પ્રીતિ એટલું ગુસ્સામાં બોલી કે, એ લોકો એનું આ રૂપ જોઈ જ રહ્યા. કાયમ ચૂપ જ રહેતી હતી. આથી એ લોકોને એમ કે થોડી ધમકી આપીએ એટલે પ્રીતિને ચુપચાપ મોકલી આપે અથવા ડિવોર્સ શાંતિથી સ્વીકારી લે. પણ પ્રીતિનો અડગ જવાબ સાંભળીને ઘડીક તો એમનું બધાનું મોઢું જોવા જેવું હતું.
માસીને આટલું પ્રીતિનું બોલવું ઓછું લાગ્યું કે, હજુ બોલ્યા, "કેટલી તોછડાઈથી તું વાત કરે છે? નાના મોટાનું કોઈ તને ભાન જ નથી. આમ બોલવું તને શોભે છે?"
પ્રીતિ જવાબ આપવા જ જતી હતી ત્યાં, પરેશભાઈએ એને ચૂપ રહેવા કહ્યું, અને હવે એમણે બોલવાનું શરૂ કર્યું, "બેન તમને તો હું ઓળખતો જ નથી કદાચ આજ પહેલીવાર આપણે મળીએ છીએ. તમે વાત જ એવી ઉશ્કેરવા વાળી કરી તો મારી દીકરી તમને જવાબ આપે જ ને! તમને કંઈ જ પરિસ્થિતિની ભાન છે ખરી? તમને તમારું આ વર્તન શોભે છે ખરું? કોઈનું ઘર તોડવાની વાત કરો છો, શરમ તમને આવવી જોઈએ. મારી દીકરી એના સંસ્કાર સાચવીને જ બોલી આટલી ખરાબ રીતે વર્તન થયું એની સાથે છતાં ઉશ્કેરાઈને પણ એણે અજયકુમારથી છુટા થવાની વાત નથી કરી. તમે તો મોટા છો, અનુભવ પણ હશે જ ને! આમ વાત કરો એટલે જવાબ આવી રીતે જ મળે. વળી, સ્તુતિની આટલી ઉંમરમાં એક રાત પણ આ મારી દીકરી સાથે દાદા કે દાદીએ વિતાવી છે ખરી? પાંચ વર્ષથી મોટી છે આ દીકરી અમારી, બાળક પ્રેમનું ભૂખ્યું હોય છે અને એને જોઈતો પ્રેમ અમે આપીએ જ છીએ. બાકી સારી વાતો અને મીઠું બોલવામાં મને રસ નથી હું સાચી અને સ્પષ્ટ વાત પહેલેથી કરતો જ આવ્યો છું. ખરેખર જો લાગણી હોય તો અમને નહીં આ સીમાબહેન અને અજયકુમાર ને સમજાવો કે સંસાર કેમ ચાલે. મેં જે શરત મૂકી છે એ હવે પુરી કરો પછી જ પહેલ કરજો. બાકી આ દરવાજા ખુલ્લા જ છે. તમે જઈ શકો છો."
પરેશભાઈ અને કુંદનબેને બંનેએ જોયું કે, આટલી વાત થઈ પણ અજયકુમાર કંઈ જ બોલ્યા નહીં. પહેલા માસી જ વધુ પડતું બોલતા હતા.
કુંદનબેન ચૂપ હતા પણ આજ એમણે પણ કહ્યું, "મારી દીકરી સાથે હું અન્યાય થતા જોવ અને ચૂપ રહું એવી આશા રાખો તો એ ખોટું જ છે. અમે એવી તો કોઈ મોટી શરત નથી મૂકી કે એ તમે પુરી ન કરી શકો છતાં આટલા વર્ષો વીત્યા એ પિયર જ છે. તમારી જેમ બીજા રસ્તા અમારી પાસે પણ છે જ. પરંતુ અમે અમારી દીકરી શાંતિથી રહે એટલું જ ઇચ્છીએ છીએ. તમારી પણ દીકરી સાસરે છે તો તમે પણ એટલી આશા તો રાખો જ ને!"
સીમાબહેનને હવે કંઈ વધુ બોલવું ઠીક ન લાગ્યું, એમણે વાતને સમેટતા કહ્યું, "જો તમે કહો તો અજય જ અહીં આવી જાય!"
પરેશભાઈ તરત બોલ્યા, "ના એવી અમારી કોઈ જ ઈચ્છા નથી કે એને એના માતાપિતાથી અલગ કરીએ."
"ના, આ તો એ બંને શાંતિથી રહે તો અહીં અથવા ભાવનગર નોખા કરીને રાખીયે."
"એ તો ક્યારેય શક્ય જ નથી કે હું અહીં રહેવાનું કહું. અને રહી વાત ભાવનગરની તો એ અજયકુમાર નક્કી કરશે. પણ હું મારા તરફથી એવું બિલકુલ નથી ઈચ્છતો કે એ અલગ રહે. તમારી શું ઈચ્છા છે એ વિચારીને કહેજો. અમારા તરફથી વાત એકદમ સ્પષ્ટ જ છે જેમ પહેલા પણ કીધી હતી."
હસમુખભાઈ બોલ્યા, "સારું તો વિચારીને કહેશું. હવે અમે રજા લઈએ."
"હા, સારું જે પણ નક્કી કરો એ જણાવજો." પરેશભાઈએ વાતને સહમતી આપતા કહ્યું હતું.
પરેશભાઈની રજા લઈ બધા ભાવનગર જવા નીકળ્યા હતા. આ વખતે પણ એ લોકો આવ્યા પણ ડિવોર્સની વાત સાથે જ આવ્યા આ સાંભળીને સૌમ્યા તો સાવ ચૂપ જ થઈ ગઈ હતી. એને તો અચરજ જ થતું હતું કે, કેટલી પ્રેમથી વહુને લઈ જાય અને પછી એની પાસેના હક બધા જોઈએ પણ ફરજ કોઈને નિભાવવી ગમતી નથી.
પ્રીતિ આજ ફરી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. આજ એ રડી પડી હતી. એ રડતા બોલી, "અજય નીચી નજર રાખી બેઠા હતા અને એ બહારની વ્યક્તિ ગમે તેમ બોલી છતાં એ કંઈ જ ન બોલ્યા."
પરેશભાઈએ પ્રીતિને સમજાવતા કહ્યું, જો બેટા એને એટલી સમજદારી હોય તો એ બેનને લાવે જ નહીં. તું જાજુ વિચાર નહીં. અને સ્તુતિ સાથે નોર્મલી રહે, એ પણ આ બધું જોઈને ગભરાઈ ગઈ હશે."
પ્રીતિનું મન ઉંચક થઈ ગયું હતું. આથી પ્રીતિ અને સ્તુતિને લઈને સૌમ્યા બહાર ફરવા માટે લઈ ગઈ હતી. થોડીવાર બહાર રહ્યા આથી સ્તુતિ જલ્દીથી નોર્મલ થઈ ગઈ હતી. બહાર જમીને જ એ ઘરે આવ્યા હતા. સ્તુતિ થાકીને ઘરે આવી કે તરત જ ઊંઘી ગઈ હતી. પણ પ્રીતિને આજ ઊંઘ નહોતી આવતી એને ભૂતકાળે ઘેરી લીધી હતી.
આમ જ થોડી આપણી લાગણી વિખુટી પડી હતી,
દોસ્ત! જા કરો નહોતો જ પણ આવકારની મીઠાશ લુપ્ત હતી.
પ્રીતિ સમયની સાથે હકીકતને સ્વીકારવા પેલી એપ હતી તેમાં વધુ સમય ફાળવવા લાગી હતી. ખુબ સરસ બધા વાંચકોનો સાથ મળતો હતો. એ ઉત્સાહિત થઈને હવે રોજ ૨/૩ કલાકતો સાહિત્ય માટે ફાળવતી જ હતી. હવે એની લેખનમાં ફાવટ ખુબ વિકસી રહી હતી. જોબમાં પણ એની સારી ટીમ બની ગઈ હતી. આથી એ ખુબ જ ખુશ રહેવા લાગી હતી.
સ્તુતિ પણ ખુબ હોશિયાર હતી આથી એના ભણતરની બિલકુલ ચિંતા પ્રીતિને નહોતી. વળી, ડ્રોઈંગ અને કલરીંગ એને બહુ ગમતું તો એમાં એ ગૂંચવાયેલી રહેતી હતી. ક્લાસમાં ટીચર વખાણ કરે એટલે એની કોપી ઘરે આવીને એ કરતી હતી. એના ચહેરાના હાવભાવ અને લહેકો જોઈને પરેશભાઈને ખુબ ખુશ થઈ હસતા આથી સ્તુતિ પણ ખુશ થતી અને ઘડી ઘડી એ કોપી કર્યા કરતી હતી. દિવસો એકદમ સરસ પસાર થવા લાગ્યા હતા. હવે પ્રીતિને એના જીવનમાં અજય હોય કે નહીં કોઈ જ ફેર નહોતો જોતજોતામાં સ્તુતિ દસ વર્ષની થઈ ગઈ હતી. એને પણ ક્યારેય કોઈ એવી વાત ઉચ્ચારી જ નહીં કે જેથી ઘરમાં કોઈને તકલીફ થાય. અજયે પણ એ દિવસ પછી ક્યારેય પ્રીતિનો કોઈ જ કોન્ટેક જ નહોતો કર્યો. એ દિવસે ગયા એટલે બસ ગયા. એને પણ આજ બીજા પાંચ વર્ષ વીતી ગયા હતા. બંને પક્ષ તરફથી કોઈ જ પહેલ નહીં કે કોઈ દખલગીરી, બધા પોતાની રીતે શાંતિથી જીવી રહ્યા હતા.
પ્રીતિની અને સ્નેહાની જિંદગીની પછડાટ જોઈને સૌમ્યા એ લગ્ન જ નહોતા કર્યા, એને લગ્ન માટે કહે તો એ ચોખ્ખુ જ કહેતી તમને લગ્ન ફર્યા? નહીંને તો મને તો શાંતિ થી જીવવા દો. બસ, હસીને વાત જ ઉડાવી દેતી હતી. પણ એ એની જિંદગી થી ખુશ હતી. જોબ પણ સારી હતી આથી જીવનમાં ક્યારેય કોઈ તકલીફ થાય એવું નહોતું. એકંદરે પરેશભાઈનો પરિવાર ખુબ જ શાંતિથી અને આનંદથી જીવન પસાર કરી રહ્યા હતા.
સ્તુતિ ભણવામાં ખુબ જ હોશિયાર હતી આથી દસમા ધોરણની પરીક્ષામાં સ્કૂલમાં તો ઠીક પણ સેન્ટર માં પહેલા નંબરે પાસ થઈ હતી. એને પણ ડોક્ટર બનવાની ઈચ્છા હતી, આથી સાઈન્સ રાખ્યું હતું. ખુબ મહેનત કરતી હતી જરૂર પડે ત્યારે એના નાના અને મમ્મી એને મદદ કરતા માસી આવે ત્યારે એ પણ સહેલી ટ્રીક અને કેમ શેડ્યુલ સેટ કરવું એ સમજાવતા હતા. બધા ક્લાસીસમાં પણ એ પૂરતું ધ્યાન આપતી હતી. અને આટલી મહેનત કરે એટલે એ રંગ તો લાવે જ ને! ખુબ જ સરસ રિઝલ્ટ હોવાથી એને મેડીકલમાં પણ એડમિશન મળી ગયું હતું.
પ્રીતિને માટે આ જીવનનો સૌથી અમૂલ્ય દિવસ હતો. પ્રીતિએ એનું આખું જીવન સ્તુતિ માટે જ વિતાવ્યું હતું. અને આજ જયારે એ સફળતાની સીડી ચડી રહી હતી ત્યારે પ્રીતિને આત્મ સંતોષ હતો કે સ્તુતિનું જીવન સિંગલપેરેન્ટ રહીને પણ સારું જ આપ્યું હતું. કુંદનબેન અને પરેશભાઈ પણ ખુબ જ રાજી હતા કે એ એમની દીકરી અને પૌત્રીને સારું જીવન આપી શક્યા હતા.
શું હશે સ્તુતિના ભાગ્યમાં આવનાર જીવનમાં?
શું હશે સ્તુતિના એના પપ્પાને મળીને પ્રતિભાવ?
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻