Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 3

વલ્લભીપુર નરેશ-શિલાદિત્ય

ઈ.સ. 319 એટલેકે સંવત 375માં સૂર્યવંશી રાજા વિજયસેને વલ્લભીપુર શહેર વસાવ્યું. રૂડી રીતે રાજ કર્યું અને વલ્લભી  શક પણ શરૂ કર્યો. આ  વિજનેયસેન સુર્યવંશ ની પરંપરામાં ,અયોધ્યાના રાજ વંશ માં આવતો હતો સૂર્યવંશના પ્રથમ પુરુષ રાજા મનુ થઇ ગયા. એમની 57મી પેઢીએ અયોધ્યાપતિ રામચંદ્રજી થઈ ગયા. એમના પરાક્રમી પુત્ર લવે  અયોધ્યા છોડીને પંજાબ તરફ પ્રયાણ કર્યું. પંજાબમાં રાવી નદીને કિનારે તેમણે લાહોર શહેર વસાવ્યું . તેમની પેઢીમાં ૬૩માં પુરુષ રાજા કનકસેન થયા પોતાનું મૂળ રાજ્ય કૌશલ છોડીને તેઓ ઇ.સ. 144 માં ગુજરાત તરફ આવ્યા તેમણે જ વડનગર વસાવ્યો એક કનકસેનથી ચોથા પુરુષ તે વિજયસેન. વિજયસેન થી સાતમા પુરુષ તે વલ્લભીપુર નરેશ શિલાદિત્ય.

 શિલાદિત્ય ઊંચા, ગૌરવર્ણા,ચપળ અને બહાદુર હતા. એમની વાણી છટા આકર્ષક હતી. તેઓ લોકપ્રિય રાજવી હતા. માતા અંબાભવાની ના પરમ ભક્ત હતા તેઓએ અંબાભવાની નું ભવ્ય મંદિર પોતાના વડવાઓએ બંધાવેલા સરોવર કિનારે બંધાવ્યું હતું. આ જગ્યા ઘણી રમણીય અને વિશાળ હતી તેઓ તપસ્વી રાજવી હતાં. એક વેળા રાજા શિલાદિત્ય ના સ્વપ્નમાં માતાએ આવીને આદેશ આપ્યો. મંદિર આગળ એક કુંડ બંધાવ, યજ્ઞ કર અને દાન, ધર્મ અને પુણ્ય કર, તારું કલ્યાણ થશે.

આથી રાજા શીલાદિત્યે એક મોટો કુંડ બનાવડાવ્યો એને પોતાના પૂર્વજ ઉપરથી ‘સૂર્યકુંડ’ નામ આપ્યું. મોટો યજ્ઞ કર્યો. ગોદાન કર્યુ. પુણ્યના કાર્યો કર્યા. સર્વત્ર શિલાદિત્યની કિર્તી પ્રસરી. પ્રભાતના કિરણો ફૂટે તે પહેલા માં અંબાભવાનીના મંદિરમાં ધ્યાનસ્થ દશામાં બેઠેલા રાજવીને માતાએ દર્શન આપ્યા રાજન તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ. તારા પર કોઈ પણ સંકટ આવે તો સૂર્યકુંડ આગળ પદ્માસન લગાવી ને મારું ધ્યાન ધરીશ એટલે એક દિવ્ય અશ્વ કુંડમાંથી બહાર આવશે એ અશ્વ પર બિરાજી તું સંગ્રામ કરે તો કદી પણ તારો પરાજય થશે નહીં. વાતને વર્ષો વીતી ગયા. સરસ્વતી નામે એક સુંદર પુત્રી રાજા શિલાદિત્ય ને એક માત્ર સંતાન હતું. વલ્લભીપુર નગર પર દુશ્મન રાજાએ આક્રમણ કર્યા હતા. પરંતુ દેવીની કૃપાથી રાજા શિલાદિત્ય હંમેશા આ આક્રમણો પાછા હટાવતો. સરહદ પરના વિદેશી, વિધર્મી, આક્રમણખોરો માટે વલ્લભીપુરની સમૃદ્ધિ લલચાવનારી હતી. પરંતુ રાજા શિલાદિત્ય લગભગ અજેય હતો. એ વિચારે યવનો એ તરફ નજર સુદ્ધા દોડાવતા નહીં.

 કાકુ શેઠ મારવાડના પાલી શહેર માંથી દોરી-લોટો લઈને આવેલો તેજસ્વી યુવક, પોતાની કુનેહ, બુદ્ધિ અને પરિશ્રમથી આ કાકુ રંકમાંથી કરોડપતિ બની ગયો. રાજાએ આ પુરુષાર્થી વેપારીને પોતાનો પ્રધાન બનાવ્યો. “મહારાજ. આ શહેરને વસાવે 200 વર્ષ પુરા થયા." કાકુએ રાજા શિલાદિત્યને યાદ દેવડાવી. “એની યાદમાં ઉત્સવ મનાવો. અન્ન વસ્ત્ર અને ગોદાન કરાવો.” રાજા બોલ્યા “એ તો થશે પરંતુ એની યાદમાં એક ભવ્ય સમારંભ યોજાવુ જોઈએ.” અને એક ભવ્ય સમારંભ યોજાયો તેની વ્યવસ્થા કો શેઠે સંભાળી. રાજા પ્રસન્ન થયા.

“કાકુ આજથી તું મારો પ્રધાન નહિ, મિત્ર છે.”

આમ, રાજા શિલાદિત્ય અને પ્રધાન કાકુ મિત્રો બની ગયા.

 ચાર વર્ષો પસાર થઈ ગયા. ઈ.સ. 524 ની સાલ આવી. આ સમય દરમિયાન રાજા અને રાણી ઘણી વખતે પ્રધાન ગૃહે પધારતા. તે વેળા તેઓની પુત્રી ચંદ્રા સાથે સરસ્વતી સમવયસ્ક હોવાથી રમતી. પછી તો ચંદ્રા પણ વિશાળ રાજમહેલના પટાંગણમાં રમવા આવતી. આમ રાજાની કુંવરી અને પ્રધાનપુત્રીને પણ સખીપણા સદી ગયા. વલ્લભીપુરના વૈભવસાગરમાં, સૌના સુખના દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસે રાજા શીલાદિત્યે તે કાકુને કહ્યું ,“મિત્ર તુ જાણે છે. આપણી અજેય શક્તિનું રહસ્ય?” “ના મહારાજ.

“ કાકુ. અંબાભવાનીએ આ રાજ્યને અભય આપ્યું છે.” કહી દિવ્ય અશ્વની વાત કહી. “મહારાજ આપે મને વિશ્વાસુ માન્યો, મારા ધનભાગ્ય.”

વલ્લભીપુરમાં એક ફેરિયો આવ્યો. જાતજાતની અવનવી ચીજો એની પાસે હતી. એ પોતાની વસ્તુઓના વખાણ એવી રીતે કરતો કે, લોકો એ ખરીદવા તલપાપડ થઈ જતા.

 એક દિવસે આ ફેરિયો પ્રધાનના નિવાસ સ્થાને આવ્યો. પ્રધાનપુત્રીએ જાતજાતની વસ્તુઓ ખરીદાવી. પિતાની એકનીએક લાડકી દીકરી એટલે એના મનને ખુશ રાખવા પૈસો પાણીની માફક વાપરવામાં આવતો. ફેરિયો ગમે તે વસ્તુ કાઢે ત્યારે એક કાંસકી અને દર્પણ સાચવીને બાજુ પર મુકતો. આ જોઈને કાકુ શેઠે પૂછ્યું.

“ ભાઈ, આ કાંસકી અને દર્પણ ના મૂલ શાં છે ? “

“જી, એના મૂલ આપનાથી નહિં ચૂકવાય.”

“ તું કેવી વાત કરે છે ? કાકુ શેઠ મુલ ન ચૂકવી શકે તો પછી આ શહેરમાં ચૂકવશે કોણ ?”

“જી, આ કાંસકી અને દર્પણના મૂલ દશહજાર સોનામહોર છે.”

“ ભાઈ, એના મૂલ પ્રમાણે ગુણ તો હશે ને?”

“ હા, શેઠ, આ કાંસકી અને દર્પણ સાધારણ નથી. એ મહા ગુણકારી છે.”

“ તું મને એના ગુણ કહે તો દશહજાર સોનામહોર ચૂકવી દઉં.”

“ એના ગુણ સાંભળ્યા પછી ખરીદવાનો ઇનકાર કરો તો?”

“ ભાઈ, તું કાકુ શેઠ સાથે વાત કરે છે, મામુલી શેઠ સાથે નહિં.”

 ફેરિયાએ કહ્યું, ” જી, એના ગુણ સાંભળો, આ કાંસકીથી જે માથું હોળશે. એ સ્ત્રી વૃદ્ધ હશે, વાળ શ્વેત હશે તોપણ શ્યામ થઈ જશે. અને આ દર્પણમાં જો કોઈ વૃદ્ધ મુખ દેખશે તો એ યુવાન દેખાશે. અને યુવાન હશે તો એની કાંતિ, ચમક વધુ ખીલશે. પ્રધાનની આંખો પહોળી થઇ ગઇ. એણે આ વાત મનમાં નોંધી રાખી.

 ચંદ્રા ને બોલાવીને કાકુ શેઠે એ કાંસકી અને દર્પણ આપતા કહ્યું, “ બેટા આ કાંસકી અને દર્પણ અદભુત છે. તું એને જીવની માફક સાચવજે, કોઈને આપતી નહિં. કોઈનો ભરોસો કરતી નહિં. પુત્રીને લાગ્યું કે પિતા આ મામૂલી કાંસકી અને દર્પણ માટે કેમ આમ કહી રહ્યા છે. પરંતુ થોડા દિવસમાં એના મુખની કાંતિ અને વાળમાં સુંદર પરિવર્તન આવ્યું એટલે આ બન્ને વસ્તુઓ પર તેને મમતા વધી પડી.

 દિવસે દિવસે પોતાની સહેલી નું મુખચંદ્ર તેજસ્વી બનતું જતું હતું. વાળ નાગ-ફેણ શા શ્યામ બની ગૌર મુખપર શોભતા હતા. ઘણીવાર એના રૂપલાલિત્યની રાજકુમારી સરસ્વતીને પણ ઈર્ષા આવતી. એક દિવસ  રાજકુમારીની દાસી પ્રધાનપુત્રીને કંઇક સંદેશો આપવા એના નિવાસસ્થાને ગઈ. ઉનાળાનો આળસુ દિવસ હતો. બપોરની ઊંઘ લીધા પછી પ્રધાનપુત્રી આળસ મરડીને બેઠી થઈ હતી. એના વાળ અસ્ત-વ્યસ્ત હતાં.

 ગુલાબ જોડે વાતો કરતાં કરતાં તેણે કહ્યું, ”ગુલાબ સામેના ગોખમાંથી દર્પણ અને કાંસકી મને આપને ?”

પ્રૌઢા દાસી ગુલાબે ઉભા થઇ દર્પણ અને કાંસકી હાથમાં લીધા તેજ વખતે પ્રધાનપુત્રીને છીંક આવી ગઈ. ગુલાબે કુતુહલવશ દર્પણમાં પોતાનું મુખ જોઈ લીધું. પોતાનું કામ પૂરું કરી તે ચાલી ગઈ.

“ ગુલાબ, તારા મુખ પર આટલી ચમક કેમ?” રાજકુમારીએ હસતા હસતા પૂછ્યું. “આજે તો તું 10 વર્ષ નાની હોય એવી લાગે છે.” ગુલાબ ચમકી. ધ્યાનપૂર્વક જોયું તો સાચે જ રાજકુમારીના કહેવા પ્રમાણે તેના મુખની કાંતિ વધી હતી. સાચે જ પ્રૌઢા યુવા બની હતી. કુંવરીબા, આજે હું ચંદ્રા ને ત્યાં ગઈ હતી. એના દર્પણમાં મુખ જોયું હતું સરસ્વતી સમજી ગઈ કમાલ તો ચંદ્રાના દર્પણ અને કાંસકી માં જ હોવા જોઈએ. “ગુલાબ, થોડા દિવસ પછી તું ચંદ્રાને ત્યાં જજે અને કાંસકી માથે ફેરવી જોજે. રાજમહેલની દાસીઓ ને બુદ્ધિ ચલાવવાની હોતી નથી. આદેશનું પાલન જ કરવાનું હોય છે. જીભ નો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો હોય છે. આવી વિશ્વાસુ દાસીઓ પોતાની સ્વામીની માટે પ્રાણ આપી દે પણ ભેદના ખોલે એવી હોય છે. બીજી વખતે કાંસકી ફેરવવાથી માથાના વાળમાં ચમક આવી. વચમાં વચમાં ધોળા વાળ હતા. તે શ્યામ થઈ ગયા હવે તો રાજકુમારીને સ્પષ્ટ સમજાઈ ગયું કે, ચંદ્રા પાસે જે દર્પણ અને કાંસકી છે તે મામૂલી નથી પણ દિવ્ય છે. એણે પોતાના મનમાં નિર્ણય કરી લીધો. “આ દિવ્ય કાંસકી અને દર્પણ મારી પાસે હોવા જોઈએ. ચંદ્રા પાસેથી હું મેળવી  લઈશ. આજે રાજકુમારી સરસ્વતીનો જન્મદિવસ હતો એની ઉજવણી ભવ્ય રીતે થવાની હતી. સરસ્વતી જાતે પોતાની સખીને આમંત્રણ આપવા ગઈ. એ સમયે તેમાથું હોળતી હતી. એના હાથમાં પહેરેલી સોનાની રત્નજડિત કાંસકી હતી અને સામે દર્પણ હતો. રાજકુમારીને જોઈને તે સફાળી ઊભી થઈ ગઈ એણે સ્ફૂર્તિથી દર્પણ અને કાંસકી ગોખમાં મૂકી દીધા. “આવો રાજકુમારી” આવકાર આપતા ચંદ્ર બોલી. ” આજે મારો જન્મદિવસ છે. તું તારા પિતા સાથે સાંજે ચોક્કસ આવજે તું બહાના બતાવી છટકી ન જાય તે માટે હું જાતે આવી છું.” “ હું ચોક્કસ આવીશ ” તેણે કહ્યું. મનમાં તે મલકાઇ. થોડીવારે રાજકુમારી પાછી ફરી.

 જન્મદિવસના સમારંભમાં રાજકુમારી જોડે ફરતી પ્રધાનપુત્રીના રૂપ,  લાલિત્ય અને મુખની કાંતિ ના ચારેકોર વખાણ થવા લાગ્યા .જેને આવી સુંદરી પરણશે એ ભાગ્યશાળી ગણાશે ..એવા સૂર વ્યક્ત થયા . ડગલેને પગલે આ વખાણ સાંભળી માંની રાજકુમારીનું અહમ ઘવાયો તે વિચારવા લાગી. હું વલ્લભીપુરની રાજકુમારી, મારા પિતાની એકની એક લાડકી દીકરી, મારા કરતાં આ પ્રધાનપુત્રી રૂપમાં ચડી જાય, મારા જન્મદિવસે એના વખાણ થાય ? થોડા દિવસો પસાર થયા એક દિવસ રાજકુમારી સરસ્વતીએ પોતાના પિતા શિલાદિત્ય ને કહ્યું,” પિતાજી આપ મને ખૂબ ચાહો છો ને ? “ હા, બેટા એમાં કોઈ શક છે ? આ રાજ અને આ દીકરી બે તો મને ખૂબ વહાલા છે.” “તો મારી ઈચ્છા પૂરી ન કરો, વલ્લભીપુરની રાજકુમારીની ઈચ્છા અધૂરી રહે એ કેમ ચાલે ?” “ દીકરી તારી અભિલાષા જણાવ હું ગમે તે ભોગે પૂરી કરીશ. માં અંબાભવાની ની કૃપાથી આપણી પાસે બધું જ છે.”

“ પિતાજી, મેં પ્રધાનપુત્રી ચંદ્રા પાસે સોનાની રત્નજડિત કાંસકી જોઈ છે ત્યારથી બેચેન થઈ ગઈ છું. મને જંપ વળતો નથી. મારે સોનાની કાંસકી જોઈએ છે.

“ બસ આટલી જ વાત! બેટા, તારાથી કાંઈ સોનાની કાસકી વધારે છે કાલે જ બનાવી મંગાવીશ.” રાજાએ કહ્યું.

“ પિતાજી પ્રધાનપુત્રી જે કાંસકી થી માથું હોળતી હતી એ જ મારે જોઈએ, બીજી નહિં.”  એના કરતાં સવાઈ કાંસકી તારા માટે બનાવડાવીશ એની કાંસકી રત્નજડિત હતી તો તારી કાંસકી હીરાજડિત હશે. “ ના મારે તો એ જ કાંસકી જોઈએ.” રાજકુમારીએ હઠ લીધી. બીજે દિવસે રાજા સ્વયં પ્રધાનના નિવાસસ્થાને પધાર્યા. પોતાની પુત્રીની હઠ જણાવી. પોતે એ કાંસકી માંગવા આવ્યો છે તે જણાવ્યું, અને બદલામાં જે કિંમત જોઈએ તે માગી લેવા જણાવ્યું.

ચાલાક કાકુ શેઠ સમજી ગયો દીકરી ગફલત ખાઈ ગઈ છે. કાંસકીની દિવ્યતાનો ભેદ રાજકુમારી પામી ગઈ છે. નહિં તો આવી હઠ ન પકડે. એણે હસતા હસતા કહ્યું. “ અન્નદાતા, મારે મન આપની વિનંતી દુનિયાના મોટામાં મોટા ખજાના કરતા કીમતી છે. એક તો શું પણ સેંકડો આવી સોનાની કાંસકીઓ આપના ચરણોમાં સમર્પિત કરી દેવા તૈયાર છું. પણ…… “ પણ શું?”  રાજા અધીરો બની પૂછવા લાગ્યો. એને પોતાની શંકા સાચી લાગી.   “મારી દીકરી એ કાંસકી કોઈપણ ભોગે આપવાની ના પાડે છે. કાલે જ વાતવાતમાં એણે મને કહ્યું હતું કે આ કાંસકી તો મને મારા જીવ કરતાં પણ વધારે વહાલી છે. મારી પુત્રી નું મન કેવી રીતે તોડું?”

“ ભલે, પ્રધાનજી, તમારી મરજી.” કહી રાજા નિરાશવદને વિદાય થયો. રાજા મુંઝવણમાં પડ્યો. જે વસ્તુ માંગવાથી ન મળે તેને છીનવી લેવાનો વિચારતો આવે. પરંતુ તો પછી રાજા અને ડાકુ માં શું ફરક? પોતે વલ્લભીપુર નરેશ છતાં દીકરી ની એક ઇચ્છા પૂરી ન કરી શકે. કેવી વિડંબના ! રાજધર્મ અને પિતૃધર્મ વચ્ચે એનું મન ઝોલા ખાવા લાગ્યું. “ બેટા, કાંસકીની હઠ છોડી દે. તારી જ સખીએ આપવાની ઘસીને ના પાડી દીધી છે.  હું જાતે કાંસકીની ભિક્ષા માંગવા ગયો હતો. પરંતુ એણે મને ખાલી હાથે પાછો કાઢ્યો. જિંદગીમાં એવાપણ પ્રસંગો આવે છે. જ્યારે રાજાને પણ લાચારી અનુભવવી પડે છે. ધોબીના કડવા વેણે રામ કેવી લાચારી અનુભવતા હશે એ મને અત્યારે સમજાય છે.”

“ પિતાજી, એ પ્રધાન અને એની પુત્રીની આટલી બધી હિંમત ? તમને ધરાર ઈનકાર કરી દીધો. હવે તો હું એ કાંસકી વડે વાળ હોળીશ ત્યારે જ અન્ન ને જળ ગ્રહણ કરીશ. આ મારી અટલ પ્રતિજ્ઞા છે.”

“બેટા, આવી આકરી પ્રતિજ્ઞા ન લેવાય. આવું  ત્રાગું કરીશ તો મોટો અનર્થ સર્જાશે. નીતિશાસ્ત્ર કહે છે કે, રાજા ઊઠીને પ્રજાની મિલકત છીનવી લેશે તો એ રાજ્ય ટકી શકશે નહિં. તારી આવી ભીષણ પ્રતિજ્ઞા થી આપણા સમૃદ્ધિવાન રાજ્યને અન્યાય અને બરબાદીનું ગ્રહણ લાગશે. મારું માન. બેટા, તારી બાળહઠ છોડી દે. રાજપરિવારના સભ્યોએ તો વખત આવ્યે મહાન ત્યાગનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.” અત્યારે રાજકુમારી સારાસારનો વિચાર કરવામાં કે બીજી કોઈ વાતનો વિચાર કરવાની પરિસ્થિતિમાં ન હતી. એનો અહમ્ ઘવાયો હતો. એક નહિં, બે-બે વાર. હવે એ ચંદ્રા પર છંછેડાયેલી નાગણ ની માફક ગુસ્સે થઈ હતી.

“પિતાજી ક્ષત્રિય જ્યારે હારજીતના, સુખ-દુઃખના, ન્યાયનીતિના ત્રાજવામાં પ્રાણ તોલવા બેસશે ત્યારે એ ક્ષત્રિય ક્ષત્રિય મટી જઇ વૈશ્ય બની જશે. એનાથી રાજ્ય નહિં થઈ શકે. આપની છાયા માં પાલીશહેરનો એક મામૂલી મારવાડી દોરી-લોટો લઇને આવ્યો અને આજે કરોડપતિ બની ગયો. શું એ આદમી આપની સામે ઘમંડ કરવાની લાયક છે. સમર્થ છે? લાયકાત સમર્થને મળે છે. અસમર્થ ને વળી લાયકાત શાની ? રાજનીતિ કહે છે કે, જે વાતોથી નથી માનતો તેના માટે રાજાએ કઠોર દંડ આપવા કટિબદ્ધ બનવું જોઈએ.

“ બેટી, સરસ્વતી. બળનો પ્રયોગ કરીશ તો કાંસકી અવશ્ય મળશે. પરંતુ મારી કીર્તિ પર કાલિમા છવાઈ જશે. ધર્મરાજની માફક મારા પુણ્યનો રવ ધરાશાયી બનશે. ખેર, ભાવિને કોણ મિથ્યા કરી શકે?

 રાજા શિલાદિત્યે કમને સિપાહીઓ મોકલ્યા. કાકુને કેદ કરી લીધો અને કાંસકી મેળવી. થોડા દિવસો પસાર થયા એક દિવસે રાજાએ તેના બંધનો છોડાવી તેને મુક્ત કરતાં કહ્યું , ” કાકુ તું મારો જીગરી દોસ્ત બની ગયો હતો. આપણા બદન જુદા હતા. આત્મા એક હતો એવી આપણી મૈત્રી ને તે ઠોકર મારી, તે મને મજબૂર કર્યો એક મામૂલી કાંસકી માટે આવો સંઘર્ષ. કાકુ તને યાદ નહિં હોય પરંતુ મેં જે નગર રક્ષા માટે દિવ્ય અશ્વ નો ભેદ તને કહ્યો છે એ ભેદ જાણનાર વ્યક્તિ રાજા થી સહેજ વિરુદ્ધ જાય તો નગરના હિતમાં એનો શિરચ્છેદ કરવાનો મને અધિકાર છે. પરંતુ હું એનો ઉપયોગ કરવા માંગતો નથી.”

“ અન્નદાતા, ‘ સમરથ કો દોષ નહિં ગોસાઈ.” આપ રાજા છો ચાહે તે કરી શકો છો.”  એના અવાજમાં ઢીલાશ હતી. “ મહારાજ, મારો દાણોપાણી આ નગરમાં પૂરો થઈ ગયો છે. જોઈએ તો મારું સર્વ ધન લઈ લો પરંતુ મને અને મારા કુટુંબને અમારે વતન જવાની રજા આપો.

“ભલે કાકુ, તારું મન ન માનતું હોય તો સુખેથી તારી બધી જ માલમિલકત લઈને ખુશીથી જઈ શકે છે. હું જુલ્મી નથી. તને શિક્ષા કરીને આડકતરી રીતે તો મેં મને જ શિક્ષા કરી છે.”

“ મહારાજ, અવિનય થાય તો ક્ષમા કરો પરંતુ કાકુ શેઠને એમના વતન સુધી ક્ષેમકુશળ પહોંચાડવા એક નાનકડું સૈનિક દળ પણ મોકલવામાં આવે તો……..”સેનાપતિ આદિત્યદેવે મંત્રણા ગૃહમાં પ્રવેશ કરતાં કહ્યું.

“ પરંતુ મહારાજ, એનાથી પ્રજામાં મારા વિશે ખોટી માન્યતા ફેલાશે.” કાકુ તરત બોલ્યો.

“ ભલે, તમે જે રીતે જવા માંગો તે રીતે જોઈ શકો છો,” રાજા બોલ્યા.

 કાકુના ગયા પછી સેનાપતિ આદિત્ય દેવે કહ્યું મહારાજ પ્રધાન જેવા આ રાજના જાણભેદુને આમ રેઢો ન મુકાય. એ કદી દગો દે તો ?

“આદિત્ય, કાકુ હવે આ તરફ જ નહિં ભાળે. એને એનો કુટુંબ કબીલો વ્હાલો છે કે નહિં ? પોતાનું સઘળું ધન લઈને, પોતાના પરિવાર સાથે, મોટા રસાલા સાથે, જેમાં ભાડૂતી માણસો જ હતા. કાકુ મારવાડ તરફ, પાલી શહેર માં જવા માટે ઉપડી ગયો.

----------------2----------------------

 એક વિશાળ સરોવર કાંઠે, યવનો ની સેના ડેરા-તંબુ નાખીને પડી હતી. ભારતના સમૃદ્ધ રાજયો તેમનું નિશાન હતા. નાના મોટા રાજ્યો આપસમાં કુસંપથી લડી-ઝઘડીને પોતાની શક્તિ ખુવાર કરતા હતા. તે વખતે આ દેશના રાજાઓને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત દેશ એક છે. અને આપણે તેના રક્ષક છીએ એવી ભાવના જ જાગી ન હતી. અલબત્ત સાધુસંતો તો દક્ષિણથી ઉત્તર અને ઉત્તરેથી દક્ષિણ વિના રોકટોક વિચરણ કરતા હતા. યવનોએ જોયું કે, એક મોટો રસાલો ત્યાંથી પસાર થઈ રહ્યો છે. તેઓના નેતાએ રસાલા ના આગેવાન ની મુલાકાત લીધી.

“ ભાઈ, તમે કોણ છો ? ક્યાંથી આવો છો ? ક્યાં જઇ રહ્યા છો ?” કાકુ શેઠે કહ્યું, “ હું મારવાડના પાલી શહેરનો વતની છું. ધંધો રોજગાર અર્થે સૌરાષ્ટ્રના વલ્લભીપુરમાં વસવાટ કર્યો હતો. હવે પાછો વતનમાં જઈ રહ્યો છું. ભાઈ ની શાદી પણ છે.”

“ અચ્છા બહુત ખુશી કી બાત હૈ, ક્યા તુમ આજ યહીં મુકામ કર સકતે હો, હમે ઇસ દેશકી બાતે અચ્છી લગતી હૈ, તુમસે સુનેંગે.”  કાકુ શેઠ રાત્રે ત્યાં રોકાઈ ગયા. ભવ્ય ભોજન સમારંભ ગોઠવાયો. રાત્રે નાચગાનનો જલસો ગોઠવાયો રૂપરૂપના અંબાર સમી  નાઝનીનોના મદભર્યા ન્રુત્યથી કાકુનું  હૈયું હચમચી ઊઠયું.

“ ગુલબદન, શેઠ કા ખ્યાલ રખના.” કાકુ શેઠ ગુલબદનના પ્રેમમાં પરોવાઈ ગયા. રાત પૂરી થઈ. “ શેઠ આપની યાદ મને હંમેશા સતાવતી રહેશે.” ગુલબદને શેઠે ભેટમાં આપેલી નાણાની કોથળી લેતા કહ્યું. કાકુ શેઠ પણ બોલ્યા, “ગુલબદન,  તું પણ મને યાદ રહી જઈશ. ધનની પાછળ પાગલ બનેલો કાકુ ઘણા વર્ષે તારી પાસેથી પ્રેમના પિયુષ મેળવી શક્યો.”

 “ શેઠ તમે લોકો આટલો પ્યાર અમને આપો તો આ ગુલામીનો રંજ ન રહે પરંતુ મોટાભાગના અમીરો તો કેરીનો રસ ચૂસીને ગોટ્લો ફેંકી દે તેમ અમને હડસેલો મારી, અમે ધુત્કારવા જેવી ચીજ હોય તેમ નફરત ભરી નિગાહોંથી જોઈને ચાલવા માંડે છે.” યવનરાજે કાકુ પાસેથી વલ્લભીપુર વિશે ઘણી જાણકારી મેળવી. અનુભવી કાકુ આ દરમિયાન ક્યાંય મદહોશ થયો ન હતો. એણે એવી કોઈ માહિતી આપી નહીં કે જેથી વલ્લભીપુર ને હાનિ પહોંચે. વિદાય થતાં કાકો શેઠ અને યવનરાજ એકબીજાને ગાઢ મૈત્રીના વચન આપ્યા.

 આજે રાજા શિલાદિત્ય નો હર્ષ માતો ન હતો અત્યાર સુધી એને રાજ્યના વારસની ચિંતા સતાવતી હતી. બાવન ચૌટાવાળું આ સમૃદ્ધ શહેર અને વલ્લભીપુરનુ સમગ્ર રાજ્ય મારા મૃત્યુ પછી કોને સોંપીશ? એ વિચારે એનો જીવ કપાઈ જતો. એ વારંવાર પોતાના કુળદેવને યાદ કરતો. એક યોગીએ રાજા ને ખુશ થઈને કહ્યું હતું, “ રાજન પ્રતીક્ષાના ફળ મીઠા હોય છે. તારા વંશનો ભાવિ મહા ઉજ્જવળ છે. નિરાશાને ખંખેરી નાખ. રાજા ઉત્સાહ માં આવી ગયો. એક દિવસ એણે પોતાની રાણી પુષ્પાવતી ના મુખે જ સાંભળ્યું કે, ‘ તેને ગર્ભ રહ્યો છે.’ ત્યારે તો એની ખુશીનો પાર ન રહ્યો. જાણે એ ગગનમાં ઉડતો ન હોય એવો એને ભાસ થવા લાગ્યો.

‘ સંતકૃપા બડી કૃપા હૈ, કિસી બિરલે કો હી યહ પ્રાપ્ત હોતી હૈ.’

રાજાને યોગીના સત્સંગ વેળા ના વચનો યાદ આવ્યા. સાધુ-સંતો પર રાજાનો અનુરાગ દ્વિગુણિત થઈ ગયો. સાંજનો સમય છે. અહલાદક પવન વહી રહ્યો છે. સૂર્ય અસ્ત થયો નથી. પરંતુ એના કિરણો સમેટાઇ ગયા છે. નગરના કિલ્લાના દ્વાર ખુલ્યા, અંદરથી એક રથ નીકળ્યો, જેમાં રાજા શિલાદિત્ય અને રાણી પુષ્પાવતી બિરાજેલા હતા રાજરથ ની આગળ ચાર ભાલાધારી , પ્રચંડ દેહયષ્ટિ ધરાવતા ઘોડેસવારો અને એવા જ પાછળ ચાર ઘોડેસવારો હતા. માંડ એક માઈલ આગળ વધ્યા હશે ત્યાં તો એમને સુંદર શ્વેત હૃષ્ટપુષ્ટ ગાયોનું ઝુંડ જોવા મળ્યું. પાછળ સાધુઓ ની જમાત ચાલી આવતી હતી. સાધુઓની જમાતની મધ્યમાં એક શણગારેલો હાથી હતો. એ હાથી પરની અંબાડીમાં એક સુંદર યોગી બેઠો હતો. ‘જય ભોલેનાથ’, ’અલખ નિરંજન’ સાધુઓ ગર્જતા હતા. રાજાએ રથ થોભાવ્યો. આ જોઈ યોગીરાજે હાથી રોક્યો.

“ યોગીરાજ, આપ ક્યાં જઇ રહ્યા છો ?” રાજાએ વિનયથી પૂછ્યું.

“ અમે વલ્લભીપુરના રસ્તે થઈ રામપુર જઈ રહ્યા છીએ.” રામપુર વલ્લભીપુર ના રસ્તે, ત્યાંથી આગળ આશરે દશ-બાર માઈલ દૂર એક નાનકડું ગામ હતું. જ્યાં આ જમાતને રોકાવાની કશી જ સગવડ ન હતી.

“ મહારાજ, રામપુર શા માટે મારી નગરીને આપ પાવન કરો.”

“ રાજન અમે સાધુ, એકાંત અમારો સાથી. તમારી નગરીમાં અમને અમારી સાધના કરવા જેવી એકાંત જગ્યા ક્યાંથી મળે ? હિમાલયમાં વસેલા એકાંતસેવી સાધુઓને વસ્તીમાં ના ફાવે.” યોગીરાજ બોલ્યા, એમની આંખોમાં અનોખી ચમક હતી. “મહારાજ, મારી નગરીની ચારે દિશાઓમાં મોટા મોટા ઉદ્યાનો છે. આપને જ્યાં અનુકૂળ પડે ત્યાં મુકામ કરવાની વ્યવસ્થા કરી દઈશ પરંતુ આપ મારી નગરીમાં પધારો.”

“ જુઓ રાજન, તમે જો તમને તમારી નગરીમાં રોકાવાનો આગ્રહ કરતા હો તો સરોવર પાસે માતા અંબાભવાનીના મંદિરના પ્રાંગણમાં વ્યવસ્થા કરી આપો તો અમે અવશ્ય રોકાઈએ. આ જગ્યાએ જ અમે અમારી સાધના કરી શકીએ. બાકી બીજે બધે સંસારી માયાની હવા હોય.”

 શિલાદિત્ય ને આ વાત સ્વીકારવામાં કશો જ વાંધો ન લાગ્યો. ‘ જો મારા સ્થાનને અને સૂર્યકુંડને પવિત્ર કરવામાં આવશે રાજન તારી સાધના નિષ્ફળ જશે. તને મળેલો દિવ્ય અશ્વ ગાયબ થઈ જશે’ એવી ચેતવણી યાદ આવી. પરંતુ જે સાધુઓ સ્વયં પવિત્ર હોય છે. એમનાથી શું અપવિત્ર થવાનું છે ? આમ માની રાજાએ તુરંત સાધુઓની જમાત સાથે પાછા ફરી તમામ વ્યવસ્થા કરી આપી. આ રમણીય સ્થળની કાયમ માટે ચોકી કરનાર ટુકડીનો નાયક શાર્દુલસિંહ સાધુઓની જમાત ને જોઈને નારાજ થયો. એ ગાયો ગણવા લાગ્યો.  સાધુઓ ગણવા લાગ્યો રાજાનો સાધુઓ પ્રત્યે ગાંડો પ્રેમ જોઇને એ બોલ્યો. આ દુનિયામાં ભોળપણ એ કમજોરી છે. મારી જવાબદારી વધી ગઈ છે. આ બધા ઘઉં છે કે કાંકરા છે કે પછી ઘઉંમાં કોઈ કાંકરો છે. મારે એનું ધ્યાન રાખવું પડશે.”

 રાણી પુષ્પાવતી આનંદસાગરમાં હિલોળૅતી  હતી. તેના દિવસો હર્ષમાં પસાર થઈ રહ્યા હતા. એની સમગ્ર દિનચર્યા આનંદમય હતી. હવે તો રાણીને રાત્રિના સમયે રૂડા રૂડા સપના આવવા લાગ્યા.

 હસતા હસતા એ સપનાઓ રાણી રાજાને જણાવતી. રાજા શિલાદિત્ય સમજી ગયો કે આવનાર બાળક ચક્રવર્તી બનશે. એક દિવસ એ રાણીએ મનોકામના વ્યક્ત કરી કે માં અંબાભવાની એ મને આદેશ આપ્યો છે કે તારે મારી યાત્રાએ આવવું. રાજાએ એ માટે જરૂરી વ્યવસ્થા કરી. રાણી પુષ્પાવતી અંબાભવાનીની યાત્રાએ ઉપડી. રાણીની રક્ષા અને સેવા અર્થે સૈનિકોની એક ટુકડી જોડે રાખવામાં આવી. રાજા શિલાદિત્ય ભાવિના મધુર સપનાઓમાં ખોવાઈ ગયો. વિધાતાની મહેરબાનીને કૃતજ્ઞતાથી સ્વીકારીને નિંદ્રાદેવી ને આધીન થયો. બરાબર આ જ સમયે પાલી શહેરમાં કાકુ મારવાડી રાત્રિના અંધકારમાં પોતાના પલંગમાં પાછા ઘસી રહ્યો હતો. એના હૈયામાં વેર નો અગ્નિ સળગી રહ્યો હતો. જ્યારથી કાંસકી છીનવાઈ ગઈ હતી. ત્યારથી પુત્રીના આંખનું નૂર ઊડી ગયું હતું. ચહેરા પરનું હાસ્ય વિલાઇ ગયું હતું. આવી જ એક રાતે, એને યાદ આવ્યું, પુત્રીની મનોવેદનાના મુકસાક્ષી બની રહેવું કાકુને માટે અસહ્ય થઈ પડ્યું. પોતાની કાયરતા માટે ભારોભાર નફરત જાગી. આવા જીવન કરતાં તો મોત રૂડું. આત્માને શાંતિ કેવી રીતે મળે ? રાજા શિલાદિત્ય મરે અને વલ્લભીપુર નો વિનાશ થાય તોજ પોતાના વેરની તૃપ્તિ થાય. આ વિચારે તે કંપ્યો. શીલાદિત્યના ઘમંડ ને ચૂર કરવો હવે અનિવાર્ય હતું. એ અંધારી રાતે જ ઉઠ્યો. એણે પેલું દિવ્ય દર્પણ લીધું. કારણકે ગુલબદન એને યાદ આવી આ દર્પણ  પામી એ એટલી ખુશ થશે ? નિત્યક્રમથી પરવારી વહેલી સવારે ઘોડો દોડાવી મૂક્યો

 “કાકુ શેઠ તુમ આ ગયે?”  યવન રાજખુશ થઈને સામે દોડી આવ્યા.

“ હું વેપાર અર્થે અહીંથી જઈ રહ્યો હતો. આપના રસાલાને જોઇને મને થયું, લાવો મુલાકાત કરીએ.” ખંધા કાકોશેઠે જવાબ આપ્યો.

“ અચ્છા, અચ્છા, તુમ ઠહેર જાઓ, હમારી મહેમાન નવાજી સ્વીકાર કર, દો દિન કે બાદ ચલે જાના.

“ગુલબદન, મહેમાન કા ખ્યાલ રખો, યહ આદમી બડે કામકી ચીજ હૈ.” યવનરાજે ગુલબદનને કાકુશેઠની તહેનાતમાં મોકલતા કહ્યું.

 ગુલબદન આવી, એને જોઈને કાકુ શેઠ ખુશ થઈ ગયા. મોહબ્બતભરી વાતોમાં, શરાબની પ્યાલીઓ સાકીને હાથે ગટગટાવતા કાકુ મદહોશ બની ગયો. “ ગુલબદન, તુમ કો મૈં એક એસી ચીજ દેને આયા હું, જો તુમ્હારે લિયે કીમતી હૈ” કાકુ બોલ્યા. ગુલબદનને નવાઈ લાગી. ” કોનસી ચીજ હૈ?”

“ ગુલબદન, મૈં વહ દર્પણ તુજે દુંગા, જિસમેં તુમ હરરોજ અપના મુખડા દેખોગી તો કભી બુઢ્ઢી નહીં લગોગી.”  અને પેલું દિવ્ય દર્પણ કાકુએ ગુલબદન ને આપી દીધું. “ કાકુ શેઠ, મને એ નથી સમજાતું કે, વલ્લભીપુર ઘણા વખત આક્રમણ કરવા છતાં વારંવાર અમને નિષ્ફળતા જ મળતી રહે છે. તમારો રાજા શિલાદિત્ય રણમાં આવે કે, અમારી સેનાનો કચ્ચરઘાણ વળી જાય છે.” યવનરાજે પૂછયું.

“ આપને એ નહિં સમજાય, રાણા શિલાદિત્ય સદાચારી અને તપસ્વી છે. એનાપર દેવોની મહેરબાની છે.”

 “ ભારતના બીજા રાજાઓ પર કેમ દેવોની મહેરબાની નથી? ”

 “એ હું નથી જાણતો. કદાચ આપનો સવાલજ આપનો જવાબ હોઈ શકે. પરંતુ રાજા શિલાદિત્ય ની વાત હું જાણું છું.” કાકુ બોલ્યો. ચાલાક યવનરાજ સમજી ગયો કે, રાજા શિલાદિત્યની શક્તિનો કોઈક ભેદ કાકુ અવશ્ય જાણે છે.

 “ગુલબદન, તું કાકુ ને ભરપુર પ્યાર કર, એ એની નબળાઈ છે. એના મનમાં જરુર કોઈ દર્દ છે. એ દર્દને તું ઉપસાવ અને પછી એની પાસેથી રાજા શિલાદિત્યની દિવ્ય શક્તિનો ભેદ જાણી લઈએ. ગુલબદને કાકુશેઠને પ્યારના સાગરમાં ડુબાડી દીધો. મેનકા અને વિશ્વામિત્રની કહાણી ફરી સર્જાઇ. “ ગુલબદન, તારો યવનરાજ લાખ કોશિશ કરે તોપણ વલ્લભીપુર એનાથી નહિં જીતાય. એ જીતાશે તો મારી સલાહથી જ. જો એ મને પ્રધાન બનાવવા રાજી હોય તો હું એને એક લાખ ટકા અને એક મોટો ભેદ બતાવવા તૈયાર છું.” ગુલબદને વનરાજને આ વાત કહી, યવનરાજે કાકુની શરત સ્વીકારી. વલ્લભીપુરની સમૃદ્ધિની વાતોથી યવનરાજની દાઢ સળકી હતી. અને કાકુએ યુક્તિ બતાવી.

 પહેલા તમારા રસાલામાંથી એક સાધુની જમાત તૈયાર કરો…. અને….. પછી એક આખી યોજના બતાવી.

 રાજાએ આપેલી વિશાળ જગ્યામાં, સાધુની જમાત દિવસો પસાર કરે છે. એક દિવસે શાર્દુલસિંહ ત્રાડુક્યો, “ તમારી જમાતની ગાયોમાંથી પાંચ ગાયો ક્યાં ગઈ? “

 આ વાત સાધુઓએ પોતાના વડાને કરી. રાત્રિના સમયે શાર્દુલસિંહને ગળું દબાવી ખતમ કરી દીધો. “ મહારાજ, હમ અબ યહાં નહીં ઠહરેંગે, શાર્દુલસિંહ જૈસા ઈમાનદાર આદમી ચલા ગયા, ઉસકી યાદમેં હમ હમારી સાધના મેં કુછ નહીં કરપાતે.”

 અને સાધુઓની જમાત આવી હતી તેવી ચાલી ગઈ. દૂર દૂર નીકળી ગયા પછી સાધુઓની જમાતે ‘અલ્લા-હો-અકબર’ નો પોકાર કર્યો. અબ ફતહ હમારી હૈ, સૂર્યકુંડ કો હમને અપવિત્ર કર દિયા હૈ, અબ કૈસે શિલાદિત્ય દિવ્ય અશ્વ પર બેઠેગા ?”  યોગીરાજ કે જે યવનરાજનો સેનાપતિ હતો તે ગરવાંધ બનીને બોલી ઉઠ્યો. વલ્લભીપુરના જાસૂસે જોયુંકે, એક વિશાળ સેના સરહદ તરફ આગળ વધી રહી છે. એની જોડે રાજ્યના જુના દિવાન કાકુ શેઠ છે. એણે પવનવેગી અશ્વો પર બે સાથીઓને રાજધાની તરફ રવાના કર્યા.

“મહારાજ, યવનરાજની સેના આપણી સરહદ તરફ આવી રહી છે. એ સેના સાથે કાકુ શેઠ પણ છે. એમનો ઈરાદો આપણીપર આક્રમણ કરવાનો હોય એમ લાગે છે. શિલાદિત્ય ચોંક્યો, આનંદભંગ થયો, એને ગુસ્સો ચડ્યો.

“ આવવા દો, એ બેવફાને, ખતમ થઇ જશેએ આક્રમણખોરો.” સૈન્યની તૈયારી અને વ્યૂહરચના તાત્કાલિક ગોઠવાઈ ગયાં. “ સેનાપતિ આદિત્ય, વિશ્વાસ રાખ, દુશ્મનો હારી જવાના. સેનાપતિ આદિત્યદેવ મહારાજનો શ્રદ્ધાભર્યો રણકાર સાંભળીને સ્વસ્થ થયો. રાતનો અંતિમ પ્રહર ચાલતો હતો. રાજાએ મા અંબાભવાનીની પૂજા કરી. મનમાં ધ્યાન ધરી, યાદ કરવા લાગ્યો.

‘ હે અંબાભવાનીમાં, આજે ફરી દુશ્મનો વિનાકારણે આક્રમણ કરવા તત્પર બન્યા છે. તારી કૃપાનો પ્રસાદ આ નગરપર વરસાવ.’

 પછી સૂર્યકુંડ આગળ જઈ, દિવ્ય અશ્વ માટે આરાધના કરી. પરંતુ પુષ્કળ કોશિશ કરવા છતાં કોઈ અશ્વ સૂર્યકુંડ માંથી બહાર આવ્યો નહીં, રાજા નિરાશ થઈ ગયો. એક ગેબી અવાજ આવ્યો. “રાજા શિલાદિત્ય, તે સાધુઓની જમાતને આશરો આપ્યો પરંતુ ખરેખર એ શત્રુઓની જમાત હતી. પાંચ પાંચ ગાયોના હાડમાંસથી સૂર્યકુંડ અપવિત્ર બન્યો છે. હવે એ દિવ્ય અશ્વ નહીં આવે. તું તારી રાણીની રક્ષાનો પ્રબંધ કર. મારું તારા વંશ માટે અભય છે. એટલે જ આ સંદેશો તને આપવા રોકાઈ છું.”

 જો ધર્મની રક્ષા આપણે કરીએ તો ધર્મ આપણી રક્ષા કરે. પોતે ગાફેલ રહ્યો એનું ફળ તો ભોગવવું જ રહ્યું. રાજા શિલાદિત્યને, કાકુ શેઠને દિવ્ય અશ્વનો ભેદ કહેવા બદલ અપાર પસ્તાવો થયો. “ કોઈ વાંધો નહીં. હું રાજપુત છું. સામનો તો કરવો જ, સામનો કરીશ, નમીશ નહીં. આ યુદ્ધમાં શત્રુની વિશાળ સેના જોતા પોતાની હાર થાય તો ?  હવે એ કંપી ઊઠ્યો. પ્રિય રાણી પુષ્પાવતી યાદ આવી. વિદાયવેળાનું એનું મુખડું યાદ આવ્યું. એ વખતે બંનેમાંથી કોઈને પણ ખ્યાલ સુદ્ધાં ન હતો કે, હવે ફરી કદી મેળાપ થવાનો નથી. બેહદ રંજ થયો.

“ આદિત્યદેવ, મારા પ્રિય સેનાપતિ, માં અંબાભવાનીની કૃપાનો પ્રસાદ હવે આ નગરને મળ્યો નથી. તારા જેવા મહાયોદ્ધા માટે કેવળ રણમાં રહી ખતમ થવાનું ભાવિ નથી. હું તને જરાયે કાયર સમજતો નથી. પરંતુ સમયની માંગ સમજી જા. રાજકુમારી સરસ્વતી સાથે મહેલના છુપા રસ્તે જલ્દીથી ચાલ્યો જા. માં અંબાભવાનીની યાત્રાએથી પાછા ફરતી રાણીને ત્યાંજ રોકી રાખ. જા, દુશ્મનદ્ળથી દૂર પહોંચીજા.”

 રાજાએ પોતાના વિશ્વાસુ સેનાપતિને આદેશ આપ્યો. બીજે દિવસે વલ્લભીપુરની સેનાનો સેનાપતિ હતો રાજા શિલાદિત્ય. ઘોર સંગ્રામ થયો સંખ્યાની દ્રષ્ટિએ યવનસેના વિશાળ હતી. રાજા શિલાદિત્યે લડતા લડતા એક તીર પેલા યોગીરાજ ઉર્ફે યવન સેનાપતિની છાતીમાં પરોવી દીધું. યવનસેનામાં સોપો પડી ગયો. યવનરાજ યમરાજ શો બની ગયો. એણે ઘોર સંગ્રામ કરવાનો આદેશ આપ્યો. એક કમનસીબ પળે યવનરાજનો એક ભાલો રાજા શિલાદિત્યની છાતીમાં પરોવાઇ ગયો. તે હણાયો. વલ્લભીપુર હવે વનરાજને આંખના કણાની માફક ખુંચવા લાગ્યું.

“કત્લેઆમ ચલાવો, નગરમાં બધાંને લૂટી લો, લોહીની નદીઓ વહવો, જે સામનો કરે એના ટુકડેટુકડા કરી નાખો. આ નગરને લાશો થી ભરી દો.” કારમી કત્લેઆમ ચલાવી. જે નગરના પ્રધાન બની ફરીથી વૈભવમાં આળોટવાના પોતે સ્વપ્નાં સેવતો હતો એ નગરની આ દશા!  કાકુ શેઠ સફાળો દોડતો આવ્યો. “યવનરાજ આ શું? શિલાદિત્ય માર્યો ગયો. હવે શા માટે આટલો કોપ? ”

“ કાકુ, તારા રાજાને તું વફાદાર ન નીવડ્યો. મને તું શું વફાદાર રહેવાનો છે? સિપાહી, આ બેવફાને સજા કરો. એની ગરદન ઉડાવી દો.” એજ પળે ગુલબદન ઠમકતી ચાલે, માદક નેત્રો લડાવતી, ઝેરીલું હસતી હસતી પ્રવેશી. “ યહ કુરબાની ભી જરૂરી હૈ, અબ યહ ઇન્સાન નિકમ્મા હો ગયા.” બોલી કાકુ સામે જોયું. નેત્રપલ્લવી રચાઈ અને એ જ પળે કાકુનું મસ્તક યવનસિપાહીની સમશેરના ઘાએ ધડથી જુદું પડી ગયું. દિવસે પણ જ્યાં સૂર્યના કિરણો પહોંચી ન શકે એવા ગીચ જંગલમાંથી બે ઘોડેસવાર પસાર થઇ રહ્યા હતા. બંનેના મુખમ્લાન થઈ ગયા હતા. પ્રથમ ઘોડેસવાર હતો વલ્લભીપુરના રાજા શિલાદિત્ય નો વિશ્વાસુ સેનાપતિ આદિત્ય. બીજા ઘોડાપર રાજાની માનીતી દીકરી સરસ્વતી સવાર થઈ હતી. એમને ખબર પડી ગઈ હતી કે, યવનરાજ સાથેના યુદ્ધમાં શિલાદિત્ય હણાયા હતા. નગર કત્લેઆમની આંધિમાં સપડાયુ હતું. અને યવનરાજ દ્વારા કાકુનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.

સેનાપતિ આદિત્ય રાણી પુષ્પાવતી પાસે પહોંચી ગયો. હકીકત કહી. રાણી અને રસાલાને જંગલની ગીચ ઝાડીમાં દોરી ગયો. થોડા દિવસે ગીચ ઝાડીમાં, આવેલી એક ગુફામાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. ભગવાન સવિતાનારાયણ ગગનમાં પધાર્યા. સપ્તઘોડાની બગીમાં બિરાજમાન ભગવાન ભાસ્કરની શોભા અનેરી હતી. તે વખતે ઉષાકાળની શીતળતા માણતો માણતો સેનાપતિ આદિત્ય પસાર થતો હતો.

 “કમળાવતી. આ એક જ વાત મારા હાથની નથી. માં અંબાભવાની તને સપનું આપે છે કે, તારા ખોળામાં તેજસ્વી બાળ રમે છે પરંતુ મારું જ્યોતિષ સ્પષ્ટ કહે છે કે, આપણે મા-બાપ નહીં બની શકીએ. હું તો ઈચ્છું છું કે, મારી વિધા અફળ જાય પરંતુ એ અશક્ય છે.” પરિચિત અવાજ સાંભળી આદિત્ય ચોંક્યો. આ તો કપિલદેવ જ્યોતિષાચાર્ય. મહારાજના માનીતા અને વડનગરના પ્રખ્યાત કર્મકાંડી બ્રાહ્મણ.

“નમસ્તે ભૂદેવ. આમ કહી સેનાપતિ આદિત્યે બે હાથ જોડ્યા.

“ ઓહ..હો…! આદિત્યદેવ, તમે અહીં ક્યાંથી? મહારાજ તો કુશળ છે ને?”

“ ભૂદેવ. અનર્થ થઇ ગયો છે. કાકુ અને મહારાજ વચ્ચે વિખવાદ થયો. કાકુ યવનરાજને તેડી લાવ્યો. મહારાજ હણાયા અને રાણી પુષ્પાવતી થોડે દૂર જંગલમાં એક ગુફામાં કુંવરને જન્મ આપી આરામ કરી રહ્યા છે.” “ શું કહો છો? ચાલો, ત્યારે મારે રાણીબા પાસે આવવું જ પડશે.” કમળાવતી બોલી. કાફલો ગુફા પાસે પહોંચ્યો.

“ રાણીબા!  વિધાતાએ ગજબ કર્યો. કમળાવતી આંખમાં આંસુ લાવી બોલી.

“ બહેન, કમળાવતી, રાજપૂતાણીના જીવનમાં આવા પ્રસંગો અનિવાર્યપણે આવતા જ હોય છે. અમારે માટે કશું જ નવું નથી. પરંતુ મહારાજ દેવગતિ પામ્યા અને હું હજુ પણ દેહમાં પ્રાણ ધારણ કરી રહી છું. એ મારા માટે કમનસીબી છે. હું તો સમાચાર મળતાં જ પ્રાણ ત્યાગત પરંતુ ભાવિબાળની ચિંતાએ મને રોકી રાખી. જો બહેન! પેલા ભવની લેણદેણ હશે તો મારી ખરી ઘડીએ તું આવી પહોંચી છે. તું મને મદદ કરે તો અબઘડી સતી થાવું છે. મારો પ્રાણ સ્વર્ગમાં  મહારાજને મળવા આતુર છે. બાળકને જન્મ આપ્યા પછી હવે તો પળનો યે વિલંબ થઈ રહ્યો છે.”

 આ સાંભળી રાજ્ય જ્યોતિષી કપિલદેવની આંખો પણ ભીની થઈ ગઈ. “ મહારાણીબા, વિશ્વને રાજપૂતાણીએ કર્તવ્યના માર્ગે પોતાને મિટાવી દેવાની પ્રેરણા આપી છે. અમે કેવી રીતે આપના માર્ગમાં બાધક બનીએ? હું ભરોસો આપું છું કે, રાજકુમારનું લાલન-પાલન અમે જીવના ભોગે કરીશું.”

 કમળાવતી પણ સમજી ગઈ કે, રાણીને સત ચડ્યું છે. હવે જીવનની કોઈપણ માયા માં એ ફસાશે નહીં. પુત્ર માટે પણ રોકાશે નહીં.

“ માં, તમે જે કહેશો એ કરવા તૈયાર છું. અમારા પરિવાર પર આપના અગણિત ઉપકાર છે. આપના ઋણમાંથી મુક્ત થવાનો અવસર સાંપડ્યો છે તો અમે પણ પાછા નહીં પડીએ.”

“ જો બહેન, માણસ માણસમાં ફેર છે. ક્યાં કાકુએ કાંસકી માટે કાળ આણ્યો અને ક્યાં તમે મારા બાળને ઉછેરવા તૈયાર થયા. આ બાળકુંવરની તારે માં બનવાનું છે. એને ભણવાનો ગણાવવાનો છે. સંસ્કૃત પણ ભણાવજો. હોંશિયાર કરજો. પણ હા, એનું લગ્ન તો રાજપુતાણી સાથે જ કરજો. મારા કુંવરને મારી ખોટ સાલવા દઈશ નહીં. આટલું તારી પાસે માંગુ છું.” તરત જ ચિતા ખડકાઇ. રાણી સતી થઈ. આદિત્ય અને સરસ્વતી રસાલાને લઈને દૂર દૂરના પ્રદેશમાં ગુમનામીનો પડદો ઓઢીને ઉતરી ગયા. કદાચ બંનેએ પ્રભુતામાં પગલા માંડીને બાકીનું જીવન પૂરું કરી દીધું. સરસ્વતીએ પેલી કાંસકી ચિતામાં નાખી દીધી હતી. જતા પહેલાં આદિત્યદેવે વડનગરના પંથે પડતા ભૂદેવ અને કમળાવતીને ધન સોંપતા કહ્યું હતું. “ ભૂદેવ, આ ધન, દોલત લઈ જાઓ. અમે તો ફરી કાંડાના બળે કોઈ રાજ્યમાં સ્થિર થઈશું. આટલુંયે અમારા બાળરાજાના કામમાં આવશે તો અમે ધન્ય બનીશું.”

 ઘણી રકઝકના અંતે ભૂદેવે આ વાત માની. ધનની તો તેઓને પણ ક્યાં કમી હતી?  ભૂદેવ ઘોડા પર જતા આદિત્યદેવના રસાલાને નિહાળતા જ રહ્યા હતા. કેવો વફાદાર યુવાન!

“ ભાગ્યવતી, આ બાળકનું નામ શું પાડવું?”  સાંભળતાવેંત કમળાવતી બોલી. “ રૂપરૂપના અંબાર જેવા બાળકનું નામ બહુ સારું પાડીશું તો નજર લાગશે. એનો જન્મ ગુફામાં થયો હતો માટે ‘ગોહો’ એવું પાડીશું.

 ગોહો  વડનગરના બ્રાહ્મણ દંપતીને ઘેર મોટો થવા લાગ્યો. એને ઇડરના ભીલો સાથે દોસ્તી બંધાઇ. ભીલોને એણે બંધુની માફક અપનાવ્યા, ચાહ્યા એમને સુધાર્યા.

     સમયના વહેણ સાથે ગોહો એક આદર્શ યુવક તરીકે એ પંથકમાં પંકાયો. ઇડરનો ભીલ સરદાર એને ખૂબ ચાહતો. ઇડરનો ભીલ રાજા નિ:સંતાન મરણ પામ્યો. સૌની નજર આ યુવાનપર ઠરી. ભીલ સરદારે પોતાનો અંગૂઠો કાપી ગોહાને રાજતિલક કર્યું. ગોહો હવે ‘ગુહાદિત્ય’ બન્યો. ઇડરનો રાજવી બન્યો.

 આ પ્રસંગે ભૂદેવ,કમળાવતી અને આદિત્યદેવ તથા સરસ્વતીને અનહદ આનંદ થયો. આ ગુહાદિત્યના વંશજો ‘ગુહિલોત’ અથવા ‘ઘેલોટ’ એ નામની સૂર્યવંશની શાખાના રાજપુતો તરીકે આગળ જતા ઓળખાયા.

 

to be continued......