ઋણાનુબંધ - 8 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ - 8

અજય અસહ્ય પારાવાર અફસોસને જીલવા અસમર્થ જ હતો. એ એક પિતા તરીકેની કોઈ જ ફરજ બજાવી શક્યો ન હોવાનો વસવસો એના ગળે ડૂમો ભરી એને દર્દ આપી રહ્યો હતો. એનું શરીર પાણી પાણી થઈ રહ્યું હતું. મહામહેનતે એણે એક ગ્લાસ પાણી પીધું હતું. પાણી પીધા બાદ એ એના મમ્મીની તસ્વીરને તાકી રહ્યો હતો. આજ એ એના મમ્મીને ખુબ યાદ કરી રહ્યો હતો. એને થયું કે, કાશ! આજ મમ્મી હયાત હોત તો એ એના ખોળામાં માથું રાખીને આજ ઊંઘવા ઈચ્છતો હતો. એને ઊંઘવું હતું પણ આંખ એના કાબુમાં નહોતી. ખુબ થાકેલું મન અને કાયા હવે આરામ કરવા ઇચ્છતા હતા. ખુબ સરસ કિંગ સાઇઝનો બેડ અને નરમ ગાદલું અને સુંવાળી સાલ હોવા છતાં અજયને ઊંઘ આવતી નહોતી. અજયને આ એકલતા આજ ખુબ ભીતર સુધી ડંખી રહી હતી. ક્યારેક એકલતા આમ એને ખુબ પરેશાન કરતી પણ એ ખુદને સાચવી જ શકતો હતો, આજ અજય સંપૂર્ણ તૂટી ગયો હતો. એનાથી આ અંધારી રાત પુરી જ નહોતી થતી.

કદાચ આ તારી સાથે માણેલ સહવાસની જ અસર હતી,
બધું જ હતું મારી પાસે પણ તારી ખોટ સાલતી હતી,
અંધારી રાતે મને ઘેર્યો છે ચોતરફ...
દોસ્ત! જીવનસાથીના સાથની અહેમિયત સમજાણી હતી.

આજ અજયને અચાનક પ્રીતિની લાગણીઓ યાદ આવી ગઈ, આ પહેલા એને ક્યારેય આવું નહોતું થયું, કહેવાય છે ને જિંદગીના છેલ્લા દાયકાઓમાં એકલતા ખુબ વસમી લાગે છે. બસ આજ અજય પણ કંઈક એવી જ અનુભૂતિને પામી રહ્યો હતો.

અજયને પ્રીતિ સાથે ગુજારેલ સમય યાદ આવવા લાગ્યો હતો. પ્રીતિને પહેલી વખતે જોઈ ત્યારે જે અજયને લાગણી ઉત્પન્ન થઈ હતી એજ લાગણી આજ આટલા વર્ષે કલ્પનામાં જોયેલ પ્રીતિને જોઈને ઉત્તપન્ન થઈ આવી હતી. પ્રીતિ માટે ક્રોધ જે હતો એ ક્યારે ઓગાળી ગયો એ અજયને સમજાણું જ નહીં. આજ પ્રીતિના પ્રેમભર્યા વ્યક્તિવ સાથે વિતાવેલ સમયમાં અજય પહોંચી ગયો હતો. હા, આમ જ લાગણીનું ખેંચાણ પહેલા અજય અનુભવતો હતો પણ અહમ ક્યારે પ્રેમથી વિશેષ થઈ ગયો એ આટલા વર્ષો સુધી એ જાણી શક્યો નહોતો, અને કદાચ કોઈએ એને સમજાવવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો.

**************************

પ્રીતિ એના માતાપિતાની ખુબ લાડકી દીકરી હતી. એમના પિતાજીનું નામ પરેશભાઈ અને મમ્મીનું નામ કુંદનબેન હતું. પરેશભાઈ સરકારી નોકરી કરતા હતા. તેમનું સમાજમાં નામ ખુબ સારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં આવતું હતું. કુંદનબેન ગૃહિણી હતા. પણ બધી જ બાબતનું એમને જ્ઞાન રહેતું હતું. વાંચન ના ખુબ શોખીન હતા. ખુબ મહેનતુ અને સ્પષ્ટ વક્તા હતા. પરેશભાઈ અને કુંદનબેન બંનેના સારા ગુણોનો સમન્વય એટલે પ્રીતિ. પ્રીતિની એક નાની બહેન કે જેનું નામ સૌમ્યા હતું. એ પણ ખુબ જ હોશિયાર અને વાતુડિ હોવાની સાથોસાથ મહત્વકાક્ષી પણ ખરી. આમ પ્રીતિનો પરિવાર નાનો પણ સંતુષ્ટ હતો.

પ્રીતિએ સામાન્ય દેખાવ ધરાવતી છતાં એટલું આકર્ષણ તો એનામાં હતું જ કે જે પણ એના સંપર્કમાં આવે એ સરળતાથી એને ભૂલી ન જ શકે. લાંબા ઘાટા કાળા વાળ, નરમ અવાજ, સરળ અને સાફ વ્યક્તિત્વ અને વળી સંતોષી સ્વભાવ એના વ્યક્તિત્વને વધુ ઉભાર આપતા હતા. પ્રીતિ માપસરનું જ બોલવાનું પસંદ કરતી હતી. જરૂરિયાત કરતા વધુ બોલવું એના સ્વભાવની વિરુદ્ધ હતું. જયારે પહેલી વખત અજયે પ્રીતિને જોઈ ત્યારે એ એને જોતો જ રહી ગયો હતો. આછા રંગનો સામાન્ય ડ્રેસ, ખુલ્લા એક પિન થી બાંધેલ વાળ અને આંખ પર પહેરેલ ચશ્માં પ્રીતિના ચહેરાને વધુ આકર્ષક કરી રહ્યા હતા. પ્રીતિના હોઠની ડાબી તરફ સેજ નાનું કાળું તલ સુંદર માપસરના દેખાવને વધુ સુંદર બનાવી રહ્યું હતું. અજય એક જ નજરમાં પ્રીતિના રૂપને જોઈને પ્રભાવિત થઈ ગયો હતો. પ્રીતિ સાથે એની પ્રથમ મુલાકાત પ્રીતિના ઘરે જ થઈ હતી. વડીલોની પસંદગીને અજય આજ જોવા આવ્યો હતો, અને જોતો જ રહી ગયો. આ પ્રેમ તો નહોતો જ પણ આકર્ષણ પ્રીતિનું બંનેને લગ્નજીવનના બંધનમાં સાત જન્મો સુધી બાંધી ગયું હતું.

પ્રીતિ કોલેજનો અભ્યાસ પતાવીને હજુ આગળ ભણવા ઈચ્છતી હતી. અજય એની આ વાત સાથે સહમત થઈને જ આગળ વધ્યો હતો. ખુબ જ ધૂમધામથી અને બંનેની મરજીથી જ બંનેના લગ્ન થયા હતા. સગાઇ અને લગ્ન વચ્ચેનો એમનો બંનેનો સમય ખુબ સરસ વીત્યો હતો. બંનેને એકબીજાની નજીક લાવવા આ સમયે સરસ ભાગ ભજવ્યો હતો. પ્રીતિ માટે અજયનું આગમન એ એના જીવનમાં પ્રથમ પુરુષ તરીકેનું જ હતું. પ્રીતિ કો-એજ્યુકેશન સ્કૂલમાં ભણી હતી, કોલેજમાં પણ એના ઘણા મિત્રો હતા. પણ ક્યારેય કોઈ પર પુરુષ સાથે એને પોતાની લાગણીઓ બાંધી નહોતી, ભણતર જ એના જીવનમાં પ્રથમ સ્થાને હતું. આથી અજયનો સ્વીકાર એ ખુબ સરળતાથી કરી શકી હતી. વળી, અજય પ્રત્યેથી મળતું લાગણીભર્યું માન પ્રીતિને અજય તરફ જલ્દીથી પ્રેમના તાંતણે બાંધી લેવામાં અગ્રેસર રહ્યું હતું. અજયનો ફક્ત એક સ્પર્શ જ પ્રીતિને રોમાંચિત કરતો એવું જ નહોતું પણ અજયના શબ્દો જેવા પ્રીતિને સંભળાતા પ્રીતિનું મન ખીલી ઉઠતું હતું. પ્રીતિ આ રોમાંચને આજીવન આવું જ પ્રેમભર્યું બંનેનું વલણ રહેશે એવું માની ચુકી હતી, પણ વિધાતાએ બંનેના ભાગ્યમાં શું પીરસ્યું હતું એ ક્યાં બંને હજુ જાણતા જ હતા.

આ તરફ અજયે પ્રીતિનો સ્વીકાર પરિવારની પસંદને ધ્યાનમાં રાખીને કર્યો હતો. અજયને આથી પ્રીતિથી એના વ્યક્તિત્વથી આકર્ષણ હતું. અજયના જીવનમાં એક સ્ત્રીપાત્ર પ્રીતિના આગમન પહેલા આવી ચૂક્યું હતું. કદાચ એકતરફી પ્રેમ હતો. અજય એના પ્રેમનો એકરાર કરે એ પહેલા જ પ્રીતિનું આગમન એટલું ઝડપથી થયું કે, અજય કોઈ વાત કે મુકામ પર પહોંચે એ પહેલા જ પ્રીતિ સાથે અજયનું ગઠબંધન થઈ ચૂક્યું હતું. અને આ અધૂરી લાગણી ભવિશષ્યમાં ક્યારેક તકલીફ ઉભી કરશે એ ક્યાં કોઈને ખ્યાલ જ હતો!

**************************

અજયને આજ એકાંતમાં પ્રીતિના વિચારોને વાગોળવા ગમતા હતા. આજ અજય પ્રીતિમય બની ગયો હતો. કદાચ સ્તુતિ ને એ પ્રીતિ સુધી પહોંચવાનું માધ્યમ બનાવી રહ્યો હતો. કારણ કે અજયે જે મઝધારે પ્રીતિને નિસહાય છોડી હતી એ પ્રીતિ એમ એની પાસે આવે એ શક્ય જ ન હતું. અજયને યાદ આવ્યું કે, પ્રીતિ અજયના દર્દને સમજીને કેટલી સહજતાથી અજયને સાચવી લેતી હતી... અજય જયારે પણ કોલેજથી છૂટીને થાકીને આવતો ત્યારે પ્રીતિના આલિંગનમાં એ બધું જ ભૂલી જતો હતો. પ્રીતિ ખુબ સામાન્ય વ્યક્તિત્વ ધરાવતી હતી પણ અસાધારણ પરિસ્થિતિને પણ એ બખૂબી પારખી જતી હતી. ખુબ હોશિયાર હતી. અજયના મનને એ ઘણીવાર સમજી જતી હતી. એજ સાનિધ્યની ઝંખના આજ અજયને જોઈતી હતી. પણ એ હવે શક્ય જ નહોતું. અજયને આજ પ્રીતિનું પોતાના પ્રત્યેનું પહેલા જેવું જ આલિંગન આજ જોઈતું હતું. એ સ્વપ્નમાં જ એની હૂંફ અને લાગણીઓને તથા સાંત્વનાને મહેસુસી રહ્યો હતો. ક્યારે એ ગાઢ નિંદરમાં પોઢી ગયો એનો એને ખ્યાલ જ ન રહ્યો. માનવીએ પોતે કરેલ કર્મ એને ચૂકવવા જ પડે છે. અજય પણ પોતાના કર્મના ફળને જ ભોગવી રહ્યો હતો.

વિચલિત મનની વ્યાકુળતા વધારે છે આ ઘડી,
કરેલ કર્મની ફળરૂપ બની આ કઠિન ઘડી,
કલ્પના પણ નહોતી કે, આવશે ક્યારેક આવી પણ ઘડી
દોસ્ત! શું ઋણાનુબંધને મજબૂત કરશે આ એકલતાની ઘડી?

શું સ્તુતિ એના પપ્પાને મળવા રાજી થશે?
શું હશે અજય અને સ્તુતિના વર્ષો બાદના મેળાપ સમયના સંવાદો?
પ્રીતિ સાથે કેમ વધ્યું અંતર? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

વાચકમિત્રો આપના પ્રતિભાવો મને ખુબ પ્રોત્સાહીત કરે છે આથી આપને યોગ્ય લાગે એ સુજાવ અને પ્રતિભાવ આપતા રહેશો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻.