Featured Books
શ્રેણી
શેયર કરો

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 31

૩૧

સંન્યાસી ક્યાં ગયો?

ધંધરાજની સાથે ઉદયન અને કાક એકદમ બહાર નીકળી આવ્યા. ધંધરાજ આ બાબતમાં પાવરધો જણાયો. રસ્તામાં ઉદયને કાંઈ વાત કરી નહિ. એક વખત સ્થાન આવીને શાંતિથી એ વિચાર ઘડી કાઢવા માંગતો હતો. એની પડખે ચાલી રહેલો કાકભટ્ટ પણ વિચારમાં જ ચાલી રહ્યો હતો. ધંધરાજે રસ્તામાં જે કાંઈ કહ્યું તેમાંથી ભાગ્યે જ અરધું ઉદયન સમજ્યો હશે. પણ એને એક વાતની પ્રતીતિ એમાંથી મળી ગઈ હતી. પોતાની પેઠે જ આ ધંધરાજ પણ એકચક્રી ધર્મશાસનમા શ્રદ્ધા ધરાવનારો જીવડો હતો. ઉદયનને એ વસ્તુ અત્યંત ઉપયોગી જણાઈ. 

શ્રેષ્ઠીના મહાલય પાસે આવતાં ઉદયન થંભી ગયો: ‘ધંધરાજજી! તમારી ધર્મપ્રીતિની આકરી કસોટી થાય એવો એક પ્રસંગ છે!’

ધંધરાજ એની સામે આશ્ચર્યથી જોઈ રહ્યો, ‘મારી કસોટીની વાત કરો છે?’

‘હા. અમારી તમારી સૌની વાત છે. તમે કહ્યું નાં, એકચક્રી ધર્મશાસન વિના ભારતવર્ષ પુણ્યભૂમિ નહિ બને. તમારું એ સ્વપ્ન છે કે માન્યતા?’

‘બંને, કેમ?’ ધંધરાજે કહ્યું.

‘ત્યારે જો માન્યતા હોય તો એની કસોટી ખડી ઊભી છે, સ્વપ્ન હોય તો એની સિદ્ધિનાં પગરણ તમારી રાહ જુએ છે!’

‘શાની વાત કરો છો પૃથ્વીનાથ? હું હજી તમારી વાતને સમજી શક્યો નથી!’

‘આ અમારા ભટ્ટરાજ જોયા! કાકભટ્ટ! પોતે માહેશ્વરી છે, પણ સમજે છે કે જૈન તંત્ર વિના, જૈન શાસન વિના, જૈન ચક્ર વિના, જૈન ધ્વજ વિના અને જૈનાગમ વિના દેશનો ઉદ્ધાર પ્રજાનો ઉદ્ધાર નથી. વ્યક્તિનો પણ ઉદ્ધાર નથી. એટલા માટે તો પેલી સિદ્ધસેનજી દિવાકર જેવાની મહાગાથાઓ આગાહી આપી છે. સંભારો એને... સાંભરી?’

‘ના. મોંએ તો આવતી નથી!’  

‘ત્યારે આ તમારી નગરીમાં એવા પુણ્યાક્ષર પડ્યા છે ને તમને યાદ રહ્યા નથી? તેમણે વિક્રમરાય સરીખો કુમારનરિંદો થવાની આગાહી કરી છે, એ કુમારનરિંદો કોણ? તમે જાણો છો?’

‘કોણ કુમારપાલજી?’ ધંધે કહ્યું. 

‘હા. કુમારપાલજી, એ આંહીં કાંતિગરિમાં એક વખત આવીને તમારું જે આતિથ્ય ભોગવી ગયા છે. તમને એ સાંભરતા હતા. આજે હવે એના ઉપર સંકટ છે.’

‘ક્યાં?’

‘આંહીં તમારી નગરીમાં!’

‘અમારી નગરીમાં હોય નહિ. કુમારપાલજી આંહીં આવ્યા હતા, તે વખતે જ તમારો સંદેશો હતો, કે એ ગુર્જરેશ્વરની જ્યાં નજર ન પહોંચે ત્યાં રહે, એમાં એનું શ્રેય છે. ને વીરશાસનનું પણ શ્રેય છે! એ આંહીં – ? અત્યારે આંહીં તો મહારાજ જયદેવ છે, ને એ આંહીં ક્યાંથી હોય? એ પોતે પણ પોતાની અકારણ આપત્તિ વિશે જાણનારા તો છે. આંહીં એ આવ્યા છે? અત્યારે – આ નગરીમાં છે?’

‘અમે પણ એ જ ઈચ્છ્યું હતું કે એ આંહીં ન હોય. પણ એ આંહીં છે. આપણે એમને આંહીંથી અત્યારે જ રવાના કરી દેવા છે. કઈ રીતે એ બને? તમારી જાણનો કોઈ રસ્તો? મહારાજને દ્રષ્ટિએ પડે કે જાણમાં આવે એ ઠીક નથી.’

‘પણ એ છે ક્યાં?’

‘કહું – તમારા સંન્યસ્થમઠમાં.’

ધંધરાજ વિચાર કરી રહ્યો: એ વસ્તુસ્થિતિનો, સ્તંભતીર્થનો, અવારનવારનો પ્રવાસી હોવાથી, જાણકાર તો હતો જ.

‘મહામુનિ હેમચંદ્રાચાર્યે શું કહ્યું છે, મને આ કુમારપાલજી વિશે એ તમને કહું?’ ઉદયને એને વિચારમાં પડેલો જોઈ કુમારપાલના નિશ્ચિત ભાવિનો ઉલ્લેખ કરવામાં ડહાપણ જોયું.

‘શું?’

‘કુમારપાલજીને રાજયોગ છે, છે, ને છે.’

ધંધરાજ એ રીતે વિચાર કરી રહ્યો. જો એ ગુર્જરેશ્વર થાય તો જૈન શાસનની અભિવૃદ્ધિ થાય એનાં હીરામાણેક ખપે ને સમૃદ્ધિની પણ અભિવૃદ્ધિ થાય. શાસન પણ સચવાય ને લક્ષ્મીજીને પણ સચવાય એનાથી વધુ રૂડું શું? શાસન ને લક્ષ્મીજી બે સચવાતાં હોય તો! એણે ધીમેથી કહ્યું: ‘એક રસ્તો છે!’ 

‘શું?’

‘આ નગરીમાં દ્વારભટ્ટ પણ માધવદેવ છે એટલે કોઈ નગરીમાંથી બહાર જાય કે આવે – એની જાણ વિના – એ તો બને તેમ નથી, પણ પેલી તમે વાત કહી નાં –’

‘ગાથાવાળી?’

‘હા.’

‘એને શું?’

‘એમાંથી એક માર્ગ છે.’ ધંધ છેક ઉદયન પાસે આવી ગયો, ‘એ તમને નગર બહાર મૂકી દેશે. કોઈને માર્ગની ખબર નથી – માધવદેવને પણ!’

ઉદયને હવે તો એક પળ પણ ન ગુમાવવામાં કાર્યસિદ્ધિ જોઈ. એ કાકભટ્ટને જરા આઘે લઇ ગયો. તેના કાનમાં કાંઇક કહ્યું, ને પછી પાછો ધંધ પાસે આવ્યો. ધંધરાજને આ અવિનય જેવું ન લાગે માટે તેણે તેને ધીમેથી કહ્યું: ‘ધંધરાજજી! કાકભટ્ટે રંગ રાખી દીધો છે. અમારા મહારાજનો કોપાનલ સહન કરનારા સમજે છે કે એ શું છે. એ અગ્નિપરીક્ષા દેવા એ પોતે તૈયાર થયા છે.’

‘શી રીતે?’

‘તમારા સંન્યસ્થમઠના ત્રણસોએ ત્રણસો સંન્યાસીને મહારાજે નિમંત્ર્યા છે. સાચું? કુમારપાલજી એમાંના જ એક છે. હવે સવારે બસો નવાણું થાય – ત્યારે શું થાય!’ ઉદયને જાણી જોઇને કુમારપાલ વિશેનો, ગજ માટે એ આવ્યો હતો વગેરે. ઉલ્લેખ છોડી દીધો. 

‘આ... હદ! એ તો મને ધ્યાન ન રહ્યું! ત્યારે શું થાય? એવો તો ઊહાપોહ કરવો હોય તો મોટો ઊહાપોહ થાય. એમાંથી તો અમારા ઉપર પણ ચક્કર ઊતરી પડે... મહારાજ મદનવર્મા ને પણ એ જાણ થાય – ને એ તો વાત વધી પડે!’

‘હં... ત્યારે? એટલે કે એક સંન્યાસી ઘટે. તેની જગ્યાએ આ અમારા કાકભટ્ટ! એ સંન્યાસી થઈને બે ઘડી બેસી જાશે! આટલામાં તમારો નખ લેવાવાળો હશે નાં?’

‘હા છે, પણ મહારાજ જયદેવ કાકભટ્ટને ઓળખશે – એનું શું?’

‘મેં હમણાં એ જ વાત એમને કરી. એ થઇ પડશે. એનો રસ્તો નીકળશે. પણ પહેલાં આ કુમારપાલજીને તો રવાના કરી દઈએ. અને ધંધરાજજી! કુમારપાલજી એમને આંહીં છે...’ ઉદયને કંઠે ને શીર્ષે હાથ મૂક્યો. અમે અત્યાર સુધી એમને જાળવ્યા છે. એ બહુ જ સાહસિક છે. આંહીં પોતે આવ્યા હતા જ એટલા માટે. એટલે વળી પાછા એ ફરી પ્રગટ થઇ ન પડે. માટે હું પણ એમની સાથે જ જઈશ!’ 

‘તમે પણ?’

‘હા, હું પણ. મને લાગે છે, હવે હું જાઉં. ઘોડા કોઈક અનુચર સાથે બહાર મોકલાઈ ગયા હોત – પણ ચાલો, એ લોભ કરવા જતાં આ પણ ખોશું. અમે રસ્તેથી કોઈ ટારડું મેળવી લેશું! ને અત્યારે તો જયજિનેન્દ્ર! ધંધરાજજી! પણ ભવિષ્યમાં શાસનને તમારો ખપ પડે ત્યારે અમે નજર તમારા ઉપર નાખશું. તમે આજ આંહીં હતા તો અમે આટલું ધર્મકાર્ય કરી શક્યા. ચાલો, ત્યારે...’

ધંધે વિચાર કર્યો, ‘તમને હું કહું ત્યારથી સાંઢણી મળશે. હું સંદેશો આપીશ! ને કાકભટ્ટની તૈયારી... કાકભટ્ટજી! તમે જરા આમ આવો તો.’