ઋણાનુબંધ - 5 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ - 5

અજય હસમુખભાઈને લાગણીવશ થઈને ભેટી પડ્યો હતો. મનના ખૂણામાં ધરબડાયેલી લાગણીમાં એક અંકુર આજ ફૂટી નીકળ્યું હોય એમ અજય ખુલી રહ્યો હતો. એને આજ પોતાના પપ્પા માટે ખુબ માન ઉદ્દભવી રહ્યું હતું. અજયને પોતાના પર રંજ પણ થયો કે, પોતે પોતાના પિતાને રગેરગ ઓળખતો નથી. એમના મનને પારખી શક્યો નહીં. આજ સુધી કેટલી ખોટી છાપ પોતાના મનમા સંઘરી રાખી હતી. આજ પિતા પુત્રના આલિંગનમા જાણે બધી જ કડવાશ આજ દુર થઇ રહી હતી. અને એકબીજાને પોતાનાપણાની ઉજાઁ આપી રહી હતી. અજયના મનને ખુબ જ ટાઢક મળી રહી હતી. હસમુખભાઈ પણ અજયની છલકાતી આંખોથી અજયની મનઃસ્થિતિ સમજી ચુક્યા હતા. એમણે પણ અજયનું મન હળવું થવા દીધું હતું. થોડી મિનિટ અજય એમ જ નાના બાળકની જેમ પોતાના પપ્પાને વળગીને રહ્યો, નાનું ગભરુ બાળ જેમ પપ્પા પાસેથી સલામતીની હૂંફ મેળવે એમ આજ અજયને પણ હાશકારાની લાગણી મળી રહી હતી.

તડપતી રૂહને મળ્યો આજ હાશકારો,
ઢળતી સંધ્યાએ મળ્યો એકબીજાનો સથવારો,
અજાણતાંજ પડી હતી એક વાળ સરીખી તિરાડ,
દોસ્ત! આ ક્ષણ પામવા આવ્યો વર્ષો બાદ આજ વારો!

અજયનું મન હળવું થતા એ એકદમ એના પપ્પાના ચરણે પડીને બોલ્યો, 'પપ્પા હું મારી બધી જ હરકતોની આજ માફી માંગુ છું. મેં ક્યારેય તમને અહેમિયત જ નહોતી આપી, આજ મમ્મીની ગેરહાજરીમાં મને મારી ભૂલ સમજાય છે. મને આજ મારા સ્વભાવ પર જ ગુસ્સો આવે છે. મારી પાસે બીજા કોઈ શબ્દો નથી બસ, મને માફ કરી દયો પપ્પા. હું જેમ જેમ મોટો થતો ગયો તમારો મારે માટેનો પ્રેમ જ અવગણતો ગયો હતો. અને મારા પગભર થયા બાદ તો મને યાદ નથી કે મેં ક્યારેય તમને તમારી કોઈ તકલીફ કે ઈચ્છા માટે પૂછ્યું હોય.'

હસુમુખભાઈએ એની વાત વચ્ચેથી જ તોડી અને તેઓ અજયને ઉભા કરતા બોલ્યા, 'બસ દીકરા! જે પત્યું એ ભૂલી જા. હું એમ માનતો હતો કે લાગણી ક્યારેય ધરારથી કોઈના મનમાં જન્માવી શકાતી નથી. એ અનુભૂતિ દિલથી થવી જોઈએ. ભલેને પછી સબંધ લોહીના પણ કેમ ન હોય! અને આજ મારી લાગણીની જો જીત જ થઈ ને! ચાલ દીકરા હવે તું અહીં બેસ અને શાંતિથી તું જે ઈચ્છે છે એ મને કહે, હું તારી સાથે જ છું. અને મને એ ખાતરી જ છે કે મારી પરવરીશ તને એવી તો નથી જ કે તું કોઈ ખોટે રસ્તે દોડ મૂકે, મનમાં જે ભર્યું છે એ તું આજ બધું બોલી નાખ બેટા.'

અજયે થોડા સંકોચ સાથે તો થોડા લડથડતાં શબ્દે વાત ની શરૂઆત કરી, 'પપ્પા! હું ગઈ કાલે ફેસબુક જોતો હતો. એમાં સ્તુતિના ફોટા અને લાઇવ વિડીયો જોઈને હું ખુબ ખુશ પણ થયો અને મારુ મન આકુળવ્યાકુળ પણ થઈ ગયું. એ મેડિકલ કોલેજના પહેલા વર્ષમાં છે. એન્યુઅલ પ્રોગ્રામનું એકરિંગ એ કરી રહી હતી. એ ખુબ બખૂબી એનું કામ કરી રહી હતી. એક થીમ પર ડ્રામા ચાલી રહ્યો હતો. ડ્રામા મૌન રહી ભજવાઇ રહ્યો હતો. એ સ્ટેજની પાછળથી પોતાના શબ્દો દ્વારા એ ડ્રામાને વાચા આપી રહી હતી. એમાં માતાપિતાની પોતાના બાળક માટેની જે કઇ પણ ફરજ હોય અને કેમ એને મોટું કરવામાં આવે એ રજુ થઈ રહ્યું હતું. અને પછી બાળક પોતાને પગભર થાય એટલે એ માતાપિતા બંને માટેની બાળક પોતાની ફરજ ભૂલી જાય છે. એમની અવગણના કરે છે. પત્નીના આવ્યા બાદ એ પોતાના પેરેન્ટ્સને ભૂલી જાય છે. ઘરના કંકાસમાં પત્ની જોડે રહે છે અને માતાપિતાથી દૂર થઈ જાય છે. જે ખરેખર સાવ ખોટું જ છે. અહીં પુત્રએ માતાપિતાનો ક્યારેય અનાદર ન કરવો એ શીખ આપતો ડ્રામાં હતો. આ મને મારા પાત્રમાં ડ્રામા થયો હોય એવું લાગ્યું. મને ધ્યાનમાં રાખીને પાત્ર લખાયું હોય એવું લાગ્યું. બસ, આથી જ મને એને મળવાની તાલાવેલી જાગી ઉઠી છે. હું શું કરું પપ્પા? સ્તુતિ મને સ્વીકારશે? એ મારી સાથે સબંધ જાળવી રાખશે? હું એને મળવા માટે ખુબ ઈચ્છા ધરાવું છું. પણ મારો ભૂતકાળ મને અવઢવમાં મૂકે છે. મારા સમક્ષ ભૂતકાળ તળવળી ઉઠતા હું મારી નજરમાં પડી ભાંગ્યુ છું, તો સ્તુતિ સાથે કેમ વાત કરી શકીશ.? તમે જ મને સલાહ આપો કે હું મારી પરિસ્થિતિનો કેમ સામનો કરું અને હું શું કરું?'

હસમુખભાઈએ અજયની બધી જ વાત શાંતિથી સાંભળી, થોડી વાર વિચાર કર્યો અને બોલ્યા, 'જો દીકરા! ભુતકાળ બદલવો એ શક્ય નથી જ, પણ વર્તમાન તો આપણા હાથમાં જ છે ને! જે થયું એ કદાચ ભાગ્યના જ કોઈક ખેલ હશે પણ હવે કદાચ તું જે કર એ આવનાર ભવિષ્યને અનુરૂપ કોઈ એક ભાગ પણ હોઈ શકે ને! સ્તુતિ પણ તને મળવા ઈચ્છતી હોય એવું પણ બની શકે ને! એના મનમાં પણ અનેક સમસ્યાઓ ઉથલપાથલ મચાવતી હશે અને એ પણ અનેક જવાબ વગરના પ્રશ્નોથી ઘેરાયેલી પોતાની જાતને કદાચ અનુભવતી હોય એવું પણ બને ને! કદાચ તું એને મળે અને બંનેના મનનું સમાધાન થઈ જાય તો મળવું યોગ્ય ઠરે ને. અને કદાચ એ તને જોઈને ગુસ્સે થઈ જાય તો પણ એનો ગુસ્સો એની જગ્યાએ વ્યાજબી જ છે ને! હું તો કહું છું કે એ ગુસ્સો ઉતારે તો પણ તારા પ્રેમની જીત છે દીકરા! કારણકે આપણે ગુસ્સો અને પ્રેમ આપણા આગંતુકને જ કરીએ ને! તેમ છતાં આ વાત તું પેલા ભાવિનીની સાથે કર અને એ જે કહે એમ આગળ વધ. કેમ કે એક સ્ત્રી જ સ્ત્રીને સારી રીતે સમજી શકે એ એક સત્ય વાત છે. અત્યારે બહુ મોડું થઈ ગયું છે તો તું હમણાં શાંતિથી ઊંઘી જા અને કાલ ભાવિની જોડે વાત કરજે. '

અજયે પણ પપ્પાની વાતનો સ્વીકાર કર્યો અને એ પોતાના રૂમમાં ઊંઘવા માટે ગયો.

હસમુખભાઈ પણ એમના રૂમમાં એક હાશકારા સાથે ગયા કે ચાલો આજ બંનેએ મોકળા મને એકબીજા સાથે વાત કરી. એમનું મન પણ ખુબ હળવું થયું. હસમુખભાઈને પોતાના દીકરાના જીવનમાં આવનાર બદલાવની એક નાની ઝલક આંખ સામે ઉપજી આવી હતી. તેઓ મનોમન ખુશ પણ હતા અને પ્રીતિ નો આ બાબતે શું પ્રતિભાવ આવશે એ વિચારે ચિંતિત પણ હતા. પ્રીતિ આમતો ખુબ જ લાગણીશીલ છે, પણ આ પરિસ્થિતિમાં કઠણ કલેજું રાખી એ પણ લાગણીવિહીન તો નહીં બની હોય ને! આજ હસમુખભાઈને અજય ના નહીં પણ પ્રીતિના વિચારોએ એમની ઊંઘ છીનવી લીધી હતી. એમને પણ અંતઃ મને પ્રીતિ સાથે થયેલ અન્યાય માટે પારાવાર અફસોસ હતો જ. પણ સંજોગ એવા હતા કે ત્યારે મૌન રહીને જ વર્તવાની એમને ફરજ બજાવવી યોગ્ય લાગતી હતી. પણ હવે હસમુખભાઈ કોઈ પણ સંજોગે અજયનું એકલવાયું જીવન દૂર કરવા ઇચ્છતા હતા. હવે એમણે પોતાની જાત સાથે એક વચન બાંધ્યું હતું કે, હું અજય માટે મારુ પિતા તરીકેનું ઋણ અવશ્ય ચૂકવીને એને ફરી અતૂટ એવા એના ઋણાનુબંધનો લાગણીનો બીજ અંકુરિત કરવા મારુ મૌન તોડીશ. પણ હવે દીકરાનો હસતો ચહેરો જોઈને જ મને ચેન પડશે. આવા વિચારોમાં હસમુખભાઈ ક્યારે ઊંઘમાં પોઢી ગયા એમનો એમને ખ્યાલ જ ન રહ્યો.

અજયના જીવન સાથે જોડાયેલ અતીત શું હશે? શું સ્તુતિ અને અજયનું છે ઋણાનુબંધ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે..

વાચકમિત્રો આપના પ્રતિભાવો મને લેખન લખવા ખુબ પ્રોત્સાહિત કરે છે તો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.. એ સાથે જ જય શ્રી રાધેક્રિષ્ના🙏🏻