સ્તુતિએ થોડો સમય જ એવું કર્યું પછી જાણે એ બધું જ સમજી શકતી હોય એમ ક્યારેય કોઈ જ પ્રશ્ન કરતી નહોતી. ઉંમર કરતા વધુ મેચ્યોર એ બની ગઈ હતી. એણે નાનામાં જ પોતાના પપ્પાના પ્રેમને શોધી લીધો હતો. અને નાના પણ એની સાથે એના જેવડા બની મસ્તી તોફાન કરતા હતા. સ્તુતિ બહારના વાતાવરણને જોઈને પણ હવે એકદમ નોર્મલ એ રહેતી હતી. પરિસ્થિતિને એણે જાણે સ્વીકારી જ લીધી હતી. સ્તુતિને જોઈને હવે બધાને મનમાં એક શાંતિ રહેતી કે, એ બાળકીનું મન એકદમ પ્રફુલ્લિત જ રહેતું હતું.
પ્રીતિને હજુ મનથી અજય સાથે અંતર થયું નહોતું કારણકે, એ જયારે કોઈ કપલને જોતી ત્યારે એને અજયના સાથની ખોટ વર્તાતી હતી. સ્કૂલમાં બાળકને મુકવા આવતા એના પપ્પા વહાલથી બાળકને છોડીને જતા ત્યારે બાળક ક્યારેક પાછું આવી એના પપ્પાને વળગી જતું એ ક્ષણે એને સ્તુતિને એ પ્રેમ ન મળ્યાનો અતિશય અફસોસ થતો હતો. ક્યારેક ગાર્ડનમાં બાળક માતાપિતા સાથે તોફાન કરતુ અને ખુબ આનંદથી રમતું જોતી ત્યારે એને થતું કે મારી સાથે જ કેમ આમ થયું? મારી કોઈ જ ભૂલ નહીં છતાં મારો પરિવાર કેમ અધૂરો? આવા વિચારોથી ક્યારેક આંખ પણ ભીની થઈ જતી હતી. પણ આંખના આંસુ સુકાવાની સાથે જ એ ઇચ્છાનો આવેગ પણ સમી જતો હતો. સમય જેમ જેમ વીતવા લાગ્યો એમ એમ એનું મન પણ સાફ થઈ ગયું હતું.
એકાદ વર્ષ બાદ પ્રીતિના ફોન પર અજયની રિંગ રણકી, આષ્ચર્ય સાથે પ્રીતિએ ફોન ઉપાડ્યો હતો.
"હેલ્લો."
"હેલ્લો, કેમ છે પ્રીતિ?"
"મજામાં છું."
"હું અહીં આવ્યો છું. તું મને મળવા 'કોફી કોર્નર' માં આવીશ?"
"હા, આવું છું પંદર મિનિટમાં."
"ઓકે."
પ્રીતિ તૈયાર થઈ અને સ્તુતિને પણ ફટાફટ તૈયાર કરી હતી. પરેશભાઈ અને કુંદનબેન બંનેને કીધું કે, હું અજયને મળવા જાવ છું. સહર્ષ બંનેએ અનુમતિ આપી હતી.
પ્રીતિ ત્યાં પહોંચી ત્યારે અજય ત્યાં આવી જ ગયો હતો. પ્રીતિ ત્યાં બેઠી હતી. સ્તુતિને જોઈને અજયે હળવી સ્માઈલ આપી, અને એક ચોકલેટ પણ આપી હતી. સ્તુતિ એના પપ્પાને ઓળખતી જ હતી. એણે ચોકલેટ લીધી અને ટેબલ પર જ મૂકી દીધી હતી.
અજયે કોફીનો ઓર્ડર આપ્યો અને વાત શરૂ કરતા કહ્યું, "તું ને હું .. આમ જોઈએ તો અલગ જ છીએ એટલે એમ કે સાથે નથી જ...હું એમ કહેતો હતો કે, નોખા જ છીએ ને.. સબંધ પુરા જેવો જ છે.. તો હું એમ કહેતો હતો કે, આપણે જુદા જ છીએ. અધૂરા જ સબંધ છે આપણા. આ સબંધથી તો સબંધ પૂરો કરીને આગળ વધવું સારું."
પ્રીતિ એની ગોળગોળ વાત પરથી સમજી જ ગઈ હતી કે, અજય છુટા થવાની વાત કરવા આવ્યો છે. એને થયું કે, એને એ પણ સીધું કહેતા નથી આવડતું. અને કોફીશોપમાં મળ્યો તો પણ આવી વાત કરવા માટે આથી એ ખુબ ગુસ્સે થઈ ગઈ હતી. એ બોલી આજ વાત કરવાની હોય તો મારે કોઈ વાત નથી કરવી, ગુસ્સામાં સ્તુતિને લઈને સીધી બહાર જ નીકળવા લાગી હતી. અજય કહે, "સ્તુતિની ચોકલેટ તો લે".
પ્રીતિ બોલી, "આ ચોકલેટનું હવે શું કામ?"અને ફટાફટ ત્યાં થી નીકળી જ ગઈ હતી.
પ્રીતિ ઘરે પહોંચતા તો કેટલુંય મનમાં વિચારવા લાગી હતી. એને થયું કે, જેવી હું થોડી સેટ થાવ ત્યાં એ આવીને મને છંછેડી જાય છે. ઘરે પહોંચીને એણે પોતાના મમ્મીપપ્પાને વાત કરી હતી. એમણે કીધું તું તારા ગુસ્સાને શાંત રાખ. જે થવાનું હશે એ થશે જ. તું ગુસ્સો કરીને ખોટી અકળાય ન જા! પ્રીતિએ પાણી પીધું અને એ પેલી એપમાં વાંચવા લાગી હતી. આજથી પ્રીતિએ એમાં પોતાની જૂની કવિતા અને વાર્તા કે જે એણે સ્કૂલમાં ભણતી ત્યારે લખી હતી એ એમાં પ્રકાશિત કરી હતી. આવું કરવાનું કારણ ફક્ત એક જ હતું કે, એ અજયની વાતને ભૂલીને પોતાનું ધ્યાન બીજી પ્રવુતિમાં લગાડે. પ્રીતિનું લેખન બધાને ગમવા લાગ્યું હતું. બહુ જ બધી લાઈક અને સારી કોમેન્ટ એને આવવા લાગી હતી. એ જોઈને પ્રીતિને ફરી લખવાનો ઉમંગ જાગ્યો હતો. અને એ પોતાની ડાયરી અને પેન લઈને લખવા બેસી ગઈ હતી.
પ્રીતિ કોલેજ જાય એટલે સૌની રસોઈ કુંદનબેન કરતા અને સાંજ ની રસોઈ પ્રીતિ કરતી હતી. પણ આજ કુંદનબેન પ્રીતિનું મન વાંચી ચુક્યા હતા તો એમણે પ્રીતિને સામેથી જ કીધુ કે, "મારે આજ વોકમાં નથી જવું એટલે અત્યારે હું રસોઈ બનાવીશ તારે લખવું હોય તો તું શાંતિથી લખજે."
પ્રીતિએ કીધું, "હા મમ્મી તો હું લખું છું." અને પ્રીતિ એક સરસ વાર્તા લખી રહી હતી.
પ્રીતિનો આ સમય જ એવો હતો કે, પ્રીતિને બધી તરફથી મુશ્કેલી જ આવતી હતી. જોબમાં પણ ત્રણ જણા હતા. એમાં બે મોટેભાગે રજા પર જ રહેતા હતા. આથી પ્રીતિને ખુબ કામ કરવું પડતું હતું. રજાના દિવસોમાં પણ ઓફિસેથી ફોન આવતો હતો. પ્રીતિને ઘડી ઘડી ફોન પર પણ વર્ક કરવું પડતું હતું. સમય જતા એને ઉપગ્રેડ માટે જે ટેસ્ટ આવે એ આપી હતી. એમાં પ્રીતિ પાસ થઈ ગઈ હતી. આથી એની પોસ્ટ પણ વધી હતી અને સાથોસાથ સેલેરી પણ વધી હતી. બસ, ત્યારથી જોબમાં પણ શાંતિ થઈ ગઈ હતી. અને એનું જીવન પણ ધીરે ધીરે સ્થિર થવા લાગ્યું હતું.
પ્રીતિનું જીવન થોડું સ્થિર થાય કે તરત જીવનમાં અજય ફરી આવીને ઉભો રહે, સૌમ્યાનું સ્ટડી પૂરું થઈ ગયું હતું. એ પણ જોબમાં લાગી ગઈ હતી. થોડી રજાનું સેટ કરી એ અઠવાડિયું ઘરે રહેવા આવી હતી. એ ટીવી જોઈ રહી હતી. ડોરબેલ વાગી એટલે એ દરવાજો ખોલવા ગઈ હતી. જીજુને સામે જોઈને એ ફક્ત આવો એટલું જ બોલી શકી હતી. અચાનક અજય એના માતાપિતા અને એક એમના ઓળખીતા માસી સાથે પ્રીતિના ઘરે બધા આવ્યા હતા. જયારે પણ આવે ત્યારે આમ અચાનક જ આવતા હતા. સૌમ્યાએ ઘરમાં કીધું કે, જીજુ આવ્યા છે. રજા હોવાથી બધા ઘરે જ હતા. આથી પરેશભાઈનો આખો પરિવાર હોલમાં આવી ગયો હતો. સૌમ્યાએ બધાને પાણી આપ્યું અને પ્રીતિ ચા બનાવવા ગઈ હતી.
સીમાબહેને પાણી પીધા બાદ વાત ઉચ્ચારી કે, "હવે તમે શું નક્કી કર્યું?"
"અમે તો તમને જે કીધું એ તમે કરો એટલે મારી દીકરી ત્યાં આવી જ જશે. તમે એ વાત પર ધ્યાન ન આપો એ થોડું વ્યાજબી કહેવાય?" શાંતિથી વાતની ખોલ પાડતા પરેશભાઈ બોલ્યા હતા.
પ્રીતિ ચા બનાવીને બધાને આપી રહી હતી. સીમાબહેન તો પહેલ કરી ચૂપ જ થઈ ગયા પણ એમની સાથે આવેલ માસી ચા પી લીધા બાદ બોલવા લાગ્યા, "તમે આમ વાતનો નિવેડો ન લાવો એ ન જ ચાલે, તમારે આમ અમારા દીકરાને એની દીકરીથી અલગ રાખો છો એ ઠીક નથી. તમે પ્રીતિને મોકલતા પણ નથી અને છૂટું પણ નથી કરતા. તમને એમ લાગે તો અહીં જ પ્રીતિની જોબ છે તો અજય પણ અહીં જ આવી જાય. પ્રીતિ ત્યાં રહે કે અજય અહીં રહે શું ફેર પડે? અજય એના પરિવાર સાથે તો રહે ને! તમે તો માથે રહીને તમારી દીકરીનું જીવન બગાડો છો. અને પ્રીતિને ન જ આવવું હોય તો છુટા પડી જાય અને સ્તુતિ અમને આપી દે. અમે એને સારી રીતે મોટી કરી જ લેશું. ક્યાંક મજબૂરીમાં અમારે કોઈ
બીજા પગલાં લેવા ન પડે."
આ સાંભળીને પ્રીતિનો મગજ ગયો, એ માસીની વાત કાપી બોલી જ ઉઠી," માસી આ અમારી પર્સનલ વાત છે એમાં તમને બોલવાનો કોઈ હક નથી. અને જે તમે કહો છો એમ તો નહીં જ થાય. તમારાથી જે થાય એ કરી લેજો. પણ હું ડિવોર્સ તો નહીં જ આપું."
શું હશે પ્રીતિની વાતની અસર?
શું અજય આ બાબતે મૌન તોડશે?
શું પ્રીતિ અને અજયના જીવનમાં આવશે બદલાવ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻