Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 4

ગેહલોત વંશીય- મેવાડનો પ્રથમ રાજવી બાપ્પાદિત્ય

બાપ્પાદિત્ય ચિત્તોડમાં

વાડે ચીભડાં ગળ્યા

        ઇડરનો રાજવી નાગાદિત્ય પોતાને બડભાગી માનતો હતો. હરદેવ જ્યોતિષાચાર્યે એમના કુંવર બાપ્પાનું ભવિષ્ય ભાખ્યું હતુંકે, આ કુંવર મહાપરાક્રમી રાજા થશે. એની વીરતાની ગાથાઓ ઈતિહાસમાં સુવર્ર્ણાક્ષરે લખાશે. પોતાના પુત્રના આવા ઉજ્જવળ ભાવિની વાત સાંભળી કયા પિતાની છાતી ગજ-ગજ ના ફૂલે? નાગાદિત્ય પોતે બહાદુર અને ન્યાયી રાજા હતો. દુશ્મનો માટે યમરાજ જેવો પણ પ્રજા માટે પિતા સમાન હતો. એનો નિષ્પક્ષ ન્યાય સર્વત્ર વખણાતો.

રાજ્યની મોટાભાગની વસતી ભીલોની હતી. એ જાણતો હતો કે પોતાના પ્રતાપી પૂર્વજ તેજસ્વી યુવાન ગુહાદિત્યને એમની કુશળતા જોઈ તે વખતના ભીલ રાજા જે નિ:સંતાન હતા. તે માંડળિકે રાજ્ય સોંપ્યું હતું. આજે આઠ આઠ પેઢી વીતી ગઈ. ભીલો તન,મનથી ઇડરના રાજાને વફાદાર રહ્યા હતા. ” મહારાજ, મારા પુત્રના લગ્નમાં પધારશો?”  ધર્મપાલ બોલ્યો. “ અવશ્ય, તમારે ત્યાં આવો સુઅવસર હોય તો મારે આવવું જ જોઈએ. તમારી વાફાદારી પર તો ઇડરનું રાજ્ય ચાલે છે.” “ મહારાજ, એ તો આપની મહાનતા છે. બાકી ગુહેલોત વંશ જેવો દેવાંશી વંશ આ મુલકને આબાદ કરી રહ્યો છે તે અમારા ઓછા સદભાગ્યની વાત નથી. આજુબાજુના પડોશી રાજ્યોમાં ખુનામરકી, લૂંટ, ગાદી માટે રક્તપાત, જુલ્મ આ બધું ચાલતું હોય ત્યારે આજે આઠ આઠ પેઢીથી અમો સુખ શાંતિથી જીવી રહ્યા છીએ. એ પ્રતાપ આપનો જ છે ને!” ધર્મપાલે કહ્યું.

ધર્મપાલ રાજ્યના મુખ્ય સરદારોમાનો એક હતો. રાજ્યના ભીલ કબીલાનો એ વડો હતો. પુરાપર્વથી એના વડવાઓને જ્યારે જ્યારે રાજતિલક થાય ત્યારે સૌપ્રથમ તિલક કરવાનું સૌભાગ્ય મળતું. વર્તમાન રાજવી નાગાદિત્યને  પરંપરા મુજબ ધર્મપાલેજ પોતાની કટારી વડે આંગળી પર ઘા કરી રાજતિલક કર્યું હતું. કરણ અને શૈલા ભીલ સરદાર ધર્મપાલના પુત્ર અને પુત્રવધુને રાજા, રાણીએ આશીર્વાદ આપ્યા. રાણીએ શૈલાના હાથમાં રત્નજડિત વીંટી પહેરાવી. રાજાએ કરણને પાંચ ગામની જાગીર બક્ષી. સમયનું ચક્ર ફરે છે. જગતમાં બધું જ પરિવર્તનશીલ છે. તડકો-છાયો, રાત-દિવસ, પ્રકાશ-અંધકાર, શાંતિ-અશાંતિ વારાફરતી આવ્યા જ કરે છે.

ઇડર રાજ્યની શાંતિ, પ્રગતિ અને આબાદી એના હિત શત્રુઓને ખૂંચતી હતી. દરબારના બધા સરદારો લાચિંયા હોય ત્યાં એક વફાદાર સરદારની દશા કફોડી કફોડી થાય. તેમ ઇડર રાજ્યની દશા થઈ. એની આબાદી પર દુશ્મનો ની નજર લાગી ગઈ. દુશ્મનો સારી પેઠે જાણતા હતાકે જ્યાંસુધી ઇડર નો રાજવી નાગાદિત્ય છે. ત્યાં સુધી જીતની આશા વ્યર્થ છે. અને સામી છાતીએ ઇડરની સેનાને હરાવવી એક ધોળે દહાડે તારા ગણવા બરાબર છે. જ્યાં બળ ના ચાલે ત્યાં કળથી કામ લેવું હે ચાણક્ય નીતિ છે. ઈતિહાસમાં કાયમ આપણે જોઈએ છીએ કે ,જ્યાં જ્યાં ભીષ્મ અર્જુનથી ના મારે ત્યાં ત્યાં શિખંડીને આગળ કરવામાં આવે છે. બે વર્ષનું વહાણું વાઇ ચૂકયું હતું. રાજકુમાર બાપ્પા હવે રાજમહેલમાં દોડતો થઇ ગયો હતો. રાજા અને રાણી પોતાને પરમ સુખી માનતા હતા.

 કેટલાક ભીલ યુવાનોને ધર્મની વાતો સાંભળાવવાને બહાને ધર્મગુરુઓના, સાધુઓના વેશ લઈને આવેલા કપટીઓએ એક વાત ગળે ઉતારી દીધી કે, ઇડરનું રાજ્ય તો મૂળ તમારું, તમારા વડવા પાસેથી હાલના રાજાના પૂર્વજોએ પચાવી પાડ્યું છે. તમે ધારો તો આ રાજ્યના માલિક તમે બની શકો એમ છો. પછી દરેક અસંતોષી યુવાનને શાસનની થોડીઘણી વાતો વિકૃતરૂપે કહી સંભળાવી. તમારે માથા વધેરાવી, બલિદાનો આપવાના અને સુખની શૈયામાં બીકણ લોકો સુવે છે. આજકાલ રાજા દરબારમાં મહાજનનું કેટલું બધું માને છે?  તમારા કોઈ યુવાને ભૂલ કરી હોય એની સજા કરવાને મહાજન જ સલાહ આપે? મહત્વકાંક્ષી ભીલ યુવાનો, જે કુછંદે ચડ્યા હતા. જેઓને શાસન તરફથી નાની-મોટી સજાઓ થઈ હતી તેઓ આવી વાતોથી રાજ્યપલટો  કરવાની મહત્વકાંક્ષા સેવવા લાગ્યા. યુવાનો તો રાજ્યનું હૃદય છે. શરીર ગમે તેટલું બળવાન હોય પણ હૃદય નબળું પડે એટલે મોત જ આવે. રાજ્યપલટો આણવો પણ રકતપાત નિવારવો એવી નીતિ ઘડવામાં આવી. પણ યુવાનોની દરેક ચાલ નિષ્ફળ જવા લાગી. તેઓ ખૂબ અધીરા બની ગયા. હવે શું કરવું જેથી રાજા નાગાદિત્યનો નાશ થાય. કલયુગ ઘણો પ્રયત્ન કરે છે પણ ધર્મશીલ રાજા પરીક્ષિત જ્યાંસુધી ધર્મને માર્ગે છે ત્યાં સુધી એને પ્રવેશ મળતો નથી.

“ મહારાજ, મને થોડા દિવસની રજા આપશો? પિતાજી ને મળવા જવાનો વિચાર છે.” અંગરક્ષક કરણે ઇડરનરેશને વિનંતી કરી. વૃદ્ધ ધર્મપાલ હવે રાજાએ બક્ષેલા પાંચ ગામની જાગીરમાં નિવૃત્ત જીવન ગાળતા હતા. પ્રકૃતિની ગોદમાં, ખેતી કરીને રામનામ લેવા જેવો જીવનની સંધ્યાએ બીજો કયો આનંદ હોઈ શકે?

ધનિયાનો પતિ રોજરાત્રે બહાર ચાલ્યો જતો અને મળસ્કે પાછો આવતો. હમણાં હમણાં તે ધનીયાને વારંવાર કહેતો, ”ધનિય, બસ થોડા દહાડામાં, આ ઘરની, તારી અને મારી સિકલ બદલાઈ જશે. મારું એક કામ સફળ થઈ જાય પછી તું રાણીને હું રાજા.” ધનિયા પતિની વાત કૌતુકથી સાંભળી રહેતી. એના મનમાં કુતુહલ જાગતું કે, એનો પતિ આખી રાત ક્યાં જતો હશે? એનું એવું તે કયું કામ સફળ થશે કે, એ રાતોરાત માલામાલ થઈ જશે? એણે પતિના વર્તન અને વાત પર ઘણો વિચાર કરે કર્યો. પણ કોઈ તાગ ન મળ્યો. સામે પુછાય એમ તો હતું જ નહીં. પૂછે તો કોને પૂછે? મનમાં જાગેલું કુતુહલ શમે નહીં ત્યાં સુધી ચેન ચોરાઈ ગયું. છેવટે એણે આ વાત પોતાની બહેનપણી શૈલાને કરી અને એની પાસેથી જવાબ મેળવવાની કોશિશ કરી. શૈલા ચાલાક હતી. વાત સાંભળતા સાંભળતા એ ચમકી ગઈ હતી. પણ એ ચમક એણે કળાવા દીધી નહીં. વાતને બીજે વળાંક આપતા એ બોલી. “ ધનિયા, પેલી કહેવત તેં સાંભળી છે ને?  ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. તારો પતિ ભગવાનનું તપ કરતો હશે અને એની સફળતા ની વેળા આવી પહોંચી હશે એટલે એમ કહેતો હશે.”

ધનિયાનું કુતુહલ શમી ગયું પણ શૈલાનું કુતૂહલ જાગ્યું. એના પતિ તો બહારગામ હતો. નક્કી રાજપરિવાર વિરુદ્ધ કોઈ ષડ્યંત્ર રચાઈ રહ્યું હોય એવી આશંકા તેને જાગી. એ જમાનામાં રાજપલટા, રક્તપાત અને મૃત્યુ રાજપરિવાર માટે લટકતી તલવાર જેવા હતા. સદાય મોતના ઓથાર નીચે જીવવાનું રાજપરિવાર શીખેલો હતો. દુલ્હન જેમ પતિગૃહ જતી વેળા આનંદ અનુભવે તેમ મૃત્યુને આનંદથી ભેટતા. રાજપરિવારનો નાનામાં નાનો બાળ પણ ગળથૂથીમાંથી જ શીખતો. શૈલાને રાણી, રાજકુમાર અને રાજાનું સ્મરણ થયું. કેટલો પ્રેમ એમણે વરસાવ્યો હતો! આવા પ્રેમાળ રાજા, રાણી અને રાજકુમાર માટે પ્રાણ પાથરવા પડે તો પણ એ પાથરી દેવામાં ધન્યતા અનુભવવા શૈલા તૈયાર થઈ ગઈ. કાજળઘેરી કાળી રાત્રિ હતી. સામે ઊભેલી વ્યક્તિને પણ જોઈ ન શકાય એવો અંધકાર સર્વત્ર વ્યાપી ગયો હતો. શૈલા પુરુષવેશ ધારણ કરી અરણ્યના રસ્તે ઝાડની ઓથે સંતાઇ ગઇ. દૂરથી એક આકૃતિ આવી રહી હતી. નિર્ભયતાથી ગીત ગણગણતો ધનિયા નો પતિનો અવાજ સાંભળી શૈલા સાવધ બની ગઈ. તે તેની પાછળ દબાતે પગલે ચાલવા લાગી. રાત અંધારી ઘોર હતી. પરંતુ જંગલ પરિચિત હતું. જંગલની ભીલ પ્રજાને પગમાં આંખો હોય છે. જેથી રાત્રિના અંધકારમાં પણ એ નિર્ભયતાથી વિચરી શકે છે. ખૂબ ચાલ્યા પછી પેલો યુવક એકમંદિરની સામે આવેલા ઘેઘૂર ઘટાવાળા વડ નીચે ટોળે મળીને બેઠેલા યુવાનોમાં સામેલ થઈ ગયો. અને શૈલા પાસેના ઝાડની ઓથે રહીને એ લોકોની વાતો સાંભળવાનો પ્રયત્ન કરવા લાગી. પરંતુ યુવાનો ખૂબ જ ધીમેથી વાતો કરતા હતા. બીજા યુવાનો કોણ હતાં એ તેનાથી કળી શકાયું નહીં. મંત્રણા પૂરી થઈ ગઈ. અચાનક મશાલ સળગી. સૌ યુવાનો કિકિયારી પાડતા, નાચવા, કૂદવા લાગ્યા. શૈલા પાછી હટી, દૂર સંતાઈ ગઈ.

એણે જોયું કે, આ ટોળામાં રાજાનો એક ખાસ અંગરક્ષક જોરાવરસિંહ પણ સામેલ હતો. જોરાવરસિંહ એક કદાવર ભીલ હતો એની વિરતાની આખા પંથકમાં ધાક હતી. ત્રુટક ત્રુટક અવાજો ઉપરથી શૈલા અનુમાન કરી શકી કે, આ યુવાનોએ રાજપલટાના બદલામા એને સેનાપતિ બનાવવાની લાલચ આપી હતી. વિખરાતી વેળા હર્ષના આવેશમાં યુવાનોએ ‘નમસ્તે સેનાપતિજી’ કહી વિદાય આપી. હવે તો વાત દીવા જેવી ચોખ્ખી થઈ ગઈ. આ એક જ કડી હાથમાં આવતા શૈલાને પોતાનો પરિશ્રમ સફળ લાગ્યો. ઘરે આવીને તે સુઈ ગઈ.

----------------------------------------2-------------------------------------------

 મલયાનિલ બાગમાંથી સુષમિત થઈ રાજમહેલના ઝરુખે બેઠેલા પિતાપુત્રને આનંદ આનંદ આવી રહ્યો હતો. પરંતુ આજે રાજાને બેચેની લાગતી હતી. શરીરને શિથિલતાએ ઘેરી લીધું હતું. તેથી રાજવી ખૂબ જ સ્થૂળ બની ગયા હતા. અચાનક એક અંગરક્ષકે આવીને નમન કર્યા.

“ મહારાજ, આજે તો આપણે શિકારે જવાનું છે.”

“ જોરાવર, મને લાગે છે કે, આજે શિકારે જવાનું માંડી વાળીએ. આમેયે કરણ નથી એટલે મઝા નહીં આવે. “ મહારાજ, મેં ખૂબજ પરિશ્રમ ઉઠાવીને સંપૂર્ણ તૈયારી કરી છે અને હવે આપ જો ના પાડશો તો સર્વને નિરાશા થશે..” રાજા નાગાદિત્ય વિચારમાં પડ્યો. કરણને કહેલી વાત યાદ આવી.

“ મહારાજ, મારી ગેરહાજરીમાં આપ કોઈનોયે ભરોસો રાખશો નહીં. દુશ્મન રાજાઓના માણસો આપણા યુવાનોને બહેકાવી રહ્યાની ખબર મળતી રહે છે. શિકારે તો જતાં જ નહીં. મને આજકાલ થોડી ગરબડ થાય એવું લાગ્યા કરે છે. “ના, જોરાવર, ફરી કોઈવાર શિકારનો કાર્યક્રમ ગોઠવીશું. આજે તો રહેવા દે.” “ મહારાજ, વફાદારીનો ઈજારો શું એકલા કરણેજ લીધો છે. અરે ઇડર નો એકએક ભીલ આપના માટે ધર્મપાલ છે, કરણ છે. પછી જેવી આપની ઈચ્છા.” જોરાવરસિંહ આંમ બોલી ઊભો રહ્યો.

“ ભલે, ચાલો.”  મીતભાષી રાજવી તૈયાર થઈ ગયો.

 તબડક….. તબડક….. તબડક ઘોડાઓના ધબલાગા અવાજથી જંગલ ગાજી ઉઠ્યું. આવતાં-જતાં વનવાસીઓ મહારાજને શિકારે જતાં જોઈ અહોભાવથી બે હાથ  જોડી વંદન કરતા અને પછી પોતાને રસ્તે ચાલ્યા જતા. દૂર દૂર જંગલમાં ખૂબ ઊંડે જયાં દિવસે પણ સૂર્યનો પ્રકાશ ન પહોંચે એવા સ્થળે રાજા નાગાદિત્ય આવી પહોંચ્યો. અચાનક એક સિંહ તેની સામે ધસ્યો. રાજા સાવધ જ હતો. પળવારમાં એણે ધનુષની પ્રત્યંચા જોરથી ખેંચી, આક્રમણ કરવા ધસતા સિંહના સીનામાં તીર પરોવી દીધું. આજાનબાહુ રાજવીનું તીર સિંહના સીનામાં ઊંડે સુધી ખુંપી ગયું. સિંહ પડ્યો પરંતુ રાજાને પોતાના સાથીદારોની ઉદાસીનતા અને નિષ્ક્રિયતા ખૂંચવા લાગી. થોડીવાર વિશ્રામ લઈ મંડળી આગળ ચાલી. રાજા વિચારમાં પડ્યો. આજે કરણ સિવાય પણ એના ચાર સાથીદારો ન હતા. અર્જુનદેવ ચૌહાણ, રામપાળ સોલંકી, અભયરાજ પરમાર અને પદ્મસેન ઘેલોટ, આ ચારે મહારથીઓ રાજાને ઘણા પ્રિય હતા. રસ્તામાં જ રાજાએ જ્યારે જોરાવરસિંહને આ વિષે પૂછ્યું ત્યારે એણે જવાબ આપ્યો કે, “ સેનાપતિજીએ એમને અગત્યના કામે મોકલ્યા છે એટલે મેં મારા બીજા થોડા સાથીઓને તૈયાર કર્યા. શંકાનો કીડો સળવળ્યો પણ પાછો શમી ગયો. આજે રાજાએ જાતેજ એક નહીં પરંતુ ત્રણ ત્રણ સિંહ ના શિકાર કર્યા.

 થાકેલો ઇડરનરેશ એક ઘેઘૂર વડલા નીચે, મંદિરની સામે આરામ કરવા બેઠો. બાજુમાં ખડ્ગ મૂકી સૂતો. એને ગાઢનિંદ્રા આવી ગઈ. જોરાવરસિંહ એના સાથીઓ સાથે થોડે દૂર ટોળી જમાવીને વાતો કરતો હતો. અચાનક, જંગલમાં ચારેબાજુ વિચિત્ર અવાજ થવા લાગ્યા. “ સાવધાન સાથીઓ, સમય આવી પહોંચ્યો છે. આ ઘડી ચૂકશો તો ફરી કદી ફાવશો નહીં.”

 સર્વે તલવાર કાઢી વ્યુહાકારે ઊંઘમાં સૂતેલા રાજા નાગાદિત્યની ચારે બાજુ ઉભા થઇ ગયા. વિધિની કેવી વક્રતા અંગરક્ષકો જ  અંગભક્ષકો બની ગયા. જોરાવરસિંહે અચાનક સૂતેલા રાજાની છાતીમાં તલવારની અણી ઉતારી તેવી જ એક કટારી કોણ જાણે ક્યાંથી આવી અને જોરાવરના કાળજામાં ભોંકાઇ અને ઓ…..હ કરતો ગબડી પડ્યો. રાજા સફાળો આંખ ખોલી, વેદનાથી કરાહતો, તલવારની અણી કાઢી ફર્યો અને જોરાવરની ગરદન કાપી નાખી. પરંતુ બીજા અંગરક્ષકોએ રાજાને ત્યાં જ ખતમ કરી દીધો. પળવારમાં જંગલ ભીલોથી ઉભરાઈ ગયું. બધાં યુવાનો નાચવા કૂદવા લાગ્યા.

 આ બાજુ રાજધાનીમાં બળવો થઈ ચૂક્યો હતો, સેનાપતિ અને રાજાના વફાદારો માર્યા ગયા પરંતુ તે પહેલાં શૈલાએ મહારાણી અને રાજકુંવર બાપ્પાને રાજમહેલના છૂપા માર્ગે ભગાડી મૂક્યા હતા. અચાનક આવેલી કટાર બહાદુર શૈલાની હતી. આમ, વાડ જ ચીભડાં ગળે પછી થાય શું?

to be continued ......