Featured Books
શ્રેણી
શેયર કરો

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 8

કાક અને ઉદયન

જયસિંહ સિદ્ધરાજને મળવા જતાં ઉદયનને આજે જેવો ભય જણાતો હતો તેવો એણે પોતાના જીવનમાં ક્યારેય અનુભવ્યો ન હતો. કૃષ્ણદેવે એને કહ્યું તે સાચું હતું. માથા સાટે રમત કર્યા વિના કોઈ પણ માણસ આંહીં કુમારપાલનો પક્ષ લઇ શકે તેમ હતું જ નહિ.

એ વિચાર કરતો-કરતો આગળ વધ્યો. જેમજેમ મહારાજનો મુકામ નજીક આવતો ગયો, તેમતેમ માણસોની બને વાહનોની ભીડ વધતી ગઈ. શિબિરની પાસે એ આવી પહોંચ્યો. ચારે તરફની નાની ટેકરીઓમાં પ્રગટાવેલી દીપીકાઓના પ્રકાશમાં ત્યાં સઘળું ઝળાંઝળાં થઇ રહ્યું હતું. હાથીઓની, રથોની, પાલખીઓની, ઘોડાઓની, અને સુખાસનોની હારની હાર ચારે તરફ ઊભી હતી. થોડેથોડે આંતરે નજર રાખતા હોય તેમ કેટલાંક સૈનિકો ઊભેલા એણે દીઠા. ઘોડેસવારોનું જૂથ ગમે તે સ્થળે ઊપડવા માટે જાણે તૈયાર જ હોય તેમ એક તરફ ખડું હતું. મોટી ઉત્તુંગ પર્વતશિખરાવલિ ડોલે તેમ પોતાના તાનમાં મસ્ત કેટલાંક ગજરાજો ત્યાં ઊભા રહ્યા હતા. એના મહાવતો વાતોનાં ગપ્પાં મારવા માટે એક ઠેકાણે ટોળે વળ્યા હતા.

મહાન ગજનિષ્ણાતોની સેવા મહારાજ અત્યારે માગી રહ્યા હતા તે માટે આ ગજરાજો આવ્યા જણાયા. આવડા મોટા ગજરાજોને આજ પહેલાં એણે ક્યાંય દીઠા હોય એવું એને સાંભરતું ન હતું. કોઈ પણ રીતે માલવવિજય મહારાજ કરવા માગતા હતા એ એને સ્પષ્ટ થયું. 

પણ એ સ્પષ્ટ થતાંની સાથે જ એના મનમાં, એક ભવ્ય, તેજસ્વી, સમર્થ પણ ઉગ્ર, એવી પ્રતાપી વ્યક્તિ પણ આવી ચડી. એના એવાં દર્શને એ ક્ષણ બે ક્ષણ વ્યગ્ર જેવો બની ગયો. नाग्नाभंग सहन्ते એ શક્તિશાળી નૃપતિઓની વ્યાખ્યા જેટલી મહારાજ સિદ્ધરાજ જયસિંહ પરત્વે સાચી હતી, તેટલી ભાગ્યે જ બીજા કોઈ વિશે એને સાચી જણાઈ. પોતે કુમારપાલને ઘણા વખત સુધી આશ્રય આપ્યો હતો. કુમારપાલ સાથે જ એ આંહીં આવી રહ્યો હતો. કૃષ્ણદેવ મળ્યો ન હોત તો આંહીં અત્યારે કદાચ કુમારપાલ એની સાથે પણ હોત. 

એટલે મહારાજની પાસે જતાં આજ એના મનમાં ખરેખરી ગડભાંગ થઇ રહી હતી. એટલામાં એને સાંભર્યું કે કૃષ્ણદેવે એને કાક વિશે કાંઈક કહ્યું હતું. લાટનો યુદ્ધપતિ કાક ક્યાંક ઊભો હશે! એ ઈચ્છી રહ્યો કે જો એ ભટ્ટરાજ કાક અત્યારે એને મળી જાય તો એની પાસેથી પોતે આંહીંની થોડીઘણી હવા તો પહેલાં મેળવી લે! કૃષ્ણદેવે વાતો કહી હતી – પણ કૃષ્ણદેવની ક્યારેક પ્રગટતી જાડી બુદ્ધિ વિશે એને બહુ માન ન હતું!

એટલે લાટનો યુદ્ધપતિ કાક જો મળે તો એ એને ઓળખતો હતો. બંને જણા ઘણા જુદ્ધમાં એકીસાથે રહ્યા હતા. કુમારપાલ પ્રત્યેની એની મૈત્રી વિશે એને જાણ હતી. અને પોતાની પેઠે જ એના ઉપર પણ કુમારપાલને આશ્રય આપવાની શંકાડાંગ લટકતી હતી! એ આંહીં જુદ્ધમાં હતો, છતાં એ દોષની છાયામાંથી હજી તદ્દન મુક્ત થઇ શક્યો ન હતો. એટલે એને લાગ્યું કે કાક વિના બીજો કોઈ આંહીંની વાતને મન મૂકીને નહિ કરે! આ પ્રતાપદેવી ને ત્યાગભટ્ટ એ બંને આમ અચાનક આંહીં વચ્ચે ક્યાંથી ફૂટી નીકળ્યાં હતાં એ એને મન એક મોટો કોયડો હતો. પાટણના ભવિષ્યના રાજસિંહાસનને ડોલાવી મૂકનાર આવી પરિસ્થિતિ આવીને ઊભી હતી, છતાં પાટણમાંથી કોઈના પેટનું પાણી પણ હાલતું ન હતું; તો એવું શું જાદુ એમાં હતું? એનું ચાલે તો એ આખી નગરીને આ વિષે તૈયાર કરે! અને અત્યારે જ એ પોતાના મનોમયસ્વપ્નમાં તો આખી પાટણ નગરીને હાલકડોલક થતી જોઈ રહ્યો હતો. અને ઊંડેઊંડે તો પોતે, મહામંત્રી વિમલની પેઠે, પાટણપતિને એના જ પગલામાં મહાત કરવાની મહત્વાકાંક્ષા પણ સેવી રહ્યો હતો!

જયસિંહ સિદ્ધરાજને વશ કરવાની આશાથી એની નસેનસમાં નવું લોહી વહેતું એ અનુભવી રહ્યો હતો. એ ઉત્સાહમાં પળ બે પળ તો એની વ્યગ્રતા પણ જાણે કે ઊડી ગઈ! 

પણ એ અનુભવથી જાણતો હતો. મુંજાલ એમાં વિજય નહોતો પામ્યો. સાંતૂ એમ કરવા જતાં ઊથલી પડ્યો હતો. આશુક મંત્રીએ પણ એ વાતમાં માથું માર્યું ન હતું. આ દંડ દાદાક ને મહાદેવ એ પણ સંભાળીને પગલું ભરતા હતા. પણ ઉદયનના અંતરમાં તો કોઈ નવીન મહાન શક્તિ બેઠી હતી. આ રાજા, જે જૈનશાસન જેવા શાસનની ધર્મધ્વજાને, એક પળ માટે પણ નીચે નમાવવાની તાકાત બતાવવા જેટલો ઘૃષ્ટ થઇ શક્યો હતો, એને જો પોતે વશ કરે તો પોતાના નામનો યશડંકો આખા ભારતવર્ષમાં ચારે તરફ ગાજી ઊઠે! અત્યારે એ વાત એના મનમાં આવી ગઈ હતી. એને લાગ્યું કે એણે એને વશ કરવો જ જોઈએ. આ તો મહાન એવો ધર્મનો પ્રશ્ન હતો અને એને મન ધર્મ કરતાં કોઈ વધારે મહાન ન હતું. 

એક બે ક્ષણ, મહાન તીર્થ આબુની શિખર ધ્વજાવલિ નીરખતો હોય તેમ એ આંખો મીંચી ગયો! 

જે વખતે એણે આંખો ઉઘાડી ત્યારે જે જોયું તે માનતો ન હોય તેમ ફરી ફરીને એ નિહાળવાનો યત્ન કરી રહ્યો! એની સગી આંખે, એની સામે ઊભેલા એક સશક્ત ઘોડેસવારને બતાવી રહી હતી! 

આ ઘોડેસવારે હમણાં એને જોયો કે પહેલેથી જોયો હતો એ ઉદયનને કાંઈ ખબર પડી નહિ! જાણે એ એક ક્ષણમાં આકાશમાંથી ઊડીને આવ્યો હોય તેમ એની સામે ઊભો રહી ગયો હતો! એનો અવાજ પણ થયો ન હતો કે પછી પોતે એવો તલ્લીન થઇ ગયો હતો! ગમે તેમ, પણ એ આવ્યો હતો ગુપચુપ.

એની પૂરી પિછાન થાય એ પહેલાં ઉદયને એના ઉપર એક જરાક આવતી જતી દ્રષ્ટિ નાખી દીધી. કસાયેલો, તાલીમબદ્ધ, કોઈ બળવાન જુદ્ધવીર ત્યાં ઊભેલો હોય એમ લાગ્યું. પોતે કાંઈ ઓછાં દ્વન્દ્વયુદ્ધ ખેલ્યાં ન હતાં. એનો એ એક શોખ હતો. પણ આવનારની ખડતલ પ્રમાણબદ્ધ શરીરની રચના જોઇને એક પળભર એને પણ શંકા થઇ કે દુશ્મન તરીકે ઊભો હોય તો આને હઠાવતાં ભોં ભારે પડે! એને નવાઈ લાગી કે પોતે ઓળખતો ન હોય એવો, આ મહત્વનો અધિકારી કોણ હશે?

આછું અજવાળું હતું એટલે એની આંખમાંથી જે સ્ફુલ્લિંગ નીકળતો હતો, તે સ્પષ્ટ અનુભવી શકતો હતો. ભલભલાને ઘડીભર થથરાવી દે એટલી એમાં શક્તિ જણાતી હતી. એની સામે ઉદયન એક ક્ષણભર જોઈ રહ્યો.એ નું અણિશુદ્ધ નાનકડું તીખું નાક, જ્યારે વીફરે કે વિરોધ કરે, ત્યારે શુંના શું ઉપાય કામે ન લગાડે એ કહી શકાય નહિ, એનો જાણે કે, એ નાનો સરખો તામ્રલેખી પુરાવો જ હતો! વિશ્વાસ, નીતિ, પ્રીતિ, ભક્તિ તમામની એક ક્ષણમાં હરરાજી બોલાવી શકે એટલી એનામાં તત્પરતા બેઠેલી દેખાતી હતી. જરાક આગળપડતો ઝોક લેનારી શરીર-રચના પણ જાણે એ જ વસ્તુ સૂચવતી હતી. મધ્યમ કદનો, નહિ ઊંચો કે નહિ નીચો, પણ એકદમ આકર્ષક ને ધ્યાન ખેંચી રાખે તેવો એ રૂપાળો આદમી હોય તેમ જણાતું હતું. એની ઘોડેસવારી પણ એને સર્વોત્તમ રણયોદ્ધાઓની હરોળમાં બેસારે તેવી સ્ફૂર્તિભરી ને કલાત્મક દેખાતી હતી. 

ઉદયન એને એકદમ ઓળખી શક્યો નહિ. પણ એને લાગ્યું કે આવો કોઈક એના પરિચયમાં આવ્યો છે! એ કોણ છે ને કેમ આવ્યો છે એ જાણવા માટે એણે જરાક પોતાની દિશા ફેરવી, એટલે સામેનાનો ચહેરો પ્રકાશમાં આવ્યો. એ ચમકી ગયો! પોતે જે જુએ છે તે સત્ય છે કે સ્વપ્ન છે એની શંકામાં પડી ગયો!

કોઈ નહિ ને જેનું એ હમણાં સ્મરણ કરી રહ્યો હતો, તે લાટનો યુદ્ધપતિ ભટ્ટરાજ કાક પોતે ત્યાં ઊભો હતો! 

ઉદયન હવે એને પગથી માથા સુધી ફરી ફરીને નીરખી રહ્યો. એના ખભા ઉપર પ્રેમથી હાથ લગાવીને બોલ્યો: ‘માનશો ભટ્ટરાજ? ચાતકની જેમ તમને જ હું હમણાં ઝંખી રહ્યો હતો ને ત્યાં તમે જ દેખાયા! ઓ હો હો! શું જિનશાસનની પ્રભાવના છે! નહિતર અત્યારે બરાબર તમે ક્યાંથી આવી ચડો?’

‘પણ ચાતકની જેમ ઝંખતા હતા, એટલે જ મંત્રીશ્વર આવ્યા પછી અત્યારે ન છૂટકે દેખાયા એમ નાં?’ કાકે કહ્યું.

‘એમ નથી, એમ નથી, ભટ્ટરાજ! તમારાથી ક્યાં અજાણ્યું છે?’

‘ત્યાં સૌ... મજામાં?’ કાકે ઉદયન સામે જોયું. 

‘તમને વાત તો કરી હશે નાં, કૃષ્ણદેવે?’

‘વાત તો કરી છે. પણ આંહીં આપણા ઉપર હજાર આંખો મંડાણી હશે મંત્રીરાજ! વળી હમણાં તો આંહીં બધી વાત એકસાથે ઉપડી છે!’

‘એમ? શું શું? હું જાતો’તો મહારાજને મળવા, પણ મનમાં થાતું’તું કે, તમે સામે મળી જાવ તો સારું. ત્યાં તમે જ મળ્યા. એટલે વરસે આપણે મળ્યા? લાટના યુદ્ધ પછી આજ પહેલાવહેલા કાં?’

‘હા... એમ જ,’ કાકે કહ્યું, ‘તમને પણ હવે અવસ્થા જણાય!’

‘હવે વાંક છે કાંઈ? કેમ આંહીં તો...’ ઉદયન એની વધુ પાસે સર્યો, ‘તમે કુમારપાલજીને ભૃગુકચ્છમાં આશ્રય આપ્યો એનાં પોતે હજાર જીભે વખાણ...’

કાકે એક દ્રષ્ટિ ઉતાવળે આસપાસ ફેરવી: ધીમેથી કહ્યું:

‘ઉદયનજી! જે જમીન ઉપર તમારો ઘોડો ઊભો છે એ જમીનને આંખો એક સો છે. પણ કાન એક હજાર છે! જુઓ, પેલી છેટેની ટેકરી ઉપર, ત્યાં શું દેખાય છે?’

કાકે બતાવ્યું હતું ત્યાં ઉદયને દ્રષ્ટિ કરી. મહારાજનો પોતાનો વિશાળ શિબિર, ત્યાં સેંકડો ને હજારો દીપીકાઓના પ્રકાશમાં નાહી રહ્યો હતો, ત્યાં વળી સશસ્ત્ર સૈનિકો આમતેમ ફરતા દેખાતા હતા. પાછળની એક નાનકડી ધાર ઉપર, હવામાં લેરખી લેતો, સોલંકીઓનો ચૌલુક્યધ્વજ ફરકી રહ્યો હતો. એની પડખેની એક વિશાળ શિલા ઉપર મોટી પથ્થર આકૃતિ કોતરીને બેસારી હોય એવી કોઈ આકૃતિ હતી. ઉદયનને આશ્ચર્ય થાય. આ પ્રતિમાનું નવું સ્થાપન થયું છે કે શું? તેણે કહ્યું: ‘કાક ભટ્ટજી! પેલી પ્રતિમા કોની છે?’

‘એ પ્રતિમા બેઠી છે ત્યાં, એની દ્રષ્ટિ આંહીં હશે. આ રસ્તેથી કોઈ અજાણ્યો પ્રવેશ પામે એમ રહ્યું નથી! મંત્રીશ્વર! એ બર્બરક છે! મહારાજથી જો એનો પડછાયો છૂટો પડે તો બર્બરક છૂટો પડે! એ મહારાજનો એવો વિશ્વાસુ છાયાદેહ રૂપ બની ગયેલો છે કે ન પૂછો વાત! કોઈ દી એ એમાંથી ચલે તેમ નથી! એ બર્બરક!’

ઘડી પહેલાં પોતે જે સ્વપ્ન ઘડ્યું હતું તે કેટલું વ્યર્થ હતું એનું જાણે ભાન થતું હોય તેમ ઉદયન જરાક નમ્ર બની ગયો. આ બર્બરક જેવો જબ્બર એ મહારાજનો તો પડછાયો! તે કાકની છેક પાસે સર્યો: ‘ભટ્ટરાજજી! આ પ્રતાપદેવી કોણ છે? અને આ ત્યાગભટ્ટ એનું શું? અને તો પછી કુમારપાલજીનું શું? આ... તો...નવું.’

‘મંત્રીરાજ! આપણે પેલાં વડના અંધારા ભાગ તરફ જોઈએ એ યોગિનીનો વડ છે!’ કાકે એક વડ બતાવ્યો. 

કાક આગળ ચાલ્યો. એની પાછળ-પાછળ ઉદયને પોતાનો ઘોડો લીધો. 

વડ વિશાળ હતો ને ઘેરો અંધકાર જાણે પોતાનું મોઢું પટ્ટઘર (તંબુ) રચી રહ્યો હોય તેમ ચારે તરફ કાળી અંધારઘેરી સૃષ્ટિ પાથરી રહ્યો હતો. કાકે તેમાં પ્રવેશ કરતાં જ, ઉદયનને કાનમાં કહ્યું: ‘મંત્રીશ્વર! ઘોડા આંહીં જ રહેવા દો!’

ઉદયન નીચે ઊતરી પડ્યો. બંને ઘોડાને ત્યાં છૂટા મૂકી તે અંધારામાં આગળ વધ્યા, પોતે પોતાને ન દેખે એવી કાજળઘેલી કાળાશ આવી ગઈ. 

‘તમે કહ્યું ભટ્ટરાજ! આ યોગિનીનો વડ છે, એ શું?’

કાકે અંધારામાં કાંઇક સળવળતું સાંભળ્યું. તેણે ઉદયનના હાથ ઉપર હાથ મૂક્યો. બે પળ બંને શાંત થઇ ગયા. અભાસ જણાયો. છતાં કાક ભટ્ટરાજ સાવધ હતો. ધીમે પગલે અંધારા તરફની વડવાઈઓમા એક વખત એ આંટો મારી આવ્યો. વડ પાસે આવીને ઉપર દ્રષ્ટિ કરી, ઊંચે ચડ્યો. પછી એક લંબાયેલી ડાળીને આધારે આધારે જ્યાં ઉદયન ઊભો હતો ત્યાં આવીને ધીમેથી નીચે ઊતર્યો. 

‘કોઈ લાગતું નથી. એવું છે કે ધારાનગરીમાં એક  યોગિની રહે છે. મહારાજની પરંપરા ચલાવવાની અભિલાષાની વાત એને કાને આવી. એણે આવીને મહારાજને કહ્યું: ‘તમે માલવવિજય ન કરતાં જો પાછા ફરો તો ભગવાન મહાકાલ પાસે તમને વચન અપાવું...’

‘કે?’

‘પાટણની ગાદી સાચવનારો પુત્ર થાય!’

‘પછી? પછી? મહારાજે શું ઉત્તર આપ્યો?’

‘મહારાજે કહ્યું કે માલવવિજય કર્યા વિના પાછો ફરું ત્યારે તું મહાકાલને પ્રસન્ન કરીને મને એક જ પુત્ર અપાવે. પણ હું માલવવિજય સિદ્ધ કરું તો મને સો પુત્ર મળે, એનું શું?’

‘સો પુત્ર?’

‘મહારાજ કહે, પુત્ર દ્વારા સત્કાર્યો ચાલુ રહે છે, કાવ્યો પણ સત્કાર્યો ચાલુ રખાવે છે, માટે કાવ્યો એ જ પુત્રો! માલવવિજય અનેક કાવ્યો પ્રગટાવશે! ગુજરાતમાં જ્યાં સુધી કવિઓ છે અને કાવ્યો છે ત્યાં સુધી તો ગુજરાતમાં કોઈ અપુત્ર નથી!’

‘એ તો મહારાજે કહ્યું...’

‘મહારાજે તો એ પ્રમાણે માલવરાજની એક જુક્તિ અફળ કરી. બાકી મહારાજના અંતરમાં એક વાત એક શલ્ય જેમ બેઠી છે એ સૌ કોઈ જાણે છે. આ યોગિની મહારાજને આંહીં મળેલી, ત્યારથી આ યોગિનીનો વડ કહેવાય છે.’

‘મહારાજે ત્યારે હજી કાંઈ નિર્ણય...’

‘ઉદયનજી! તમે અત્યારે સમયસર આવી ગયા છો. તમે જે વાત કરી નાં, કુમારપાલજીની, મેં તો એના જેવો દુઃખને ઘોળીને પી જનારો બીજો કોઈ જોયો નથી. ગુજરાતની ગાદી ઉપર એ આવે તો સોનાનો સૂરજ ઊગે. જે દુઃખ સહન કરે છે એ જાણે છે કે દુઃખ શું છે. પણ મંત્રીશ્વર! મારો કે તમારો કોઈનો પ્રયત્ન નહિ ફળે. આ પ્રતાપદેવી – તમે એને જોઈ છે? જોશો ત્યારે ખબર પડશે. અને ત્યાગભટ્ટ – મહારાજનો જ પુત્ર છે. એવો અદ્ભુત સુંદર તેજસ્વી જુવાન છે. બોલો પછી?’

‘પણ મંત્રીમંડળ એમ માનશે? અને પાટણ માનશે? અને ગુજરાતની પ્રજા એ માનશે?’

‘આ જમાનો વિમલમંત્રીનો નથી. આ જમાનો વાચિનીદેવીનો, ચામુંડરાજને પણ ગાદીત્યાગ કરવો પડ્યો, એ પણ નથી. રાણી ઉદયમતીએ રાજા કર્ણદેવને ઊભા રાખીને મીનલદેવીનો સ્વીકાર કરાવરાવ્યો એ સમો પણ આ નથી. મહારાજ જયસિંહ સિદ્ધરાજ પોતાનું ધાર્યું જ કરશે, એ દરેકના હ્રદયમાં બેસી ગયેલ છે! એની એટલી લોકપ્રીતિ છે! આ રાજાની વાત જુદી છે!’

‘અને આપણે ઊભાઊભા જોઈશું એમ?’

‘જોઈશું નહિ, જોવું પડશે!’ કાકે કહ્યું, ‘ને આ રાજા સામે ઊભો રહેશે કોણ? તમે કહ્યું, આપણે, આપણે એટલે કોણ? હું, તમે, કૃષ્ણદેવ... ચોથો...?... છે કોઈ ચોથો?

ઉદયન વિચાર કરી રહ્યો. વાત તો કાક ભટ્ટરાજની સાચી હતી. સિદ્ધરાજની લોકપ્રિયતા સિદ્ધરાજની જ હતી. તે ધીમેથી બોલ્યો: ‘પ્રતાપદેવી મહારાજને ખાતરી કરાવવાની છે?’

‘કહે છે.’

‘ક્યારે?’

‘આ માલવયુદ્ધનું કાંઈક થાળે પડે એટલી વાર.’

‘પણ ત્યારે અત્યારે ગગનમાં શું ગાજે છે કાક ભટ્ટજી? મારે એ જાણવું છે!’

‘એ જ. પેલો કોઈ મલ્હાર ભટ્ટ હતો, ખેટકપંથનો, બહુ ભારે મથ્યો, તમારી સાથે?’

‘હા, એક હતો. એનું શું છે?’

‘એ સેનાપતિ કેશવને મળ્યો હશે. દક્ષિણ દરવાજાની કાંઈક વાત એની પાસે છે.’

‘કે?’

‘કે તો કોણ જાણે. પણ ગગનમાં આ અત્યારે ગાજે છે. તમે રસ્તામાં જોયા નહિ હોય પહાડ જેવડા?’

‘હાથી?’

‘હાસ્તો. અત્યારે મહારાજ ગજનિષ્ણાતોની શોધમાં છે. અને ગજની પણ હજી જે ગજ જોઈએ છે તે મળ્યો નથી.’

ઉદયન ઉત્સાહથી બોલ્યો: ‘કાક ભટ્ટરાજ! ગજવિદ્યા તો એકને વરી છે!’

‘કોને?’

‘કુમારપાલજીને.’

‘એ તો હું પણ જાણું છું ને તમે પણ જાણો છો. પણ મહારાજ તો કદાચ તમને જ કાઢશે – કુમારપાલજીની શોધમાં, માટે એ વાત તો હવે દાટી જ દેજો. અને આ ગગનમાં ગાજે છે વાત. એમાં પેલી પ્રતાપદેવીએ પણ ત્યાગભટ્ટની અદ્ભુત ગજવિદ્યાની વાત ચાલવી છે. એ ક્યાં ઓછી છે? આમ છે આંહીંનું!’

ઉદયન વિચાર કરી રહ્યો. પછી એણે ધીમેથી કહ્યું: ‘ભટ્ટજી! એ ભલે ગમે તે હોય, પણ તમારા માથા ઉપર તો હું ભવિષ્યના સેનાપતિપદનો યશોધ્વજ જોઈ રહ્યો છું. પરાપૂર્વથી રાજગાદી ચૌલુક્યના કુળમાં જ રહી છે ને ચૌલુક્યના કુળમાં જ રહેવાની છે. એમાં ત્યાગભટ્ટનું પણ કામ નહિ આવે ને તમારા સોમેશ્વરનું પણ કામ નહિ આવે. પાટણમાં જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી તો એમ રહેવાનું છે અને અમારા ખંભાતના સૂરિજીની પણ એ જ વાણી છે! પણ બોલો, રાત થોડી છે, ‘વેશ ઝાઝા છે. ભગવાન સોમનાથને નામે કહો, તમને અમારામાં વિશ્વાસ છે?’

‘વિશ્વાસ-અવિશ્વાસનો સવાલ નથી, ઉદયનજી! તમે ગુર્જરેશ્વરને જોયા હશે; અમે જાણ્યા છે. એને નામે સમુદ્રમાં પથ્થર તરે તેમ છે! જો ત્યાગભટ્ટ એનો કુમાર નીકળશે, તો રાજ એનું જ છે!’

‘કાક ભટ્ટજી! મેં જે વેઠ્યું છે એ તમે જોયું પણ નથી. રાજ તો જેના નસીબનું હશે એનું થાશે. તમારું શું છે એ વાત કરો ને!’

‘મારું? અમે તો સૂરજચંદ્રની સાખે કુમારપાલજીના, બોલો!’

‘થયું ત્યારે. આપણી પાસે બે વસ્તુ જોઈએ.’

‘કઈ કઈ?’

‘એક અચળતા, બીજી કળા એટલે રાજકલા, દાવ ખેલવાની શક્તિ. પહેલી તમારી પાસે હશે તો બીજી હું સંભાળી લઈશ.’

‘અચળતા મારી? તમે ભૈરવખડક જોયું છે? મેં તો તમારી પહેલાં પણ કુમારપાલજીને વચન આપ્યું છે. તમે તો એને દક્ષિણમાં પણ મોકલ્યા. મેં તો લાટમાં જ જાળવ્યા હતા.’

‘તમારી ઉપર તો મારો મદાર છે ભટ્ટરાજ! અને કૃષ્ણદેવને તો મોસાળ જમણ ને મા પીરસણે છે. પણ આપણે સાવચેતી બહુ રાખવી પડશે. કૃષ્ણદેવ તો...’

‘એની વાત ન્યારી છે. મહારાજનો એ જમણો હાથ છે. ને નહિતર કુમારપાલનો સગો બનેવી છે. એને તો લાગશે કે તમને હોમવાથી વિશ્વાસ જન્મે તેમ છે, તો તમને પણ હોમી દેશે. ભલું હશે તો મહારાજને સૂચના જ કરી રહ્યો હશે!’

‘શાની?’

‘કુમારપાલજીની શોધમાં તમને મોકલવાની!’

‘એ પણ ખોટું નથી... એમાં શું ખોટું છે?’ ઉદયન ધીમેથી હસ્યો, ‘પછી તો મારે મારું ગોઠવવું રહ્યું. પણ હમણાં તો આપણે સાવચેત રહેવું પડશે!’

‘મમતે ચડ્યે જાડી બુદ્ધિ બતાવે, બાકી નહિતર, આવી ઝીણવટભરી જુક્તિમાં કૃષ્ણદેવજીનો કોઈ જોટો ન મળે! એક વાત તમારા ધ્યાનમાં આવી? મારા-તમારા ઉપર મહારાજને કાંઈક આશંકા છે. પણ એ આશંકાથી પર રહ્યા છે! છે નાં નવી નવાઈની વાત?’

‘આપણે આનકરાજને તો હજી ગણ્યા નથી!’

‘હા, આનકરાજ ખરા!’

‘એ ત્યાગભટ્ટ સામેની આપણી એક સબળ ચાલ છે, ધ્યાનમાં આવ્યું?’

‘હા... બરાબર... એ ચોક્કસ મેળમાં છે. આનકરાજનો સોમેશ્વર. એ દૌહિત્ર. એટલે એને તો પાટણની ગાદીનો મોહ થાય!’

‘મોહ થાય નહિ, મહારાજની એ ઈચ્છા હોવાની વાત ચાલે છે. એટલે આપણે ત્રણના ચાર થયા!’ 

‘એ બરાબર.’ કાક વિચાર કરી રહ્યો.

ઉદયનને વિચાર આવ્યો. મલ્હાર ભટ્ટે બીજું તો કાંઈ બાફ્યું નહિ હોય? એ જાણવાની એને જરૂર હતી. 

‘મલ્હાર ભટ્ટની વાત તમને કોણે – કેશવે કરી?’

‘ના, ના, મેં સાંભળ્યું કે દક્ષિણ દરવાજાની કોઈ હકીકત મહારાજ પાસે આવી છે. મલ્હાર ભટ્ટ જેવી કોઈ નવો ભટ્ટરાજ આવ્યો છે. મહારાજ એની સાથે દક્ષિણ દરવાજે જવાના હતા. એથી વિશેષ કાંઈ આવ્યું નથી.’

ઉદયન સમજ્યો કે મલ્હાર ભટ્ટે એને કહ્યું હતું એ આ જ વાત હતી.

‘આ પ્રતાપદેવી ક્યાંની – આંહીંની છે?’

‘હાસ્તો, ઉજ્જૈનીની. પણ કાલિદાસ ભવભૂતિ જેવા કવિઓની વાણી જેમના સાંનિધ્યમાં જન્મ લેતી કહેવાય છે, એ આ નારી છે!’

‘ઉજ્જૈનીમા ક્યાં હતી?’

‘કુલસદગુરૂ ભાવબૃહસ્પતિનું નામ સાંભળ્યું છે? માલવરાજ નરવર્મદેવ એના ચરણની રજ માથે લેતા. એ ભાવબૃહસ્પતિ આજે સિદ્ધરાજ મહારાજના જમણા હાથ થઇ પડ્યા છે. ભગવાન શંકરના તમામ રૂપ કુળસદગુરુને સ્વપ્નમાં આવ્યા છે. મહાકાલની એમને આજ્ઞા થઇ છે. ભગવાન ધૂર્જટીને એમણે જીવનભર આરાધ્યા છે. આજ હવે એ પોતાનું આસનિયું ઉપાડીને સોમનાથ સમુદ્રના તટે એક મહાન સંસ્કારધામ રચવા ઊપડવાના છે. એ ભાવબૃહસ્પતિની પુત્રી તે આ પ્રતાપદેવી!’

‘હેં!’

‘હા. એ નારીમાં તેજસ્વિતા, રાજા દુષ્યંતને પ્રશ્ન કરતી શકુંતલાની છે. યુદ્ધપ્રિયતા મહાભારતી દ્રૌપદીની છે. કર્ણને ન્યાય અપાવવા નીકળનાર કુંતીનું વાત્સ્યલ્ય એનામાં છે. એ પણ આ ત્યાગભટ્ટને ન્યાય અપાવવા નીકળી છે. મહારાજને સોરઠી જુદ્ધ સમે કોઈ ભુવનેશ્વરી નામની અદ્ભુત સ્ત્રી મળી હતી! ખબર છે તમને કાંઈ? તમે એ જુદ્ધમાં સાથે હતા!’

‘હા... એક... હતી એમ? ત્યારે તો મેં ધાર્યું હતું તે જ નીકળ્યું. એ ભુવનેશ્વરીનો આ છોકરો લાગે છે!’

‘કહેવાય છે!’

‘પણ ખાતરી?’

‘એ ન્યાય અપાવવા તો પ્રતાપદેવી પોતે ઉજ્જૈનીથી આંહીં આવી છે!’

‘પણ આપણામાં ફાટફૂટ કરાવવા એ આવી હોય એમ કેમ ન બને? નરવર્મદેવ સ્વર્ગવાસી થયા છે. ઇન્દ્રવર્મા એનો પાટવી નવી જુક્તિ ન અજમાવે? તમે આંહીં ક્યારના પડ્યા છો! કાંકરી એક ધારાગઢની ખરી છે?’

‘અને ખરવાની પણ નથી...’

‘તો? અત્યારે પરણે છે એનાં ગીત ગાવ ને! અત્યારે વચ્ચે ક્યાં આ નાચકણામાં કુદકણા જેવું પ્રતાપદેવીનું કાઢ્યું છે? આપણે એ વાત આવી રીતે સમજવી. મહારાજ ક્યારે તરતમાં આ સવાલ ઉપાડવાના છે?’

‘તરતમાં? એ સવાલ ઊપડેલો જ એમ સમજો ને!’

‘કેમ એટલી ઉતાવળ?’

‘કારણકે મહારાજને આ વિજય મેળવીને સોમનાથ જવું છે. ભાવબૃહસ્પતિનું સંસ્કારધામ ત્યાં રચવાનું છે. અને રુદ્ર અગિયાર છે એ આ બારમા રુદ્ર સિદ્ધરાજ મહારાજને પ્રત્યક્ષ મળવા છે!’

‘એમ? પણ નરવર્મ ગયા, ઇન્દ્રવર્મા કાંઈ ડગે તેમ છે?’

‘જ્યાં સુધી એની મા ચેદીની મોમલાદેવી જીવે છે ત્યાં સુધી તો નહિ. એ હૈહય રાજકુમારી છે એ કેમ ભૂલો છો? એને જંગ જીતવો છે, ને ગુજરાતીઓને ધૂળ ચાટતા પાછા પાટણ મોકલવા છે. અથવાતો ધારાદુર્ગની કેવળ રાખ્યા રહેવા દેવી છે! આ હવે જંગ નથી રહ્યો. હવે એ સિદ્ધાંત થઇ ગયો છે. આમાં હવે કાં હીનપાર ને કાં હીનપાર જ છે. ત્રીજો કોઈ રસ્તો રહ્યો નથી, ઉદયનજી! દુર્ગ ધારાનો પડે તેમ નથી, તમે બીજાં ગમે તેટલાં વરસ કાઢો!’

ઉદયન જવાબ આપવા જતો હતો, પણ એકીસાથે ચારે તરફથી થઇ રહેલા શંખનાદે એમને બંનેને ચમકાવી દીધા: ‘અરે! આ શું?’ ઉદયનને એકદમ પહેલો વિચાર એ આવ્યો કે, ત્યાગભટ્ટને રાજકુમારતિલક કર્યાની આ જયઘોષણા છે કે શું? કાક મનમાં ને મનમાં થંભી ગયો: ‘ઇન્દ્રવર્મા પણ પડ્યો કે શું?’

બંને એકદમ રાજમંડપ તરફ જવા માટે ઊપડ્યા.