Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 119 અને 120

(૧૧૯) મહારાણા પ્રતાપ : ઉત્તમ શાસક

 

         શ્રીમદ્‍ ભગવદ્‍ગીતાના ૧૮ મા અધ્યાયના ૪૩ માં શ્ર્લોકમાં ક્ષત્રિયના સાત સ્વભાવજન્ય ગુણો અર્જુનને ભગવને ગણાવ્યા છે. એમાં શાસનનું પ્રભુત્વ એ અગત્યનો ગુણ છે. એક્વીસ એક્વીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામે આખરે પૃથ્વીનું શાસન એક ક્ષત્રિયને જ સોંપ્યું.

         મહારાણા પ્રતાપ ઉત્તમ શાસક હતા. ઇ.સ. ૧૫૭૨ થી ઇ.સ.૧૫૮૪ સુધીનો, અત્યારસુધીનો સમય કેવળ યુદ્ધોમાં જ વીત્યો હતો.

         ઇ.સ. ૧૫૮૫ માં રાજપૂતાનાના છેક ઉંડાણમાં આવેલા ચાવંડને રાજધાની ઘોષિત કરવામાં આવી. મહારાણા સરદારોમાં, સૈનિકોમાં, પ્રજામાં લોકપ્રિય હતા. વષો સુધી અનેક વેળા શાહીફોજ, મેવાડનો ખૂણેખૂણો ફફોળી વળી છતાં મહારાણા પ્રતાપ કે એમના પરિવારનો એકપણ સભ્ય પકડાયો નહીં એ શું સુચવે છે? અરવલ્લીમાં વસતા રાજપૂતો અને ભીલો, હરપળે પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર થતા.

         મહારાણા પ્રતાપે પ્રતાપગઢ જેવા સમૃદ્ધ નગરોની સ્થાપના કરી હતી.

         શાસન પ્રબંધ અનેક વિભાગોમાં વહેંચી નાંખવામાં આવ્યો. દરેક વિભાગનો વિભાગીય વડો અધિકારી નીમવામાં આવ્યો.

         હવે, ચાવંડ સંસ્કૃતિનું કેન્દ્ર બની ગયું.

         બધાનો અનુભવ એવો હતો કે, ઉદયપુર, ગોગુન્દા અને કોમલમેર કરતાંયે ચાવંડ એ વધુ સુરક્ષિત સ્થળે આવેલી રાજધાની હતી. રાજ્ય વહીવટમાં પાટવીકુંવર અમરસિંહને પલોટવા માંડ્યો, સ્વયં મહારાણાજીએ એમને શાસન વ્યવસ્થા અને સૈન્ય-સંચાલનમાં માહિર બનાવ્યો.

         મહારાણાએ એક આગવી ચિત્રકળાને વિકસાવી. ચિત્રકળાનો તો સ્વયં મહારાણાને શોખ હતો. તેઓએ રાજસ્થાની ચિત્રશૈલીમાંથી ચાવંડ ચિત્રશૈલી વિકસાવી.

         મહારાણા પ્રતાપ સાહિત્યના રસિક મર્મજ્ઞ હતા. કવિ, સાહિત્યકાર અને સ્થાપત્યના પોષક હતા. સાહિત્યક્ષેત્રે પદ્મની ચરિત્ર, દુરશા આહડા, વિશ્વવલ્લભ, રાજ્યાભિષેક પદ્ધતિ, મુર્હુતમાલા, ગોરાબાદલ ચરિત્ર વગેરે કૃતિઓ આ સમયે રચાઈ.

         ચાવંડમાં મહેલો, મંદિરો બાંધીને મહારાણાએ શિલ્પકળાને પ્રોત્સાહન આપ્યું.

         મહારાણાજીએ વિશ્વાસુ અને પડખે રહેનાર સાથીઓ અથવા તેમના વારસોને જમીનજાગીર આપી ખેતીને ઉત્તેજન આપ્યું.

         પર્વતીય તળેટીમાં ચામુડાંદેવીનું ભવ્ય મંદિર બનાવડાવ્યું.

         આ સમયે મેવાડનો ગાઢ સંબંધ દક્ષિણ-પશ્ચિમ તટવર્શી પ્રદેશો સાથે હોય એવું ચિત્રકળાના રેખાંકનો પરથી જણાઈ આવે છે. રક્ષણની દ્રષ્ટિએ કિલ્લા અને મહેલોનું બાંધકામ કરાવ્યું. હવે સુપ્રબંધ એવો હતો કે, સ્ત્રીઓ અને બાળકો વિના બીકે સર્વત્ર ફરી શક્તા. સ્વયં મહારાણા પણ વિના વાંકે કોઇને દંડ ન કરી શકે એવું પ્રબળ શાસન-તંત્ર ગોઠવાઈ ગયું હતું.

         ચાવંડનું શાસન ઇ.સ.૧૫૮૫ થી ઇ.સ. ૧૫૯૭ સુધી, મહારાણાના અંતિમ શ્વાસ સુધી સુવ્યવસ્થિત ચાલ્યું. જો મહારાણાના જીવનમાં આ શાંતિકાળ આવ્યો ન હોત તો એમના જીવનનું મહત્વપૂર્ણ પાસુ ઉત્તમ શાસકના ગુણોથી રાજપૂતાના વંચિત રહી જાત.

         એમના સમયમાંજ ચાવંડ, જાવર, ઉમેશ્વર અને બદરાનાના પ્રસિદ્ધ મંદિરો બંધાવ્યા.

         મહારાણા પ્રતાપ સિંહનું જીવન સામાન્ય માનવીનું જીવન ન હતું. જાતે અનુભવેલા કપરા જીવનના કારણે સામાન્ય માનવીના જીવનની મુશ્કેલીઓ શી કોઇ શકે તેનાથી પરિચિત હતા. ભીલોનો સુંદર સહકાર સાંપડવાનું કારણ તેઓનું સૌજન્ય અને ભીલોની દેશભક્તિ જ હતું.

   

 (૧૨૦) અલખનો યોગી

 

         ઇ.સ. ૧૫૯૭ ની સાલ હતી. અકબરશાહે અને મહારાણા પ્રતાપે વનપ્રવેશ કરી લીધો હતો. બાદશાહ લાહોરમાં હતો. મહારાણા પ્રતાપસિંહે રાજપૂતાનાના મેવાડના પ્રદેશના ૩૨ કિલ્લા જીતી લીધા હતા. બંનેએ એક બીજાના અસ્તિત્વને સ્વીકારી લીધું હતું.

         મેવાડની ધરતીપર એક સાધુપુરૂષ ચાલ્યો જતો હતો. કીર્તિમાન પૂર્વજોના કલંકિત પુત્રોના કુકૃત્યોની જેવી અમાવાસ્યાની અંધારી કાળીરાત્રિ હતી. જાણે કાળરાત્રિ. સાધુપુરૂષ પરિચિત ધરતીપર આવા વખતે બેધડક ચાલ્યો જાય છે. એના મનનો રથ પણ ચાલુ જ છે. એના પગ ધરતીને પિછાણે છે.

         મારૂં જીવન એક ઇતિહાસ બની ગયું. કેટકેટલા ઉતાર-ચઢાવ એમાં આવી ગયા. જીવનનાં સીધાં ચઢાણ મારા પ્રારબ્ધે લખાયા જ ન હતા. સમતલ ધરતીપર ચાલવાનું સરળ છે પરંતુ ખીણમાંથી પહાડીની ટોચપર જતાં ઉંચાનીચા કપરાં ચઢાણો આકરા છે. બાળપણ ભોળપણમાં, વિલાસી પિતા સાથે કદી મન મેળ નહિ. માં જયવંતીદેવીની પ્રખર તેજસ્વિતાનો વારસો અમે બે સેહાદરોએ જાળવ્યો હતો. ચોમાસામાં માઝા મુક્તી, બે કાંઠે વહેતી નદીની માફક ઉદ્રામ, ઉદંડ કિશોરજીવન, ગમે તેની સાથે ઝઘડી પડવાની મનોવૃત્તિ, પિતાજીની આ કારણે મેળવેલી નફરત, નફરતની સામે નફરત ટકરાઈ. પરિણામે પિતાજીના પ્રેમના બે બોલ પણ હું જીવનમાં પામી ન શક્યો કે ન આપી શક્યો. મારા જીવનમાં, કદાચ આ તબક્કો આવ્યો ન હોત તો હું વિદ્રોહી બન્યો ન હોત. વટવૃક્ષની છાયા મોટાભાઈએ આપી. પ્રેમ આપ્યો. એવા મહાન મોટાભાઈ મેવાડપતિ બન્યા. એની તૃપ્તિનો ઘૂંટ, પીધો ન પીધો ત્યાં અભિમાને એમની સાથે જ સંઘર્ષ, પછીની  કલંકકથા, શું એ પણ મારા જીવનમાં યાદ રાખવા જેવો કાળ છે? મોટાભાઈની ક્ષમાં રંગમંચપર જીવનનો ત્રીજો અંક અનામી ભટકતા યોગીના સ્વરૂપમાં છેલ્લા વીસ વર્ષથી હું મને શોધવાને ભટકી રહ્યો છું. હું અંતર્મુખ બનીને મને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મેં છોડ્યું. કંઈક પામવાને. હું મનની શાંતિ તો અવશ્ય પામ્યો છું. સાચું સુખ પોતાના અસ્તિત્વના સ્મારકો રચવામાં નથી. પોતાની જાતને ઓગાળવામાં છે. પોતાની જાતને વધુ પડતું મહત્વ આપવામાં તો મેં દેવતુલ્ય મોટાભાઈની છાયા અને પ્રેમ ગુમાવ્યા. હું ઇચ્છું કે, હું કોણ હતો એની વિસ્મૃતિ મને થઈ જાય. સાધુ ચાલ્યો જાય છે. એને દૂર દૂર જવુ છે. એને ઝંખના જાગી છે. ઝંખના જાગે એ સાધુ કહેવાય ખરો? પરંતુ મારે મારી સાધુતાથી ઇશ્વર મેળવવા નથી. મારે તો મારા મનને, મારી જાતિને સન્માર્ગે ચઢાવી નિર્મળ કરવું છે. જીવનમાં જો ફરીએ દિવ્ય જ્યોતિના દર્શન થઈ જાય તો તે પોતાની જાતને કૃતાર્થ માને.

         દર્શન તો એના દિલ્હીશ્વરને પણ દુર્લભ છે. દિલ્લીના બાદશાહ અકબરે કેટકેટલા ઉધામાત મચાવ્યા. પરંતુ એ દિવ્યજ્યોતિ એ પામી શક્યો નહિ. બાદશાહ બિચારો, જ્યોતિને કેદ કરવા નીકળ્યો છે. પરંતુ હવામાં બાચકાં ભરવાથી શું મળે?

         એ મહત્વકાંક્ષી બાદશાહેજ લાખોને દેશદ્રોહી બનાવ્યા. વૈભવની લાલચ અને દુશ્મનનો સહવાસ માનવીના ખમીરને ખત્મ કરી નાંખે છે. જે માણસ રાજસત્તાને વફાદાર હોય છે. એને વતનને વફાદાર રહેવું જોઇએ. જે રાજસત્તા વતનની વફાદારીને ઇન્કારે એની સેવા કરવામાં, નોકરી કરવામાં શું દેશદ્રોહ નથી? રાજા મહાન કે દેશ મહાન? રાજા તો વિદેશી હોઇ શકે, જન્મભૂમિ કદી વિદેશથી લાવી શક્યા? હું એ બદલાની ભાવનામાં આ બધું ભૂલી ગયો. મેં દેશદ્રોહ કર્યો. ભાઈઓ સામે શમશેર ઉઠાવી કોને માટે? સામ્રાજ્યવાદી બાદશાહની જીત માટે હું ગદ્દાર બન્યો.

         આ એક પાપ છે. આ પાપની સજા મોત કરતાં યે વધારે બિહામણી છે. એ મહાન આત્માએ તો “ભાઈ, તને માફી આપી”, એમ કહ્યું પરંતુ માત્ર કોરી “ક્ષમા” મેળવવાથી નહિ ચાલે.

         ભારતીય સંસ્કૃતિમાં દેશદ્રોહ માટે કોઇ પ્રાયશ્ચીત્ત નથી. મારે સ્વેચ્છાએ ધનથી અલગ રહી, સમ્માનથી દૂર રહી. માન અપમાનથી પર થઈ, હું પણાને ઓગાળી દેશભકિંતની ભાવનાને પ્રચાર કરવો એજ મારૂં એકમાત્ર કર્તવ્ય બની જાય છે. દેશ ભક્તિના વિચારો ફેલાવતા ફેલાવતા સંસારના લાખો માનવીઓની માફક જ્યાં દેહ પડે ત્યાં અગ્નિચિતામાં વિલીન થઈ જવું એજ હવે મારી અંતિમ આકાંક્ષા.

         એ અલખનો યોગી નદી-નદી, વન-વન, ગામેગામ, શહેરે શહેર ભટકતો ચાલ્યો જાય છે. એણે તુલસીદાસનો સત્સંગ કર્યો. એણે સૂરદાસનો સૂર સાંભળ્યો. એણે દૂરદૂરથી દિલ્હીમાં પોતાના સાથીઓને જોયા. દિલ્હીના ઠાઠમાં આળોટતા પોતાના જ્ઞાતિબંધુઓને જોયા. એણે બાદશાહે  અયોધ્યામાં રામનું નાનકડું મંદિર બંધાવતા અકબરને, રામસીતાના સિક્કા પડાવી શ્રધ્ધાના પિયુષ પાન કરતો શહેનશાહ જલાલુદિનના વરવા રૂપને જોયું.

         જીવનની અંતિમ પળોમાં, ઉદંડ, શરાબી પુત્રોની ચિંતામાં ગ્રસ્ત, મિત્રોવિહોણા શહેરશાહને પણ જોયો. એણે મહારાણા પ્રતાપની યશોગાથા ગાતા દિલ્હીના શૂરવીરોને જોયા.

         “મારે કીકારાણાને મળવું છે. કોઇતો એને પકડી લાવો. મારા સમયનો એ મહાન રાજપૂતવીર અને હું એને ન મળી શક્યો એવી ઇતિહાસમાં કરૂણતા! આવો વલોપાત કરતાં અકબરને પણ જોયો.

         યોગીના મનમાં આકાંક્ષા વધારે પ્રબળ બની પરંતુ મનનો સંયમી હતો. પાગલ ન બન્યો. એણે યાત્રા પોતાની ગતિએ ચાલુ રાખી.

         યોગી ચાલ્યો જ જાય છે. એના ચરણોમાં અણથક ઉત્સાહ છે. એના શરીરને વૃદ્ધાવસ્થા ભલે સ્પર્શી ગઈ હોય પરંતુ મન તો યૌવન-સભર હતું. જેના પ્રતિબિંબ એના ચરણોમાં દષ્ટિગોચર થતા હતા.

         આ સાધુ અનોખો છે. એ ભીખ માંગે છે પરંતુ અન્ન, વસ્ત્ર જેવી ભૌતિક વસ્તુઓની નહિ, એ માંગે છે ભારતની સ્ત્રીઓ પાસે, ભારતના વીરો પાસે, “માતૃભૂમિની આબરૂની રક્ષા માટે તમારા પ્રાણપ્રિય પુત્રોને, યુદ્ધમાં મોકલો, હું ભીખ માંગુ છું દેશ માટે, મારા માટે નહીં આજે દેશ આંર્તનાદ કરી રહ્યો છે. ભારતમાતાની લાજ રાખવા આજે ભગિનીઓ પોતાના પ્રિય બંધુઓને, પત્નીએ પોતાના પ્રિય પ્રાણનાથને, પિતા પોતાના પુત્રને કુરબાનીની રાહે ચઢાવો. તમે ધર્મની રક્ષા કરો, તમારી રક્ષા ધર્મ અવશ્ય કરશે. આપણે નહીં હોઇએ તોપણ દેશ રહેવાનો છે. પરંતુ ધર્મ નહીં હોય તો દેશ નથી રહેવાનો માટે વતન તથા ધર્મની રક્ષા માટે મને પ્રાણોની ભિક્ષા આપો.”

         “ભારતમાતાનું મસ્તક ઉન્નત રાખવા, બલિદાનનો પથ તમારી પ્રતિક્ષા કરી રહ્યો છે. યાદ રાખો, શરીરનો વધ થાય છે આત્મા મરતો નથી. ગીતા આપણને નિર્ભય થવાનું કહે છે. જે મોતથી ડરે, એનું વારંવાર મોત થાય છે.”

         સાધુની વાણી સૌને સ્પર્શી જાય છે.

         સાધુને એક અજબ અનુભવ થાય છે.

         એક દિવસે અજમેરમાં, દિલ્હીના મોગલ સેનાપતિ, ગુજરાતના સૂબા અબ્દુલ રહીમ ખાનખાનાને રસ્તા વચ્ચે દોડીને આ સાધુનું કાંડું પક્કી લીધું.

         “ચલો મેરે સાથ.” ખાને કહ્યું. બંનેની આંખો મળીને હસી પડ્યા પડાવે લઈ ગયા.

         “યોગી, દુનિયા ભલે તમને ન ઓળખે, હું તમને ઓળખી ગયો. તમે કુંવર...”

         ખાનસાહબ, પર્દા હી રહને દો, અબ ઉસકા કોઇ અર્થ નહીં હૈ”.

         “છતાં યે એ મારી નજરે ખુલી ગયો છે. દોસ્તીના નાતે હું વચન આપું છું કે, બીજા સમક્ષ એ નહિ ખૂલે.”

         બંનેના અંતર-કમાડ ખુલ્યા. મુક્તમને વીસ વર્ષના અનુભવોની આપ-લે કરી. એક મુસલમાન શાસકે એક હિંદુ યોગીને ભાવભરી વિદાય આપી.

         એ મુસલમાન શાસક કવિ પણ હતો. એ વીર તલવારનો કસબી તો હતો જ સાથે સાથે કલમનો પણ કસબી હતો.

         વીસ વર્ષમાં તો એવો કાયાકલ્પ થઈ ગયો કે, ઓળખી શક્તુ નથી યોગીને કે પૂર્વશ્રમમાં આ જ કોઇ રાજકુમાર હશે. એ જ્યાં ગયો ત્યાં મેવાડપતિ મહારાણા પ્રતાપની યશગાથા ગવાતી સાંભળી મન પુલકિત થઈ ગયું.

         યોગી હવે મેવાડની ધરતીપર પ્રવેશે છે. હૈયું ગદ્‍ગદ્‍ થઈ જાય છે. મા જયવંતીદેવી તો કિશોરવયમાં જ પોતાને છોડી સ્વર્ગે સિધાવ્યા હતા. આ યોગીએ ધરતીની રજમાં જ માં ના દર્શન કર્યા. પિતાએ નાની શી નાદાની માટે મૃત્યુ-દંડ આપ્યો પરંતુ સલુમ્બરધિપતિએ અપનાવી લીધો અને બચાવી લીધો. આજે જાણે એ માં ની ગોદ પામ્યો હોય એટલો તૃપ્ત થઈ ગયો.

         મેવાડના એકએક ગામમાં અહાલેક જગાવવાની આ યોગીની મુરાદ હતી. એણે જાગૃતિની જ્યોત જલાવવી શરૂ કરી એની વાણીમાં દર્દ હતું. એના શબ્દોમાં આત્મીયતા હતી. એના નયનોમાં અજબ ઉંડાણ હતું. એના પ્રકાંડ તેજસ્વી ચારિત્ર્યમાં મધ્યાહનકાળના સૂર્યની પ્રખર તેજસ્વિતા હતી. સૌ મંત્રમુગ્ધ થઈ આ યોગીને સાંભળતા. ગામના  વડીલો કહેતા, “જો થોડાક સાધુઓ આવા લગની વાળા હોય તો ધરતીપર સ્વર્ગ ઉતરી આવે.”

         પ્રવાસ કરતા યોગીના કાને મેવાડપતિની બિમારીના સમાચાર પડે છે. યોગીનું મન લાગણીથી ભરાઈ આવે છે.

         એ હવે ઝડપથી પંથ કાપે છે. એને એનાં બંધુના દર્શન કરવા છે. જે જ્યોતિએ એના જીવનનો રાહ પલટાયો એ દિવ્ય જ્યોતિના દર્શનનો તલસાટ વધી ગયો હતો.

         સાધુ જેટલી ઝડપે આગળ વધતો હતો એના કરતાં અનેક ગણી ઝડપે એની સાધુતા ફેલાતી હતી. ધૂપસળીની સુગંધની જેમ સાધુતાની સુગંધ પણ સર્વત્ર સર્વને આનંદ આપે છે. જન માનસ પૂજ્યભાવથી છલકાઈ રહ્યું હતું. સાધુના દર્શને જનતા ટોળે ટોળામાં, ગામેગામ ઉમટી રહી હતી. એની દિવ્ય વાણીને સાંભળવા પાગલ બની હતી. પરંતુ આ સાધુ તો મેવાડપતિના દર્શન માટે અધીરો બન્યો હતો. એ ચાલ્યોજ જાય છે. ચાલ્યોજ જાય છે. છતાં હજુ મંઝીલ તો દૂર હતી. વચ્ચે પ્રેમની દિવાલો એની ગતિને વધારી રહી હતી.