(૧૧૩) શહેનશાહ અકબર અને કવિ પ્રીથીરાજ
બાદશાહ બાબર ‘બાબરનામા’ ની તુર્કીમાં રચના કરીને પોતાની ભવ્ય જીવનયાત્રાને સદાને માટે, વાગોળવા માટે જગત સમક્ષ મૂકી ગયો. એનો ફારસીમાં ખાનખાના અનુવાદ કરી રહ્યા હતા ત્યારે પોતાના જમાનાની યાદગીરીને જીવંત રાખવા માટે બાદશાહ અકબરે પોતાના અંગત મિત્ર, સલાહકાર અને પ્રસિદ્ધ સુફી ઇતિહાસકાર અબુલ ફઝલને ‘અકબરનામાં’ લખવાનો આદેશ આપ્યો.
‘અકબરનામા’ મહિતીસભર અને સંપૂર્ણ બને તે માટે બાદશાહે પોતાના સામ્રાજ્યમાં આદેશ બહાર પાડ્યો. “જેમને મર્હુમ બાદશાહ બાબર અથવા હુમાયુઁ સંબંધે જે કાંઈ માહિતી હોય તે નિર્ભીક થઈને રાજ અધિકારીને જણાવે. જેથી એ બધી સામગ્રીનો ઉપયોગ “અકબરનામા” માં થઈ શકે.
ઇ.સ. ૧૫૮૭ માં હુમાયુઁની બહેન, બાબરની પુત્રી ગુલબદને, બાબરના મૃત્યુ પછી ૫૭ વર્ષે ‘હુમાયુઁનામા’ લખવાની શરૂઆત કરી. આ વખતે બાદશાહ બાબરના જીવનપર તૈયાર થયેલ પુસ્તક તબકાત-એ-બાબરી કે જે બાબરના અંગત શેખ જૈનુદીન ખવાફે લખ્યું હતું.
કવિ પ્રથિરાજે જોયું કે, મોગલ બાદશાહો તવારીખો લખાવીને અમર બનવા માંડ્યા છે. આ રચનાઓમાં કેવળ ‘બાબરનામા’ માં પ્રાથમિક ઇતિહાસ હતો. બાકીની રચનાઓમાં ઇતિહાસ એકતરફી હતો.
સ્વતંત્રતાની ચેતનાને અમર બલિદાની જાગૃત કરનાર મહારાણા પ્રતાપને બિરદાવવા માટે રાજપૂતાનાના બે મહાન કવિઓ મેદાને પડ્યા. એમાં સાથ આપ્યો કવિ ગંગે.
એમની રચનાઓએ મહારાણાને હિંદમાં તે વખતે જ અજોડ વીર તરીકે સ્થાપિત કરી દીધા.
મોગલ દરબારના કવિ હોવા છતાં નિર્ભીક્તાથી પોતાની રચનાઓના વીર નાયક તરીકે પ્રીથિરાજ અને દુરસા આઢાએ મહારાણાજીને સ્થાપિત કર્યા. આ વીરવાણી સર્વત્ર ગુંજવા લાગી.
* * * *
મહારાણાએ વસમી વાટ પકડી હતી. પોતે વસમી વાટના વટેમાર્ગુ છે. એ ખુમારીમાં મહારાણાએ ભૂખપર પ્રણ કાબૂ મેળવ્યો હતો. પરંતુ લોહીનો સંબંધ, સંતાનોનો સ્નેહ, પોતાના માણસોની માયા અનોખી હોય છે. મોગલોની ભીંસ ચારે બાજુ વધી ગઈ. ભીલો ભોજન લઈને નીકળે પરંતુ માર્ગો બધાં અવરોધાય, બીજી બાજુ પોતાના જ બાળકોને ભૂખે ટળવળતાં, રડતાં જોઇને મહારાણા જેવાને પણ કંપકંપી વછૂટી જતી. જેટલાક પ્રસંગોમાં તો તૈયાર ભોજન પરથી દુશ્મન દળના આક્રમણના કારણે, ક્ષણના યે વિરામ વિના ભાગવું પડ્યું. ભોજન ભાણા ઉપરથી ઉઠીને, દોડતા, રડતા બાળકોનો દેખાવ જોવો અસહ્ય થઈ પડતો.
“બેટા, આની રોટલી બનાવ” મહારાણીએ પુત્રવધુના હાથમાં જંગલી છોડના પાંદડા આપ્યા. રોટલીઓ બની. બધાના ભાગે એકએક આવી. સૌએ એના બે ભાગ પાડ્યા. અર્ધી રોટલી બપોરના ભોજન માટે અને અર્ધી સાંજના વાળુ માટે.
એક જંગલી બિલાડો ત્યાં આવી ચડ્યો. એક વૃક્ષ નીચે મહારાણા પ્રતાપની બાળા હાથમાં રોટલી લઈને બેઠી હતી. બિલાડો રોટલીને જોતાં જ ઉછળ્યો, બાળા પર કૂદ્યો. બાળા ચીસ પાડી ઉઠી. દૂર એક શિલાપર મહારાણા ચિતામગ્ન દશામાં બેઠા હતા. ચીસ સાંભળી, બાળા તરફ જોયું ત્યાં તો બાળાના હાથમાંથી રોટલી લઈને જંગલી બિલાડો નાઠો, બાળા હવે જોરજોરથી રડવા લાગી. ભૂખથી તડપતી તો હતી જ. એની આંખો માંથી બોર બોર જેવડાં આંસુ સરી પડ્યા. આ જોઇ મહારાણી ઝાડના ઓથે, મુખે સાડી લેપટી, બહાર આવતી વેદનાને ખાળી રહ્યા. પોતાના હાથમાંથી રોટલી પુત્રીને આપી પિતા બોલ્યા.
“બેટા, રડીશ નહિ” પરંતુ એ પોતે જ રડી પડ્યા. ત્યાં સુધીમાં મહારાણી સ્વસ્થ થઈ ગયા હતા.
“આપ, આપ, ભાંગી જશો તો....”
“રાણી, તમે છૂપાઈને શું કરતા હતા? દર્દ તો વહેંચીએ?”
દૂર દૂરથી આવતા સિપાહીઓ નિહાળી મહારાણા ટટાર થયા. પણ મહારાણી સમજી ગયા. મહારાણા બાળકોની દુર્દશા, ભૂખની પીડા, મહારાણી અને પુત્રવધુની દયનીય સ્થિતિ, ભૂખમરો અને ભયાનક કંગાલિયતે હિંમત હારી બેઠા છે.
સાંજનો સમય છે. પથ્થરની એક શિલાપર બેઠા બેઠા એકાંતમાં મોટેથી મહારાણા પોતાની જાતને ઉદ્નેશી કહી રહ્યા હતા. “હું હવે હિંમત હારી ગયો છું. મારી ટેક ખાતર, મારા પરિવારે આટલું બધું સહન કરવાનું? શા માટે? આ અટંકીપણું ધીમા મૃત્યું સિવાય બીજું છે શું? બધાને યાતનાઓની ભઠ્ઠીઓમાં સળગવાની શી જરૂર? મોગલ દરબારમાં હવે હું સંધિનો પત્ર લખી દઈશ એ ચોક્કસ.”
આ પળે, બાદશાહનો વિશ્વાસુ ગુપ્તચર છૂપાઈને મહારાણાના વિચારો સાંભળી રહ્યો હતો. આ મોગલ સામ્રાજ્ય માટે શુભ ઘડી હતી. ગુપ્તચરે આ માહિતી અજમેર સુબાને પહોંચાડી.
અજમેરના સુબાએ બાદશાહ અકબરને તાકીદનો સંદેશો પાઠવ્યો કે, “મહારાણા સંધિ માટે વિચારે છે, કદાચ બહુ નજીકમાં દરબારે અકબરીમાં મહારાણાનો સંધિ માટે આપને પત્ર જોવા મળશે. અમને એવી ખ્વાહીશ છે.”
મહારાણા મોગલ સલ્તનતની આધીનતા સ્વીકારશે એ વિચારે અકબરશાહ હર્ષથી નાચી ઉઠ્યા.
આજ સમયે પ્રવેશદ્વારે એક કવિ પ્રવેશ્યા. એ હતા કવિ પ્રથિરાજ રાઠોડ. પ્રથિરાજ રાઠોડ એટલે રાજસ્થાની સાહિતનો સર્વશ્રેષ્ઠ કવિ બિકાનેરના રાજવી રાયસિંહના લઘુ-બંધુ, સૌ કોઇ, બાદશાહ પણ જાણતા હતા કે તેઓ મહારાણા પ્રતાપના ભારે પ્રશંસક હતા. બાદશાહે એમને જ નિશાન બનાવીને કહ્યું, “પ્રીથિરાજ રાઠોડ, સમાચાર એવા છે કે, મેવાડી રાણો હવે શરણે આવી જશે.”
આ સાંભળીને પ્રથિરાજને આંચકો લાગ્યો. મહારાણા પ્રતાપ તો હિંદુત્વનું ઘરેણું છે. જો એ શરણે આવશે તો હિંદુત્વને નામે બાકી શું રહેશે? છતાં તેઓએ પ્રશ્ન કર્યો.
“જહાઁપનાહ, આપ શા આધારે આ વાત કહો છો?”
“કવિ, હું ખોટું બોલતો નથી. જુઓ અજમેરના સૂબાનો આ પત્ર અને સ્વયં મહારાણાએ વ્યક્ત કરેલા વિચારો.”
“ગરીબ પરવર મોગલ સમ્રાટ, આપના સૂબાનો પત્ર સાચો હોઇ શકે. ગુપ્તચરની ગુપ્તવાત સાચી હોઇશકે પણ એ ક્ષણ વીતી ગઈ જે ક્ષણે મહારાણા મોગલ સત્તા સ્વીકારી લેત. આપને મળેલા સમાચારો પર સમયના કુચક્રે પાણી ફેરવી દીધું છે.”
“કવિરાજ, તમે કહેવા શું માંગો છો? શું આ સમાચારો બનાવટી છે?” અકબરશાહ બોલ્યા. તેઓને પણ કવિની વાણીમાં તથ્ય જણાયું.
“જહાઁપનાહ, સમાચારો બનાવટી નથી પરંતુ જૂના છે. ખરેખર હવે તો મહારાણા ચાહે તો પણ મોગલ શહેનશાહને શરણે આવી જ ન શકે. મહારાણાની સ્વતંત્રતા તો રાજપૂતાનાની આન છે. પોતાની ધરતીના ભાલની બિંદિયા જેવા મહારાણા હવે પરાધીનતા સ્વીકારી જ ન શકે.”
“કારણ?” ભવાં ચાઢાવી શહેનશાહ બોલ્યા.
“મહારાણા હવે માત્ર મેવાડપતિ જ રહ્યાં નથી. રાજપૂતીનું પ્રતીક બનીને સમસ્ત રાજપૂતોનાં હૈયાનાં હાર બની ગયા છે. સમગ્ર રાજપૂતાના એમને ચાહે છે.
“તો કીકા રાણાપર તમને આટલું બધું અભિમાન છે. પણ કવિરાજ ચારે તરફથી ધેરાયેલા કીકારાણા ઝાઝો સમય સ્વતંત્રતા નહિ જાળવી શકે.”
કવિરાજ મૌન ધારણ કરી ગયા.
કવિ વિચારવા લાગ્યા. સૂર્ય પૂર્વમાં ઉદય થવાનું છોડી દે એ અશક્ય અસંભવિત છે. એ પણ કદાચ સંભવિત, શક્ય બને પરંતુ મહારાણા મોગલ દરબારમાં મસ્તક નમાવી અકબરશાહને “બાદશાહ” સંબોધે એ અશક્ય છે.
પ્રીથિરાજે એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો.
આપ રાજપૂતાના, મેવાડ, મહારાણાજીને રૂબરૂ મળો. સંધિ માટે તૈયાર થયા હોય તો સંઘર્ષ માટે તૈયાર કરો. આ કામ આપ જ કરી શકશો. સમસ્ત રાજપૂતાના આપનું ઋણી રહેશે. આપની સાથે મારો બહાદુર અંગરક્ષક હું મોકલી રહ્યો છું. હું જાતે જાઉં તો બાદશાહ....
“સમજ્યો, રાઠોડ, હું જઈશ, આ ઘડીએ હું નહિ જાઉં તો કોણ જશે?”