પ્રેમ - નફરત - ૯૩ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૯૩

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૯૩

લખમલભાઈએ બહુ સહજ રીતે પ્રશ્ન પૂછ્યો હતો. એમનો પ્રશ્ન વાજબી હતો કે એમને ખબર પડી ગઈ હતી કે આરવ કોણ છે. એના પિતા લખમલભાઈ છે. જેમને ત્યાં રણજીતલાલ નોકરી કરતા હતા અને એમનું મોત થયું હતું. મોત કેવી રીતે થયું અને એના માટે કોણ જવાબદાર છે એ બધી વાતો પછીથી આવતી હતી. મીતાબેન અને રચના લખમલભાઈને ઓળખતા હતા છતાં પોતાની ઓળખ છુપાવી રાખી હતી એ બાબત કોઈને પણ શંકા અને નવાઈ પમાડે એવી હતી. વળી લખમલભાઈએ પ્રશ્ન પણ યોગ્ય જ કર્યો હતો કે લગ્ન પછી પણ રણજીતલાલનો ઉલ્લેખ કેમ કર્યો ન હતો.

લખમલભાઈના પ્રશ્નનો મીતાબેન પાસે કોઈ જવાબ ના હોય એમ એ નીચું જોઈ ગયા હતા. રચનાને ખ્યાલ આવી ગયો કે માએ બધી વાત એના પર છોડી દીધી છે. હવે પોતે જવાબ નહીં આપે અથવા યોગ્ય તર્ક રજૂ નહીં કરે તો લખમલભાઈને કોઈ શંકા ઊભી થશે અને હમણાં નહીં તો પછી આરવના કાન ભંભેરી શકે છે.

આખરે રચનાએ માને બચાવવા મોં ખોલ્યું:પપ્પા, મા આ બાબતે કોઈ જવાબ આપશે નહીં. એ ભૂતકાળને ભૂલી ગઈ છે. હવે એને યાદ કરવા માગતી નથી. એણે ઘણું સહન કર્યું છે. મારા પિતાના અકાળ મૃત્યુ પછી એના પર દુ:ખોના પહાડ તૂટી પડ્યા હતા. એણે બહુ મુશ્કેલીથી પોતાનું જ જીવન નહીં મારું ભવિષ્ય સંવાર્યુ છે. અને આમ પણ તમને કહ્યું હોત તો પણ આપણાં સંબંધમાં કે વ્યવહારમાં શું ફરક પડ્યો હોત? હું તો માનું છું કે તમે પણ એ ઘટનાને ભૂલી જ જાવ. તમારો આભાર કહેવાય કે તમે આટલા મોટા ઉદ્યોગપતિ રહ્યા છો અને તમારો પુત્ર આરવ વિદેશથી ભણીને આવ્યો હતો છતાં એક સામાન્ય પરિવારની છોકરીને તમારા ઘરની પુત્રવધૂ તરીકે સ્વીકારી લીધી હતી.

સાચું કહું તો હું મીતાબેનનો આભારી છું કે એમણે એમની સંસ્કારી અને ગુણવાન પુત્રી અમારા ઘરમાં આપી છે. પણ મારું માનવું છે કે જો તમે લગ્ન પહેલાં કે પછી તમારી ઓળખ રણજીતલાલના પરિવાર તરીકે આપી હોત તો મને બહુ આનંદ થયો હોત. એમનું સ્થાન મારા દિલમાં ઊંચેરું રહ્યું છે. બહુ સારા માણસ હતા. મને કલ્પના ન હતી કે એમનું આમ મોત થશે અને તમારો પરિવાર આધાર ગુમાવશે... લખમલભાઈના સ્વરમાં લાગણી નીતરતી હતી.

રચનાને બોલવાનું મન થઈ ગયું કે,‘સારા માણસ હતા એટલે જ એમની સાથે તમે ખરાબ કર્યું હતું ને? તમે તમારો સ્વાર્થ જોયો હતો. અત્યારે પણ કોઈએ કહ્યું ત્યારે પોતાનો હાથ ઊંચો રાખવા જ અહીં આવ્યા છો એની ખબર પડી ગઈ છે. એમ લાગે છે કે આરવને ભૂતકાળની એ વાતની ખબર ના પડે એમ કહેવા આવ્યા છે. જો આરવને ખબર પડી જાય કે એમની જ કંપનીમાં કામ કરતી વખતે રચનાના પિતાનું મોત થયું હતું ત્યારે તમારું સ્થાન એના દિલમાંથી ઉતરી જશે... પણ દિલની વાતને જબાન પર લાવવાને બદલે કંઈક વિચારીને રચના બોલી:પપ્પા, હવે તમને ખબર પડી જ ગઈ છે કે અમે રણજીતલાલના પરિવારના છીએ, જે તમારે ત્યાં નોકરી કરતા હતા તો એ વાત આરવને કરી દેવી પડશે નહીં…’

ના-ના, એવી ઉતાવળ કરવાની જરૂર નથી... લખમલભાઇ સહેજ ગભરાટ સાથે બોલ્યા. જાણે એમની કોઈ પોલ ખૂલી જવાની ના હોય?

પપ્પા, તમને ખબર પડી ગઈ છે કે હું રણજીતલાલની પુત્રી છું તો આરવને પણ આજે નહીં તો કાલે ખબર પડવાની જ છે ને?’ રચનાએ એમના પર દબાણ વધાર્યું. રચનાને ખ્યાલ આવી ગયો કે એમની ચિંતા વધી ગઈ છે. એમના પાપનો ઘડો ફૂટી જાય એમ છે.

ના. લખમલભાઇ આ વખતે કોઈ હુકમ કરતા હોય એમ બોલ્યા.

રચના ચમકી ગઈ. મીતાબેનને થયું કે લખમલભાઇના મનમાં નક્કી કંઈક ચાલી રહ્યું છે. એ આરવકુમારથી આ વાત છુપાવવા વધારે આગ્રહ કરી રહ્યા છે.
ક્રમશ: