Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 114

(૧૧૪) મહારાણા પ્રતાપ અને કવિ પ્રીથીરાજ

 

         “ચંપાદે, તેં મોગલ દરબારની નવી ખબર સાંભળી?” એક રાજપૂત મનસબદારની પત્નીએ, મંદિરમાં પૂજા કરવા જતી ચંપાને પૂછ્યું.

         “ના, હમણાં તો એવા કોઇ સમાચાર સંભળાયા નથી.” હસીને ચંપા બોલી. “ચંપાદે, તું હસે છે? મને નવાઈ લાગે છે. પ્રીથિરાજે ગઈકાલે મેવાડી મહારાજા બાબતે, તેઓ શરણે આવશે કે નહિ એ બાબતે, વિવાદમાં ઉતરીને બાદશાહને ચુનૌતી આપી કે, સૂર્ય પૂર્વમાં ઉગવાનું ભલે છોડી દે પરંતુ મહારાણા પોતાની સ્વતંત્રતા કદાપિ નહીં છોડે. ઓબાદે પણ કહેતા હતા કે, મોટું જોખમ ઉભું કર્યું છે.”

         “પરંતુ મને તો કાંઈ કહ્યું નથી.”

         તું જાણે? કદાચ સ્ત્રીઓને કવિ રાજનીતિ સાંભળવાને યોગ્ય પણ નહિ માનતા હોય. બાદશાહ જો ખિજાશે તો મનસબદારી છીનવી લેશે. આવા સમયે કવિરાજ મૌન સાધે તો?

         “હું આંજે જ પૂછીશ. આટલી મોટી ઘટના કવિના જીવનમાં બને અને હું તદ્દન અજ્ઞાત?”

         ચંપાદે પોતાના લાભ સિવાય બાદશાહને નારાજ કરવા માટે પતિપર થોડી નારાજ થઈ. જો બાદશાહ નારાજ થઈ જાય તો આ વૈભવ અને જાહોજલાલી ક્યાં?

         સામેથી કવિ આવતા દેખાયા. કામિનીના કંઠેથી કાવ્યારૂપે ફરિયાદ સરી પડી.

         પતિ જિદ્‍ કી પતિસારૂ સૂઁ, યહૈ સૂણી મ્હૈં આજ,

         કઁહ પાતલ, અકબર કહાઁ, કરિયો બડો અકાજ.

         “હે પતિદેવ, મેં આજે સાંભળ્યું કે, આપ બાદશાહ સામે હઠકરી. ક્યાં મહારાણા પ્રતાપ અને ક્યાં શહેનશાહ અકબર? બંનેની શી સરખામણી? આપે આ ખોટું કાર્ય કર્યું છે.”

         “ઘટના ગઈકાલની છે. મને બીજા દ્વારા આજે ખબર પડે છે. શું તમારો પ્રેમ આવો જ છે? હવે મને સમજાય છે ગઈ રાતની જાગરણનું રહસ્ય ઘોડે સવારોની ગુફ્તેગુ હવે સમજાય છે.” ચંપાદે કટાણું મુખ કરી બોલી.

         આ સાંભળી કવિરાજ પથિરાજ ખડખડાટ હસી પડ્યા, “મૃગનયની, ચંપાદે, રાજનીતિ જો સુંદરીઓના હાથમાં સોંપવામાં આવે તો શસ્ત્રો ઉત્પન્ન કરવાનું બંધ કરવું પડે. શસ્ત્રો બધાં તમારો નયનોમાં જ સમાયેલાં છે, આટલી નાની વાતમાં, પ્રેમની કસોટીએ મને ન કસ. અકબરશાહ બાદશાહ છે. એમનું ધ્યાન અફઘાનીસ્તાન, બંગાળા અને દક્ષિણ ભારતના રાજ્યો તરફ છે. મેવાડી રાણાને છંછેડી એ કશું મેળવી શકે એમ નથી. મહારાણાએ હવે સંધિ માટે વિચારવાની જરૂર નથી. જ્યારે સમસ્ત મેવાડ, રાજપૂતાનાં રાજપૂતી માટે કુંભકર્ણીય નિદ્રા લઈ રહ્યું હતું ત્યારે મહારાણાએ એકલવીરની અદાથી ભાલો અને શમશેર ઉઠાવ્યા. હવે તો એમની પ્રેરણાથી સમગ્ર રાજપૂતાના જાગ્રત થઈ ગયું છે. જાગ્રત થયેલા રાજપૂતો પોતાની અસ્મિતા માટે ઝંખે છે ત્યારે શું થાકી ગયેલા મહારાણાને સંધિ કરવા દેશે, ઝુકવા દેશે? કદાપિ નહિ અને અકબરશાહ હવે રાજપૂતોને અન્યાયી છેડછાડ કરે એ દિવસો હવે રહ્યા નથી. હું જાણું છું, બાદશાહના હૈયામાં રહેલો સંસ્કારી આત્મા એને કદાપિ એમ કરવા દેશે નહિ. મારે તો, મારા આત્માના અવાજને સાંભળીને કવિધર્મ બજાવવાનો છે.”

         મહારાણા પ્રતાપની યશગાથાને ત્રણ કવિ બિરદાવવા માટે મેદાને પડ્યા હતા. કવિ પ્રીથિરાજ રાઠોડ, દુરસા આઢા અને ગંગ કવિ.

         ચંદ વરદાઈએ પૃથ્વીરાજ ચૌહાણને ‘પૃથુરાજ રાસા’ મા બિરદાવ્યા હતા.

         હમ્મીર હઠ હમ્મીર કાવ્યમાં બિરદાવી.

         “આલ્હાખંડ” આખો આલ્હા અને ઉદલને બિરદાવવા લખાયો.

         મોગલ બાદશાહ બાબરે “બાબરનામા” નામે તુર્કી ભાષામાં પોતાની આત્મકથા લખી. બાબર ના જ અંગત પ્રધાન શેખ જૈનુદીન ખવાફે ‘તબકાત-એ-બાબરી’ માં બાદશાહ બાબરના ભવ્ય જીવનને બિરદાવ્યું.

         શાહજાદી ગુલબદને ‘હુમાયુઁનામા’ રચી, હુમાયુઁના જીવનને જગત સામે મૂક્યું. બાદશાહ અકબરના પ્રિય મિત્ર, સૂફી સંત મુબારકના પુત્ર અબુલ ફઝલે ‘અકબરનામા’ લખી અકબરશાહને મહાન બનાવ્યા, આમાં ઘણી રચનાઓમાં ઇતિહાસ એકતરફી હતો.

         સ્વતંત્રતાની ચેતનાને અમર ત્યાગ અને બલિદાનથી જાગ્રત રાખનાર મહારાણા પ્રતાપને બિરદાવવા માટે આથીજ, હૈયાની પ્રેરણાથી ઉપર્યુક્ત ત્રણે કવિઓએ રચનાઓનું સર્જન કર્યું. એમની રચનાઓએ મહારાણાની ખ્યાતિને સમગ્ર ભારતમાં ફેલાવી દીધી. કવિ પ્રથિરાજે નિર્ભીક્તાથી પોતાની રચનાઓના વીર નાયક તરીકે મહારાણાને સ્થાપિત કર્યા. એમની વાણી ભારતમાં સર્વત્ર ગુંજવા લાગી.

         એવા સમયે “મહારાણા સંધિ સ્વીકારવા તૈયાર છે.” આવો સંકેત કવિ પ્રીથિરાજ માટે આઘાતજનક હતો.

         કવિના પ્રેર્યા બે અશ્વારોહી રાજપૂતાના, મેવાડના પ્રદેશમાં આવી પહોંચ્યા.

         એક ગામમાં પહોંચીને રાત્રિ મુકામ કર્યો.

         મહારાણા ફરતે ભીલોની સખત ચોકી હતી કારણ કે મોગલથાણાઓ ખૂબ જ કડકાઈથી તેઓની શોધ આદરી રહ્યા હતા.

         “જ્યાં સુધી અરવલ્લીની ઘાટી ન આવે ત્યાં સુધી કેવળ મૌન સાધવું પડશે.” એક અશ્વારોહીએ બીજાને કહ્યું.

         “જી” ટૂંકાક્ષરી જવાબ મળ્યો.

         કેટલોક સમય પસાર થઈ ગયો. હવે અરવલ્લીની પર્વતમાળા શરૂ થઈ. લાંબા લાંબા અંતરે ઝૂંપડા દેખાવા માંડ્યા, એક ગામડે આ બન્ને મુસાફરો એક ઝૂંપડાવાસીને ત્યાં રોકાયા.

         ભોજન બાદ રાત્રિએ સૌ વાતે ચઢ્યા.

         આમાં ખ્યાલ આવી ગયો કે, આ ઝૂંપડાનો માલિક ગામનો મુખી છે અને ભીલ સરદાર પૂંજાજીનો સંબંધી તથા પરિચિત છે. પછી તો એની મારફતે પૂંજાજીનો સંપર્ક સાધ્યો.

         વીર પૂંજાજીએ કવિ પ્રથિરાજના માણસ સમજીને આદર તો કર્યો પરંતુ મુલાકાત કરાવી આપવાની ના પાડી.

         “અમે આ બાબતમાં કોઇનો ભરોસો રાખતા નથી.” પહેલા અશ્વારોહીએ પૂછ્યું, “તમે જાસુસીકળામાં પાવરધા છોને?”

         “હા, એમાં કોઇ શક નથી.”

         “તો ચાલો જરા મારી સાથે.” દૂર જઈને પહેલા અશ્વારોહીએ ધીમેથી કયું, “પૂંજાજી, હું દૂરસા આઢા, હવે પ્રસંગનું મહત્વ સમજો. મારે મહારાણાજીને મળવું છે.

         પૂંજાજી દૂરસા આઢાને ઓળખતો હતો. અવાજ પારખ્યો. રાજપૂતાનાના આ આદરણીય કવિને પગે પડ્યો. “ભાઈ, બધું ગુપ્ત રાખજે.”

         બીજે દિવસે ભારે સાવધાની વચ્ચે, ખીણોમાં “આંખોએ પાટા બાંધીને આ બે અશ્વારોહીઓને મહારાણા પ્રતાપ પાસે હાજર કરવામાં આવ્યા. એક ખાનગી મુલાકાત યોજાઈ.

         “મહારાણાજી, મોગલ જાસૂસો આપના સ્વગત ઉદ્‍ગારો પણ જાણી ગયા.”

         “કવિરાજ, પૂંજાજીએ સઘળી ઘટના મને સંભળાવી છે. તમારા જેવા દેવીપુત્રને તસ્દી લેવી પડી.

         “મહારાણાજી, પ્રીથિરાજથી ખસી શકાય એમ ન હતું એટલે મને મોકલ્યો. આપના સંધિના પ્રસ્તાવની વાત સાંભળી પ્રીથિરાજ બેચેન થઈ ગયા હતા. છતાં એમણે બાદશાહના કથનને ભરદરબારમાં પડકાર ફેંક્યો છે.”

         “એમ?” ગર્વોન્મત મસ્તકે પ્રતાપ બોલી ઉઠ્યા.

         “પ્રીથિરાજે આપને સંદેશો કહાવ્યો છે?” મહારાણા પ્રતાપની ટેક તો સંસ્કૃતિના ભાલ ઉપર ચમકતી બિંદિયા જેવી છે. મેવાડપતિ પ્રતાપસિંહ એટલે મેવાડપતિ પ્રતાપસિંહજ, એના જેવો બીજો થયો નથી, થશે નહિ.

         “દરબારે અકબરી” માં મેં જે સાંભળ્યું તેનાથી મને નવાઈ લાગી. હ્રદયને આંચકો લાગ્યો. મારા કાનપર ભરોસો બેસતો નથી સાગર કદી મર્યાદા લોપે નહિ. શેષ સળવળે તો ભૂંકપ થાય. બાપ્પા રાવળના વંશધર શરણાગતિ સ્વીકારે એ કલ્પનાજ અસહ્ય છે, તમે કેવળ મેવાડ જ નહિ, સમસ્ત રાજપૂતાનાનું નાક છો તમને કદાચ ખ્યાલ નથી પરંતુ તમે વર્તમાન ભારતના વિક્રમાદિત્ય છો. ભારતની વીરશ્રી આપનાવડે શોભી રહી છે. આપના વડે ક્ષાત્રતેજ ટકી રહ્યું છે.

         આપ નમી પડશો તો સંસ્કૃતિનો રકાસ થઈ જશે. આપના કૂળમાં ભીષ્મની જેમ ગાદી ત્યાગીને, હિફાજત કરનારા જન્મ્યા છે. મીરાબાઈએ વિષપાન કર્યું છે. માની લીધું કે, આ આંધી, આ ઝંઝાવાત, ભયંકર છે. પ્રલયકર છે. પણ આપ તો સાક્ષાત ભગવાન નીલકંઠ શિવ જેવા છો. આ દુ:ખોને ગટગટાવી જજો પરંતુ શરણાગતિનો વિચાર ન કરશો. હું માનું છું કે, આપનામાં યુધિષ્ઠિરના અર્ધસત્યની માફક આવી ગઈ. પરંતુ આપના દુ:ખથી નહિ, સંતાનોની વેદનાથી.

         પાતલ જો પતસાહ, બોલૈ મુખ હૂં તાં બયણ,

         મિહર પછમ દિસ માહ, ઉગૈ કાસપ રાવઉત,

         પટકૂં મૂછાં પાણ, કૈ પટકૂં નિજ તન કરદ,

         દીજે લિખ દીવાણ, ઇણ દો મહલીબાત ઈક,

         જો, પ્રતાપ, અકબરને “બાદશાહ” એવા વચન કહે તો (કશ્યપ વંશધર) સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામશે, હે દિવાન, હું મારી મૂછોંપર તાવ દઉં કે પછી મારી તલવાર વડે, મારા જ શરીરપર ઘા કરૂં, આ બે માંથી એક વાત લખી મોકલો.

         મહારાણાજીએ દુર્બળતા ક્યારનીયે ખંખેરી નાંખી હતી.

         “કવિરાજ, જે રાજપૂતાનાની ધરતીપર તમારા જેવા, પૃથુરાજ જેવા, ગંગ જેવા કવિઓ પ્રતાપના વીરત્વને પ્રેરણા આપતા હોય ત્યાં નમવાનો સવાલ પેદા થતો નથી.”

         લંબાણ મંત્રણા થઈ, પોતાના યુગની એક દિવ્ય વિભુતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવીને બે આશ્વારોહી રાજધાની પરત આવી ગયા.

*                *                *                *

         “મહારાણાજીએ સિંહ થવાનો અનુરોધ કર્યો છે. પૃથિરાજ.”

         બંને કવિ હર્ષથી ગદ્‍ગદ્‍ થઈ ગયા.

         તુરક કહાસી મુખ પતો. ઇણ તન સું ઇકલિંગ,

         ઉગૈ જાહીં ઉગસી, પ્રાચી બીચ પતંગ (૧)

         ખુસી હુંત પીથલ, પટકો મૂંછા પાણ,

         પછટણ હૈ જૈતે પતો, કલમાં સિર કેવાણ (૨)    

         સાંગ મૂંડ સહસી સકો, સમજસ જહર સવાદ

         ભડ પીથલ જીતો ભલાં, બૈણ તુરક સુ વાદ (૩)

         ભગવાન એકલિંગજીના આ પુનથી, પ્રતાપના મુખમાંથી (અકબર માટે) “તુરક” જ કહેવાશે (પાતશાહ નહીં) સૂર્યોદય જ્યાં પૂર્વમાં થાય છે ત્યાં જ થતો રહેશે. હે વીર પૃથ્વીરાજ રાઠૌડ, ઘણાં હર્ષ સાથે મૂછો પર તાવ દેજો, જ્યાં સુધી પ્રતાપ છે ત્યાં સુધી એની તલવાર યવનોની ગરદન પર માનજો. પ્રતાપ પોતાના મસ્તકે ભાલાનો ઘા સહન કરશે, કારણ કે, પોતાની બરાબર વાળાનો યશ, વિષ સમાન હોય છે. હે યોધ્ધા પૃથ્વીરાજ! તુરકની સાથે વચનરૂપી વિવાદમાં તમે સહેલાઈથી વિજય મેળવો.

*                *                *                *

         દરેબારે અકબરીમાં પ્રિથિરાજ કવિનો ગૌરવભેર પ્રવેશ થયો.

         સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા.

                 આજે વિવાદનો અંત આવવાનો હતો કારણ કે કવિરાજ દરબારમાં જવાબ લઈને પધાર્યા હતા.

         મોગલે-આઝમના હાથમાં કવિરાજે મહારાણાનો સંદેશો મૂક્યો.

         “પૃથૃરાજ તુમ હી ઇસે પઢો.”

         “જેવો આદેશ.”

         સંદેશો સાંભળીને બાદશાહ ગુસ્સે થઈ ગયા. હાથનો કોળિયો મોં સુધી ન પહોંચ્યો.

         “મારા દરબારમાં આ બધાં રાજવીઓ ગીધ જેવા છે. સાચો સિંહ તો એકલો અરવલ્લીના પહાડોમાં વિચરે છે.”

         આજે બાદશાહે દરબાર વહેલો બરખાસ્ત કર્યો.

         “કવિરાજ, બીજીવાર તમે મને શિકસ્ત આપી. ધન્યવાદ.” બાદશાહ બોલ્યા.