ફુકરે ૩ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફુકરે ૩

ફુકરે ૩

- રાકેશ ઠક્કર

શું ફુકરે ને એક ફ્રેન્ચાઇઝી તરીકે બનાવતા રહેવાનું જરૂરી છે? એવો સવાલ થવાનું કારણ એ છે કે કેટલાક નિર્માતા- નિર્દેશકો સીકવલ બનાવવી એને પોતાનો જન્મસિધ્ધ અધિકાર માની રહ્યા છે. નિર્દેશક મૃગદીપસિંહ લાંબા 2013 થી ફુકરે થી શરૂઆત કરીને અત્યાર સુધીમાં ત્રણ ભાગ બનાવી ચૂક્યા છે. ફુકરે 3 ને જોવા માટે દર્શકો પાસે ઘણા કારણ હતા. અગાઉની બંને ફિલ્મોને પસંદ કરવામાં આવી હતી. એની સાથે કોઈ મોટી કે ઉલ્લેખનીય ફિલ્મ રજૂ થઈ રહી ન હતી અને ત્રીજું એમાં મગજ વગરની કોમેડી હતી. મોટાભાગના સમીક્ષકોએ માન્યું છે કે મગજ ઘરે મૂકીને જનારાને કોઈ તર્ક વગર જોવાથી એ જરૂર પસંદ આવી હશે. પણ આ પ્રકારની ફિલ્મો બોલિવૂડ માટે કેટલી જરૂરી છે એવો પ્રશ્ન કર્યો છે.

આવી ફિલ્મોથી બોલિવૂડને કોઈ ફરક પડતો નથી. કેમકે ગુણવત્તાની રીતે એ અગાઉની ફિલ્મોથી સારી નથી. કંઈક નવું કે ચોંકાવનારું આપવાનો એમાં નિર્દેશકનો કોઈ ઇરાદો દેખાતો નથી. વળી એવો સવાલ પણ છે કે ફુકરે 3 કેવી કોમેડી સીકવલ ફિલ્મોને પ્રોત્સાહન આપી રહી છે?! એ ક્યાં સુધી એક જ સરખી વાર્તામાં ફેરફાર કરીને એકસરખા પાત્રો સાથે રજૂ કરતા રહેશે એ દર્શકોના પ્રતિસાદ પર આધાર રાખે છે. માત્ર હિટ ફ્રેન્ચાઇઝીની રોકડી કરવા જ આ ફિલ્મ બનાવી છે. કેમકે જેણે પહેલો અને બીજો ભાગ જોયો નથી એમના માટે શરૂઆતમાં એક ગીત સાથે એની વાર્તાની ઝલક આપવામાં આવી છે.

બીજા ભાગમાં બતાવવામાં આવ્યું હતું એમ સરકાર દ્વારા જે સ્ટોર આપવામાં આવ્યા હતા એને ચૂચા (વરુણ શર્મા), હની (પુલકિત સમ્રાટ), લાલી (મનજોત સિંહ) અને પંડિત (પંકજ ત્રિપાઠી) મંદીમાં પણ ચલાવે છે. એ દરમ્યાનમાં જનહિત સમાજ પાર્ટી તરફથી ભોલી પંજાબન (રિચા ચઢ્ઢા) ચૂંટણીમાં ઊભી રહે છે. તે ચૂચા, હની વગેરેને પોતાની મદદ કરવા કહે છે અને એ માટે ચૂચા પાસે જે દેજા ચૂની શક્તિ છે એનો ઉપયોગ કરવા પણ કહે છે. જોકે, મદદ કરવામાં ચૂચા લોકપ્રિય થઈ જાય છે અને ચારેય જણ ભોલી પંજાબન સામે ચૂંટણી લડવા એને આહવાન આપે છે.

સમસ્યા એ ઊભી થાય છે કે પ્રચાર માટે ફૂકરે ગેંગ પાસે નાણાં હોતા નથી. ત્યારે જ દક્ષિણ આફ્રિકામાં ખાણનો માલિક શુંડા સિંહ (મનુ ઋષિ) હીરા શોધવા ચૂચાની મદદ માગે છે. ભોલી પંજાબન ચૂચાને ચૂંટણીમાંથી હટાવવા ષડયંત્ર રચવા લાગે છે. ફૂકરે ટીમ જનતાના હિતમાં શું કરે છે એ જાણવા ફિલ્મ જોવી પડશે.

લેખકે ફિલ્મને દક્ષિણ આફ્રિકામાં વધારે રાખી છે અને કેટલાક પાત્રો ગાયબ છે છતાં ફ્રેન્ચાઇઝી હોવાથી લાંબા વીકએન્ડમાં સારી કમાણી થઈ અને બજેટ વસૂલ થયું હતું એ પરથી લાગે છે કે એનો ચોથો ભાગ જરૂર આવશે. કલાકારોએ સારું કામ કર્યું છે એનું કારણ એ છે કે દસ વર્ષથી તેઓ હની, ચૂચા, લાલી વગેરે પાત્રો ભજવી રહ્યા છે. આખી દુનિયા બદલાઈ છતાં એમનામાં કોઈ પરિવર્તન આવ્યું નથી.

નિર્દેશક હજુ પણ દર્શકોને મગજ વગરની કોમેડી ફિલ્મ ના યુગમાં રાખવા માગે છે. સાચી વાત એ છે કે આ વખતે પણ બધા પાત્રોને આસપાસ રાખી માત્ર ચૂચા (વરુણ શર્મા) ને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એને વારંવાર ઓએ હોએ બોલતો બતાવવાનું જરૂરી ન હતું. એમાં પરસેવો અને પેશાબમાંથી પેટ્રોલ બની શકે એવા વાહિયાત આઇડિયા પણ આપ્યા છે.

દાવો એવો થાય છે કે ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવી છે. તેની સામે કહી શકાય કે ટોઇલેટ કોમેડીથી વારંવાર હસાવવાનો પ્રયત્ન કેમ થયો હશે? અને કોમેડી ફિલ્મ છે તો એમાં ક્લાઇમેક્સ પહેલાં એક ગંભીર મુદ્દો શા માટે ઉઠાવવામાં આવ્યો છે? ફિલ્મની લંબાઈ વધારે હોવાથી ઘણી જગ્યાએ કંટાળો પણ આપશે.

વરુણ શર્મા, પંકજ ત્રિપાઠી, રિચા ચઢ્ઢા, પુલકિત સમ્રાટ વગેરે પોતાના પાત્રોમાં ઓતપ્રોત થઈ જતા હોવાથી જ થોડાઅંશે ફિલ્મમાંથી મનોરંજન મળી શક્યું છે. વરુણે પોતાની સ્ટાઇલમાં કામ કરીને હસાવવામાં સફળતા મેળવી છે. તેણે ચૂચા તરીકે મળેલી પ્રશંસાને નિભાવી રાખી છે. પુલકિતે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પંકજની ભૂમિકા આ વખતે થોડી વધી છે એનું કારણ ઇન્ડસ્ટ્રીમાં કદ વધ્યું છે. જ્યારે રિચાની ભૂમિકા નાની થઈ છે અને એનું પાત્ર પણ અગાઉ કરતા નબળું બન્યું છે. ફુકરે ગેંગ ફિલ્મના નામ અને ફ્રેન્ચાઇઝીની ઇજ્જત કાયમ રાખી શકી છે.

કોમેડીની રીતે પહેલો ભાગ સારો બન્યો છે પણ બધા જોક્સ કે કોમેડી દ્રશ્યો પૂરા થઈ ગયા હોય એમ સામાજિક સંદેશ આપવાના ઉત્સાહમાં બીજા ભાગ પર વધારે મહેનત કરી નથી. વાર્તા ગુંચવાયેલી લાગે છે. નિર્દેશકે એમાં વધુ કોમેડી પંચ રાખવાની જરૂર હતી. ગીત- સંગીત ઉપર મહેનત કરી હોય એમ લાગતું નથી. એકપણ નવું ગીત યાદ રહી જાય એવું નથી.