Prem - Nafrat - 94 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૯૪

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૯૪

ઠીક છે... પણ પપ્પા, તમે અહીં કોઈ વિશેષ વાત કરવા આવ્યા લાગો છો... રચનાએ આરવને જણાવવા બાબતે એમને વધારે છેડવાનું મુનાસિબ માન્યું નહીં પણ એમનો અહીં આવવાનો સાચો હેતુ હજુ જાહેર કર્યો ના હોય એવું રચનાને લાગતું હતું.

બેટા, અમે તો ખરેખર નસીબદાર છીએ કે તું પુત્રવધૂ બનીને અમારા ઘરે આવી છે. તેં અમારા ઘરને જ નહીં અમારા ધંધાને પણ સંભાળી લીધો છે... લખમલભાઇ ગળગળા સાદે બોલતા હતા ત્યારે રચના મનોમન બોલતી હતી:લખમલભાઇ, તમારા ધંધાને સંભાળી લીધો નથી... ગબડાવી દીધો છે. તમારા ધંધાનું નામોનિશાન મિટાવી દેવાની છું...

મેં તો મારી ફરજ બજાવી છે. રચના ઔપચારિકતા નિભાવી રહી.

પણ એક ખાનગી વાત મારે તને કહેવાની છે. તારે આ વાત મેં કરી છે એમ આરવને કહેવાનું નથી... લખમલભાઇ ગંભીર સ્વરે બોલ્યા.

ખાનગી વાત?’ રચનાએ આશ્ચર્યથી પૂછ્યું.

હા, હું તમારી એક ખાનગી વાત જાણી ગયો છું. આરવે મને કહ્યું છે કે આપણી બે વચ્ચે જ e રહેવી જોઈએ. પણ હું તને હવે એમ કહું છું કે હું જે કહું એ વાત આપણી બે વચ્ચે જ રહેવી જોઈએ... લખમલભાઇ કોઈ રહસ્યમય વાત કહેવાના હોય એવા ભાવ પણ એમના સ્વર સાથે ચહેરા પર આવ્યા.

ચોક્કસ. હું આ વાત કોઈને નહીં કહું... રચનાએ ખાતરી આપી.

તો એ વાત સાંભળતાં પહેલાં તારી માતાના માથા પર હાથ મૂકીને કસમ ખાઈ લે... અને હા, આ એટલે નથી કરાવતો કે મને તારામાં વિશ્વાસ નથી. મને પૂરો વિશ્વાસ છે કે તું આરવને આ વાત કરશે નહીં. પણ તને આ વાત હંમેશા યાદ રહે અને ભૂલથી પણ તું આરવને કહી ના દે એટલા ખાતર જ આમ કરાવું છું... લખમલભાઇએ રચનાને બાંધતા હોય એમ કહ્યું.

એક ક્ષણ તો રચના ચક્કર ખાઈ ગઈ કે લખમલભાઇ એને કઈ બાબતે કસમ ખવડાવી રહ્યા હશે? શું એ મારી પાસે એવું બોલાવવા માગે છે કે હું એમને ત્યાં બદલો લેવા આવી છું એની એમને ખબર પડી ગઈ છે અને મારી પાસે સાચું બોલવા સિવાય કોઈ વિકલ્પ રહેવા દેવા માગતા નથી? એ મારી પાસે કબૂલ કરાવવા માગે છે કે હું આરવને મારા સ્વાર્થથી પરણી છું અને એને બરબાદ કરી રહી છું, નક્કી કોઈ એવી વ્યક્તિ એમને મળી છે જેણે એ જણાવી દીધું છે કે હું અને મા રણજીતલાલના મોતનો બદલો લેવા આવ્યા છે.

પપ્પા, અમને તમારા પર પૂરો વિશ્વાસ છે. હું કસમ ખાવા તૈયાર છું... રચનાને થયું કે પોતાની પાસે અત્યારે બીજો કોઈ વિકલ્પ નથી. જો એ બદલો લઈ રહી હોવાનો આક્ષેપ કરશે તો જડબાતોડ જવાબ જરૂર આપશે. એમના કારણે જ મારી માએ પતિને ગુમાવ્યા છે અને આખી જિંદગી દુ:ખ વેઠયું છે.

મીતાબેન પણ હવે દિલમાં ગભરાટ અનુભવી રહ્યા હતા. લખમલભાઇ રચનાને ચેતવતા જ આવ્યા છે. હવે નક્કી રચનાની પોલ ખૂલી જવાની છે. એણે બદલો લેવા આરવ સાથે લગ્ન કર્યા હોવાનું રહસ્ય એ જાણી ગયા છે. રચનાથી કોઈ ખોટું પગલું ભરાઈ ગયું છે. હવે એ અને હું એમને મોં બતાવવાને લાયક રહીશું નહીં.

બેટા, હું બે મિનિટમાં આવું છું... કહી લખમલભાઇ ઊભા થઈને બંગલાની બહાર પોતાની કાર પાસે ગયા.

બેટા, મને લાગે છે કે લખમલભાઇને ખબર પડી ગઈ છે કે તું એમને ત્યાં બરબાદીનો સંદેશ લઈને આવી છે. એ કોઈ પુરાવા લેવા ગયા લાગે છે... એ પુરાવા સાથે તને કસમ ખવડાવશે કે તેં જે કર્યું એ જાણી બૂઝીને કર્યું છે. ક્યાંક એ આપણા પર કેસ તો કરવાના નહીં હોય ને...?’ મીતાબેનના સ્વરમાં ડર ઝલકતો હતો.

મા, મને પણ હવે એવું લાગે છે. પરંતુ તું ગભરાઈશ નહીં. પડશે એવા દેવાશે. એમને પત્તા ઉતરતા આવડે છે તો હું કાચી ખેલાડી નથી... રચનાને દિલમાં ફડક પેસી ગઈ હતી પણ એ પોતાની જાતને અને માને હૈયાધારણા આપી રહી હતી.

જો... લખમલભાઇ તો બેગ લઈને આવે છે... નક્કી એમની પાસે કોઈ એવા કાગળિયા છે જે આપણાને ખરાબ અને ખોટા સાબિત કરશે... મીતાબેન દબાતા અવાજે પણ વધારે ગભરાટ સાથે બોલ્યાં.

રચના પણ લખમલભાઇના હાથમાં બેગ જોઈ ચમકી ગઈ હતી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED