Prem - Nafrat - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૧૦

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦

આરવને કૃતિકા યોગ્ય લાગી હતી. પણ રચના તેના મનમાં વસી ગઇ હતી. રચનાને પસંદ કરવા પાછળ તેની જગ્યા માટેની લયકાત ઉપરાંત દિલમાં તેના માટે સ્થાન બની રહ્યું હતું.

આરવ પહેલાં એમની પિતાની વાતને સમર્થન આપતાં બોલ્યો:'હા, એનો અભ્યાસ સારો છે....' પછી એના દિલની વાત હોઠ પર આવી ગઇ:'...પણ મારા ખ્યાલથી રચના આઇ.ટી. ની જગ્યા માટે વધુ લાયકાત ધરાવે છે...'

'અચ્છા! તું કઇ લાયકાતની વાત કરે છે?' લખમલભાઇએ એને સહજ પૂછ્યું.

'રચનાએ ઇન્ટરવ્યુમાં જવાબ સારા આપ્યા હતા. છોકરી હોંશિયાર લાગી. તેનામાં કામ કરવાની ધગશ વધુ લાગી હતી. આપણી કંપનીને તે અનેક રીતે ઉપયોગી થઇ શકે છે. આઇ.ટી.ની જગ્યાના કામ ઉપરાંત બીજા ડિપાર્ટમેન્ટમાં પણ મદદ કરી શકે છે...' આરવ કોઇ રીતે રચનાનું પલ્લુ ઝુકે એમ ઇચ્છતો ન હતો.

'તારી વાત સાંભળીને હું રચનાથી પ્રભાવિત થયો છું...' લખમલભાઇ ખુશ થઇને બોલ્યા.

આરવને થયું કે પિતા એને ઇન્ટરવ્યુ માટે ફરી ના બોલાવે તો સારું છે. ત્યાં આરવના બંને ભાઇ દાખલ થયા અને 'શું ચાલે છે?' પૂછીને પોતાની ખુરશીમાં સ્થાન લીધું.

લખમલભાઇએ આઇ.ટી.ની જગ્યા માટે આરવે લીધેલા ઇન્ટરવ્યુ અને પસંદ કરેલી છોકરીની વાત કરી. એ સાંભળીને સૌથી મોટા હિરેનભાઇ બોલ્યા:'આરવની પસંદગી યોગ્ય જ હશે. એ વિદેશથી ભણીને આવ્યો છે. આ જગ્યા માટે કેવો ઉમેદવાર જોઇએ છે તેનો ખ્યાલ એને જ આવી શકે...'

હિરેનભાઇએ રચનાના નામ પર જાણે મંજુરીની મહોર મારી દીધી હોય એવી આરવને લાગણી થઇ.

બીજા નંબરનો કિરણ વચ્ચે જ હસીને બોલી ઉઠ્યો:'આરવ, ઉમેદવારની પસંદગી બરાબર કરી છે ને? તારા લગ્ન માટે છોકરી પસંદ કરતી વખતે આ અનુભવ કામ આવશે!'

'હા ભાઇ, જરૂરી બધા પ્રશ્નો પૂછ્યા હતા. મને રચના વધારે યોગ્ય લાગી છે. પછી તમે બધાં જેનું નામ નક્કી કરો એ...' આરવે પોતાનો હાથ ઊંચો રાખવાનો પ્રયત્ન કર્યો.

'બેટા, અમને તારા પર વિશ્વાસ છે. પણ એક વાત ખાસ જણાવી દઉં કે આ જગ્યા પર ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ હોય એ જરૂરી છે. એની પાસે કંપનીની ખાનગી ઘણી વાતો હશે. એનો દુરુપયોગ ના થાય એ જોવાની જવાબદારી તારી રહેશે. આજકાલ કોઇ પર વિશ્વાસ મૂકવાનું સહેલું નથી...' લખમલભાઇએ એને ચેતવ્યો.

'પપ્પા, તમે ચિંતા ના કરશો. મેં ખાનગીમાં રચના વિશે ઘણી માહિતી મેળવી લીધી છે. એના પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તે પોતાની માતા સાથે રહે છે. ગરીબ ઘરની છોકરી છે પણ પ્રામાણિક લાગે છે. ખોટું કામ કરે એવી લાગતી નથી. છતાં એના પર નજર રાખીશ...' આરવના મનમાં ખુશી છલકી રહી હતી.

'ઠીક છે. એને બોલાવી લેજે અને કામગીરી સોંપી દેજે...' લખમલભાઇએ એને મંજુરી આપી દીધી.

બધાંએ કંપનીની પ્રગતિ માટે પ્રોડક્શન અને વેચાણ વધારવા અંગે કેટલીક ચર્ચા કરી.

આરવ ખુશ થતો પોતાની ઓફિસમાં પહોંચ્યો. તેને વાતાવરણ આહલાદક લાગ્યું. દિલમાં જાણે સિતાર રણઝણવા લાગી. રચનાને યાદ કરીને મોબાઇલમાં 'સોંગ એપ' ખોલી. તે કિશોરકુમારનું એક ગીત પસંદ કરીને સાંભળવા લાગ્યો.... મેરે દિલ ને તડપ કે જબ નામ તેરા પુકારા, કહાં સે ન જાને ચલા આયા યે મોસમ પ્યારા પ્યારા...

આરવને થયું કે હમણાં જ રચનાને ખુશખબર આપી દે. પછી થયું કે એક-બે દિવસ પછી વાત કરવી જોઇએ. ઉતાવળ કરવાથી અમારે ગરજ છે એવું લાગવું ના જોઇએ.

આરવ ઓફિસમાંથી નીકળ્યા પછી લખમલભાઇ કંપનીમાં આંટો મારવા નીકળ્યા. ઓફિસમાં કિરણ અને હિરેન એકલા પડ્યા. બંનેએ એકબીજા સાથે આંખોથી કંઇક વાત કરી. હિરેન ઊભો થયો અને સીસીટીવી કેમેરાનો ઓડિયો બંધ કર્યો.

કિરણ શરૂઆત કરતાં બોલ્યો:'પિતાજી પ્રોડક્શન વધારવાનું કહેતા હતા. હમણાં એક કંપની સાથે કરાર કર્યો છે એટલે વેચાણ વધવાનું છે...'

'હા, આપણા માટે સમાચાર સારા છે...' કહીને હિરેનભાઇએ આંખ મીંચકારી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED