Featured Books
શ્રેણી
શેયર કરો

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 10

૧૦

સ્તંભતીર્થના રાજા

ઉદયન વિચાર કરતો પાછો ફરી રહ્યો હતો, પણ એના મનને ક્યાંય શાંતિ ન હતી. હાર્યો દા લેવાની એને ટેવ ન હતી. મહારાજ સાથે કોણ હતું એ એ ન જાણે ત્યાં સુધી એને ચેન વળે તેમ ન હતું. એણે જોયું કે તમામ પોતપોતાને રસ્તે પાછા ફરી રહ્યા છે. એણે જાણી જોઇને પોતાના અશ્વને ધીમી ગતિએ લીધો. ચારે તરફ કાકને શોધવા દ્રષ્ટિ ફેરવતો હતો પણ એ માનવસાગરમાં ડૂબી ગયેલો લાગ્યો, કૃષ્ણદેવનો તો એને ભરોસો ન હતો. એ કાકને શોધતો આગળ વધ્યો. 

રસ્તે એનાથી થોડે દૂર એક ઉત્તુંગ ગજરાજ જઈ રહ્યો હતો. 

‘કોણ હશે?’ ઉદયનને વિચાર આવ્યો. તેણે પોતાની ગતિ વધારી દીધી. થોડી વારમાં જ તે ગજરાજની લગોલગ આવી ગયો. 

ગજરાજની આગળ-પાછળ થોડાક ઘોડેસવાર સૈનિકો જઈ રહ્યા હતા. ઉપર કોઈ રાજવંશી વ્યક્તિ બેઠી હોય એમ જણાતું હતું. એનો ચહેરોમહોરો તો દેખાતો ન હતો, પણ ઠાઠમાઠ રાજવૈભવનો સૂચક હતો. સાથે એક નાનો પાંચ-સાત વર્ષનો છોકરો હતો, હોદ્દામાં આગળ ઊભોઊભો, એ અનેક પ્રશ્નો કરી રહ્યો હતો.

‘બાપુજી! મહારાજ કેમ ન મળ્યા? આપણે એવી પ્રતિજ્ઞા કેમ ન લીધી? આપણે શું રજપૂત નથી? આપણે કેમ ન લીધી?’

ઉદયન સાંભળી રહ્યો. કોણ હોઈ શકે?

‘અરે! સોમુ! તું તો ભાઈ! ઘેલીઘેલી વાતો કરે છે! આ જુદ્ધ ગુર્જર મહારાજનું છે!’

‘ત્યારે આપણું આ જુદ્ધ નથી?’

‘ના.’

‘તો આપણે કેમ આવ્યા છીએ?’

‘કહું હમણાં!’ 

થોડી વાર કોઈ કાંઈ બોલ્યું નહિ. સૌ ચાલતા રહ્યા. ઘોડાના ડાબલાના પડઘા પડખેની ડુંગરમાળામાંથી પાછા ફરતા હતા. રૂપેરી સોનેરી ઘંટમાળના રણકા સંભળાતા હતા. દેખીતી રીતે મહારાજના મુખ્ય શિબિરથી રસ્તો ફંટાઈને આગળ વધતો જતો હતો. સોલંકી છાવણી પાછળ રહી જતી હતી. રાજવંશી વ્યક્તિ આ કોણ છે ને સોલંકી સેનના પડાવથી થોડે દૂર એમનો માર્ગ ફંટાય છે કે શું એ ઉદયન હજી કાંઈ સમજી શક્યો ન હતો. પણ પોતાને કોઈ ઓળખતું લાગ્યું નહિ, એટલે નચિંત થઈને સૈનિકો સાથે સૈનિક બનીને એ પાછળપાછળ ચાલ્યો – જુઓ વળી, આ ક્યાં લઇ જાય છે એમ વિચારતો.

થોડી વાર સુધી તો પેલો રાજકુમાર શાંત રહ્યો; પણ પછી જવાબ ન આવતાં એ રહી શક્યો નહિ: બાપુજી! તમે કેમ કહ્યું નહિ? આપણે પ્રતિજ્ઞા ક્યારે લેવી છે?’

‘અરે શાની પ્રતિજ્ઞા લેવી છે ઘેલાભાઈ? પ્રતિજ્ઞા લેવી એ કાંઈ ગોળ ખાવાનો છે?’

‘તો આપણે કેમ ન લઈએ પ્રતિજ્ઞા? મહારાજ શાના લ્યે?’

‘પણ શાની?’

‘ધારાગઢ તોડવાની. માળવા જીતવાની, રણમાં જુદ્ધ કરવાની!’ છોકરાએ ઉતાવળે ઉતાવળે બે-ત્રણ વાત કરી નાખી. 

‘અરે, આપણે લઇ રહ્યા ભાઈ! તારા બાપનો બાપ સોલ્હણને ઊંટ ઉપર ઉપાડી ગયો હતો! આ જ ઠેકાણેથી હોં, ક્યાં ગયા નરદેવજી?’

‘હા પ્રભુ! આંહીંથી જ હા!’ કોઈક વૃદ્ધ ઘોડેસવાર સૈનિકનો છેક પાછળથી અવાજ આવ્યો. ઘોડેસવારો હવે જરા છૂટાછવાયા થઇ ગયા હતા. પણ ઉદયન તો નામ સાંભળતાં જ ચમકી ગયો:

સોલ્હણવર્મા? એ તો માલવાનો સેનાપતિ-નરવર્મદેવનો! એને અજમેરનો અજયદેવ ઊંટ ઉપર ઉપાડી ગયો હતો. તે ચમકી ગયો. ત્યારે તો આ અજમેરના ચૌહાણ આનકરાજ! અને લાડઘેલો છોકરો એ જ સોમેશ્વર! મહારાજ સિદ્ધરાજનો દૌહિત્ર. કાંચનદેવીનો પુત્ર! (સોમેશ્વર ચૌહાણ એટલે પૃથ્વીરાજ ચૌહાણનો પિતા) પોતે આનકરાજ સાથે થઇ ગયો છે એ વિચારે એ એક ઘડીભર થંભી ગયો. પણ પછી તો વિશ્વાસથી જ આગળ વધ્યો. પ્રગટ થવાની તક જોવા લાગ્યો. 

‘તો આપણે કેમ ન ઉપાડીએ બાપુ?’ સોમેશ્વર બોલી રહ્યો હતો. 

‘આપણે ઉપાડી રહ્યા બાપુ?’ આનકરાજે કહ્યું ‘આપણે તો આ ભૂંગળ વિનાની જોવાઈ લખી છે તે જોઈ લઈએ. કોઈ હરફ બોલતું નથી જુઓ તો ખરા! અલ્યા! કોણ પ્રતાપદેવી, કોણ આ છોકરો, કોણ આ ભાવબૃહસ્પતિ! મહાઅમાત્ય દંડદાદાક જેવાની પણ બુદ્ધિ ફરી ગઈ છે! કુમારપાલ બિચારો રખડ્યો, બીજું શું? ભાર નથી કોઈનો કે રાજા સિદ્ધરાજનું વેણ ઉથાપે!’ આનકરાજ વધુ તો પોતાના મનને જ સમજાવી રહ્યો હતો. 

‘તો આપણે ઉથાપો બાપુ! આપણે જુદ્ધ જગાવો!’ સોમેશ્વર બોલ્યો. 

આનકરાજ કંઈ બોલ્યો નહિ. છેક છેલ્લીથી પેલા વૃદ્ધ સૈનિકનો અવાજ આવ્યો: ‘કેમ બોલ્યા નહિ મારા ચૌહાણરાજ? એંશીમું જાય છે, હવે દસેક વરસ જુદ્ધ ભગવાન દેખાડી દે એટલે તરી ઊતર્યા! અમનેય હજી કોડ રહી ગયા છે!’ વૃદ્ધ આગળ આવી પહોંચ્યો. દેખીતી રીતે એ જૂનો વિશ્વાસુ રાજજોદ્ધો લાગ્યો. 

‘એ તો રજપૂત છો ને વળી ચૌહાણ છો ભા! એટલે જુદ્ધથી શેના ધરાવ?’ આનકરાજે કહ્યું, ‘પણ નરદેવજી! આંહીં આ રણક્ષેત્રમાં  ક્યાંય તમે માણસ જોયા? જ્યાં જુઓ ત્યાં ભૂતડાં! ને ભૂતડાં! નદીનાળાં બાંધવા છે કે બાબરો! ગઢ ભાંગવો છે કે બાબરો! જળાશય કરવું છે કે બાબરો! જ્યાં જુઓ ત્યાં બાબરો જ બાબરો! આ રાજા જયસિંહદેવ શંકરના કોઈ ગણ છે. અવતાર કામ પૂરું થયે હાલ્યા જવાના છે એની પાછળ મેડીએ કોઈ દી દીવો નહિ કે સિંહાસને કોઈ છોકરું નહિ! હું તો આ જોઈ રહ્યો છું ભા! હવે એમાં ક્યાં વેરઝેર કરવાં? ને કરવાં પણ કોની સાથે? તમને આ ડુંગરમાં ઝાડ દેખાય છે, મને એ ઝાડમાં એક બાબરો દેખાય છે. મને એકેક ઝાડમાં બાબરો દેખાય છે. આ તમામ છોડવા એ જાણે કેમ એનાં પાળેલ ગોલાં હોય, આંહીં તમે ત્યારે એક હરફ કાઢો નાં, સવારે મહારાજને એ હરફની ખબર હોય! આમાં ક્યાં જુદ્ધની વાત કરવી? આ યશોવર્માં વાયડો થયો છે પણ ભૂંડે હાલે પાટણની બજારમાં ભટકવાનો છે! હમણાં તો આપણી કુલડીનો ગોળ ચોરી ખાવા જેવું છે. આવ્યાં છઈં આંહીં તો વળી બે વાત મળે છે. બાકી આંહીં કોઈનું કાંઈ ચાલે તેમ જ નથી!’

‘પણ મહારાજે તો આ મહિનાની જ મુદત નાખી છે!’

‘તે એનું સાચું થવાનું છે, મહિનામાં એક દી ઓછો હશે, ત્યાં ધારાગઢ નહિ હોય!’

‘પણ અત્યારે બરાબર ટાંકણે મહારાજ આ ક્યાં કાઢ્યું છે – આ ત્યાગભટ્ટનું?’

‘ભૈ, ધણી નો કોણ ધણી? ને આજ તો ભાવબૃહસ્પતિ, પ્રતાપદેવી, ત્યાગભટ્ટ એમની સાથે મંત્રણા થઇ. બીજા બધા ટાંટિયા ઠોકતા રહ્યા!’

ઉદયનને હવે સમજ પડી. પ્રતાપદેવી ત્યાં હતી, એટલે તો હવે વાત ઘણી આગળ વધી હતી.      

‘એક માણસ હતો – બોલે તેવો...’

‘કોણ?’

‘સ્તંભતીર્થનો રાજા!’

ઉદયનને આ પ્રગટ થવાની બરાબર  યોગ્ય પળ જણાઈ. પોતે કોઈક વખત વાતવાતમાં બીજ મૂક્યું જશે કે જયસિંહના દોહિત્રને પાટણ ન સત્કારે એવું કાંઈ નથી. એ આજ આનકરાજને સાંભર્યું લાગે છે. તેણે પોતાનો અશ્વ થંભાવ્યો, મોટેથી કહ્યું. ‘મહારાજને! મોટાં છો તે મને મોટો બનાવો છો? હું તો તમારે દર્શને આવી રહ્યો છું. હું રાજા ક્યાંનો? હું તો મારવાડી તે મારવાડી!’

‘કોણ બોલ્યું એ’ આનકરાજ ચમકી ગયો. તેણે પડખે જોયું. હાથી અટકી પડ્યો. ‘કોણ છે નરદેવજી?’

‘મહારાજ! એ તો હું છું. ઉદો મહેતા! તમારાં દર્શને જ આવી રહ્યો હતો!’

‘અરે! તમે મહેતા? પણ તમે આંહીં અમારી સાથે ક્યારે થઇ ગયા?’

‘તમે દીઠા ત્યારે! સોમુભાએ હજાર હજાર સત્યનું એકએક વેણ કહ્યું છે એ સાંભળીને આંહીં સુધી અમૃતકૂંપીનું જાણે પીણું લીધું છે! બાપુ! લોહી! લોહીનાં વેણ, એ તો જે જાણતાં હોય તે જાણે!’

‘અરે! પણ મહેતા! તમે આંહીં આવ્યા ક્યારે?’

‘પ્રભુ! આ તમે દીઠા ત્યારે. શું કરે છે બેન કાંચનદેવીબા?’

‘સૌ અજમેર છે. આંહીં રણવગડામાં ક્યાં સાથે ફેરવવાં? આંહીં તો હું ને સોમુ આવ્યા છીએ. સોમુ બહુ હઠીલો તો; કહે, મારે જુદ્ધ જોવું છે, તે જોવું છે!’

‘જોશે તો કરશે નાં? રાજપૂતના દીકરાને કોઈ નિરાંતે બેસવા દે તેમ નથી!’

‘પણ સમો જેમ બદલાય છે તેમ રજપૂતીની હવે હરાજી બોલાય છે!’

‘સમો! સમો ભગવાન મહાવીર દેખાડે એ ખરો. પણ સતને વળગી રહેશે એ તરશે. સત એક, સમા અનેક!’

‘આમ ક્યાં અમારી તરફ આવતા હતા?’

‘ના, વિચાર તો હતો તમારા સાઢુને ખોળવાનો પણ મળ્યા નહિ!’

‘એ તે ક્યાંથી મળે? મહારાજની હા એ હા કરીને એની જીભ જ થઇ પડ્યા છે ને!’

‘લાગે તો છે!’ 

‘લાગે છે કે છે? એમણે જ આ ત્યાગભટ્ટનું મા’તમ વધારી દીધું છે. એ ગજનિષ્ણાત છે. મહારાજને પણ અત્યારે કોઈ અદ્ભુત ગજરાજનો ખપ જાગ્યો છે. હવે આ પ્રતિજ્ઞા આવી એટલે તો એ ઊપડ્યો નહિ ઊપડે!’

ઉદયનને એક નવું સત્ય મળ્યું: ‘હા!... આ ત્યાગભટ્ટ જ મહાન ગજનિષ્ણાત છે.’ એણે કુમારપાલના ભાવિમાં એક વધુ અમંગળ દીઠું.

‘મહારાજ! તમારાથી ક્યાં કાંઈ અજાણ્યું છે? પણ રાજનીતિને કોની સાથે સરખાવી છે?’

‘વારાંગના સાથે!’ 

‘બસ ત્યારે. પાટવી રણમાં પડ્યો ને જેણે મૃદંગઘોષ કરાવ્યા, એ આ ચેદિરાજની કન્યા મોમલાદેવી આંહીં છે હો! નરવર્મદેવ કવિ હતા, અને વળી જ્ઞાની હતા. કેવા જ્ઞાની? આંહીં આ રણક્ષેત્રમાં જુદ્ધ ચાલે, ને તું ઉજ્જૈની નગરીમાં મહારાજ નરવર્મદેવ અને મહારાજ જયસિંહ સિદ્ધરાજ, એક જ આસને બેસીને સાધુ સમુદ્રઘોષની કથા સાંભળે! એ નરવર્મદેવ. એ કવિરાજ હતા. પણ આ રાણી મોમલાદેવના પ્રતાપે આટલું લાંબુ જુદ્ધ ચલાવી શક્યા. તો આ યશોવર્મા એ તો જુવાન જોદ્ધો છે. એને આ રમત સૂઝી હશે પ્રતાપદેવીની તો?’

‘હા... અરે! મહેતા! તમે આવ્યા તે ઠીક થયું!’ આનકરાજને વાત મધ જેવી મીઠી લાગી ગઈ.

‘પ્રભુ! એટલા માટે તો હું આવ્યો છું!’

ચૌહાણની છાવણી દેખાવા માંડી. આનકરાજને મારવાડની સુધવારાણી શોધી આપનારો ઉદયન હતો. કાંચનદેવીના વિવાહમાં પણ એનો હાથ હતો. કુમારપાલની બહેન દેવલદેવીની વાત પણ એણે જ ચલાવી હતી. કુટુંબીજન મળ્યા હોય એમ આનકરાજે, છાવણી આવતાં જ, ઉદયનનો હાથ પકડ્યો: ‘મહેતા! તમે છુપ્પું રત્ન – તમે ક્યાં સંતાઈ ગયા હતા? તમારા વિના તો આંહીં અંધારુઘોર હતું! ચાલો, તમે ચાલો,મારે બે વાત કહેવી છે!’

‘ને મારે પણ બે વાત કહેવી છે!’

‘ઉદયન અને આનકરાજ ત્યાં અંદર પટ્ટકુટીમાં ગયા.