Soulmate books and stories free download online pdf in Gujarati

Soulmate

આ વાર્તા ના બધાજ પાત્રો કાલ્પનિક છે કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે એનો કોઈ સંબંધ નથી ને જો આવું જણાય તો તે માત્ર એક સંયોગ હશે.
આ વાર્તાના તમામ હક લેખકને આધીન છે . કોઈપણ Audio - Visual માધ્યમ માટે ઉપયોગ કરતા પહેલા લેખકની પરવાનગી લેવી જરૂરી છે.
SWA Membership No : 32928

વરસાદ પડ્યા પછી, આથમતો સૂર્ય નીકળ્યો હતો, સંધ્યા ખીલી હતી. આકાશમાં કુદરતે રંગોળી પૂરી હતી અને રાજ એની ગાડી લઈને ગાંધીનગરના રસ્તે જઈ રહ્યો હતો, ઘણા વર્ષો પછી, એક મ્યુઝિકલ પ્રોગ્રામ અટેન્ડ કરવા. રાજ સિંગર છે. ગાડીમા વાગતાં રેડિયો પર ગીત આવ્યું -

" वो शाम कुछ अजीब थी
ये शाम भी अजीब है,
वो कल भी पास पास थी
वो आज भी करीब है "

રાજના ચહેરા પર સ્માઈલ આવી ને એણે એસી બંધ કરી ગાડીના કાચ ઉતાર્યા, બહારની એ સાંજની હવા શ્વાસોમાં ભરવા. જેવા કાચ ઉતાર્યા કે બાજુમાં એક બજાજ ચેતક સ્કૂટર લગોલગ આવી ગયું ને જોયું તો એના પર રાજ અને નેહા હતા,

કારમાં બેઠેલો રાજ, બજાજ ચેતક પર ચડીને 22 વર્ષ પાછળ ચાલ્યો ગયો હતો અને રેડિયો પર કિશોરદાના અવાજમાં વાગતા ગીતની સાથે સાથે એનો ભૂતકાળ એની લગોલગ આવી ગયો હતો.

બાવીસ વર્ષ પહેલા જ્યારે એફએમ નવા નવા આવ્યા હતા ત્યારે રાજ નેહાને યુથ ફેસ્ટિવલમાં ગીત ગાવાની ઇવેન્ટ પતાવી મૂકવા ગાંધીનગર જતો હતો ત્યારે આમ જ આવી જ સંધ્યા ખીલી હતી ને આજ ગીત રેડિયો પર વાગ્યું હતું.

નેહા અને રાજ એકજ કોલેજમાં એકજ ક્લાસમાં ભણતા હતા. રાજ જ્યારે પહેલા દિવસે ફર્સ્ટ યરમાં કોલેજમાં ગયો ત્યારે નેહા એને ક્લાસમાં મળી હતી. હસમુખી નેહા ક્લાસની રીપ્રેઝન્ટેટિવ હતી ને ત્યારે એ બંનેની ઓળખાણ ઔપચારિક વાતો દ્વારા થઈ હતી. ક્યારેક કોઈ કામ પડે તો જ બન્ને વચ્ચે વાત થતી. નેહા સ્કોલર હતી જ્યારે રાજ એવરેજ સ્ટુડન્ટ એટલે ક્યારેક રાજ નેહાની નોટ કોપી કરવા લેતો અને નેહા આપતી, ફર્સ્ટ યર તો એમ જ પૂરું થઈ ગયું અને પછી જ્યારે સેકન્ડ યર શરૂ થયું તો નેહા ક્લાસમાં દેખાતી ન હતી. રાજને થયું નેહા કોલેજ છોડીને જતી રહી કે શું ? પછી રાજને એના જ ક્લાસના સ્ટુડન્ટ્સ દ્વારા ખબર પડી કે નેહાના તો મેરેજ થઈ ગયા છે, લવ મેરેજ. રાજે પોતાના નેહા તરફના પ્રેમને રાઝ બનાવીને ધરબી દીધો. બે -ત્રણ મહિના પછી એક દિવસ રાજ ક્લાસમાં આવ્યો તો નેહા ક્લાસમાં બેઠી હતી. રાજ એને "Hi" સિવાય કશું જ ના કહી શકયો. નેહા રોજ કોલેજ આવતી પણ નેહા પહેલાની નેહા ન હતી. એક દિવસ રાજે નેહાની નોટ માગી કોપી કરવા માટે અને પછી નેહાને નોટ પાછી આપી. નેહાએ નોટ લઈને મૂકી દીધી. નેહા રોજ આવતી રાજ સાથે વાત કરતી ને જતી રહેતી. રાજને થયું કે નેહાએ નોટ પાછી લીધા પછી કંઈ કહ્યું નહીં ?

કારણકે રાજે નેહાની નોટમાં ચિઠ્ઠી મૂકી હતી. મોબાઈલનો જમાનો નહોતો આવ્યો, એ સમયે હજી whatsapp નહોતું આવ્યું એટલે ત્યાં સુધી ચિઠ્ઠીથી જ વાતો થતી હતી.

રાજે હિંમત કરીને ત્રીજા દિવસે નેહાને કહી દીધું ને પૂછી લીધું કે નોટમાં મૂકેલી ચિઠ્ઠી વાંચી? નેહાએ ખાલી આંખોથી હા કહી. રાજે કહ્યું મને જવાબની અપેક્ષા છે. નેહાએ એના પર્સમાંથી એક કાગળ કાઢ્યો અને રાજને આપ્યો, રાજ ખુશ થઈ ગયો, વાંચ્યા પહેલા જ, ને પછી લેટર વાંચીને એને થયું કે એણે ખુશ થવું જોઈએ કે દુઃખી? કારણ કે નેહાએ રાજે લખેલા પત્ર......

નેહા
સેકન્ડ યરમાં ક્લાસમાં આવતાની સાથે જ તને ન જોઈ , ખબર નહિ કેમ પણ થોડુંક દુઃખ થયું , ન ગમ્યું . જાણવા મળ્યું કે તારા મેરેજ થઈ ગયા છે, લવ મેરેજ . તુ પાછી આવી, ગમ્યું, પણ તું એ ફર્સ્ટ યરની નેહા જેવી સેકન્ડ યરમા નેહા નથી, કેમ ? એ જાણવામાં મને રસ છે. જો તું મને એક મિત્ર તરીકે યોગ્ય માનતી હોય તો મને કહી શકે છે, મને ગમશે. હું તારી કોઈ મદદ કરી શકીશ તો એ પણ મને ગમશે. ફર્સ્ટ યરની નેહા જો પાછી આવતી હોય, તો હું એ નેહા માટે એક મિત્ર તરીકે કાંઈ પણ કરવા માટે તૈયાર છું. તને જ્યારે પણ યોગ્ય લાગે તું મને જણાવી શકે છે, હું કોઈ ફોર્સ નથી કરી રહ્યો, પણ હું તારા જવાબની રાહ જોઇશ.
તને Dear લખી શકું એટલો હક ઈચ્છતો
રાજ.

આજે લેટરનો જવાબ આપ્યો હતો.

નેહાએ લખ્યું હતું......
રાજ
હું જાણું છું હું તને ઞમુ છું, કદાચ તું મને પ્રેમ કરે છે તો એટલું જ કહીશ.
હૃદય આપ્યું છે તે મને આ તારું,
ઘોળી દઉં હું એમાં અંતર મારુ.
પ્રેમાળ છે આ પ્રેમ કરતા,
વિશાળ છે આ બ્રહ્માંડ કરતા ,
શીતળ છે આ ચંદ્ર કરતાં,
કોમળ છે આ પુષ્પ કરતા,
છે તારા હૃદયમાં સિંદૂરી શમણાં
જીવન જીવવાના છે અરમાન ઘણાં
એક જીવંત મિસાલ છે તું જિંદાદિલીની
મને તો ચાહ પણ નથી જિંદગીની
મારા હૃદયમાં છે માત્ર હોળી, મારા અરમાનોની
નથી ઘોળતી એટલે મારા હૃદયને
તારા હૃદયમાં હું
જીગર નથી મારામાં સળગતા જોવાની
તારા અરમાનોને..
- નેહા

રાજે નેહાને જવાબ આપ્યો

" અગ્નિ બહુ પવિત્ર હોય છે અને હું એમાં માનું છું ".

નેહાના ચહેરા પર સ્માઈલ આવી ઘણા દિવસો પછી.

હવે રાજ અને નેહા જ્યાં જાય ત્યાં સાથે દેખાવા લાગ્યા.
બન્ને કોલેજની અલગ અલગ કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લેતા. નેહા કવિતા લખતી ને રાજ એ કવિતાને કંઠ આપતો.
ક્યારેક નેહા કવિતા લખીને રાજને આપતી ને રાજ એને જેવી આવડે એવી કવિતામાં જવાબ આપતો.
ક્યારેક તારી સાથે રહેવાની અનહદ ઈચ્છા થી હું મારી આંખો ભીની કરું છું
ક્યારેક એકાંતમાં બેસી ને કલાકો સુધી તને વિચારું છું
તારા એક વિચારને હું મારા સપનાં માં શણગારું છુ
તારા એ સપનાં ને જોયા પછી હું તને ઝંખું છું
મારી એ અનહદ ઝંખના ને હું જ કલ્પી શકું છું
મારી એજ કલ્પના માં હું તને અનુભવી શકું છું
જ્યાં હું એકાંત માં બેસી ને તને વિચારી શકું છું......!!!

એક દિવસ બધા દોસ્તોના ગયા પછી રાજ ને નેહા કોલેજમાં આવેલી A To Z કેન્ટીનમાં ચા પીવા ગયા ને પછી રાજે નેહાને લખી મોકલ્યું

એસપ્રેસો કોફીના ફીણ જેવો પ્રેમ નથી મારો
હું તો કોફી ની અંદર ભળેલ ખાંડ જેવો,
થવા માંગું છું તારો.
કોફીની બીટરનેસ ભરેલી છે જીવનમાં તારા,
હું આદુ બનીને ટેસ્ટ લાવાવા માગું છું મારો.
તું બદલાઈ જાય કે બદલી નાખું તને,
એવો હક્ક નથી
પણ તારા સપનામાં થોડો ભાગ માંગુ છું મારો.
આજે કોફી પીતા તારા હોઠ જેને સ્પર્શયા ને ,
વાતોની સાથે મન થયું ભીનું,
એ કપની કિનાર બની તારા હોઠની વચ્ચે રહું,
વિચાર છે મારો.
તું જો પાડે હા તો, બેસીને તારી સાથે,
જીવનભર કોફી પીવાનો વિચાર છે મારો.
બોલ શું વિચાર છે તારો?

રાજે ઘણીવાર નેહાને પૂછ્યું હતું એજ જે એણે લેટર માં લખ્યું હતું
" તું એ ફર્સ્ટ યરની નેહા જેવી સેકન્ડ યરમા નેહા નથી, કેમ ? એ જાણવામાં મને રસ છે. જો તું મને એક મિત્ર તરીકે યોગ્ય માનતી હોય તો મને કહી શકે છે, મને ગમશે. હું તારી કોઈ મદદ કરી શકીશ તો એ પણ મને ગમશે. ફર્સ્ટ યરની નેહા જો પાછી આવતી હોય, તો હું એ નેહા માટે એક મિત્ર તરીકે કાંઈ પણ કરવા માટે તૈયાર છું. તને જ્યારે પણ યોગ્ય લાગે તું મને જણાવી શકે છે, હું કોઈ ફોર્સ નથી કરી રહ્યો, પણ હું તારા જવાબની રાહ જોઇશ.
તને Dear લખી શકું એટલો હક ઈચ્છતો
રાજ.

નેહાએ ક્યારેય કહ્યું નહીં ને રાજ એ જાણવા માટે આતુર હતો. ને એ જાણવાની ઉત્કંઠાએ રાજને નેહા માટે પઝેસીવ બનાવી દીધો.

એ દિવસે યુથ ફેસ્ટિવલમાં રાજે નેહાએ લખેલી ગઝલ ગાઈ હતી અને કોલેજને પહેલીવાર ઇનામ મળ્યું હતું. બન્ને ખુશ હતા. યુથ ફેસ્ટિવલમાંથી રાજ ભાઈબંધનું બજાજ ચેતક લઈને નેહાને મૂકવા નીકળ્યો હતો. એના ભાઈબંધે એના સ્કુટરમાં રેડિયો લગાવ્યો હતો, " રેડિયો મિર્ચી " FM નવું નવું હતું.

ગાંધીનગરના એ રસ્તા ઉપર આજની જેમ જ સંધ્યા ખીલી હતી અને ગીત વાગ્યું
" वो शाम कुछ अज़ीब थी
ये शाम भी अज़ीब है,
वो कल भी पास पास थी
वो आज भी करीब है "

રાજે નેહાને કહ્યું તું મારી પીઠ પર માથું મૂકી શકે છે અને નેહાએ જાણે રાહ જ જોતી હોય એમ ધીરે રહીને એનું માથું રાજની પીઠ પર મૂકી દીધું અને ગીતમાં પંક્તિઓ વાગી રહી હતી ,

"झुकी हुई निगाह मे कहीं मेरा खयाल था ,
दबी हुई हँसी मे भी कहीं मेरा खयाल था ,
मैं सोचता था मेरा नाम गुनगुना रही है वो,
नजाने क्यों लगा मुझे मुस्करा रही है वो......

એ દિવસે રાજ બહુ જ ખુશ હતો.

ને એ દિવસ પછી નેહા કદી કોલેજ આવી જ નહીં.
ને રાજ જતો રહ્યો, અમદાવાદ - ગુજરાત છોડીને પરદેશ.

આજે ૨૨ વર્ષ પછી જ્યારે એ પાછો ગાંધીનગરના રસ્તે જઈ રહ્યો હતો ત્યારે એને એ જ 22 વર્ષ પહેલાના રાજ અને નેહા બજાજ ચેતક પર દેખાયા અને એ પણ એવી જ સાંજ ને એજ ગીત સાથે.

રાજ એના પ્રોગ્રામમાં પહોંચ્યો, એક પછી એક ગીત ગાતો ગયો - ગાતો ગયો અને છેલ્લે એણે એનાઉન્સ કર્યું કે ગાંધીનગર સાથે મારો ખૂબ જૂનો સંબંધ છે ને આજે એ સંબંધ તાજો કરવા ને તોડવા હું આ ગીત ગાઈ રહ્યો છું. આ ગીત મારા જીવનનું છેલ્લું ગીત છે, જે હું તમારી સામે ગાઈ રહ્યો છું અને આ જ પછી હું ક્યારેય નહીં ગાઉ, આ એ જ ગીત છે જે મેં કોલેજમાં ગાયું હતું અને એ ગીત એણે શરૂ કર્યું.

" किसी नजर को तेरा इंतजार आज भी है,
कहां हो तुम के यह दिल बेकरार आज भी है

અને જ્યારે ગીત પતવા આવ્યું ત્યારે રાજે કહ્યું "આનો છેલ્લો અંતરો કોઈ મારી સાથે ગાતું હતું. હું નહીં ગાઈ શકું" એવું કહી અને એણે અંતરો અધુરો મૂકી દીધો. તાળીઓનો ગડગડાટ થયો, રાજે માઈક નીચે મૂક્યું અને ધીરે ધીરે બેક સ્ટેજમાં જવા લાગ્યો, આખા હોલમાં એક સન્નાટો થઈ ગયો. જેવો એ સ્ટેજની છેલ્લી વિંગ પાસે પહોંચ્યો ત્યાં જ ઓડિયન્સમાંથી એક અવાજ આવ્યો અને કોઈએ ગાયું

जिंदगी क्या कोई निसार करे ?
किस से दुनिया में कोई प्यार करें ?
अपना साया भी अपना दुश्मन है ,
कौन अब किसका एतबार करें एतबार करें ?

રાજે બૂમ પાડી " લાઈટ્સ " અને એક ફોલો લાઇટ એ અવાજ તરફ ગઈ અને ત્યાં નેહા હતી. રાજ આંખોમાં આંસુ સાથે લાઈટ તરફ જોતો રહ્યો ત્યાં નેહા હતી એને જોઈ રાજની આંખોમાં દરિયો ઉમટયો ને એણે ગીત ઉપાડયુ.

" न जाने देख के क्यों उनको यह हुआ एहसास
के मेरे दिल पर उन्ही इख़्तियार आज भी है "

અને ઓડિયન્સ એ તાલિયોથી બંનેને વધાવી લીધા.

એક સંબંધ સુરીલો થઈ ગયો.

રસ્તા પર ગાડી અમદાવાદ તરફ જઈ રહી હતી , બાજુની સીટમાં નેહા હતી.
રાજે કહ્યું ચા પીશ? નેહાએ ડોકિ હલાવી. રાજે ગાડી નર્મદા કેનાલની પાસે ઉભી રાખી અને કહ્યું "એક જ કપ છે. નેહાએ કહ્યું ચાલશે. રાજે થર્મોસમાંથી કપમાં ચા ભરી. બંને ગાડીમાં બેઠા હતા. એક સીપ રાજે ચા પીધી, રાજે પોતાના હાથે એક સીપ નેહાને પીવડાવી. નેહા જાતે ચા પી શકે એમ નહોતી. એના બંને હાથ સલામત હતા પણ......

નેહાને ALS - Amyotrophic Lateral Sclerosis બીમારી હતી ને નેહાનો હાથ કામ કરતો બંધ થઈ ગયો હતો.

આ એ બીમારી હતી જે પ્રખ્યાત સાયન્ટીસ્ટ સ્ટીફન હોકીંગને હતી. આ બીમારી કેમ થાય છે એ કોઈ જાણી શક્યું નથી ને એનો ઈલાજ દુનિયામાં ક્યાંય નથી. ધીરે ધીરે શરીરના અંગો કામ કરતા બંધ થઈ જાય, માણસ બીજા પર આધારિત થતો જાય ને પછી મૃત્યુ.

દવાથી એની મૃત્યુ તરફની ગતિ ધીમી કરી શકાય પણ એને મહાત ન કરી શકાય એની જાણ નેહાને રાજની પીઠ પર માથું મૂક્યાના બીજે દિવસે થઇ હતી.

એ રાજનો સાથ આપવા ઈચ્છતી હતી, એના પર બોજ નહીં ને એટલે જ પછી ક્યારેય કૉલેજ ના આવી, ને આજે જ્યારે રાજે એનાઉન્સ કર્યું કે એ હવે ક્યારેય નહીં ગાય ત્યારે એનાથી ના રહેવાયુ.
એ રાજને જોવા ને સાંભળવા આવી હતી.

નેહા માત્ર ગાઈ શકે એમ હતી કદાચ આજના દિવસ માટે જ ઈશ્વરે એના અવાજને આ બીમારીથી દૂર રાખ્યો હતો.

બન્ને ગાડીમાં બેસીને ચા પી રહ્યા હતા.
અને અચાનક વરસાદ તૂટી પડ્યો.
બહાર વરસાદ અનરાધાર વરસતો હતો અને અંદર નેહા અને રાજ એકબીજા પર વરસતા હતા, વર્ષો સુધી સુકા રહી ગયેલા હોઠ , મન અને તન ચાની સાથે ગરમ ને ભીના થઈ ગયા હતા ને રેડિયો પર ગીત વાગ્યુ

रिमझिम गिरे सावन,
सुलग सुलग जाए मन
भीगे आज इस मौसम में
लगी कैसी यह अगन........

-જીગર બુંદેલા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED