Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 122 અને 123

(૧૨૨) ૧૮ જાન્યુઆરી, ૧૫૯૭ એ ગોઝારી રાત

 

         ૧૮ મી જાન્યુઆરી આવી પહોંચી. મહારાણા પ્રતાપની જીવન સંધ્યાના ઇતિહાસમાં આ દિવસ ગમગીનીભર્યો હતો. મહારાણાજીની છાતીનો દુખાવો વધી ગયો હતો. આંતરડાની પીડા અસહ્ય બની ગઈ હતી. મન તો મજબૂત હતું પરંતુ તન વ્યથા આપવા લાગ્યું હતું. આંખો મીંચીને પોઢી ગયા હતા.

         મૃત્યુનો આભાસ આવી ગયો હતું. દૂર દૂર ક્ષિતિજમાં એક ધૂંઘળો ચહેરો દેખાવા લાગ્યો. એ ચેહરો હતો રાજકુમાર સગરનો મહારાણાનો ભાઈ સગર, પોતાની વિપત્તિ વેળાનો અડગ સાથી સગર. સગર મહારાણાનો છાયો બનીને જીવન જીવ્યા હતા. આવા સજ્જન ભાઈનો પણ વિયોગ નિર્માયો હતો.

         મહારાણાજીએ સાંભળ્યું હતું કે, સગર મેવાડ છોડી દિલ્હી ગયો હતો. અકબરનરેશ કછવાહા રાજા માનસિંહ તેને આશરો આપ્યો હતો. અકબરે એને “રાણા” ની પદવી આપી લશ્કરમાં રાખ્યો હતો.

         એનો પણ અકબરશાહ એક પ્યાદા તરીકે ઉપયોગ કરશે.

         મહારાણાને એના ભાવિની ચિંતા થવા લાગી.

         સગરે જો સુરતાણજીના પ્રશ્ને હઠ કરી ન હોત તો સારૂ થાત એમ મહારાણાનું મન કહેતુ હતું. કપટીઓના ટોળામાં પોતાનો ભલો ભોળો ભાઈ દુ:ખી થતો હશે એ વિચારે તેઓ ગ્લાનિ અનુભવવા લાગ્યા.

         મહારાણાજીએ જીવનભર સંઘર્ષ અપનાવ્યો. ઇ.સ.૧૫૪૦ માં મેવાડ વનવીરના જુલ્મમાંથી યુવાન ઉદયસિંહે તલવારના બળે છોડાવ્યું ત્યારથી પિતાપુત્રના ૫૭ વર્ષનો ઇતિહાસ જલવંત રહ્યો. પરિણામે, રાજપૂતાનામાં સ્વતંત્રતાની એક ધારાનો ઉદય થયો હતો.

         હવે રાજપૂતો પોતાના સ્વતંત્ર અસ્તિત્વની મહત્તા સમજવા લાગ્યા હતા. બીજાના ખભાપર ચઢીને આગળ વધવામાં રહેલી વિવશતા તેઓ સમજ્યા હતા. મોગલ શહેનશાહ અકબર પણ સમજી ચૂક્યો હતો કે, રાજપૂતાને છંછેડવામાં સાર નથી. પરિણામે હવે તેઓ રાજપૂત રાજાઓ સાથે, તેમની માનહાનિ થાય તેવી હીન શરતો કરતા નથી.

         અકબરશાહ પોતાના રાજ્યઅમલની શરૂઆતમાં, પરાજિત અથવા શરણે આવેલા રાજાઓને પોતાની કન્યા કે બહેન મોગલ ખાનદાનમાં પરણાવવાનો આગ્રહ રાખતા. રાજા અથવા યુવરાજને મોગલદરબારમાં ઉપસ્થિત રહેવાનું અનિવાર્ય હતું. હવે આ શરતોમાં ઢીલ મુકવામાં આવી હતી.

         જો રાજપૂતાનામાં મહારાણા પ્રતાપે ટક્કર લીધી ન હોત તો મોગલો અલાઉદ્દીન ખીલજીની માફક હિંદુઓની અસ્મિતાને નાબુદ કરવા તેઓને ઘોડા રાખવા ન દેત, હિંદુઓને કોઇપણ પ્રકારની વિલાસ અને શ્રૃઁગારની વસ્તુઓનો ઉપયોગ કરવા ન દેત. હિંદુઓના ઘરોમાં સમ ખાવા પણ સોનાચાંદીના અલંકારો જોવા ન મળત. મોગલ સિપાહીઓ જ સેનામાં હાવી થઈ જાત. જુલ્મ એટલો બધો વધી જાત કે, માથુ ઉંચકવાનો વિચાર સુધ્ધાં કોઇ હિંદુથી થઈ શકત નહિ. આર્થિક રીતે હિંદુઓને એટલા બધાં ખોખરા કરી નાખત કે હિંદુઓને પેટિયું રળવા મુસલમાનોના ઘરમાં કામ કરવું પડત હિંદુ સ્ત્રીઓ તેમના ઘરોમાં ઘરકામ કરવા જાત.

         આ બધું ન થઈ શક્યું. કારણ કે પ્રતાપે વિરોધ કર્યો. બીજી બાજુ હિંદુઓને પોતાની આંતરિક તાકાતનો અનુભવ થયો.

         આથી મહારાણાને પોતાના જીવનકાર્યથી સંતોષ હતો.

         મહારાણા શક્તિસિંહને યાદ કરતા હતા. મહાભારતના દુર્ભાગી પણ તેજસ્વી કર્ણની પ્રતિમૂર્તિ શા શક્તિસિંહની યાદ કેમ ન આવે? છેલ્લા હલ્દીઘાટીના સંગ્રામના અંતે એની મુલાકાત થઈ હતી.

         સંસારને અસાર માની કોઇ અજ્ઞાત સ્થળે એ ચાલ્યો ગયો હતો. ઝળહળતી કારકીર્દિને ઠોકરે મારી સાધુ બની ગયો એ કાંઇ જેવો તેઓ ત્યાગ કહેવાય?

         માં હોવા છતાં માંની છાયા છોડી સલુમ્બરધિપતિને ત્યાં બાળપણ વિતાવ્યું.

વીર હોવા છતાં વતનદ્રોહી બનવું પડ્યું.

સમયને પારખી એક જ ઝપાટે પ્રાયશ્ચિત કરી ઇતિહાસના પાને “ભરત સમ ભાઈ” નું ઉદાહરણ બની ગયો.

         શક્તિ, જગમાલ અને સગર, મહારાણાને બંધુઓની યાદ સતાવતી હતી.

         છેવટે, મન પણ થાક્યું. રાત્રિના બીજા પ્રહરે ઉંઘ આવી ગઈ. ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. કોને ખબર હતી કે આ નીંદર મહાપ્રસ્થાન પહેલાની નીંદર હશે?

 

 (૧૨૩) અંત સમય

 

         સૂર્યોદય થયો. એ હતો ૧૫૯૭ ની ૧૯ મી જાન્યુઆરીનો દિવસ ચાવંડમાં એક યોગી આવી પહોંચ્યો. એણે જોયું કે, ચાવંડવાસીઓ માંહોમાંહે વાતો કરતા હતા.

         “મહારાણાજી અસ્વસ્થ છે. ગઈ રાતે, મહેલમાં મોટી હલચલ મચી હતી.” ચાવંડના વાતાવરણમાં ગમગીની ફેલાઈ હતી.

         સંસાર છોડીને નચિંત બનેલા યોગીને પણ આ શબ્દોથી ચિંતા જાગી. “શું ખરેખર મહારાણાજી અસ્વસ્થ હશે. હું તો એના દર્શન કરવા માટે આવ્યો છું.”

         સાધુના પગ તીવ્ર ગતિએ ઉપડ્યા. દિનકરે પોતાના કિરણોની જાળ, પૃથ્વીપર સર્વત્ર બિછાવી દીધી હતી. મહારાણાજીના બિછાના આગળ પરિવારજન ચિંતાતુર ચ્હરે વિંટળાઈ વળ્યો હતો.  

         મહારાણાજીએ ચક્ષુ ખોલ્યા, એ જ પળે, મુખ્ય દ્વારે ચીમટો ખખડાવવાનો અવાજ આવ્યો.

         “જય એકલિંગજી, હર હર મહાદેવ.”

         દ્વારપાલે ઉંચે જોયું તો સામે પ્રચંડ કાયાધારી, દાઢી વાળો સાધુ, મોટા મોટા ડોળા કાઢીને ઉભો હતો. દ્વારપાલનું નામ હતું સામંતસિંહ, વૃદ્ધ સામંતસિંહ, મહારાણા ઉદયસિંહના સમયથીજ રાજપરિવારની રખેવાળી અને સેવા કરતો, આવેલો આ વૃદ્ધ “જય એકલિંગજી” ના નાદ કરનારનાં પરિચિત સ્વરનો આભાસ સાંભળી ચમક્યો. એના કાન સરવા થયા. આ અવાજ તો પરિચિત છે. ક્યાંક સાંભળેલો છે. સાધુના ચ્હેરા તરફ નિરખી નિરખીને જોવા લાગ્યો. થોડીવાર આ વૃદ્ધ ચોકીદાર પોતાની યાદદાસ્ત ખોતરવા લાગ્યો. કંઈક યાદ આવતા, વિચારોના અંકોડા મેળવતા એકદમ ઉભો થઈ આગંતુક સાધુને પગે પડ્યો. ઉભો થઈ, કાનમાં કહેતો હોય તેમ ધીરેથી બોલ્યો.

         “મહારાજ, શક...”

         એને બોલતો વચ્ચેથીજ અટકાવી સાધુ બોલ્યો, “સામંતસિંહની ભૂતકાળને ધરતીમાં ઘરોબાયેલોજ રહેવા દો. હું તો માત્ર મહારાણાજીના દર્શન માટે જ આવ્યો છું.”

         “જી, આપની ઇચ્છા.”

         સામંતસિંહ યોગીને લઈણે મુખ્ય ખંડમાં આવ્યો. સામંતસિંહને મહારાણાના નિવાસસ્થાનમાં ગમે ત્યાં જવા આવવાની છૂટ હતી. એ એનો વિશેષ અધિકાર હતો. અને એ રાજપૂત આ વિશેષાધિકારની માનમર્યાદા બરાબર સમજતો અને જાળવતો હતો.

         આ દરમિયાન મહારાણાજીએ એક પછી એક સર્વ ચ્હેરાઓ જોઇ લીધા. આંખો મેળવી, હસ્યા અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી.

         છેલ્લે મૌન ઉભેલા યોગીને જોયા. આંખોમાં ચમકારો વર્તાયો નયનોની ભાષામાં બંનેએ એક સંવાદ કરી લીધો. બન્ને એકબીજાની લાગણી સમજી ગયા. સહોદરોને વળી ભાષાના માધ્યમની શી જરૂર પોતાનો સંદેશ પરસ્પર સમજાવવાને? પછી બંને હસ્યા. બન્નેએ એકબીજાને હાથ જોડ્યા.

         તત્ક્ષણ યોગી મહેલ છોડી ચાલી નીકળ્યો.

         “યોગીરાજ, ચાલો મારા નિવાસે.” કહી સામંતસિંહે પોતાના બીજા સાથીઓને કેટલીક સુચના આપી અને ગૃહ પ્રતિ ગમન કર્યું.

         મહારાણા પ્રતાપે ૨૫ વર્ષ મેવાડપતિ રહ્યા. રાજા હોવા છતાં ઋષિ જેવી તેઓની જિંદગી હતી. તેઓને વૈભવથી હંમેશા ઘણું અંતર રહ્યું હતું. તેઓ સાચે જ નિસ્પૃહી હતા. કર્મવીર હતા. તેઓનો આત્મા એક સંતનો આત્મા હતો. મહાન આત્મા જેમ ભગવાન શંકર ત્રીજુ નેત્ર ધરાવે છે તેમ દિવ્યદ્રષ્ટિ પણ ધરાવતા હોય છે. આથી મહારાણાજીને આભાસ થઈ ગયો હતો કે, આજનો સૂર્યોદય પોતાના જીવનનો અંતિમ સૂર્યોદય હતો. સૂર્યવંશી મહારાણાએ આજના ગગનગામી સૂર્યને ભાવપૂર્વક, બારીમાંથી વંદન કર્યા. “આ વંદન મારા જીવનના આખરી વંદન છે, ભગવાન ભાસ્કર” મનમાં મહારાણા બબડ્યા.

         યોગીના વેશે શક્તિ આવીને મને વંદન કરી ગયો. પ્રતાપ અને શક્તિ એક જ હતા એવું ભાવિ ઇતિહાસકારો હવે ગર્વપૂર્વક લખશે. શક્તિ વગર પ્રતાપ પાંગળો અને પ્રતાપવિહોણો શક્તિ પાંગળો. ખરેખર, શક્તિજ યોગ સાધી શકે. નગાધિરાજ હિમલયની કંદરાઓમાં, દેવનદી ગંગાના ઉદ્‍ભવસ્થાન ગંગોત્રીના કિનારે શક્તિની સાધના હજુ પણ ચાલુ રહેશે એ વિચારથી મારૂં હૈયું પ્રફુલ્લિત બની જાય છે. શક્તિના જીવનમાંથી ગુમરાહ માનવીઓને ઉત્થાનનો રાજમાર્ગ મળશે એ શું એનું જેવું તેવું પ્રદાન હશે? એની આંખોમાં મારા માટે છલોછલ પ્રેમ ઉભરાતો જોઇને મને મહાસંતોષ થયો. ગઈકાલે હું જગમાલ, શક્તિ અને સગરને યાદ કરતો હતો અને ભગવાન એકલિંગજી અને મેવાડની જે શાન જાળવે છે, હંમેશાં એની શાન જાળવાય છે. જે આ ભૂમિની વિનાકારણે અવહેલના કરે છે એની શાન કદી જળવાતી નથી. મેવાડનો નવસો વર્ષનો ઇતિહાસ એનો જીવંત સાક્ષી છે.

         મહારાણાજીમાં જાણે કોઇ દૈવીશક્તિનો સંચાર થયો હોય એમ તેઓ બેઠા ગઈ ગયા, ટટાર થઈ ગયા.

         “મહારાણાજી, આપ શ્રમ ન કરો, આરામ કરો.”

         “સલુમ્બરાધિપતિ, આજે તો હું વધારે સ્વસ્થ છું. હું સ્નાન કરીશ.”

         ગંગાજળથી સ્નાન કર્યું. આવીને સ્વસ્થ ચિત્તે તેઓ બેઠા.

         તે જમાનામાં રાજકીય જોડાણો માટે પણ રાજાઓ એક કરતાં વધુ લગ્નો કરવા પડતા. આથી મહારાણા પ્રતાપના જનાનામાં તેઓનાં અગિયાર “રાજલોક” હતા. સત્તર પુત્રો હતા. એમાં યુવરાજ અમરસિંહ, સહસારાય, કલ્યાણદાસ, પુરણમલ, કંચનરાય, શંખાજી, ચાંદાજી, હાથીરાય, રામસિંહ અને જશવંતસિંહ તો એક, એકથી ટપી જાય એવા યોદ્ધા હતા. સૌ રાજકુમારોના બળવાન બાહુ, મજબૂત છાતી, મર્દાનગી ભર્યો ચ્હેરો, પોતાના જેવીજ તીક્ષ્ણ આંખો, પોતાના એક જ ઇશરાપર પ્રાણોની ન્યોછાવરી કરે એવા કૂળદીપકો સામે જોઇને મહારાણાજીને મહાપ્રયાણની વેળાએ આનંદ થતો હતો.

         મોગલસેના મહારાણાને જંગમાં જીતી ન શકી. એટલે અફવાઓ ફેલાવા માંડી. “મહારાણા છે ત્યાં સુધી પ્રકાશ. પછી તો દીવાતળે અંધારૂં. યુવરાજ અમરસિંહ તો પ્રકાશનો પડછાયો છે. પિતાના ડરથી બોલી શક્તો નથી બાકી એ તો અરવલ્લીની પહાડીઓમાં રખડી રખડીને થાક્યો છે. એનું મન તો શહેનશાહ સાથે સંધિ કરીને મોજમજાની જિંદગી વિતાવવામાં લાગેલું છે. એ પોતાના પિતાના માર્ગની વિરૂદ્ધ છે.” આટલું ઓછું હોય તેમ એના નામે, ધૃણાસ્પદ દંતકથાઓ જોડીને પ્રચલિત કરવામાં આવી હતી.

         મેવાડના જાસૂસોની આ વાતો સાંભળીને અનેકવાર મહારાણાજીએ અમરસિંહની આકરી પરીક્ષા પણ કરી હતી. પરંતુ એમાં તે સુવર્ણ બનીને બહાર આવ્યો હતો. મહારાણાજી સમજી ગયા હતા કે, દુશ્મનો મેવાડનું ખમીર તોડવા આ ભેદનીતિ અપનાવી રહ્યા છે.

         અમરસિંહનો પુત્ર કર્ણસિંહ પણ અભિમાન્યુની માફખ સોળવર્ષનો પરંતુ નિવડેલો, તેજસ્વી યુવક હતો. સ્વયં મહારાણાજીએ આયડના જંગલોમાં તલવારના એક જ ઝાટકે, વાઘના બે ટુકડા કરતા કુમાર કર્ણસિંહને જોયો હતો.

         “આવું સુખદ્‍ ભવિષ્ય નિહાળતા નિહાળતા પ્રાણ જાય તો કેવી મઝા!” મહારાણાનો ચ્‍હેરો પ્રફુલ્લિત બનતો જતો હતો.

         એવામાં મારતે ઘોડે કાળુસિંહ આવી પહોંચ્યો. આવતાવેંત મહારાણાજીના ચરણોમાં પડી ગયો. મહારાણાજીએ તેની ઊભો કર્યો.

         “કાલુસિંહ સ્વસ્થથા, મર્દને આવી નબળાઈ ન શોભે.”

         સરદાર કાલુસિંહની આંખોમાં દર્દ હતું, વિવશતા હતી.

         “મારા બહાદુર સરદારો, પુત્રો અને સ્નેહીજનો, સાંભળો. મારા પ્રયાણની ઘડી નિકટ છે. એને સાથ આપવો જ પડશે. મેં જીવનમાં જે કાંઇ કર્યું છે એમાં તમારા બધાનો સાથ હતો જ, હવે પછી પણ તમે સૌ અમરસિંહ સાથે એ સ્વતંત્રતાનો રાહ પ્રશસ્ત કરશોજ. અફસોસ માત્ર એટલોજ રહી ગયો કે, ચિતોડગઢ મારા જીવનમાં ન જિતાયો.”

         “પિતાજી, જો આપની બધીજ અભિલાષાઓ પૂર્ણ થઈ જશે તો, અમે આપના સંતાનોને કાંઈજ કરવાપણું રહેશેજ નહિ. આ સ્થિતિમાં અમારા જીવનમાંથી પરાક્રમનો ધોધ સૂકાઈ જશે. પડકારો વગરનું જીવન જીવીને અમે અમારા વંશની ઉજ્જવળ કીર્તિને ઝાંખપ લાગવા દેવા માંગતા નથી. આપની અંતિમ ઇચ્છા પૂરી કરવા અમે પ્રાણાંતે પણ કટિબધ્ધ છીએ.”

         “યુવરાજ અમરસિંહ, મારા રણબાઁકુરા સરદારો, વીરપુરૂષો, તમારી ઉપસ્થિતિમાં મારો મારા વંશજોને આદેશ છે કે, જ્યાં સુધી મેવાડના હ્યદયસમા ચિડગઢનો ફરીથી ઉધ્ધાર થાય નહિ. ચિતોડ મેવાડના મહારાણાઓના હાથમાં આવે નહિ ત્યાં સુધી, ચિતોડગઢની દુર્દશા દૂર કરી શકીએ નહિ ત્યાં સુધી પ્રત્યેક સિસોદિયા રાજપૂતે સોનાચાંદીના વાસણોમાં ભોજન કરવાનો ત્યાગ, સુખ આપનાર કોમળ શય્યાને બદલે કઠિન તૃણશય્યા પર શયન કરવું. શોકચિન્હો અવશ્ય જાળવવા, સુખોને ત્યાગવા, ચિતોડની સ્વતંત્રતા વગરનો મેવાડી જીવે છે. પણ તે કેવો? એટલું યાદ રાખજો, શર-શય્યાપર સૂતેલા ભીષ્મપિતામહ જેવો. હવે તમે સૌ પ્રતિજ્ઞા કરો કે,”

         સૌ ઉભા થયા, મહારાણાજીની સાથે સાથે બોલવા લાગ્યા.

         “બાપા રાવળના પવિત્ર સિંહાસનના સોગંદ ખાઈને અમે કહીએ છીએ કે, જ્યાંસુધી અમારા માંથી એકપણ માણસ જીવિત રહેશો ત્યાં સુધી કોઇપણ શુત્ર, મેવાડની ભૂમિપર અધિકાર સ્થાપિત કરી શકશે નહિ. જ્યાં સુધી અમે મેવાડની ગયેલી સ્વાધીનતાનો સંપૂર્ણ રીતે ઉધ્ધાર કરીશું નહિ ત્યાં સુધી અમે કુટીરોમાંજ રહીશું.”

         સૌ બેસી ગયા. મૌનનો સન્નાટો છપાયો હતો. ફરી મહારાણા બોલ્યા, “પ્રાણપર મમતા વ્યર્થ છે. નદીનો પ્રવાહ જેમ વહેતો રહે છે તેમ યુવરાજ અમરસિંહ મારી પરંપરા અવશ્ય જાળવશે. આ દેશની યુવાની ભલે ક્ષણભર રાહુગ્રસ્ત ચંદ્રની માફક ઝાંખી પડી હોય પરંતુ તેજહીન તો નથીજ. આ ભૂમિની યુવાની જાગે એજ મારી અંતિમ ઇચ્છા છે.”

         મહારાણાજીની આરઝુ, તમન્ના કે અભિલાષા સાંભળી સૌના મસ્તક ઝૂકી ગયા.

         સલુમ્બરાધિપતિ કહેવા લાગ્યા. “મેવાડપતિ મહારાણાજીની અભિલાષા તો એવી છે કે, ભારતમાતાની ધરતીપર કોઇ એવો સપૂત જન્મ ધારણ કરે કે જે, પોતાના અંતિમ રક્તના બુંદને પણ સ્વાતંત્ર્યના યજ્ઞમાં આહુતિ આપીને પણ પૂર્ણાહુતિ કરીને, ટુકડે ટુકડા થઈ ગયેલા ભારતમાતાના દેહને સાંધીને વિખુટી પડેલા દેશબાંધવોને ફરી એક કરી દે.”

         દીપક હોલવાતા પહેલાં ખૂબજ શક્તિથી પ્રજવલિત થાય છે. ધૂમકેતુ માફક એકજ ક્ષણમાં પ્રચંડ ચમકારો આપીને, સદાને માટે વિલીન થઈ જાય છે. જતાં જતાં પોતાના જીવનના નિચોડરૂપી સંદેશો એ અંતિમ પ્રકાશમાં મૂક્તો જાય છે.

         મહારાણા મહાન હતા કારણ કે તેમણે જીવનમાં મેળવવાની ઇચ્છા ક્યારેય સેવી ન હતી. બીજા માટે માત્ર ગુમાવ્યું જ હતું. જે જેટલું છોડી શકે, એ એટલો મહાન બની શકે છે.

         એક બાજુ આસન જમાવીને રાજપુરોહિત શ્રીમદ્‍ ભગવદ્‍ગીતાનો પાઠ કરવા લાગ્યા. હવે હરિસ્મરણ કરી વૈકુંઠવાસ કરવો જોઇએ આમ વિચારી, પદ્‍માસને બેસી, પ્રભુચરણે મન પરોવી દીધું. જ્યારે ભ્રુકુટીની ત્રણ રેખાઓ વચ્ચે અષ્ટાયુદ્ધ (વિષ્ણુંનું ધ્યાન ધર્યું ત્યારે કાંતિમાન, સલજ, જલદ, સદ્‍શ શ્યામરંગી શ્યામસુંદરના દર્શન થયા. દર્શન કરી મહારાણા મુગ્ધ બની ગયા. આ પછી તેમણે અંજનીકંત (પવન) અર્થાત પ્રાણવાયુને ખેંચ્યો. પ્રાણાયામ સાધ્યો, મોહ છોડી, ખૂબ પ્રસન્ન થયો. તે જ વેળા તેમનો હંસ (પ્રાણ) હરિસ્મરણ કરતાં કરતાં, જ્યાં પરમહંસો (યોગીઓ) વસે છે ત્યાં પહોંચી ગયો.

         કેવળ ૫૭ વર્ષની વયના મહારાણાનો ચાવંડમાં સ્વર્ગવાસ થયો.

         ચંદનકાષ્ઠની ચિતાપર મહારાણનો દેહ મુક્વામાં આવ્યો. યુવરાજ અમરસિંહનું રાજતિલક કરવામાં આવ્યું અને મેવાડના રાજકુમારે પિતાના દેહને અગ્નિસંસ્કાર કર્યો.

         શ્રૃતિ, સ્મૃતિ, પુરાણ આદિ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ચાવંડમાં પ્રચંડ જનમેદની વચ્ચે અંત્યેષ્ટિ ક્રિયા થઈ.

         રાજપૂતાનાનો કદાચ ઇતિહાસનો સૌથી પ્રિય “કીકો રાણો”, દેહ છોડી સ્વર્ગે સંચર્યો અને એનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો.

         મણીધર નાગ જેમ મણિ વગર કાંતિહીન લાગે તેમ “કીકારાણા” વગર રાજપૂતાના સૂનો સૂનો લાગવા માંડ્યો.

         જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી મહારાણા પ્રતાપની કીર્તિ અક્ષય રહેશે. કીર્તિ તેઓને અમર બનાવી ગઈ.

         સંતોએ આ જાણ્યું ત્યારે તેઓ બોલ્યા, “મહાયુગનો સિતારો આથમી ગયો.

         સૂર્યાસ્ત થઈ ગયો. ચાવંડપર રાત્રિનો પંજો પડી ચૂક્યો હતો. તે વેળા યોગીરાજ ચાવંડમાંથી બહાર નીકળ્યા. નયનોના નીર, રાત્રિના અંધકારમાં બેખટકે વહી જતા હતા. અંધકારને ચીરતો યોગીરાજ ચાલ્યો જતો હતો.