ત્વમેવ ભર્તા - સમીક્ષા Dr. Ranjan Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 79

    (સિયાએ રોમા સાથે વાત કરી એ બદલ તેને ઢોરમાર મારવામાં આવે છે અ...

  • ટચૂકડી ક્ષણ છે જીંદગી

    થોડા દિવસો પહેલા મારા કાકા નું નાની ઉંમર માં હાર્ટ એટેક આવવા...

  • ભીતરમન - 27

    હું બાપુનું કામ જોઈ રહ્યો હતો અને મન અચાનક વિચારે ચડી ગયું હ...

  • ખજાનો - 15

    ચારેયના મનમાં એક જ પ્રશ્ન થતો હતો કે ,“હવે શું કરશું ?” માથા...

  • ભાગવત રહસ્ય - 47

    ભાગવત રહસ્ય-૪૭   નારદજી કહે છે કે-સાંભળો.હું સાત-આઠ વર્ષનો હ...

શ્રેણી
શેયર કરો

ત્વમેવ ભર્તા - સમીક્ષા

પુસ્તકનું નામ:- ત્વમેવ ભર્તા 

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનુ એક સશક્ત નામ છે. દેવાંગી ભટ્ટ મોટા ભાગની સ્ત્રીઓના પ્રિય લેખિકા હશે. એમનું મલ્ટીટેલેન્ટેડ વ્યક્તિત્વ આપણને હંમેશા આકર્ષે છે. એ રંગમંચ પર નાટક ભજવતાં હોય, કાવ્ય પઠન કરતાં હોય, કોઈ ગીત ગાતા હોય, વાર્તા કે નવલકથા લખતાં હોય વગેરેમાં કંઈક એવું તત્વ છુપાયેલું હોય છે જે તમને સ્પર્શ્યા વિના ના રહે. એમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં, લેખનશૈલી પણ આગવી છે. ‘વાસાંસિ જીર્ણાનિ’ ની ક્રૂર જર્મન નાયિકા ઓરોરા મિલર હોય કે ‘સમાંતર’ નો તેજસ્વી નાયક રઘુનાથ બર્વે, દેવાંગી ભટ્ટની કલમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત પાત્રો ઉમેર્યા છે. 

દેવાંગી ભટ્ટ વીસ વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત હતા. યુનિવર્સિટીના સાંસ્કૃતિક આયોજનો માટે એમણે વર્ષો સુધી યુવાન વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. રંગભૂમિ હમેશા આ લેખિકા અને અભિનેત્રીનો પ્રથમ પ્રેમ રહી. રંગભૂમિના અનેક સફળ નાટ્યપ્રયોગો સાથે આ લેખિકાનું નામ જોડાયેલું છે. પછી એ સંગીત-નાટ્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કૃતિ “સમય સાક્ષી છે” હોય, કે ભવન્સની દ્વિઅંકી નાટકોની સ્પર્ધામાં લગભગ તમામ કેટેગરીમાં વિજયી બનેલું નાટક “ચિત્રલેખા” હોય. દેવાંગીની અંતિમ નાટ્યકૃતિ ‘એકલા ચાલો રે’ ટાગોરના અને કાજલ ઓઝા વૈદ્યના સાહિત્યિક વિવાદ પર આધારિત હતી. 

રંગભૂમિ માટે અનેક પ્રયોગો લખ્યા પછી વર્ષ 2013 માં દેવાંગી ભટ્ટનો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘પરસેપ્શન’ નવભારત સાહિત્ય મંદિર દ્વારા બહાર પાડવામાં આવ્યો. એ પછી લગભગ બે વર્ષ એમણે એડિટર નંદિની ત્રિવેદી માટે મેગેઝીન ‘મારી સહેલી’ ની કોલમ ‘બીદેશીની’ લખી. ભારતની દીકરીઓ કે જે વિશ્વના જુદા-જુદા દેશોમાં જઈ વસી હતી એમના અનુભવો આ કોલમમાં આલેખાયા. વાચકોએ આ ભાવવાહી લખાણને વધાવ્યું. ભાવનાત્મક આલેખન કરી શકતા દેવાંગી ભટ્ટ એમના નિર્ભીક રાજકીય તથા સામાજિક લેખો માટે પણ જાણીતા છે. એમના બેબાક શબ્દોની આસપાસ સહમતિ-અસહમતિની ડમરીઓ ઉડતી રહે છે, પણ અસહમતિ હોય એણે પણ આ આગવી કલમનો મજબુત અભિપ્રાય નોંધવો પડે છે. 

દેવાંગીએ શ્રી રામસ્વરૂપ દ્વારા લિખિત ‘Hinduism- Reviews and Reflections’ નો અનુવાદ કર્યો છે જેની પ્રસ્તાવના પદ્મભૂષણ ડેવિડ ફ્રોલી દ્વારા લખાઈ છે. આ અતિગંભીર લેખન સાથે દેવાંગી એમની હળવી શૈલીની તળપદી કવિતાઓ માટે પણ જાણીતા છે. તેમના લખેલા પુસ્તકોમાં વાસાંસિ જીર્ણાનિ, ધર્મો રક્ષતિ, પર્સેપ્શન, એક હતી ગુંચા, ત્વમેવ ભર્તા, સમાંતર, અસ્મિતા, કેસબુક ઓફ મિ. રાય તથા અશેષનો સમાવેશ થાય છે.

લખાણના અનેક સ્વરૂપોમાં કામ કરતા લેખિકાને એમનું પ્રિય સ્વરૂપ પૂછો તો કહે છે “નવલકથા ... એક નવા વિશ્વનું નિર્માણ જેમાં શહેરો, રસ્તા, ઘરો, વૃક્ષો અને પાત્રો ...ત્યાં સુધી કે ઉંબરાનો દીવો પણ મારે જ સર્જવાનો હોય. જ્યાં કોઈ બીજું નથી, ફક્ત મારી કલ્પનાનો વિસ્તાર છે. ઈશ્વરને આ વિશ્વ બનાવતી વખતે કદાચ આવી જ અનુભૂતિ થઇ હશે.”

 

પુસ્તક વિશેષ:- 

પુસ્તકનું નામ : ત્વમેવ ભર્તા 

લેખક : દેવાંગી ભટ્ટ

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર

કિંમત : 225 ₹.

પૃષ્ઠ સંખ્યા : 152

 

બાહ્ય મૂલ્યાંકન:-

પુસ્તકના મુખપૃષ્ઠ પર કંકુથાપા અને સ્ત્રીનું ચિત્ર આલેખાયેલુ છે, જે સ્ત્રીવિષયક કથાવસ્તુથી વાચકોને સૂચિત કરે છે. બેક કવર પર દેવાંગી ભટ્ટનો ફોટો તથા રઘુવંશનો ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ.. શ્લોક છપાયો છે. એક વાક્યમાં ત્યાં કથાદર્શન પ્રસ્તુત થયું છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

 પુસ્તક જે શીર્ષક પર રચાયું એ રઘુવંશમ્‌ નો પ્રસિદ્ધ શ્લોક એટલે 

भूयो यथा मे जननान्तरेपि

त्वमेव भर्ता न च विप्रयोगः।। 

અર્થાત્ 

બને કદીક જો હું નવજન્મ પામી! 

તમે પતિ હો, ન અન્ય કો' સ્વામી…

આ નવલકથાની ખૂબી‌ કહો‌ તો એ છે કે આ વાર્તાનું કથન એક નદી કરે છે. લેખિકા પોતે જે સંવેદનાની અભિવ્યક્તિ કરવા ઈચ્છે છે તે ત્રીજા પુરુષ એકવચનમાં નદી પાસે કહેવડાવ્યું છે. વચ્ચે વચ્ચે પાછી નદી પ્રગટ થઈને પોતાની વાત પણ કરી લે છે. નારીને નદીની ઉપમા કેટકેટલા કવિઓએ આપેલી જ છે ને! 

એક સદી પહેલાનું એક નાનકડું ગામ, જ્યાંની સ્ત્રીઓએ ઉંબરા બહારનું વિશ્વ જોયું નથી. સંસાર, સૌભાગ્ય અને સંતાનથી વધીને કોઈ ફળશ્રુતિ ન તો જાણી હતી કે ન ઈચ્છી હતી કે ન માંગી હતી. આવી જ એક સ્ત્રી એટલે અનાથ લીલા. સમર્પિત લીલા અને પ્રેમાળ સરજુના સ્નેહાળ દામ્પત્યના વર્ણન ખૂબ સરસ છે. પણ માણસની સ્વાર્થવૃતિ, જીજીવિષા અને સંબંધોની પ્રાથમિકતા કોઈ પણ સંબંધ ઉપર હાવી બને ત્યારે ન તો પ્રેમ ટકે છે, ન સંબંધ કે ન સુખ. 

લેખિકાએ પ્રસ્તાવનામાં ભલે મુખ્ય નાયિકાને  અવળચંડી લીલા તરીકે ઓળખાવી હોય પણ ન કરેલા ગુનાની અસહ્ય સજા અને હળાહળ અન્યાયની સામે આક્રોશભરેલી આડોડાઈ આજના પરિપ્રેક્ષ્યમાં તદ્દન સ્વાભાવિક લાગે છે.

સુખી સંસાર, સ્નેહ, સન્માન અને અજન્મા સંતાન ખોયા પછી વિફરેલી, વિદ્રોહી લીલાને માત્ર માફી ખપે છે પણ તોય એ માફ કરી નથી શકતી. સામાજિક સભ્યતાના પરિમાણોથી પર, પરિણામોની પરવા વગર  એની પીડા માટે પ્રતિશોધનો મલમ શોધે છે. વિનાશ વેરતી નદીના વ્હેણની જેમ મૂળસોતા ઉખેડી નાંખવાનું એનું જનૂન ધીમું પડે છે એક કુમળા છોડ જેવા બાળકના વહાલ પાસે. અને એ વૈરાગ્નિને પોતાની જ અંદર શમાવીને વિલિન થવાનું પસંદ કરે એ જ એનું સાચું સ્ત્રીત્વ. 

પોતાના સ્ત્રીત્વ, સ્વત્વ, સત્વ અને અસ્તિત્વ માટે અબળામાંથી પ્રબળા બનતી નારીનો અદ્રશ્ય ઝુરાપો આખી નવલકથામાં એ રીતે પથરાયો છે કે એની આડોડાઈ બદલ ઘૃણા કે મુશ્કેલી અનુભવાતી નથી, ફક્ત સહાનુભૂતિ થાય છે અને આ સંવેદના જ છેક અંત સુધી રહે છે અને એના સતીત્વમાં વિલીન થવાની સાથે એ માનસપટલ પર છવાઈ જાય છે. 

 

શીર્ષક:- 

શીર્ષક 'ત્વમેવ ભર્તા ' શા માટે? જે સરજુ એને રક્ષણ કે એના પ્રેમને પ્રાથમિકતા ન આપી શક્યો એને ભવોભવ પતિ સ્વરુપે માંગવાનું સતીત્વ શા માટે..? કદાચ એટલે કે એની વર્ષોની પ્રતિક્ષામાં, અકથ્ય ઝુરાપામાં, અસહ્ય આક્રોશમાં અને અંતમા લીલાને રોકવાના વ્યર્થ પ્રયાસોમાં એનો લીલા ઉપરનો અગાધ પ્રેમ જ દેખાય છે. જોકે એ નવલકથામાં અભિવ્યક્તિ શૂન્ય જ ભાસે છે. કે પછી આ જન્મની પીડાઓનો બદલો આવતા જન્મમાં લઈ શકાય એવી અવળચંડી લીલાની ઈચ્છા હશે! આમ છતાં શીર્ષક મુખર છે, કથાસૂચક છે. 

 

પાત્રરચના:-

મણિલાલ હ. પટેલ સાહેબે આ કૃતિની સમીક્ષા કરી છે ને તેઓ સરસ વાત કરે છે કે નદી, નારી, ધરતી- ત્રણેય સહન કરનારાં છે.  દેવાંગીબહેને 'લીલા'  નાં માધ્યમથી આપણને એ બધાં સ્વરૂપોનો પરિચય કરાવ્યો છે. અહીં લીલા એ મુખ્ય પાત્ર છે તો નદીને પણ કંઈ ગૌણ ગણી શકાય એમ નથી. સરજુ એ લીલાના જીવનસાથીનું પણ મહત્વનું સહાયક પાત્ર ભજવે છે. લીલાના સાસુ, જેઠ દત્તુ, મામા, બોડિયો જેવા ગૌણ પાત્રો પણ અગત્યના સંવાદો માટે ખૂબ મહત્વના જણાય છે. તમામ પાત્રોને દેવાંગી ભટ્ટે બખૂબી આલેખ્યા છે. 

 

સંવાદો/વર્ણન:-

વર્ણન મોટેભાગે ગ્રામ્ય સંસ્કૃતિનું છે. સંવાદો પણ લોકબોલીમાં જ જોવા મળે છે. સંવાદોમાં છલકતી આગ એ અહીં સંવાદોની તાકાત બની છે. 

"આ વેર નથ મોટાભાઈ વરાળ સે..નદીયુંના પાણી ધગેને જે વરાળ્યું ઉઠે એવી ઊની ઊની લાય સે..ઈ લાય નો હોય તો મેઘ નો બંધાય, મેવલિયો નો આવે અને ધરતીનિ છાતી નો ઠરે..આ ભોમકાના હીર સુકાણા, ઈનો ખોળો વાંઝણો થઈ ગ્યો, હવે લાયું ઊઠવી જ જોયે.."

“તું મને બૌ વહાલી લાગસ કાકી .. તું મારી મા હોત તો કેટલુ હારું થાત. રોજ આટલુંબધું ખાવાનું ને વાતું કરવાની....”

"માણસની જાત સ્વાર્થી છે. એ ક્ષમા પણ પોતાને થયેલા દુઃખ બદલ જ માંગે છે. બીજાની પીડાઓ માટે નહીં. "

ગામડાના સંવાદો, રીવાજો અને રમૂજી વાતો જે આપણી આજુબાજુ થતી હોય કદાચ, પરંતુ એ આટલી બારીકાઈથી નીરખીને રજૂ કરવાની લેખિકાની આવડત જબ્બરદસ્ત મજા કરાવે છે.

 

લેખનશૈલી:-

'ત્વમેવ ભર્તા' પુસ્તકની લેખન શૈલી સાહિત્યિક અને ગ્રામીણ એમ મિશ્ર છે. આ પુસ્તકને સાધારણ માણસ પણ વાંચી શકે તેવી લેખિકાની લેખનશૈલી છે. દેવાંગી ભટ્ટની રચનાઓ તળપદી ભાષામાં અને લોકબોલીમાં હોય  છે, જેને લોકો સરળ રીતે વાંચી શકે છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

માધોસર અને અભેસર ગામ વચ્ચે વહેતી નદીના પટમાં બે તગારાં ભરીને લૂગડાં ધોકાવતી નમોહડી લીલાનું ગીત વારંવાર ગાવાનું મન થાય છે કે "મારા વાલીડાનું આઘેરું ગામ કે સૂરજ ધીમા તપો..."

અહીં માધોપુર અને અભેસર બન્ને ગામ વચ્ચે વહેતી નદી આ વાર્તા માંડે છે. સો વર્ષ પહેલાં સ્ત્રી ઉપેક્ષિત વધારે હતી એની ગણતરી કશાયમાં થતી નહોતી. રૂઢિચુસ્ત સમાજ અને લોકો! એવા સમયની એક નમાઈ છોકરી લીલાવતીની વાર્તા છે. આ અભણ નાયિકા મીણ જેવી નરમ પણ છે તો ક્યારેક પાષાણ જેવી કઠણ પણ છે. એક દગ્ધા જ્યારે દુર્ગા બને છે ત્યારે એ વિફરેલી વાઘણ બની જાય છે અને સર્વનાશ નોંતરે છે. 

જે સમાજમાં દીકરીનો જન્મ જ શ્રાપ ગણાતો હતો, ત્યાં લીલાનાં જન્મ સમયે એના પિતા પાતુ તો થાળી વગાડતો વગાડતો નાચી ઉઠે છે. ત્યારે લોકો એને 'ઘેલહાગરો પાતુ' કહે છે. લીલાવતી દસ વર્ષની થાય છે ત્યાં ગામમાં કોલેરા ફાટી નીકળે છે અને માતાપિતા એમાં સપડાય છે અને મૃત્યુને ભેટે છે. દૂરના મામાના આશરે લીલાવતી મોટી થાય છે. સત્તર વર્ષની ઉંમરે એક એવી ઘટના બને છે કે લીલાવતીનાં જીવનની દિશા અને દશા બન્ને બદલાઈ જાય છે. અભેસરના એક યુવાનને ખૂંખાર આખલાથી લીલા બચાવે છે. એ જ યુવાન સરજુ સાથે એના લગ્ન થાય છે. સુખેથી દિવસો પસાર થાય છે ત્યાં જ શાંત પાણીમાં વમળો સર્જાય છે. લીલાનાં જેઠ દત્તુથી એક ખૂન થઈ જાય છે. એના સાસુ, પતિ સરજુ ને જેઠ દત્તુ ભેગા મળીને એનું આળ આ ભલીભોળી લીલા ઉપર નાખે છે અને એને બાર વર્ષ જેલની સજા થાય છે. બાર વર્ષ પછી લીલાવતી કેવી રીતે ચંડિકાનું રૂપ ધારણ કરે છે એ સમજવા તો તમારે આખી ચોપડી‌ એકબેઠકે વાંચવી પડશે.

મુખવાસ:- વીરતાથી આરંભાયેલી કથા વેર લેવા મથે ને વૈરાગ્ય પર અટકે એ એટલે 'ત્વમેવ ભર્તા'.