Prem - Nafrat - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૪

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪

આરવને થયું કે પચીસથી વધારે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેતાં તેની રાત પડી જશે. અરજી કરનારા તમામ ચાલીસ ઉમેદવારો આવ્યા હોત તો અડધાના જ ઇન્ટરવ્યુ લઇ શક્યો હોત. તેણે નક્કી કર્યું કે જે ઉમેદવારની લાયકાત આઇ.ટી. ની જગ્યા માટે હોય એની જ સાથે વિગતવાર વાતચીત કરવાની. બિનજરૂરી સમયનો બગાડ કરવાનો નહીં. આરવે બપોર સુધીમાં ઇન્ટરવ્યુ પૂરા કરવાનું લક્ષ્યાંક નક્કી કરીને પહેલા ઉમેદવારને બોલાવવા પિયુનને જણાવ્યું. આરવે પોતાના મોનિટર પર ઇન્ટરવ્યુ માટે બેઠેલા ઉમેદવારોના રૂમના સીસીટીવી કેમેરોને ઝૂમ કરીને નજર નાખી. આવેલા ઉમેદવારોની યાદીમાં પાંચેક છોકરાના નામ હતા. છોકરીઓ વધારે હતી.

પહેલી ઉમેદવાર નિત્યા આવી. આરવે તેના પર નજર નાખી અને તેને મનમાં હસવું આવી ગયું. તેનો ખુશ ચહેરો જોઇ નિત્યા એમ સમજી કે સાહેબ એના રૂપને જોઇ પ્રભાવિત થયા છે. આરવે વિચાર્યું કે આ છોકરીએ ઇન્ટરવ્યુ માટે તૈયારી કરવાને બદલે મેકઅપ કરવામાં વધારે સમય લીધો છે. તેણે રમૂજ ખાતર પણ ઇન્ટરવ્યુના એક ભાગ તરીકે પૂછી જ લીધું:'તમારી આજની દિનચર્યા જણાવશો?' નિત્યા હસીને બોલી:'સવારે પાંચ વાગે ઊઠી ગઇ હતી. નાહીધોઇને ભગવાનની પૂજા કરીને સાત વાગે ઇન્ટરવ્યુની તૈયારી કરી. આઠ વાગે તૈયાર થવા બેઠી અને દસ વાગે તૈયાર થઇને રિક્ષા પકડી સાડા દસ વાગે અહીં આવી ગઇ હતી.' આરવને થયું કે તેની શંકા સાચી પડી છે. તેણે જગ્યાને લગતો એક સવાલ પૂછ્યો:'મોબાઇલની કંપનીમાં અને બીજી કંપનીમાં કામ કરવામાં તમને શું ફરક લાગે છે?' નિત્યાને કોઇ જવાબ સૂઝી રહ્યો ન હતો. તે બોલી પડી:'મને મોબાઇલ ગમે છે એટલે એની કંપનીમાં વધારે રસ છે...' આરવે તેને રવાના કરી દીધી.

બીજી છોકરી અર્ચના રાજે આવી. તેનો બાયોડેટા જોઇ આરવે પહેલો જ સવાલ કર્યો:'તમને કેટલી કંપનીઓનો અનુભવ છે?' તે બોલી:"સાહેબ, પાંચ.' આરવે પૂછ્યું:"બે વર્ષમાં પાંચ કંપનીઓમાં નોકરી કરી એ ઓછી નથી લાગતી? મારો મતલબ છે કે તમે હજુ વધુ કંપનીઓનો અનુભવ મેળવી શક્યા હોત...' અર્ચના કહે:'સાહેબ, ઇરાદો તો હતો પણ સામાજિક કારણોસર વચ્ચે હું છ મહિના ઘરે જ રહી હતી...' આરવને થયું કે કોઇ કંપની તને સંઘરતી નથી એટલે છેલ્લે ઘરે જ બેસી રહેવાનો વારો આવવાનો છે. અર્ચનાને રવાના કરીને તેણે હવે પછીના ઉમેદવારો પર નજર નાખી. તેને થયું કે આવા ઉમેદવારોમાંથી કેવી રીતે યોગ્યને પસંદ કરી શકાશે? આ તો ઓછો ખરાબ ઉમેદવાર શોધવાનું કામ કરવું પડે એમ છે. બીજા ત્રણ ઉમેદવારોને સામાન્ય સવાલ પૂછીને મોકલી આપ્યા.

આરવે ઇન્ટરકોમ પર મેનેજરને ફોન કરીને કહ્યું કે ઇન્ટરવ્યુ માટેના ઉમેદવારોને પસંદ કરતા પહેલાં એમના સીવી પરથી બધા મુદ્દા ચકાસી લેવાની જરૂર હતી. હવે પછી અરજી પરથી યોગ્ય લાગે એવા ઉમેદવારોને જ બોલાવશો. મેનેજરે માફી માગી લીધી. આરવે આગળના ઉમેદવારને બોલાવ્યો. જેનિશે આવીને નમસ્કાર કર્યા અને પોતાનો ટૂંકો પરિચય આપ્યો. તે છેલ્લા ત્રણ વર્ષથી તેમની હરીફ કંપનીમાં કામ કરતો હતો. તેની પાસે સારી જાણકારી હતી. આરવે નોકરી છોડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે પગાર ઓછો અને કામ વધારે હોવાનું જણાવ્યું. આરવે કહ્યું કે કામ તો બધી જ જગ્યાએ રહેવાનું. પણ તમારી પગાર વધારે હોવો જોઇએ એ વાત જરૂર ધ્યાનમાં લેવાશે. આરવે યાદીમાં તેના નામ આગળ ચકરડું દોરી યાદ રાખ્યો. બીજા દસેક ઉમેદવારોના ઇન્ટરવ્યુ પછી તે થાક્યો હતો. અત્યાર સુધી બે છોકરી અને એક છોકરો તેને યોગ્ય લાગ્યા હતા.

આરવ દસ મિનિટ વિરામ લઇ નવા ઉમેદવારને બોલાવવાનું વિચારતો હતો ત્યારે ઇન્ટરવ્યુ રૂમમાં બેઠેલા ઉમેદવારો પર નજર પડી. એક બુરખાધારી મહિલા રિસેપ્શનિસ્ટ સાથે કોઇ બાબતે દલીલ કરી રહી હતી. આરવે કેમેરા સાથેનો ઓડિયો ચાલુ કરી એમની વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો. પેલી મહિલા કહી રહી હતી:'...ભૂલ છે. અમારો કોઇ વાંક નથી...' રિસેપ્શનિસ્ટ બોલી:"એ અમારી ભૂલ નથી. સામાન્ય સમજવાની વાત છે...' આરવને સમજ ના પડી. તેણે રિસેપ્શનિસ્ટને ઇન્ટરકોમ પર ફોન લગાવી પૂછ્યું:'શું વાત છે?' રિસેપ્શનિસ્ટ કહે:'સર, કંઇ જ વાત નથી. આ બહેન કહે છે કે તે બુરખો પહેરીને જ ઇન્ટરવ્યું આપશે. તમે જાહેરાતમાં એવું કંઇ લખ્યું નથી કે બુરખો પહેરીને આવી શકાશે નહીં...' આરવને થયું કે એ મહિલાની વાત સાચી છે પણ એણે સમજવું જોઇએ કે આમ દાદાગીરી ના થઇ શકે. તેણે વિનંતી કરીને પોતાનું કારણ આપવું જોઇએ. જાહેરાતમાં આવું બધું લખવા જઇએ તો પાર ના આવે. ત્યાં એ મહિલાનો અવાજ સંભળાયો:'બહેન, તમે આઇ.ટી. ની જગ્યા માટે જાહેરાત આપી છે. કોઇ મોડેલિંગના કામ માટે નહીં.' આરવને થયું કે ત્યાં સજીધજીને આવેલી કેટલીક છોકરીઓ તરફ એનો ઇશારો હતો. આરવે ચાલુ ફોનમાં કહ્યું:'એ બહેનનું નામ કહો અને હમણાં જ ઇન્ટરવ્યુ માટે મોકલી આપો...'

આરવને બુરખાધારી મહિલાની નવાઇ લાગી રહી હતી. તેનું નામ અને વિગતો વાંચીને તે ચોંકી ઉઠ્યો હતો. એ મહિલા આવીને તેની સામે ગોઠવાઇ ત્યારે બુરખામાથી દેખાતી તેની આંખ પર એક નજર નાખી. કાજળઘેરી આંખોમાં તેને કંઇ દેખાયું નહીં. અત્યાર સુધી આવેલી દરેક યુવતીની આંખો પર તેણે એક નજર નાખી હતી. સવારે મળેલી કાજળ આંજ્યા વગરની છોકરીની આંખોની ચમકને તે વીસરી શક્યો ન હતો. તેને થયું કે હવે આ કાજળવાળી છોકરીની આંખો તેનો પીછો નહીં છોડશે કે શું?

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો