Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 121

(૧૨૧) મહારાણા પ્રતાપસિંહનો વિષાદ

 

         ઇ.સ. ૧૫૯૭ ની સાલ હતી. જાન્યુઆરી માસ હતો. શિયાળાની ખુશનુમા ઠંડીમાં, આયડના જંગલોમાં મહારાણા શિકારે ગયા. આયડના ગીચ જંગલોમાં એકવાર માનવી સરી જાય પછી શોધવો મુશ્કેલ. વાઘનો શિકાર કરવાની તક મહારાણા છોડે ખરા? દૂરથી હિંસક પ્રાણીને જોતાં જ તેઓએ ધનુષ્ય ઉઠાવ્યું. તીર ભાથામાંથી કાઢ્યું. પ્રત્યંચા પર તીર ચઢાવી જોરથી ખેંચી. ખૂબ જોર લગાવવા જતાં આંતરડામાં તકલીફ ઉભી થઈ. છાંતીમાં દુખાવો થયો.

         થોડાજ દિવસોમાં એ દુખાવો એટલો દર્દ કરવા લાગ્યો કે મહારાણા બિછાને પડ્યા. કર્મવીરને અકર્મણ્યતાનો કાળ અભિશાપ જેવો લાગે છે. મહારાણાના મનમાં વિચારોનો પ્રવાહ ઉભરાવા લાગ્યો.

         સમગ્ર જીવન સંઘર્ષમાં પસાર કર્યું. જીવનનું મોટામાં મોટું, ખૂબસૂરત સપનું હજુ બાકી રહી ગયું. ચિતોડગઢની અસ્મિતામાં હું કિશોરવયે વિરહતો હતો. બાપ્પા રાવળથી મહારાણા ઉદયસિંહ સુધી જેની કીર્તિગાથા અક્ષય રીતે ગવાતી રહી, જ્યાં નવસો વર્ષના મારા પૂર્વજો સ્મૃતિઓમાં ગાથા મૂકી ગયા એ ચિતોડગઢ પુન:જીવંત બને એ મારી મનોકામના હતી. એ પૂરી ન થઈ એ હવે પૂરી થાય એવા એંધાણ પણ હું નથી જોતો.

         એકાંતમાં યુવરાજ અમરસિંહ યુદ્ધથી ત્રસ્ત થઈને. થાકીને સ્વગત જે વાણી ઉચ્ચારે છે એ ચિતોડગઢના ભાવિ માટે અંધકારમય ભવિષ્યનો સંકેત છે.

         મેવાડનો યુવરાજ ચિતોડગઢને માત્ર ખંડિયેર ગણે છે. “આ દશા! યુદ્ધ કરવું, ચિંતા કર્યા કરવી. પૂરૂં ભોજન પણ લેવું નહિ. હવે તો માત્ર, કેવળ, ફક્ત ચિતોડ જ બાકી રહી ગયું છે. થોડા ખંડિયેર માટે આટલો બધો મોહ! પણ સાંભળે છે કોણ મારૂં?”

         કદાચ કુંવર અમરસિંહ જમાનાની તાસીર પણ હોય. સતત યુદ્ધના વાતાવરણમાં રહેલા સિપાહીના મનમાં યુદ્ધની નિર્રથકતાનો પડઘો.

         યુદ્ધ એ માનવજાતનો ભયંકર અભિશાપ છે. યુદ્ધો ખોલાય છે તો શાંતિની શોધમાં, પરંતુ દરેક યુદ્ધના અંતે, પરાજીતનો મનમાં જે ડંખ રહી જાય છે તેથી ભાવિ યુદ્ધનો પાયો નંખાય છે.

         એવું લાગે છે કે, માનવ જાતિને યુદ્ધથી ક્યારેય મુક્તિ મળી નથી. મુક્તિ માટે ખેલાતા યુદ્ધથી, કોઇકની ગુલામીના પણ મંડાણ થાય છે.

         રાવણે બ્રાહ્મણોને સતાવ્યા, સીતાનું અપહરણ કર્યું પરિણામે શ્રી રામે લંકા પર ચઢાઈ કરવા સેતુ નિર્માણ કર્યો. યુદ્ધ માટે પ્રયાણ કરવાની વેળા આવી. એ રાત્રિના સમયે, રામના મનમાં સંશય જાગ્યો. આજે તો આ સેતુ જુલ્મગારના વિનાશાર્થે ઉપયોગમાં લેવાય છે પરંતુ ભવિષ્યમાં શું કોઇ દાનવ મદાંધ  બની આજ સેતુનો ઉપયોગ ભારતપર આક્રમણ કરવા ન કરી શકે? શ્રીરામની મનોદશા ચલિત થવા માંડે છે ત્યાં તો પિતા દશરથ અને જટાયુ જેવા વીરપુરૂષોનો ચહેરો યાદ આવે છે. મારા યશોદાયી પિતા ધર્મ અને નીતિ માટે દેવોને મદદ કરવા ગયા હતા. જટાયુ રાક્ષસરાજ રાવણ સાથે પ્રાણાંત સુધી લડ્યા હતા. શા માટે તેઓએ યુદ્ધ કર્યું હતું? જાણે પરાક્રમી પૂર્વજો પણ કહી રહ્યા ન હોય!

         યુદ્ધ પ્રત્યે ક્ષત્રિયોએ ઉદાસીનતા ન દાખવવી જોઇએ. કોઇ દયા કરે અને કીર્તિ, સ્ત્રી અને જમીન આપણને મળી જાય એવું પરોપકારી આજગત નથી. મેળવવા માટે તો પુરૂષાર્થ કરવો પડે, કર્મ કરવું પડે.

         યુવરાજ અમરસિંહે પિતાને પ્રણામ કર્યા. “પિતાજી, આપ વિચારમગ્ન કેમ છો? હું આપના પથનોજ અનુયાયી છું. કોઇક પળે થોડી દુર્બળતા આવી જતી પરંતુ હવે મને સ્પષ્ટ સમજાય છે કે, વીરોનો ધર્મ દેશ, જાતિ અને ધર્મની અસ્મિતા જાળવવાનો છે.

         “મહારાણા બોલ્યા, “હે પુત્ર અમર! સ્વતંત્રતા પણ કર્મ વડે ટકે છે. કોઇએ આપી અને આપણે લીધી એ સ્વતંત્રતા ન કહેવાય.”

         વૈભવનો મોહ ક્ષણભંગુર છે. ક્ષત્રિયે તો કીર્તિ અર્જિત કરવાની છે.

         માનવીને જ્યાં સુધી એના સ્વમાનનો અહેસાસ થતો નથી ત્યાં સુધી એ સંઘર્ષમાં ઉતરતો નથી. જે રીતે મળે એનાથી એ સંતોષ માને છે પરંતુ જે ક્ષણે એને ખબર પડે છે કે, મારી અવહેલના થઈ રહી છે. મારી અપકીર્તિ કરવા પ્રયત્નો ચાલી રહ્યા છે, ત્યારે તેના હૈયામાં વેદના જાગે છે. એ અગ્નજવાળામાંથી ક્રાંતિ પેદા થાય છે.

         રાવણ લંકામાં સુખી હતો. કિષ્કિંધામાં સુગ્રીવ સુખી હતો. રાક્ષસો પણ ભોજન આરોગી જીવન વિતાવતા હતા, વાનરો પણ ફૂળફૂલ આરોગી જીવન વિતાવતા હતા પરંતુ જ્યારથી વાનર પ્રજાને પોતાના જાતીય અપમાનની લાગણી થવા માંડી, એમને લાગવા માંડ્યું કે, રાવણ સામ્રાજ્યવાદી છે. એ પોતાનો પંજો છેક વાનરોના પ્રદેશ સુધી વિસ્તારે છે, બળનું પ્રદર્શન કરી એના રાક્ષસો વાનરોને ઉઠાવી જાય. મારી નાખે અને એ વાંદરાઓના દેહને માંસ તરીકે લંકાના બજારમાં વેચે છે ત્યારે એમના હૈયામાં પ્રતિશોધની લાગણી જાગી. પરંતુ નિર્બળ શું કરે? આ શોષિત વાનર સમૂહને જ્યારે રામ નેતાના રૂપમાં મળ્યા ત્યારે પોતાની અસ્મિતા આજ વિભૂતિ પાછી મેળવી આપશે એવો વિશ્વાસ જાગ્યો એટલે એક જુલ્મી સામ્રાજ્ય ખતમ થયું, લંકાના રાક્ષસો વાનરોને કેવળ ગુલામ જ માનતા હતા. બેટા અમર! દિલ્હીના બજારમાં આ જ સ્થિતિ રાજપૂતોની છે. રાજપૂતો માત્ર ભાડૂતી સૈનિક બનીને મોગલ સલ્તનતમાં જીવી નથી રહ્યા?

         વિજેતા હંમેશા પરાજીતને ગુલામ બનાવે છે. એ માનવજાતિનું અપમાન છે. હું લંકાપર વિજય મેળવીશ અને કોઇનેયે ગુલામ નહિ બનાવું. મારી જીત કેવળ અધર્મપર હશે. એટલા માટે તો ધર્મપથિક વિભીષણને તત્ક્ષણ લંકાધિપતિ જાહેર કરી દીધા. રામાયણની આ વાત મહારાણાજી ઘણીવાર ભાવપૂર્વક યાદ કરે છે.

         કોઇનુંયે શોષણ કરવાનો માનવીને અધિકાર નથી. માનવી સમજતો નથી કે, વિશ્વમાં એક એવી સર્વોપરી સત્તા છે જે માનવીના અહમ્‌ને ગમે ત્યારે કચડી શકે છે.

         યુદ્ધ ભયંકર હોવા છતાં માનવીએ એ ખેલ્યું છે. અશોકને કલિંગ-વિજેતા બનવું હતું. સમુદ્રગુપ્તને દક્ષિણ ભારત જીતવું હતું. માનવીની મહત્વકાંક્ષામાંથી યુધ્ધનો જન્મ થાય છે. આથી મહત્વાકાંક્ષાઓનો શો અર્થ?

         અકબરની મહત્વાકાંક્ષાએ, ભારતના રાજ્યોમાં અશાંતિ સર્જી. ઇ.સ.૧૫૬૨ થી આજસુધી રાજપૂતાનામાં જે યુદ્ધો થયા, એમાં જે માનવહાનિ થઈ તે માટે કોણ દોષિત?

         કોઈની પાસેથી છીનવી લેવું એ શું અપરાધ નથી? વાહ જગત! આજે-છીનવી લેનારને વખાણે છે અને જેનું જાય છે એને વખોડે છે. પોતાની અસ્મિતા, પોતાની સંસ્કૃતિ, પોતાની ઓળખાણ જાળવવી એ શું અપરાધ છે?

         રાજપુરોહિત વિચારવા લાગ્યા. મહારાણાજીના ઉન્નત પથને લોકો આજે સમજી શક્યા નથી. પરંતુ ભવિષ્યની પ્રજા એમાંથી પ્રેરણા લેશે. એમણે કંડારેલી કેડી ભારતીય સંસ્કૃતિની રક્ષાનો મહામાર્ગ બની રહેશે. માતાઓ જંગે ચઢતાં પુત્રોને આશિર્વાદ આપશે કે, જંગ મે ઐસા જૌહર દિખાના, જૈસા દિખાયા થા મહારાણા પ્રતાપને.

         “બેટા અમર! મારો માર્ગ મારા માટે મારૂં સત્ય હતું. આ શ્રધ્ધા મને સંતોષ આપે છે. એક વાત યાદ રાખજે, જગતમાં જો. મહત્વાકાંક્ષા, જુલ્મ, જોહુકમી અને અત્યાચાર હોય તો યુદ્ધ પણ હોવુ જરૂરી છે. યુદ્ધ ન હોય તો પૃથ્વી શેતાનોનું સ્વર્ગ બની જાય. સજ્જનોની પ્રતિકારશક્તિ ઘટશે તો શેતાનો જગતને જીવવાલાયક નહિ રહેવા દે. જુલ્મ કરનારતો દોષિત છે જ પરંતુ તેનો પ્રતિકાર ન કરનાર વધારે દોષિત છે.