ઋણાનુબંધ - 1 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ - 1

પ્રસ્તાવના

ઋણાનુબંધ -

આ ધારાવાહિક એ અજય નામના એક વ્યક્તિ પર આધીન છે. આ ધારાવાહિક સંપૂર્ણ કાલ્પનિક છે, જો કોઈ વ્યક્તિના અંગત જીવન સાથે કોઈ મેળ થાય તો એ માત્ર એક સંજોગ જ છે. મારા જીવનમાં જોયેલ, સાંભળેલ અને ક્યાંક વાંચેલ કથાવસ્તુ પરથી આ કાલ્પનિક ધારાવાહિક આપ સમક્ષ રજુ કરી રહી છું. આ ધારાવાહિક નું ક્યાંય બીજે અન્ય નામથી ઉપયોગ કરવો એ ગુનાહ પાત્ર રહેશે જેની ખાસ નોંધ લેવા વિનંતી તથા આ ધારાવાહિક પબ્લીશ કરવાનો સંપુણૅ અધીકાર ફક્ત મારો જ રહેશે.

અજય એ એક ખુબ વ્યવસ્થિત, ગુણિયલ અને સ્વમાની વ્યક્તિત્વ છે. એના જીવનમાં અસંખ્ય સંબધો આવ્યા અને ગયા પણ ખરા.. છતાં પણ અજય એ દરેક સબંધથી મુક્ત ન જ થઈ શક્યો, કારણકે એ સંબધો એના જીવનમાં અમુક ઋણાનુબંધથી જોડાયેલ હતા, છે અને રહેશે જ...

ઋણાનુબંધ એ સંપૂર્ણ પારિવાહિક ધારાવાહિક છે. જે કોઈ પણ વાંચે એમને અમુક અંશે એ જાણે પોતાનું જ પાત્ર હોય એવું ક્ષણિક લાગે એવું અહીં અજયનું પાત્ર છે. અજયના જીવનમાં ક્યાં સબંધનું ઋણાનુબંધ ચુકવતા એ અનેક તેના અંગત જીવનના સબંધોથી કેમ વિખૂટો હોવા છતાં ઋણ કેમ ચૂકવી રહ્યો છે એ જાણવા જોડાતા રહેજો 'ઋણાનુબંધ' ધારાવાહિક સાથે..

આપ દરેક વાચકમિત્રોના અભિપ્રાય મને વધુ સારુ લેખન લખવા પ્રેરશે. તો અભિપ્રાય આપતા રહેશો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻


***********************************


અજય પોતાની ઓફિસમાં બેઠો બેઠો ખૂબ ઊંડા વિચારોમાં તલ્લીન હતો. મન એનું પોતાના કાબૂમાં જ નહોતું. એ પોતાની ઓફિસમાં સામેની દીવાલમાં લગાવેલ ફ્રેમને નીરખી રહ્યો હતો. વિચારોનો અતિરેક એટલો બધો તીવ્ર હતો કે સ્ટાફબોય ચા ઓફિસમાં લાવ્યો એ પણ એની ધ્યાન બહાર જ હતું. 'સાહેબ ચા ઠંડી થઈ જશે.' એવા સ્ટાફબોયના શબ્દોએ અજયની વિચારોની તંદ્રા તોડી.

ક્ષણિક પોતાની અંગત વિચારધારામાંથી બહાર આવી અજય આછા હળવા સ્મિત સાથે બોલ્યો, 'અરે રઘુકાકા! ચા આવી ગઈ, સરસ. ચા પી ને લેક્ચરની તૈયારી કરુ.

રઘુકાકા અજયની મનની સ્થિતિ ખૂબ સારી રીતે જાણતા હતા. કારણ કે, રઘુકાકા અજયને છેલ્લા વીસ વર્ષથી જાણતા હતા. અજયના બાળપણથી લઈને આજ દિવસ સુધીની બધી જ વાતની જાણકારી એમને હતી. અજય રઘુકાકાને પોતાના સગા કાકા જેટલું જ માન આપતો હતો. અજયના જીવનમાં આ રઘુકાકા જ હતા કે જ્યાં એ પોતાના મનના ઉભારો ઠાલવી શકતો હતો. ખૂબ પ્રતિષ્ઠિત ગણાતાં પરિવારનો એકનો એક પુત્ર હતો અને ખરેખર એ એક જ એકલો અટુલો રહ્યો હતો.

રઘુકાકા જાણતા હતા કે, અજયનું નામ એક ખૂબ સરસ મેડિકલ પ્રોફેસરોમાંનું એક હતું, પણ અંગત જીવનમાં એમને પોતાનું અસ્તિત્વ બનાવવા ખૂબ જ ઉતારચડાવ જોયા હતા. રઘુકાકા માટે અજયનું આવું વર્તન ક્યાં કારણે હતું એ ધ્યાનમાં આવી જ ગયું હતું. લાખ કોશિશ અજય કરી લે પણ જૂનનો આ મહિનો એને એના ભૂતકાળમાં ખેંચી જ જતો હતો.

અજય લેક્ચરને માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા લેપટોપ ખોલે છે. લેપટોપમાં અમુક ફાઈલ જુએ છે અને અમુક પોઈન્ટ્સ નોટડાઉન કરે છે. રઘુકાકા ખાલી ચાનો કપ લઈને ગયા અને અજય પોતાનું લેક્ચર લેવા માટે રાજી નહોતો જ પણ એની ફરજ ચૂકવામાં એ પાછીપાની કરતો નહીં આથી મન મક્કમ કરીને એ લેક્ચર લેવા ગયો.

અજય તો લેક્ચર લેવા ગયો પણ રઘુકાકા મનોમન બોલ્યા, 'ખરેખર ભગવાને ખૂબ કઠણ કલેજું આપ્યું છે આ અજયને.. ' એક મનની આહ અને ભારોભાર અજય માટેની ખૂબ લાગણી એના વિચારમાં સળવળી ઉઠી હતી. અજયના કઠણ કલેજા પાછળનું એ મૃદુ કોમળ મન કાકા બખૂબી પારખી ચૂક્યા હતા. વળી, અજય અનેકવાર એમની પાસે પોતાનું મન હળવું કરી ચૂક્યો હતો, આથી એક સંવેદનાનો સેતુ બંને વચ્ચે બંધાયેલો હતો. પણ કહે છે ને કે ક્યારેક, લાગણી કરતા પણ વધુ મજબૂરી હોય અને એના તાબા હેઠળ અમુક નિર્ણયો લેવા જ પડે છે. બસ એવું જ અહીં અજય સાથે થયું હતું. કાકાનું હૈયું અજયના ભૂતકાળને યાદ કરી ભરાઈ ગયું. એક ઊંડા નિઃસાસા સાથે એક ઝાટકે જ બધું હડસેલીને ફરી એ તેમના કામે વળગી પડ્યા હતા.

એકમેકની સાથેનું આ અજુગતું જ હતું બંધન,
સંગાથે રહ્યા એમનો લગીરે સાથ નહીં એવું હતું બંધન,
જીવનભરનો સાથી થયો જીવનથી દૂર અને અંતરે હતું બંધન,
દોસ્ત! નોખા એમ થયા કે, જાણે નોખાપણામાં પણ રહ્યું હતું બંધન.

આજનો દિવસ જેમતેમ પતાવી અજય ઘર તરફ પ્રયાણ કરી રહ્યો હતો. સૂર્યાસ્તનો સમય થઈ ચૂક્યો હતો. આછો સોનેરી તડકો સર્વત્ર પોતાની સોનેરી છાપ પાડીને વાતાવરણને સુંદર આકર્ષિત કરી રહ્યું હતું. છતાં અજયનું માનસપટલ એકદમ કાળાડિબાંગ રંગ સમાન અપારદર્શક બની પ્રકૃતિની વિરુદ્ધ દોડી રહ્યું હતું. શાંત વાતાવરણમાં કાર એકદમ માપસર ગતિએ ઘર તરફ પ્રયાણ એમ કરી રહી હતી કે, જાણે ધરારથી જતી હોય! આમ પણ આ તો નિત્યક્રમ કે, ઘરે જવું એટલે જવાનું હતું, બાકી ઘરે જવાનો ઉમળકો અજયને ક્યાં હતો જ! અને હોય પણ શુ કામ? કારણ કે, એ ક્યાંય પણ હોય રહેવાનો તો એકલો જ ને...

અજય એ ખૂબ સુંદર સોસાયટીમાં પ્રવેશ્યો છે. સોસાયટી જોઈને જ અંદાજ આવે કે આસપાસમાં રહેતા લોકો અતિ ધનાઢ્ય પરિવારમાંથી અથવા ગર્ભિત શ્રીમંત લોકોનો જ અહીં વસવાટ હશે. સોસાયટીની અંદર પ્રવેશી બીજા નંબરની શેરીમાં પ્રથમ જ ચાર બેડરૂમનો લક્ઝુરિયસ બંગલો એ અજયનો જ હતો. અજય પોતાના ઘરમાં પ્રવેશ કરતી વખતે સોસાયટીના ગાર્ડનમાં એક અપલક નજર કરે છે. સંધ્યાકાળે રમી રહેલાં બાળકોનો કલરવ સમગ્ર વાતાવરણને જીવંત કરી રહ્યો છે. ક્ષણિક ત્યાં જોઈને અજય પોતાના ઘરનો દરવાજો એમ બંધ કરી નાખે છે કે જાણે એને આસપાસની દુનિયાથી કંઈ જ લેવાદેવા નથી.

અજયનું મકાન ખૂબ જ સુંદર હતું. એમના ઘરના પ્રવેશદ્વારમાં એમના ફેમેલી ફોટોથી સજ્જ એક સુંદર ફોટોફ્રેમ મકાનને ઘર સમજવાની ચાડી ખાઈ રહી હતી. ફ્રેમમાં અજયના માતાપિતા, તેની એકમાત્ર એમનાથી ખૂબ નાની બહેનનો પરિવાર અજયની આસપાસ ગોઠવાયેલ હતો. અજયના મમ્મીનું દેહાંત થઈ ગયું હતું અને પિતાજી હયાત હતાં પણ વધુ પડતું તે તીર્થધામમાં જ ભક્તિમાં પોતાનો સમય ફાળવતા હતા. અને બહેન એના સાસરિયે ખૂબ ખુશ હતી. આથી આમ જોવા જઈએ તો ગજ્જર પરિવારનો એક્નો એક પુત્ર મકાન સમાન ઘરમાં એકલો જ મોટે ભાગે રહેતો હતો.

અજયનું મન આજે બેચેન તો હતું જ. વળી, ઘરનો ખાલીપો આજ એને ખૂબ ઘોંઘાટ કરીને ચીડવી રહ્યો. ભૂતકાળના શબ્દો આજે પણ ઘરમાં ગુંજી રહ્યા હતા. "બેટા! તું પ્રીતિને બહુ છૂટ ન આપીશ.. નહીં તો એ તારા કાબૂમાં નહીં જ રહે! સાચવજે બેટા.. અનુભવે વાળ ધોળા થયા છે. આ આજકાલની વહુઓ નોકરી કરે એટલે કોઈના બાપની કિંમત ન કરે.. જો બેટા! નોકરી તો મેં પણ કરી ને, હજુ કરું પણ છું. પરિવારને સહાય કરવામાં જરાય વાંધો જ નથી, પણ અમે જેમ મર્યાદા વડીલોની સાચવી એમ અત્યારની વહુઓ નથી સાચવતી. આથી બેટા જરા તને ચેતવું છું." અજય એક ઝાટકે આંખ ખોલીને એ શબ્દોનું ગુંજન તોડ્યું. પોતાના રૂમમાં ગયો. અને સીધો ફ્રેશ થવા જતો રહ્યો. હુંફાળા પાણીએ નાહીને અજયને થોડું સારું લાગ્યું, એ ફટાફટ તૈયાર થઈને મંદીર દર્શન કરવા ફરી બહાર નીકળી ગયો હતો. કારણ કે, આજ એનાથી ઘરમાં રહેવું થોડું અઘરું હતું.

અજયે રાધાકૃષ્ણ મંદિરની સંધ્યા આરતીના દર્શન કર્યા અને પોતાના વિચલિત મનને થોડું શાંત કર્યું હતું. આરતીના શબ્દો અને ઘંટના અવાજો આસપાસના વિસ્તારને ધાર્મિક ઉર્જા પૂરી પાડી રહ્યાં હતાં. અજયે સંપૂર્ણ આરતી દરમિયાન સ્તુતિ માટે જ સ્તુતિ કરી હતી. આમ પણ બીજું એ સિવાય એ ક્યાં કઈ સ્તુતિ માટે કરી જ શક્યો હતો? પોતાની પ્રાર્થના થકી એ સ્તુતિને પોતાના જીવનનું એક અભિન્ન પાત્ર માની શકતો હતો. સત્ય તો એ હતું જ પણ કુદરત પાસે એ વિવશ બની જતો હતો. ક્યારેક એ પોતાને બહુ મોટો અપરાધી માનતો હતો અને આથી જ એ પોતાની નજરમાં જ પડી ભાંગતો હતો. અને ક્યારેક સોશ્યિલ મીડિયા પર સ્તુતિના ફોટો વાયરલ થતા જોતો ત્યારે એને ભારોભાર પોતે લીધેલ નિર્ણયથી સંતોષ થતો હતો. આજે સવારે અજયે સ્તુતિના ફોટા ફેસબુક પર જોયા ત્યારથી જ એ વારંવાર પોતાના ભૂતકાળમાં ગરકાવ થઈ જતો હતો. એનું મન સ્તુતિની સાથે વાત કરવા માટે આકુળવ્યાકુળ થઈ રહ્યું હતું. પણ અજય સ્તુતિ સાથે ક્યાં મોઢે વાત કરે? એ પ્રશ્ન પણ અજય માટે ખૂબ કઠિન હતો. ઈચ્છાઓને ખૂબ દબાવી રાખતો અજય આજે પોતાની જાતને કાબૂમાં રાખવા માટે હારી જતો હતો. આથી જ એ હરિ પાસે આવીને બેઠો હતો. અહીં પણ શરીર જ મંદિરના આંગણે હતું બાકી મન તો સ્તુતિ પાસે જ પહોંચી જતું હતું.

એકદમ ચૂપચાપ રહેનાર અજયે મનોમન કેટકેટલું આજના દિવસમાં બોલી લીધું હતું. બસ હવે આજના દિવસનો બધો જ ભાર એ પ્રભુને જ પરત કરવા તેના શરણે આવ્યો હતો.

આ અજયના જીવનમાં આવેલ પ્રીતિ અને સ્તુતિ નામની બે વ્યક્તિઓ કોણ હશે? એ બંનેનું અજયના જીવન સાથે શું હશે ઋણાનુબંધ? એ જાણવા વાંચતા રહો ઋણાનુબંધ..

વાચકમિત્રો આપના અભિપ્રાય પ્રતિભાવમાં અવશ્ય આપશો.
જય શ્રી રાધેક્રિષ્ના🙏🏻🙏🏻