ઋણાનુબંધ.. - 52 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ.. - 52

પરેશભાઈએ હસમુખભાઈને શાંતિથી કીધું કે પ્રીતિની જોબ નવી નવી જ છે આથી થોડા સમય માટે એ જેમ છે તેમ ચાલુ રાખીયે પછી જોઈએ કે આગળ શું કરવું. પરેશભાઈએ ન હા પાડી કે ન ના પાડી, પ્રીતિની સાથે વાત કર્યા વગર એમણે કોઈ જ ઈચ્છા જણાવી નહીં અને ભાવનગરથી વિદાઈ લીધી હતી.


પ્રીતિ મનોમન દુઃખી હતી. કારમાં બેસી ગયા બાદ એને લાગ્યું કે પોતાના પ્રેમને એ હારી ચુકી હતી. દિલ દુઃખી હતું પણ મન ખુબ જ સંતુષ્ટ હતું કે જે સ્થળે હું અનુકૂળ ન રહી શકી તે સ્થળે સ્તુતિનો ઉછેર કરવાનો નથી.


ભીતરે ધબકતી આશ ખોટી પડી હતી,

લાગણી સાવ બંજર રણ સમ કોરી હતી,

હારેલી પ્રીત રગ રગમાં સળગતી હતી,

દોસ્ત! પ્રેમથી બાંધેલી ગાંઠ ધીરે ધીરે સરકતી હતી.


પરેશભાઈએ આગળ જતા પ્રીતિને પૂછ્યું,

"બેટા શું લાગ્યું તને?"


"મારા લાગવાથી શું ફેર પડે અજયને એવી ખુશી જ નહોતી કે મારી દીકરી આજ પહેલીવાર ઘરે આવી છે. એ વાત જ ચોખ્ખું સાબિત કરે છે કે અમારા બંનેની એના જીવનમાં કિંમત શું છે!"


"મને એમ લાગ્યું કે, અજયકુમારને લાગણી તો છે જ પણ એમને જે કરવું હોય એ એમ કરી શકે એટલી એમને સીમાબહેને સ્વતંત્રતા જ નથી આપી. તમને શું લાગ્યું પરેશ?"


"મને તો એવું લાગ્યું કે, જે જેમ ચાલતું હતું એ એમ જ ચાલશે જો પ્રીતિને એમની સાથે રહેવું હોય તો પ્રીતિએ એજ વાતાવરણ સ્વીકારવું પડશે."


"ના ના જયાં સુધી ખબર ન હતી ત્યાં સુધી ઠીક હતું પણ હવે જયારે આપણે બધું જાણીયે છીએ તો થોડી દીકરીને હેરાન કરવા મોકલાય?"


"હા, કુંદન આપણે નથી જ મોકલવી. પણ પ્રીતિના વિચાર જાણ્યા વગર હું થોડી જવાબ આપવાનો હોવ. એ અજય વગર રહી શકે એમ છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે ને. આ થોડી ઢિંગલાઢીગલીના ખેલ હતા! પ્રીતિ એના જીવનના પાંચ વર્ષ વિતાવીને આવી છે અને વળી એ એક સંતાનની માતા પણ છે. જે લાગણી તને પ્રીતિ માટે છે એવી જ લાગણી પ્રીતિને સ્તુતિ માટે હોય તો પ્રીતિનો મંતવ્ય જાણવો જરૂરી જ છે."


પરેશભાઈની વાત સાંભળીને પ્રીતિ એકદમ સુનમુન થઈ ગઈ હતી. સહેજ વાર વિચારીને એ બોલી,


"મને ત્યાં કામ કરવાથી કે રહેવાથી કે અજયથી કોઈ તક્લીફ નથી. હું મારી દીકરી માટે ત્યાં રહેવા પણ તૈયાર થઈ જાવ પણ જેવી અજયની પરવરીશ ત્યાં થઈ એવી મારે સ્તુતિની પરવરીશ નથી કરવી. જે જગ્યાએ હું ખુશ ન રહી શકું ત્યાં મારી સ્તુતિને કેમ ખુશ રાખી શકું! અને એ ઘરમાં ક્યાં લાગણી જેવું કોઈને કાંઈ હતું કે જે મને ત્યાં જવા મજબુર કરી દે. આટલું બોલતા પ્રીતિ ગળગળી જ થઈ ગઈ હતી. છતાં એ મક્કમ પણે પોતાનો નિર્ણય જણાવી રહી હતી કે, પપ્પા હું અજય સાથે જો એ કોઈ મારે માટે સ્ટેન્ડ જ ન લઈ શકે તો હું જવા માટે રાજી નથી જ."


"પ્રીતિ તું જરા પણ મુંજાઈશ નહીં અમે છીએ જ ને તારા માટે, જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી તો તને સાથ આપશું જ પણ દીકરા અમે ન હોઈએ ત્યારે તારું શું? બસ એજ વિચારે મન દુઃખી હતું કે, કદાચ તારા સીમંત થી લઈને અત્યાર સુધી નો સમય થયો તો કદાચ એમને તારી કિંમત થઈ હોય! આથી જ ભાવનગર લાવ્યો હતો. પણ મારા વિચારો અજયે ચૂપ રહીને ખોટા પાડ્યા હતા. ચાલો હવે ક્યારેય જીવનમાં એ દુઃખ નહીં થાય કે આપણે કોઈ પ્રયાસ નહોતો કર્યો."


"હા, પણ પપ્પા મને જે હક ન મળ્યા એ સ્તુતિ માટે જતા નહીં જ કરવા દવ. હું અજયને ક્યારેય છોડીશ તો નહીં જ. સ્તુતિ ગજ્જર પરિવારની દીકરી જ રહેશે."


"હા, એ શું કરવું એ સમય પર છોડી દે. જે થાય એ પ્રભુની ઈચ્છા."


પરેશભાઈ પોતાના ઘરે પહોંચી ગયા એટલે એમણે હસમુખભાઈને જાણ કરી દીધી હતી કે, તેઓ શાંતિથી પહોંચી ગયા છે.


ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હતો. સ્તુતિને સ્કૂલમાં બેસાડવાનો સમય થઈ ગયો હતો. પ્રીતિ હવે અજયની કોઈ જ આશા રાખ્યા વગર જીવન જીવવા લાગી હતી. પણ ક્યારેક જીવનમાં એના સાથની એને કમી મહેસુસ થતી હતી. સ્તુતિની સ્કૂલમાં એડમિશન લેવા ગયા ત્યારે એનું ફોર્મ ભરતી વખતે પ્રીતિ ખુબ ઢીલી પડી ગઈ હતી. એને અજયના સાથની આ વખતે જરૂર હતી. સીંગલપેરેન્ટ સમજીને સ્તુતિનું એડમિશન કેન્સલ થશે તો એ વાતનો એને ડર હતો. પણ સ્તુતિ એટલા કોન્ફિડન્ટથી બધું બોલતી હતી કે એ ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ હતી અને એને એડમિશન પણ મળી ગયું હતું.


સ્તુતિને સ્કૂલમાં મુકવા જતી વખતે એ બધાના પપ્પાને જ મુકવા આવતા જોતી તો ક્યારેક એવા પ્રશ્ન પણ કરતી કે, બધા એના પપ્પા ભેગા જ આવે છે તો મને કેમ પપ્પા મુકવા આવતા નથી. પ્રીતિ સ્તુતિના આવા પ્રશ્નથી ભાંગી જ પડતી હતી. પણ ખુબ શાંતિથી એ કહેતી કે તારા પપ્પા અહીં નથી રહેતાને એટલા માટે હું મુકવા આવું છું. તો મમ્મી પપ્પાને કહેને કે એ અહીં રહે. પ્રીતિને ક્યારેક તો એને સમજાવવું ખુબ મુશ્કેલ થઈ જતું હતું.


પ્રીતિ એ સમય માંથી પસાર થઈ રહી હતી જે પસાર કરવો ખુબ મુશ્કેલ હતો. બાળકને માતા અને પિતા બંનેનો પ્રેમ જોઈતો હોય છે. ફક્ત માતા એમ કહે કે હું બધું જ મારી રીતે જ મેનેજ કરી લવ છું તો એ સાચું પણ પિતાની ખોટ તો બાળક ને રહે જ છે. અને જો કોઈ પિતા એમ કહે કે મને બધું જ ફાવે હું પણ મેનેજ કરી જ શકું તો એ પણ ઠીક પણ બાળકને માતાની હૂંફ જોઈતી હોય છે. ભગવાને સ્ત્રી અને પુરુષની સંસારમાં ઉત્પત્તિ જ એટલે કરી છે કે એ બંને હોય તો જ જીવન સારું ચાલે. પ્રીતિ ખુબ નાસીપાસ થતી કે હું બધું જ કરી છૂટું છું છતાં સ્તુતિને એના પપ્પાની ખોટ લાગે છે.


પ્રીતિ એક દિવસ સ્કૂલે સ્તુતિને મૂકીને આવી તો ખુબ ચિંતિત હતી. એનો ચહેરો જોઈને કુંદનબેન બોલ્યા, "કેમ પ્રીતિ શું થયું?"


"મમ્મી, સ્તુતિ બધાના પપ્પાને જોઈને કેટલી ઉદાસ થઈ જાય છે કે, મને એ જોઈને ખુબ દુઃખ થાય છે. હું એને સંતોષકારક જીવન આપી શકી નહીં."


"અરે પ્રીતિ! આ એને નવું વાતાવરણ લાગે છે એટલે એ એમ કરે છે. સમય સાથે બધું ઠીક થઈ જશે. તું બહુ ચિંતા ન કર. આપણે એને વાસ્તવિકતા જણાવવાની, એને સાચું જ કહેવાનું પણ એ ત્યારે જ શક્ય બને જયારે તારું મનોબળ મજબૂત હોય. આથી તું ઢીલી ન પડ."


"હા, મમ્મી. ચાલો મારે જોબ નો સમય થઈ ગયો એટલે હું હવે જાવ."


પ્રીતિ જોબ માટે તો જતી રહી પણ એની વ્યથા કુંદનબેનને થવા લાગી હતી. એમણે પ્રીતિને તો સમજાવી દીધી પણ ખુદ પોતે આ વાત થી દુઃખી થતા હતા. આ સમસ્યાનો એક જ ઉપાય હતો એ છે સમય.. સમય જતો રહે એટલે આપમેળે બધું જ અનુકૂળ થવા લાગે છે.


શું થશે સ્તુતિને બહારના વાતાવરણથી તકલીફ?

કેમ તાલમેલ કરશે પ્રીતિ આવનાર સમયમાં? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.


મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻