વાત મને ગમી છે. ઓકે, આપને થોડા દિવસોમાં જે નિર્ણય હશે એ જણાવવામાં આવશે...'

'આભાર!' કહી રચના દરવાજા તરફ ફરી અને થોડું આગળ વધીને પાછું વળીને પૂછી રહી:'હવે બીજા ઉમેદવારનો ઇન્ટરવ્યુ લેશો કે પાંચ મિનિટ વિરામ લઇને આપના પ્રિય ગાયક કિશોરકુમારનું કોઇ ગીત સાંભળશો?'

'હેં?' આરવે ચમકીને રચનાના ચહેરાને ઓળખવાનો પ્રયત્ન કર્યો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો