Featured Books
શ્રેણી
શેયર કરો

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 3

ઉદયનને કાંઈ સમજાતું નથી!

કુમારપાલ અદ્રશ્ય થયો કે તરત કૃષ્ણદેવે ઉદયનને કહ્યું: ‘ઉદયનજી! તમને કેમ લાગે છે? આના નસીબમાં આ રખડપટ્ટી જ રહેશે કે શું? શાકંભરીશ્વર આનકરાજનો સોમેશ્વર, મહારાજને પોતાના દોહિત્ર ઉપર નજર હતી. આનકરાજ પણ આઘીપાછી કાંકરી કરતાં હતા, ત્યાં હવે આ પાછું નવું ધતિંગ જાગ્યું! આને રખડવાનું જ મળશે!’

‘તો તેમને લાંછન લાગશે, અને આપણને સૌને લાંછન લાગશે!’

‘પણ આ નવો કોયડો આવ્યો છે એનું શું? એણે તો તમામે તમામ મહારથીઓને પણ મૂંઝવી દીધા છે, પેલી નારી – એણે વિદ્યુતવેગે મહારાજને મેળવી લીધા!’

‘એનું નામ તમે શું કહ્યું? પ્રતાપદેવી કે બીજું કાંઈ?’

‘પ્રતાપદેવી? પણ એ પ્રતાપદેવી જ છે. તેજ તેજ અને તેજનો અંબાર! એણે આ કિશોર વિશે મહારાજને કહ્યું કે તમારો પુત્ર છે, સંભાળો!’

‘સંભાળો? મહારાજે એ માન્યું?’

‘ના.માન્યું કાંઈ નથી પણ હજી વાતચર્ચા થઇ રહી છે. પણ અંદરઅંદર ધૂંધવાય છે. એમ તો હજી કોઈને રસ્તો સૂઝતો નથી. મહારાજને સ્પષ્ટતાથી કોઈ કહી શકતું નથી અને મહારાજ પોતે હજી કાંઈ નિર્ણય કરી શક્યા નથી! ત્યાં આ અપુત્રીનું બન્યું. એ પણ મને તો લાગે છે એણે જ ગોઠવેલું. એક અઠવાડિયામાં તો એણે ઉથલપાથલ કરી મૂકી છે!’

‘પણ એમ તે કાંઈ હોય? ગમે તે આવે ને કહે કે આ તમારું છોકરું છે –’

‘એ તો એની કાંઇક ખાતરી તો થઇ હશે નાં? પણ મેં તમને ન કહ્યું –? હજી બધું અંદર-અંદર જાણકારોમા જ રહ્યું છે! બીજા તો વાતો કરે એટલું જ. કાંઈ નક્કી નથી. પણ મતિ સૌની મૂંઝાઈ ગઈ છે! કોઈ માનત નહિ પણ કહે છે, કિશોર પાસે અદ્બુત ગજવિદ્યા છે!’

‘હા –’

‘એવી ગજવિદ્યા – ન પૂછો વાત. મોટા-મોટા જાતવંત ગજરાજોને કૂતરાની પેઠે હેળવી દ્યે! એટલે વાત હવે રસિક બની છે. મહારાજ એને ગજાધિપતિ બનાવવા માગે છે!’

‘એવડા છોકરાને? કેવડોક છે?’

‘હશે સોળ-સત્તરનો. પણ કાઠું છે સોટું વીશનો લાગે!’

‘એમ ત્યારે તો...’ ઉદયન વિચારમાં પડી ગયો: ભુવનેશ્વરીનો છોકરો હોય તો બરાબર એવડો જ હોય! પોતે એ હેતુથી જ એક વખત દોરાઈને ભુવનેશ્વરીને સોમનાથ ક્ષેત્રમાંથી સ્તંભતીર્થ સાથ અપાવવાની જુક્તિ પણ ગોઠવી હતી. પણ કોણ જાણે કેમ, એ હાથતાળી દઈ ગઈ. એ ઉજ્જૈનની જ હતી. તો તો ચોક્કસ એનો જ આ છોકરો.’

‘તાપણું બાપણું કાંઈક કરીશું, કૃષ્ણદેવજી?’

‘અરે, મંત્રીશ્વર! અમારે હમણાં ક્યાં માથે માથું છે તે આંહીં પગ વાળીને બેસવાનું મળે? મારે તો હમણાં ને હમણાં છાવણીમાં પહોંચી જવું પડશે. મહારાજ તો રાતના રાજા છે, એ તમને ક્યાં ખબર નથી! અરે! પેલાં વાણિયાએ મને વાત કરી હતી પાટણમાં – હું તો હસીને ઢગલો જ થઇ ગયો હતો – એવી વાત છે જયસિંહ મહારાજની!’

‘શી વાત હતી?’

‘મહારાજ ભવાઈ જોવા ગયેલા. પોતાનો રાત્રિવેશ કાઢેલો. મહારાજના એવા વેશને ઓળખવાવાળો તો કોક માનો પુત્ર હોય તો ભલે! બાકી ભલભલા ભૂલ ખાઈ જાય. ત્યાં એક વાણિયો પણ જોવા આવેલો. મહારાજને ખભે હાથ મૂકીને એ જોવામાં ભળ્યો, વાતો કરતો જાય, હસતો જાય. મહારાજને ટપલી મારતો જાય – ને ભજવવાવાળાની મશ્કરી કરતો જાય! મહારાજ પણ રંગમાં. પાસેથી કાઢીને કપૂરકેસરિયું પાન આપ્યું! પેલે તો લઇ લીધું – ને સોપારીનો કટકો સામે આપ્યો!’

ઉદયન હસી પડ્યો: ‘મહારાજ – મહારાજ, મહારાજની તો રોનક!’

‘રોનક તો હવે આવે છે. રાતે ક્યાં જાય છે એ જોઈ લીધું. સવારે બોલાવ્યો કહે: ‘શેઠજી! ખભો બહુ દુખે છે!’ વાણિયો પણ ગજબનો નીકળ્યો. તરત વાત જાણી ગયો. કહે: ‘મહારાજ! ધરણીનો ભાર ઉપાડો છો ને ખભો દુઃખતો નથી તે મારા હલકા હાથનો ભાર પડતાં કાંઈ ખભો દુખે?’ હવે આવું જેણે લોકમાં થાનક મેળવ્યું છે, એ તો ધારશે એને રાજા કરશે! ઉદયનજી! આ ભૂમિમાં તો જયસિંહદેવ મહારાજને જોશો – તે જૂદા હશે. વિક્રમનું જ રાજ. એક રુવાડું બાકી નથી! એ જ સાહસ, એ જ પરાક્રમ, એ જ પરદુઃખભંજન! એટલે હું કહેતો’તો મહારાજ આને રખડાવશે તો? આડા હાથ દેવા કોણ જાશે?’

‘તમે અને હું – કૃષ્ણદેવજી! દુનિયામાં કૈંક વીરો થઇ ગયા છે. એક ગાંગલી ઘાંચણ પાસે પણ હાર કબૂલ કરવી પડી છે. સમો સમાનું કામ કરશે. અને તમે – તમે મહારાજના ક્યાં વિશ્વાસુ નથી?’

‘ઠીક ત્યારે લ્યો, અરધી રાત ભાંગે તે પહેલાં હું પહોંચી જાઉં! તમે રાત ગાળીને – સવારે આવી પહોંચશો નાં?’

ઉદયને વિચાર કર્યો: ‘હા એમ જ , કૃષ્ણદેવજી!’

‘તમે કોને – મહારાજને મળશો?’

‘હાસ્તો, હવે તો લાટના સિંધુરાજની – ને ભૂલોકમલ્લના સેનાપતિ આચની – એમ બે વાત કરીશું! જે માટે આવ્યા હતા, એમને તો મોકલી દેવા પડ્યા!’

‘ત્યારે હું તો ઉપડું!’

કૃષ્ણદેવ મંદિરની પાછળ ગયો. ત્યાં એનો ઘોડો ઊભો હતો. થોડી વારમાં એ પણ અદ્રશ્ય થઇ ગયો. 

કૃષ્ણદેવ ગયો એટલે હવે ઉદયન એકલો પડ્યો. તેણે આસપાસમાંથી થોડાંક કરગઠિયાં એકઠાં કર્યા મંદિરને ફરતે આંટો મારીને અડાયાં લાવ્યો. દીપમાંથી એક રાડું સળગાવીને મોટો ભડકો કર્યો. અને એમાં થોડાંક વધારે લાકડાં નાંખ્યાં. ભડકો મોટો થયો એટલે જઈને ઘોડાને લાવીને મંદિરમાં જ બાંધ્યો. ચારે તરફ ફરીને મંદિરની કારીગરી જોવા માંડ્યો, પણ એમાં કાંઈ ખાસ આકર્ષણ લાગ્યું નહિ. ખડકી વસે એટલે મંદિરનો ભાગ પટારા જેવો જનજનાવરની બીકથી મુક્ત થઇ રહેતો હતો. ઉદયને ખડકી વાસી. થોડું ઘાસ વેરાયેલું પડ્યું હતું. તે ઘોડાને નાખ્યું. તાપણી પાસે આવીને તાપવા માંડ્યો. પોતે કુમારપાલને, મહારાજના સાંનિધ્યમાં રજૂ કરીને માલવયુદ્ધનો યશ અપાવવા નીકળ્યો હતો, અને એનો આ કરુણ અંત આવ્યો હશે! એક રીતે એ સારું હતું. નહિતર સ્તંભતીર્થમા અચાનક રાજાજ્ઞા આવીને ઊભી રહેત!

પણ સૌથી મૂંઝવનારો પ્રશ્ન તો આ પ્રતાપદેવીનો હતો. એ વળી કોણ નવી નીકળી છે?

એ બેઠોબેઠો વિચાર કરી રહ્યો. પોતાની યોજનાઓ ઘડી રહ્યો. એને લાગ્યું કે એ પોતાનો માલવાને મોરચે શી રીતે વધારે વખત નીકળે, એવી કાંઈક યુક્તિ ગોઠવવી પડશે!

આચની – કે – લાટની વાત મૂકતાં તો તરત પાછા ફરવાની આજ્ઞા થશે. કોઈ રીતે પોતાને આહીં રહી જાવું હતું. પણ કોઈ કહેતાં કોઈ કારણ એને જડતું ન હતું. એને હજી કૃષ્ણદેવની વાતોનો સીધો પથ સમજાયો ન હતો. પણ કુમારપાલનો માર્ગ ઘણો વિકટ થયો છે એ સમજી ગયો હતો. 

પોતાના ઉપર કુમારપાલને સહાય કરવાની આશંકાનું એક નાનું સરખું વાદળ ઘૂમી રહ્યું હતું, એ એની જાણમાં હતું, કૃષ્ણદેવની વાતમાંથી બીજી માહિતી મળતી ન હતી. દંડ દાદાક, મહાદેવ કે મુંજાલ, સેનાપતિ કેશવ, આનકરાજ કે અશ્વરાજ આ નવી પરિસ્થિતિમાં ક્યાં હતા – એ હજુ સ્પષ્ટ ન હતું. પ્રતાપદેવી કોણ હતી, એ પણ સમજાતું ન હતું.   

ઉદયનને છેવટે લાગ્યું કે એ વિશે અત્યારે અનુમાન કરવું નકામું છે. પોતે ત્યાં જશે ત્યારે જ આ વાત સમજાશે. 

પણ એણે પહેલો તો એ નિશ્ચય કર્યો કે પોતે કુમારપાલના વિરોધી તરીકે આંહીં હવે ઊભું રહેવું પડશે!