Katibandha - Review books and stories free download online pdf in Gujarati

કટિબંધ - સમીક્ષા

પુસ્તકનું નામ:- કટિબંધ

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

'કટિબંધ' પુસ્તકના લેખક અશ્વિની ભટ્ટનો જન્મ ૨૨ જુલાઇ, ૧૯૩૬ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે એલિસ્ટર મેકલિન અને જેમ્સ હેડલી ચેઇઝનાં સંખ્યાબંધ પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. તેમણે લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયરના ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકનો ગુજરાતીમાં અરધી રાતે આઝાદી નામે અનુવાદ કર્યો છે, જેની ઘણી પ્રસંશા થઈ છે. નવલકથાઓ લખવાની સાથે તેઓ રંગભૂમિ સાથે સંકળાયેલા હતા. તેમની કટિબંધ નવલકથા ટીવી ધારાવાહિક રૂપે પ્રસારિત થઇ હતી. તેમની નવલકથાઓમાં અંગાર ભાગ ૧-૨-૩, આખેટ ભાગ ૧-૨-૩, આશકા માંડલ, ઓથાર ભાગ ૧-૨, કટિબંધ ભાગ ૧-૨-૩, ફાંસલો ભાગ ૧-૨, નીરજા ભાર્ગવ, લજ્જા સન્યાલ, શૈલજા સાગર વગેરેનો સમાવેશ થાય છે. કમઠાણ,  કસબ, કરામત, આયનો  એ તેમની લઘુનવલ છે. જ્યારે આક્રોશ અને આકાંક્ષા એ તેમનો લેખસંગ્રહ છે. તથા રમણ ભમણ નામનું નાટક પણ તેમની લેખનપ્રક્રિયાનો અંશ છે. તેમની નવલકથાઓ વિવિધ સામયિકો અને દૈનિક સમાચારપત્રોમાં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : કટિબંધ (ભાગ ૧-૨-૩)

લેખક : અશ્વિની ભટ્ટ

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ

કિંમત : 1250 ₹.

પૃષ્ઠ સંખ્યા : 1358

 

બાહ્ય મૂલ્યાંકન:-

પાકા પૂંઠામાં બાઇન્ડિંગ થયેલ આ પુસ્તક 'કટિબંધ'ના  મુખપૃષ્ઠ પર એક સર્વાંગ સંપૂર્ણ સુંદર સ્ત્રીનું ચિત્ર છે, જેના કટિપ્રદેશ પર કટિબંધ આકારિત છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

ગુજરાતી નવલકથા ક્ષેત્રે અશ્વિની ભટ્ટ એક એવા લેખક છે કે જેમની ગણના કદાચ વિવેચકોની યાદીમાં ન હોય પણ વાચકોની યાદીમાં તો તેઓ ટોચ પર છે. પાને પાને જકડી રાખતી થ્રિલર, રોમેન્ટિક કથા પર તેમની હથરોટી છે. સ્થળ-કાળનું વર્ણન વાચકને નવલકથાની દુનિયામાં સહેલગાહ કરાવે તેવું આબેહૂબ હોય છે. 'કટિબંધ' એક આવી જ થ્રિલર રોમેન્ટિક નવલકથા છે. વાર્તાની નાયિકા કામાલિ જાડેજા, જે ગુજરાતની શ્રેષ્ઠ નવલકથાકાર છે. છાપામાં એની વાર્તાઓ ધારાવાહિક સ્વરૂપે છપાતી આવી છે. અને એ ધારાવાહિકનો તંત્રી-માલિક ચિતરંજન દેસાઈ છે, જે કામાલિને નવી નવલકથા લખવા ફોન કરી કરીને એનું માથું ખાઈ જાય છે. પણ કામાલિ નવી નવલકથા લખવા માટે અફલાતૂન અને વાચકોને છેલ્લા પાનાં સુધી વાંચવા મજૂબૂર કરી નાખે, એવી વાર્તાના વિષયની શોધમાં હોય છે. જેના માટે એ ઘણું રખડી, પણ એને ફેસીનેટ કરતી કોઈ વાર્તા મનમાં ફિટ ન બેસી. આખરે એને મુંબઈ જવાનું નક્કી કર્યું. એ તેના ફેમિલી મિત્ર સુધાકર કોલ્પેને ત્યાં એની ‘સી-ગલ’ હોટલમાં રોકાઈ. હોટલમાં જમતી વેળાએ એનો પરિચય એક અજાણ્યા વ્યક્તિ નચિકેત મહેતા સાથે થયો. હોટલમાં બીજે દિવસે સવારે કામાલિને એના રૂમમાં એક પરબીડિયું આવ્યું. પરબીડિયું નચિકેત મહેતાના સરનામેથી આવ્યું હતું. પરબીડિયું ખોલ્યું. એમાંથી એક ફોટો નીકળ્યો. જે જોઈ કામાલિની આંખો ફાટી પડી. એ ફોટોમાં કોઈ સ્ત્રી પરણવાની હોય એમ તૈયાર થઈ લાલ સાડી પહેરેલી, નાકે નથણી, સંપૂર્ણ ઘરેણાથી સજ્જ, છાતીએ ઓઢેલી આછી ઓઢણી અને કમર પર હીરા, મોતીથી જડેલો કટિબંધ પહેરેલો. એ સ્ત્રી કોઈ રાજપૂતાણી જેવી લાગતી હતી જેનો ચહેરો હૂબહૂ કામાલિ જેવો જ દેખાતો હતો. તેણે કોલ્પેને બોલાવી એ ફોટો બતાવ્યો. એ  ફોટો જોઈ કોલ્પે પણ તરત ચોંકી ઉઠ્યો. હવે દ્વિધામાં નાખતો પ્રશ્ન એ હતો કે કામાલિએ ક્યારેય એવા ફોટા માટેનું તૈલીપોટ્રેઇડ બનાવડાવ્યું ન હતું. તો એ પોટ્રેઇડ હતો કોનો? બધી જ રીતે એના જેવી જ હૂબહૂ દેખાતી એ સ્ત્રી કોણ હતી? અહીંથી શરૂ થાય છે 'કટિબંધ'નું રહસ્ય, જે વાચકોને‌ ત્રણ ત્રણ ભાગ અને લગભગ ૧૩૦૦ પાનાં સુધી જકડી રાખે છે.

 

શીર્ષક:-

જે રીતે લેખિકાની વિષયશોધથી શરૂ થયેલી કથા કટિબંધનું રહસ્ય શોધતા શોધતા ધીમે ધીમે આક્રમક રૂપ ધારણ કરે છે એ રીતે અહીં કટિબંધ કેન્દ્રમાં હોવાથી 'કટિબંધ' શીર્ષક સાર્થક લાગે છે. આ નવલકથા વાંચીને વાચક જે મનોભાવોમાંથી પસાર થાય, વાંચ્યા પછી જે અનુભૂતિ પ્રાપ્ત કરે એ રીતે પણ આ શીર્ષક સાર્થક જણાય છે.

 

પાત્રરચના:-

અહીં મુખ્ય પાત્ર કામાલિ છે પણ અન્ય પાત્રોને પણ ગૌણ કહી શકાય એમ‌ નથી. ચિત્તરંજન દેસાઈ, નચિકેત મહેતા, કોલ્પે, પ્રેમલતા, ઇન્સ્પેક્ટર દિગ્વિજય સિંહ, દત્તુ, નોલી, ગોડબોલે, મોના બેડેકર, વલીખાન વગેરે દરેક પાત્રની પોતાની આગવી અગત્યતા છે. દરેક પાત્ર એન્ટ્રી સાથે જ રહસ્ય જન્માવે છે. દરેક પાત્ર જાણે કહે છે, 'પરદે મેં રહને દો પરદા ન ઉઠાઓ. પરદા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાએગા.'

 

સંવાદો/વર્ણન:-

અશ્વિની ભટ્ટના સંવાદો કે વર્ણનના વાક્યોમાં ફિલોસોફી ઠાંસી ઠાંસીને ભરી હોય છે. જેમકે,

"માણસ‌ પોતાની કોઈ વાત હૃદયમાં રાખી શકતો નથી. તે અભિવ્યક્તિનું પાત્ર છે."

"જગતમાં કશું જ અકળ ન હોત તો ઈશ્વરના અસ્તિત્વનો જ લોપ થઈ જાત."

"ઘણીવખત તમારી માન્યતાઓને જડમૂળથી ઉખેડી નાખે તેવી ઘટનાઓ બનતી હોય છે."

"અભિનેતા અથવા લેખક તો જ બની શકાય જ્યારે તમે તમારી જાતને ચાહતા હો."

"એક જ ભાવ સમગ્ર વ્યક્તિત્વ નથી. વ્યક્તિત્વ તો વોલેટિલિટી ચીજ છે. પ્રવાહી જેવું. તેના ગુણધર્મો જળવાય છે પણ આકાર બદલાતો રહે છે."

"મુંઝારો હળવો કરવા કોઈ પણ માણસ ઝંખતો હોય છે. ગમે તેવા ભડભાદર આદમીને પણ રડવા માટે કોઈના ખભાની જરૂર રહે છે."

વર્ણન વાચકને રસતરબોળ કરી દે, દૃશ્ય રાજમહેલનું હોય કે પેઇન્ટિંગનું, દેશનું હોય કે વિદેશનું, વાચકને સંપૂર્ણતયા તાદૃશ કરાવતી કલમ એટલે અશ્વિની ભટ્ટ.સ્ત્રી પાત્રોનું, પ્રેમલાપનું અને પ્રણયમિલનનું શું અદભૂત નશીલું વર્ણન કર્યું છે! નવલકથામાં જેટલા પાત્રો છે એ બધા પાત્રોની એકબીજા સાથેની વાતચીત તથા સંવાદો એટલા અધિકૃત અને વાસ્તવિક લાગે કે એ પાત્રની અસલિયત એના નીકળેલા શબ્દો વાંચી છલકાતી હોય એવું લાગે. અશ્વિની ભટ્ટે જાણે દરેકે દરેક પાત્રોની જિંદગી જીવી જાણી છે.

 

લેખનશૈલી:-

અશ્વિની ભટ્ટની લેખનશૈલી ખૂબ સરળ છતાં વાચકના હૃદયને સીધી સ્પર્શી જાય એટલી તીક્ષ્ણ છે. અહીં પાત્રો અને કથામાં રાજપરિવાર અને કટિબંધ કેન્દ્રમાં હોવાથી ક્યાંક પૌરાણિક તો ક્યાંક સૂફિયાણી ભાષાની છાંટ અહીં જોવા મળે છે. એકીબેઠકે વંચાય એટલી રસસભર કથા એટલે 'કટિબંધ'.

 

વિશેષ મૂલ્યાંકન:-

ભાગ – 1ની શરૂઆતમાં ફોટાના રહસ્યને ઉકેલવા વાર્તાનો પ્રવાહ ધીરે ધીરે આગળ વધે છે. અને અંતમાં ફોટામાંની સ્ત્રી કોણ હતી એનું રહસ્ય ખૂલી જાય છે. પ્રેમલતા કેડ પર જે કટિબંધ પહેરતી એ કોઈ તાંત્રિક પાસેથી બનાવડાવ્યો હતો, જેને પહેરતા પ્રેમલતા અલગ લાગણીઓથી વશ થઈ જતી. એ કટિબંધ પહેરતા એને અદ્વિતીય અનેરો આનંદ મળતો અને એને વશ થઈ એ કટિબંધ પહેરેલો જ રાખતી. ધીરે ધીરે એ કાળી વિદ્યાઓ અને મંત્રોથી બનાવેલો એ અદભૂત તિલસ્મી કટિબંધ રાણી પ્રેમલતા પર કેવી અસર કરે એના પડળો વાર્તામાં આગળ ખૂલતાં જાય છે. આ કટિબંધ ચોરી થઈ વેલજી વછરાજ એન્ડ સન્સમાં પહોંચે છે. ભાગ – 2 આખો વેલજી-વછરાજ એન્ડ સન્સની પેઢીમાં થયેલી લૂંટ પર આલેખાયો છે. જેમાં કટિબંધની પણ ચોરી થાય છે, પણ વાર્તાના અંતમાં પણ કટિબંધનું રહસ્ય પણ વણઉકેલ્યું જ રહે છે. જે ભાગ – 3 માં ખુલે છે. પછી કટિબંધ, કામાલિ કે પ્રેમલતાનું શું થયું એ જાણવા માટે તો તમારે ત્રણેય ભાગ વાંચવા જ રહ્યા.. એકંદરે ભાગ ૧-૨ ની કથા અને અંત જેવા રસપ્રદ છે એના પ્રમાણમાં ભાગ ૩ ઓછો રસાળ લાગે છે. છતાં વર્ણનો અને સંવાદોમાં અશ્વિની ભટ્ટ પાસે નતમસ્તક થઈ જ જવું પડે.

 

મુખવાસ:-

લેખિકાની કથાનાયિકાથી પ્રતિનાયિકા સુધીની સફર એટલે 'કટિબંધ'.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED