Prem - Nafrat - 100 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૧૦૦

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦૦

રચના અને મીતાબેનને થયું કે લખમલભાઇ જાણતા હોવા છતાં અજાણ્યા બની રહ્યા છે કે ખરેખર એ દેવનાથભાઈને ઓળખતા નહીં હોય.

તમે દેવનાથભાઈને ઓળખતા નથી? એ રચનાના પિતા સાથે જ મજૂર તરીકે કામ કરતા હતા. રણજીતલાલ પછી તરતના દિવસોમાં જ એમનું એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. અમને એવી શંકા રહી છે કે એ અકસ્માત નહીં પણ હત્યા હતી... મીતાબેન હવે ભૂતકાળને પૂરો ખોલવા માગતા હતા.

હું બહુ ઓછા લોકોને જાણતો હતો. રણજીતલાલના સારા કામ વિષે જાણવા મળ્યું હતું અને એમને મુકાદમ બનાવ્યા હતા એટલે એમનાથી પરિચિત રહ્યો છું. દેવનાથભાઈ જેવા સેંકડો માણસો કંપનીમાં કામ કરતા હતા. ભાગ્યે જ કોઈને મળ્યો હોઈશ. અને જો મળ્યો હોઈશ તો એમને નામથી નહીં ચહેરાથી એક મજૂર તરીકે ઓળખતો હોઈશ. આમ પણ અત્યારે તો કોઈના નામ કે ચહેરા યાદ નથી. મજૂરો સાથેનું મોટાભાગનું કામ મેનેજર અને એના માણસો સંભાળતા હતા... લખમલભાઇએ સહેજ નવાઈ સાથે કહ્યું.

મેનેજરે આપને કોઈ વાત કરી ન હતી? આપની કંપનીમાં મજૂરો વચ્ચેનો ઝઘડો હિંસક તોફાનમાં પરિણમ્યો હતો. એમાં રણજીતલાલ ઘાયલ થયા હતા. પછી અચાનક ગાયબ થઈ ગયા હતા અને એમનો મૃતદેહ અમારા ઘરે આવ્યો હતો... બોલતા બોલતા મીતાબેનનું ગળું ભરાઈ આવ્યું. પછી એ સ્વસ્થ થઈ બોલ્યા:એમની પાછળ પાછળ દેવનાથભાઈ પણ ચાલ્યા ગયા હતા. એ ચાલતા જતા હતા ત્યારે કોઈ વાહને એમને અડફટે લીધા હતા. અમને તો એવું જાણવા મળ્યું હતું કે... બોલીને મીતાબેન અટકી ગયા. એમના હોઠ પર એમની તમે હત્યા કરાવી હતી શબ્દો આવી ગયા પણ અત્યારે સીધો એમના પર આરોપ મૂકવાનું યોગ્ય ના લાગ્યું અને પહેલાં એ જે રહસ્યની વાત લઈને આવ્યા હતા એ જાણવાની જરૂર હતી. એટલે મીતાબેન અટક્યા પછી આગળ બોલ્યા:તમારી જ કંપનીના કોઈએ એમની હત્યા કરાવી દીધી હતી.

હં... અચ્છા, મને જે વાત જાણવા મળી છે એ પરથી મને અંદાજ આવી રહ્યો છે કે આ વાતમાં દમ છે. લખમલભાઇ વિચારમાં હોય એમ બોલ્યા.

તમને શું વાત જાણવા મળી છે? મારા પિતા વિષે તમને શું માહિતી મળી છે?’ રચના ઉત્સુક્તાથી વચ્ચે પૂછી બેઠી.

મને અમારી કંપનીનો એક જૂનો માણસ મળ્યો હતો. જશભાઇ નામનો એ માણસ એક શોરૂમમાં મળ્યો ત્યારે એણે મને ઓળખી કાઢ્યો હતો. હું એને ઓળખી શક્યો ન હતો. એ પહેલાં અમારી કંપનીમાં મજૂર તરીકે કામ કરતો હતો. પછી એણે નોકરી છોડી દઈને વાસણ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. આજે એના બાળકો ભણીગણીને કાબેલ થઈ ગયા છે. એ પોતે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો શોરૂમ ધરાવે છે. હું એને ચહેરાથી ઓળખતો ન હતો. એ મને સારી રીતે ઓળખતો હતો. એણે વાતવાતમાં રણજીતલાલનો ઉલ્લેખ કર્યો ત્યારે મને એ યાદ આવી ગયા. એમણે મને શાંતિથી મળવા કહ્યું. હું એ જ દિવસે સાંજે એમના ઘરે ગયો અને મને મારી જ કંપનીની ઘણી વાતો જાણવા મળી. મને થયું કે જે વાતો રણજીતલાલ સાથે સંકળાયેલી છે એ તમને કહેવી જોઈએ. તમને એની ખબર છે કે નહીં એ હું જાણતો નથી પણ હું હવે એ જાણી ચૂક્યો છું કે તમે રણજીતલાલના પરિવારના છો ત્યારે તમને જણાવવું જરૂરી બની જાય છે. લખમલભાઇ ગંભીર થઈ બોલ્યા.

રચનાને થયું કે અમે રણજીતલાલના પરિવારના છીએ એની જાણ થયા પછી એમને થતું હશે કે અમે એમને ગુનેગાર માનતા હોઈશું એટલે જૂની કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થઈ છે એવી વાર્તા ઘડી કાઢી પોતે નિર્દોષ હોવાનો ખુલાસો કરવા આવ્યા છે. પણ એક વખત એમને સાંભળી લેવા પડશે. અમારા દિલમાં એમના માટે કોઈ ખરાબ વાત છે એવું અત્યારે પ્રદર્શિત કરવાની જરૂર નથી.

જશભાઈએ તમને જે વાત કરી એ તમે પણ જાણતા ન હતા? રણજીતલાલના મૃત્યુ વિષેની એ વાત છે?’ મીતાબેન પતિના મૃત્યુ વિષે એ શું કહેવા માગે છે એ જાણવા માગતા હતા.

હા, જશભાઈએ કહ્યું કે રણજીતલાલના મૃત્યુ માટે તમે જવાબદાર છો... લખમલભાઇ આંખ ઝુકાવીને બોલ્યા.

લખમલભાઇની વાત સાંભળી રચના અને મીતાબેન ચોંકીને એમને જોઈ રહ્યા.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED