પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૩
આરવને હવે એ છોકરીને લિફ્ટ આપીને પસ્તાવો થવા સાથે ચિંતા થઇ રહી હતી. તે છોકરીથી ડરી ગયો ન હતો. તેનો ઇરાદો ખરાબ હશે તો નુકસાન થશે એવો ડર ઊભો થયો હતો. પોતે છોકરીને ઉતારીને નજર રાખી એ સારું થયું. તે 'સુપર ફાસ્ટ મોબાઇલ' ની સાથે સંકળાયેલી હોવાનો ખ્યાલ આવી શક્યો. કિશોરકુમારના ગીતની ધૂનમાં નીકળી ગયો હોત તો આવું કંઇ વિચાર્યું ના હોત. આરવે પછી એમ વિચારીને મન મનાવ્યું કે પોતે બીજી ખાસ કોઇ માહીતી આપી નથી. તે ફરી ગીતનો અવાજ વધારીને જીપને હંકારવા લાગ્યો હતો. 'એક અજનબી હસીના સે યૂં મુલાકાત હો ગઇ' ગીત ગણગણતો તે 'ઓલ ઇન વન મોબાઇલ' કંપની પર આવ્યો. પોતાની ઓફિસમાં આવીને ખુરશી પર હજુ બેઠો જ હતો ત્યાં પિયુન આવીને કહી ગયો કે પિતા લખમલભાઇ તાત્કાલિક બોલાવે છે. આરવને નવાઇ લાગી. ગઇકાલે એવી કોઇ અગત્યની વાત ન હતી. સવારે ઘરેથી નીકળતા પહેલાં પણ તે કંઇ બોલ્યા ન હતા. કંપનીની વાતો ઘરમાં કરવાની તેમને આદત ન હતી. પણ કોઇ અગત્યની વાત હોય તો કરવી જોઇતી હતી. તે જ્યારે લખમલભાઇ પાસે પહોંચ્યો ત્યારે તે બેગ તૈયાર કરી રહ્યા હતા.
'પપ્પા, કયાંક જવાનું થયું છે?' આરવે નવાઇ સાથે પૂછ્યું.
'હા, બેટા, મારે એક એજન્સી સાથે અચાનક મુલાકાત ગોઠવાઇ છે. તેને નવી શાખા ખોલવા આપણા મોબાઇલની જરૂર છે. મોટો ઓર્ડર મળે એવો છે. તને ખાસ એટલા માટે બોલાવ્યો કે આજે આપણી કંપનીની ઓફિસમાં આઇ.ટી.ની એક નવી અગત્યની જગ્યા માટે છોકરીઓના જે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા છે એમાં તારે બેસવાનું છે. મને વિશ્વાસ છે કે તું યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકીશ. ગઇકાલે આપણે ઉમેદવારની લાયકાત અને ક્ષમતાઓ વિશે ચર્ચા કરી જ છે. તને કોઇ એક યોગ્ય લાગે તો પસંદ કરી લેજે. નહીંતર થોડા ઉમેદવારોને અલગ તારવી રાખજે. હું આવતીકાલે આવીને જોઇ લઇશ. તને ઠીક લાગે એમ કરજે...'
લખમલભાઇ ઝડપથી બોલીને જતા રહ્યા. આરવને થયું કે કંપનીના આઇ.ટી. વિભાગ માટે છોકરી પસંદ કરવાનું કામ લગ્ન માટે કોઇ છોકરી પસંદ કરવાના કામ જેવું જ છે. જો વધારે ઉમેદવારો હશે તો મૂંઝવણ ઊભી થશે. ઓછા હશે તો એમ થશે કે હજુ વિશાળ પસંદગીની તક મળી હોત તો સારું!
આરવને થયું કે મોટી જવાબદારીનું કામ પિતાએ સોંપી દીધું છે. મોટાભાઇને ખબર પડશે તો એમ કહીને હસવા લાગશે કે પોતાના માટે હજુ છોકરી પસંદ કરી શક્યો નથી એ કંપની માટે કેવી રીતે કરી શકશે. આજે વળી પેલી છોકરીને ઓળખવામાં પણ થાપ ખાઇ જ ગયો હતો ને? પોતે પોતાની વાતો કરી દીધી પણ એની પાસેથી નામ સુધ્ધાં જાણી શક્યો ન હતો. આરવને પોતાના પર જ શરમ આવી રહી હતી. તેને થયું કે એ છોકરીએ તેના મન પર આટલો કબ્જો કેમ લઇ લીધો છે? અત્યારે ઇન્ટરવ્યુની તૈયારીમાં ધ્યાન આપવું જોઇએ. ફરી એ છોકરી સાથે કરેલી બે-ચાર વાતો યાદ કર્યા પછી તેને એમ લાગ્યું કે મોબાઇલને આંખોથી અનલોક કરવાની ટેકનોલોજી પોતે લાવી રહ્યા છે એ વાત જાહેર કરીને મૂર્ખામી કરી છે. ઘણા મહિનાથી એના પર કંપનીમાં કામ ચાલી રહ્યું છે. મોબાઇલોની આ ગળાકાપ હરીફાઇમાં દર વર્ષે કોઇ નવી સુવિધા સાથેના મોબાઇલનું નવું મોડેલ બહાર પાડવું જરૂરી ગણાતું હતું. નવા મોબાઇલમાં આંખથી અનલોક કરવાની સુવિધા આપવાની વાત એ અજાણી અને મોંમાં મગ ભરીને બેઠેલી છોકરી સામે પોતાના મોંમાંથી કેમ નીકળી ગઇ એ તેને સમજાતું ન હતું. બહુ મોટાપાયે આ સુવિધાને હાઇલાઇટ કરીને ફોન વેચવાનો છે ત્યારે હરીફ કંપનીને ખબર પડી જશે તો એમનાથી વહેલો લોન્ચ કરી શકે છે. આ વાત લીક કરવા બદલ તેણે કંપનીને જવાબ આપવાની સ્થિતિ ઊભી થઇ શકે છે. મોબાઇલમાં ફેસ અનલોક હોય તો માનવી ઊંઘમાં હોય ત્યારે એનો મોબાઇલ કોઇપણ ખોલી શકે છે. આંખ ખોલીને મોબાઇલ લોક ખોલવાની સીસ્ટમ વધુ સુરક્ષિત ગણાવાની છે. જો 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીને એ છોકરી આ રહસ્ય જણાવી દેશે તો કોઇ ચાઇનીઝ કંપની સાથે મળીને જલદી એવા મોબાઇલનું નવું મોડેલ બહાર પાડી શકે છે. આરવને થયું કે ગમેતેમ કરીને એ છોકરીનો સંપર્ક કરી અટકાવવી જોઇએ. પણ હવે તીર કમાનમાંથી નીકળી ગયું છે. વધારે વિચાર કરવાને બદલે ઉમેદવારોની લાંબી લચક યાદી પર નજર નાખી અને તેને ગભરાટ થવા લાગ્યો.
ક્રમશ: