Featured Books
શ્રેણી
શેયર કરો

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 30

૩૦

તાત્કાલિક કસોટી

મહોબકરાજે, ગુર્જરેશ્વરનાં આતિથ્યસત્કાર માટે નૃત્ય યોજ્યું હતું. એટલું જ એ એમની કોઈ યુદ્ધમાં ભાગ ન લેવાની રાજનીતિ અંગેનું પણ હતું. માલવરાજ યશોવર્માં આવ્યા. એમણે સીધી મદદ માગી. સજ્જનદેવે જ ના પાડી. મહારાજ જયદેવ આવ્યા, મહોબકરાજની પ્રીતિભેટ થઇ. આતિથ્યસત્કાર લેખે એક ગજેન્દ્ર એમને ભેટ થતો હતો. આ ગજેન્દ્ર માટે જ મહારાજ આવ્યા હતા. 

આ પ્રમાણે રાજનીતિ તો સચવાઈ ગઈ. મહોબકરાજ નૃત્ય પૂરું થતાં જ ઊઠ્યા.સભા હડુડુ ઊભી થઇ ગઈ: ‘મહારાજ!’ તેમણે જયસિંહદેવને કહ્યું, આપણે બે પળ વિશ્વમ્ભગોષ્ઠિ કરીએ. પાછા કોણ જાણે ક્યારે મળીશું? કલિકાલમાં રસિકગોષ્ઠિ વિના બીજે મહારાજને ક્યાંય ચેન પડે ખરું?’

‘મહારાજ!’ જયસિંહદેવે કહ્યું, ‘તમને એક આ જગ્યા મળી ગઈ છે. તમારી પાછળ જમના વહે છે. આગળ વિંધ્યદેવીની ગિરિમાળા છે. પણ અમારે તો અમારી વાત જાળવવાની છે!’

‘અરે મહારાજ! થોડા દિવસ માટે આ બધી ઉપાધિ શી? મહારાજને હાથી જોઈએ છે સજ્જનદેવ! તમે આવો મહારાજને જોઈએ તે આપણે ન જોઈએ.’

મહોબકરાજને માલવ કે ગૂર્જર બેમાંથી એકેના યુદ્ધમાં તણાવું ન હતું. માલવરાજને તો એવો ઉત્તર આપી દીધો હતો. મહારાજ જયદેવને આતિથ્યસત્કાર લેખે એક હાથી આપવાની વાત હતી. સેનાધિપતી સજ્જનદેવ અંદરના ખંડમાં ગયો.

ઉદયને કાકને જરાક પાસે આવવા નિશાની કરી. પણ એટલામાં એની નજર કેશવ સેનાપતિ અને ત્યાગભટ્ટ ઉપર પડી. એ બે પળ આશ્ચર્યમાં થંભી ગયો.

મહારાજ જયદેવ અને મદનવર્મા મંત્રણામાં અંદરના ખંડમાં બેઠા, એટલે કેશવ ને ત્યાગભટ્ટ બંને સ્તંભાવલિ જોતા જોતા આ બાજુ ફરતા હતા આવી રહ્યા હતા. ઉદયનને મોટામાં મોટી ચિંતા, પોતે વહેલો પ્રગટ થઇ ન જાય એની હતી. એ સમજી ગયો હતો કે કુમારપાલજી ઉપર એક સમશેર લટકતી હતી. એણે આંહીંથી ત્વરા કરીને હવે એને ચેતાવી દેવા જોઈએ. એ તાત્કાલિક ઉપાય શોધી કાઢવા માટે જરાક કાકભટ્ટરાજની બુદ્ધિને નાણી જોવા માગતો હતો. પણ હવે તો પોતે જ્યાં હતો ત્યાંથી જરાક પણ આમ કે તેમ ફરવામાં જ જોખમ ખેડી રહ્યો હતો. તે બે પળ શાંત થઇ ગયો. 

એટલામાં જ્યારે મહારાજના મંત્રણાખંડમાંથી મલ્હારભટ્ટને પણ બહાર નીકળીને આ તરફ આવતો એણે જોયો ત્યારે તો એને લાગ્યું કે હવે કાં તો આંહીં પ્રગટ થઇ જવું પડશે. એમ થાય તો શું પ્રત્યુત્તર વાળવો એની એ પોતાના મનમાં ખોજ કરી રહ્યો. 

મલ્હારભટ્ટની પાછળ જ એણે મદનવર્મરાજના દ્વારભટ્ટ માધવદેવને પણ કેશવ તરફ આવતો જોયો.

એ સમજી ગયો. હસ્તિપસંદગીની વાત અંદર ચાલતી હોવી જોઈએ, પોતાના સ્થાનમાં, જેટલી ઓછામાં ઓછી જગ્યા રોકી શકાય તેટલી રોકીને, એ બેઠો રહ્યો. કોઈને પણ શંકા ગયા વિના જાતને છુપાવી શકાય, એટલી વધારેમાં વધારે અંધકારમય જગ્યામાં એ બેઠો હતો. એની આંખ પૃથ્વી ઉપર હતી, કાન કેશવ તરફ હતા. જમીન ઉપર રમતી અંગુલિ કાકભટ્ટ તરફ હતી. સભાસ્થાનમાં સૌ આમતેમ ફરતા થયા હતા. 

મલ્હારભટ્ટ સીધો જ કેશવ સેનાપતિ અને ત્યાગભટ્ટની પાસે આવ્યો. એ બંને જણા સ્તંભિકામાં કોતરેલી એક ગજપંક્તિ જોવામાં તલ્લીન હતા. ઉદયને ત્યાગભટ્ટને કહેતો સાંભળ્યો.

‘ગજશાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે આવો હાથી જેને ત્યાં હોય એને કોઈ પણ વિપત્તિ ન આવે, એનાં લક્ષણ બાંધ્યાં છે.’

‘એ તો જાણે અશ્વ વિશે આપણે કહીએ છીએ તેવું. પણ ત્યાગભટ્ટજી! હું તમને એક વાત પૂછું?’ કેશવ કહેતો સંભળાયો. ઉદયન એકકાન થઇ ગયો. કેશવ આગળ બોલી રહ્યો હતો: ‘તમને ખબર છે – તમે અત્યારે કેવી મહાન જવાબદારી લઇ રહ્યા છો તે?’

એટલામાં મલ્હારભટ્ટને પણ ત્યાં ઊભેલો ઉદયને જોયો. ત્યાગભટ્ટનો શું પ્રત્યુત્તર છે તે સાંભળવા એ આતુર હતો. મલ્હારભટ્ટ પણ આવીને બોલ્યા વિના ત્યાગભટ્ટની સામે જ જોઈ રહ્યો. 

‘સેનાપતિજી!’ ત્યાગભટ્ટનો શુદ્ધ રણકો કાને પડ્યો. એમાં આત્મવિશ્વાસનું ગૌરવ હતું. ‘કોઈ અભિમાનની વાત નથી, પણ જેટલા પ્રેમથી ગ્રહો અને તારા, સૂર્ય અને ચંદ્ર, કોઈ મહાન નક્ષત્રશાસ્ત્રી સાથે વાત કરે, જેટલા પ્રેમથી હીરા, માણેક, પોખરાજ, પોતપોતાનાં અંતર કોઈ જન્મજન્માન્તરી રત્નપારખુને બતાવે, એટલા જ પ્રેમથી, આ ગજેન્દ્રો મને એમના દિલનું જાણે દિલ કહી બતાવે છે. તમે જે ગજેન્દ્રને એક લક્ષ દ્રમ્મનો ગણો, તે જ ગજેન્દ્રને હું ગધેડા જેવો ગણું! બહારનો પ્રાણીનો દેખાવ – સૌ કોઈ જાણે. એના હ્રદયને તો જાણનારા જ જાણે. તમને ખબર છે? એવા ગજેન્દ્રો પડ્યા છે કે તમારે ત્યાં ત્રણ વરસમાં એમને પગલે પગલે ચક્રવર્તી રાજ આવે; અને એવા અપશુકનિયાળ પડ્યા છે કે તમને વનવન રખડાવે. મહારાજ ચામુંડની આપણે ત્યાં વાત નથી? એમની ગજપરીક્ષાની....? એવી આ વાત છે!’

‘ત્યાગભટ્ટજી! હમણાં માધવદેવ આવે છે – તમને એ માટે જ બોલાવવા. આવતી કાલે જ ગજેન્દ્રની તમે પસંદગી કરી લ્યો. પણ પ્રભુ! સેનાપતિએ જે કહ્યું એ વાત છે,’ મલ્હારભટ્ટે હાથ જોડ્યા ને ધીમેથી ઉમેર્યું: ‘માલવવિજય નહિ – ગુજરાતની કીર્તિ જાશે કે રહેશે – એનો આધાર આ ગજેન્દ્ર ઉપર છે અને એ ગજેન્દ્રનું પરીક્ષણ તમારા ઉપર છે. આંહીં નહિ તો ત્રણ હજાર ગજેન્દ્રો છે. એક જ રંગ, રૂપ, કદ, આકાર, દેખાવ, રૂંવાટી, ક્યાંય ફેર નહિ... એમાંથી પ્રભુ! તમારે તમારી પસંદગી કરવાની હશે. અને તે પણ તાત્કાલિક કોઠાવિદ્યા જેવી વાત છે!’

‘ભગવાન સોમનાથ મને દોરે છે, મલ્હારભટ્ટ! તમારે માટે આ ગજેન્દ્રનો પ્રશ્ન છે. મારે માટે તો એ ભારત ચક્રવર્તીનો પ્રશ્ન છે! ત્યાગભટ્ટે ગૌરવથી કહ્યું. ‘જે સૂક્ષ્મતાથી આકાશી તારાને વાંચનાર વાંચે છે. એ જ સૂક્ષ્મતાથી અશ્વ-ગજેન્દ્રને નીરખનારા નીરખે છે. ન માનતા હો તો ભૂલોકમલ્લ સોમેશ્વર કર્ણાટકપતિને પૂછજો. એ તમને કહેશે. એક રૂંવાટી પશુની જોનારા, એમાં વિજય જુએ છે. અને બીજી રૂંવાટી સર્વનાશ પણ દર્શાવે છે. ચાલો, આ માધવદેવ આવ્યા.’ ઉદયન સાંભળીને ચમકી ગયો. એનું અનુમાન સાચું હતું. ગજેન્દ્રની પસંદગીની વાત જ ચાલી રહી હતી અને ત્યાગભટ્ટના આત્મવિશ્વાસી રણકાએ એણે તો ખાતરી કરાવી દીધી હતી કે એની પાસે જેવી તેવી વિદ્યા નથી. કુમારપાલજીને ફેરો અફળ થવા માટે જ હતો. એટલામાં દ્વારભટ્ટ માધવદેવ આવ્યો. તેણે બે હાથ જોડ્યા: ‘ત્યાગભટ્ટજીને મહારાજ યાદ કરે છે. કાલે પ્રભાતે હસ્તિશાળામાં ગજપરીક્ષા છે!’

ત્યાગભટ્ટ તરત તેની સાથે ચાલ્યો.

એને જતો ઉદયન જોઈ રહ્યો. એણે એક છાની નજર કાકભટ્ટ તરફ કરી. સભામંડપના ઘણાખરા મંત્રીઓ નાગરિકો સૌ ઊભા થઈને આમતેમ ફરતાં હતા. એમાં પોતે બે જણા એક તરફ બેઠા હતા, એ શંકા જન્માવવા માટે પૂરતું હતું. પણ ઊભા થતાં તો હવે કેશવની દ્રષ્ટિમાં સપડાઈ જવાનો ભય હતો. એટલે તે હતા તેમ શાંત બેઠા રહ્યા. માત્ર કાન સરવા રાખી રહ્યા.

ત્યાગભટ્ટ ગયો કે તરત કેશવ મલ્હારભટ્ટને કહેતો સંભળાયો; ‘એની આત્મશ્રદ્ધા જબરી છે ભટ્ટજી! વાંધો લાગતો નથી. પણ સંન્યાસીઓને કાલે સવારે વહેલી જ પ્રભાતે નિમંત્ર્યા છે એમનું શું થાશે? મહારાજ તો એ વખતે હસ્તિશાળામાં હશે?’

‘અલ્યા...હા! એમનું શું? તમામ સંન્યાસીઓને નિમંત્ર્યા તો છે, એટલે હવે તો સમય ફેરવવાનો પ્રશ્ન પણ કરવો મુશ્કેલ છે. એમનું શું? અને એમાં તો...’ મલ્હારભટ્ટ વાત ખાઈ ગયો.

‘પણ તમને ખાતરી છે? હું માની શકતો નથી હો! આટલું મોટું સાહસ ન ખેડે!’

ઉદયને પોતાની સર્વેન્દ્રિયોને કાનમાં બેસારી દીધી. તે સમજી ગયો. ચોક્કસ જ આ વાત મલ્હારભટ્ટ, કુમારપાલજી વિશે જ કરી રહ્યો હતો. સંન્યસ્તમઠમાં એણે કુમારપાલને ઓળખી કાઢ્યો હોવો જોઈએ.

‘સોએ સો ટકા પ્રભુ!’ મલ્હારભટ્ટ બોલ્યો તે સંભળાયું, ‘એક જ કદ,’ તે વધારે પાસે સર્યો. એણે અવાજ ધીમો કર્યો: ‘એ જ દેખાવ. એ જ ઉચ્ચાર. એ જ મુખમુદ્રા. અને વધુમાં તો સેનાપતિજી! તમે પેલી પગરેખાની વાત કરી હતી નાં? એ જ પગરેખા. ચોક્કસ – એજ છે. મને પણ ક્યાંથી ખબર પડે? પણ એક રાત આવીને મેં ત્યાં સંન્યસ્તમઠમાં ગાળી એમાં ખબર પડી ગઈ. અચાનક જ સમજો ને!’

કેશવે ચારે તરફ દ્રષ્ટિ કરી લીધી. નાકે આંગળી મૂકી. ‘પણ તો તો ચાલો ત્યારે – આપણે મહારાજને એ વાતની યાદ આપવા માધવદેવને અંદર મોકલવા પડશે... અથવા તો તમે એમ જ કરો ને, અત્યારે જ સંન્યસ્તમઠના સંન્યાસીઓને ત્યાં હસ્તિશાળા પાસેની વાટિકાનું નિમંત્રણ અપાવી દો. અને માધવદેવને કહી દઈએ કે એ વાટિકા કાલે અમારા ઉપયોગ માટે રાખવાની છે, એટલે પત્યું. આ આવે છે માધવદેવ પોતે જ લ્યો...!’

ઉદયન, કેશવ સેનાપતિને જતો જોઈ રહ્યો. મલ્હારભટ્ટ તેની પાછળ હતો. માધવદેવને એ મળ્યો એ એણે જોયું. માધવદેવે બે હાથ જોડી માથું નમાવ્યું હોય તેમ લાગ્યું. એનો અર્થ સ્પષ્ટ હતો. હસ્તિશાળા પાસેની વાટિકાને ઉપયોગમાં લેવાની અતિથીરાજને છૂટ હતી. 

કેશવ, માધવદેવ ને મલ્હારભટ્ટ મંત્રણા દ્વાર તરફ ગયા.

ઉદયનને પોતાની ભયંકર કસોટીની પળ વધારે નજીક આવતી જણાઈ. 

કુમારપાલને જો એ આંહીંથી હવે સત્વર ઉપાડી ન મૂકે તો આ એનું સાહસ ભારે પડે તેમ હતું! કાલે તો એ ગજેન્દ્રની સાથેસાથે માલવને માર્ગે રવાના થયો હોય કે પછી હમણાં અદ્રશ્ય જ થઇ ગયો હોય! તો તો બધું કર્યું કારવ્યું ધૂળ થાય. જૈન શાસનનું સ્વપ્નું ટળી જાય. પોતાની જિંદગીભરની મહેનત અફળ જાય. કુમારપાલને ચેતાવી દેવો જ જોઈએ. 

એ ચારે તરફ દષ્ટિ કરતો ધંધરાજને શોધી રહ્યો. પણ હજી એ ક્યાંય દેખાતો ન હતો. તેણે કાકભટ્ટને જરા પાસે આવવા ઈશારત કરી. કાકભટ્ટ પાસે આવ્યો.

‘કાકભટ્ટજી!’ તેણે અત્યંત ધીમેથી કહ્યું; ‘આ તમે સાંભળ્યું?’

‘સાંભળ્યું તો ખરું પ્રભુ!’ કાકભટ્ટે ધીમેથી કહ્યું, ‘પણ હવે શું કરવું છે? વાત કુમારપાલજીની લાગે છે.’

‘કાકભટ્ટ! કોઈને આપણી જાણ નથી ત્યાં આપણે આંહીંથી સત્વર ત્યાં સંન્યસ્તમઠમાં પહોંચી જઈએ. જો ધંધરાજ આવી જાય!’

એટલામાં ધંધરાજ દૂરથી આવતો દેખાયો. ઉદયને આનંદોદ્ગાર કાઢ્યો: ‘કાકભટ્ટ! પેલી ગાથા – એ ગાથા – સિદ્ધસેનજી જેવાની વાણી છે. એ કાંઈ અમસ્તી આગમવાણી કહેવાણી હશે? આપણે સંભારીએ છીએ ત્યાં આ ધંધરાજ આવ્યા, જુઓ!’