ઋણાનુબંધ.. - 51 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ.. - 51

પરેશભાઈએ ઘરમાં બધાને રાત્રે જમતી વખતે કહ્યું કે, પ્રીતિ અને અજયના ભવિષ્ય માટે ચર્ચા કરવા આપણે ભાવનગર જવું છે, આપણે ક્યારે જવું છે? તો હસમુખભાઈને એ સમય હું આપું કે જેથી એમને ધ્યાનમાં રહે.

"અરે પપ્પા! તમને ખ્યાલ તો છે કે, એક મહિનો અહીં એ રોકાયા છતાં એકવાર સ્તુતિને પણ એને મળવાનું મન ન થયું, હું ભાવનગર બે વાર ગઈ ત્યારે શું એમને થયું કે એની દીકરી ગામમાં છે તો ઘરે આવવાનું કહું? મને જરાય જવાનું મન નથી."

"તારી વાત સાચી છે પણ તારા પપ્પા શું કહે છે એ સમજતો ખરા!તું ખોટી અકળાય ન જા."

"જો દીકરા આપણા ફક્ત અનુમાનથી હકીકત બદલી જતી નથી. આપણે જે એને સમજ્યા એ ખરેખર એવું જ છે કે નહીં, એ જાણવું જરૂરી છે. અને હું તમારી જિંદગી સારી રીતે વીતે એ માટે થોડો એને ચકાસી રહ્યો હતો. હવે જે ચકાસ્યું એ સાચું જ છે કે ફક્ત આપણું અનુમાન એ જાણવું ખુબ જરૂરી છે. એ ત્યાં જઈએ અને જાણવાની કોશિષ કરીએ તો ભવિષ્યમાં ક્યારેય પસ્તાવાનો વારો જ ન આવે. બસ એજ હેતુ થી ત્યાં જવું છે. મારે માટે તમારા બંનેની ખુશીથી વધુ કંઈ જ નથી. મારામાં અહમ તો બિલકુલ નથી જ પણ હા સ્વાભિમાન તો હોવું જરૂરી જ છે. આથી થોડા નમીએ તો તમારા બંનેની જિંદગી સુધરતી હોય તો એમ કરવામાં કઈ જ ખોટું નથી."

"હા પપ્પા તમારી વાત બિલકુલ સાચી છે. મમ્મીએ કીધું એમ હું ખોટી અકળાવા લાગી હતી." પોતાની ભૂલ સુધારતા તરત જ પ્રીતિ બોલી હતી.

"તમારીને પ્રીતિની બંનેની રજાને ધ્યાનમાં રાખીને જવાનું નક્કી કરો આથી ત્યાં પણ બધાને અનુકૂળતા રહે."

"આ રવિવારનું જ ગોઠવીએ." એમ કહી પરેશભાઈએ પોતાના મનની વાત રજુ કરી હતી.

પ્રીતિ અને કુંદનબેને બંનેએ હા પાડી કે તરત જ પરેશભાઈએ રવિવારે અમે ભાવનગર આવીએ છીએ એની જાણ કરતો ફોન હસમુખભાઈને કર્યો હતો.

આજની રાત પ્રીતિ ઊંઘી શકી નહીં. એને મનમાં થવા લાગ્યું કે, કાશ અનુમાન ખોટું પડે અને ખરેખર મારો પ્રેમ જીતી જાય! આ વિચાર આવતા જ એણે મનમાં ઉઠતી પોતાની લાગણીને ડાયરીમાં ઉતારી હતી.

આ જુદાઈમાં,
ખોવાયેલો પ્રેમ છે.
લોકો કે, 'વ્હેમ'..
લોકોના વ્હેમ તોડ.
આવ કે ને!.. 'પ્રેમ છે!'

પ્રીતિ વિચારોથી થાકીને અંતે ઊંઘી જ ગઈ હતી. હા, થોડી થોડી વારે ઊંઘ ઉડી જ જતી હતી. ફરી સાસરીના દિવસો એના વર્તમાન પર હાવી થઈ રહ્યા હતા. એ જાત સાથે જ જાતને લડાવી રહી હતી. ત્યાં જાય પછી જ ખબર કે એ પ્રેમને જીતી કે નહીં.

પરેશભાઈ, કુંદનબેન, પ્રીતિ અને સ્તુતિ ભાવનગર પહોંચી ગયા હતા. ત્યાં જેવા પહોંચ્યા કે તરત જ સીમાબહેને સ્તુતિ પહેલીવાર ઘરે આવી તો એના પગલાં લીધા હતા. ખુબ ઉમળકાથી સ્વાગત કર્યું હતું.

પ્રીતિ ઘરમાં જેવો પગ મુક્યો કે, એને કુદરતે અણસાર આપ્યો કે એને ભવિષ્ય દેખાય ગયું એને અચાનક અણગમો થવા લાગ્યો. એને થયું કે હું ક્યાં અહીં આવી ગઈ? શું થઈ રહ્યું હતું એ સમજાતુઃં નહીં, પણ મન બિલકુલ ત્યાં બેસવા પણ રાજી નહોતું. પ્રીતિ તેમ છતાં શાંતિથી જ ત્યાં બેઠી અને ચહેરા પર મનની વેદનાને છતી થતી અટકાવી રાખી હતી.

પરેશભાઈએ થોડીવાર ચા પાણી પી લીધા બાદ વાત ઉચ્ચારતા બધાની હાજરીમાં જ સીધું પૂછ્યું,
"હસમુખભાઈ હું મારી દીકરીને અહીં લાવ્યો છું કે, જે પણ વાત થાય એ બધાની હાજરીમાં ચોખ્ખી થવી જોઈએ."

"હા, સાચી વાત છે તમારી. જેથી શું સમસ્યા છે એ ખ્યાલ આવે."

"પ્રીતિના ગર્ભાવસ્થા દરમિયાન અજયકુમારે પ્રીતિને જે કહ્યું કે, તું અહીં થી જતી રે. હું તને ન્યાય નહીં આપી શકું. એ વાત તમારા વડીલોની હાજરીમાં જ થઈ છતાં મારી દીકરી કંઈ ન બોલી. અને તમે બંને પણ ચૂપ રહ્યા જે યોગ્ય નહોતું જ. આજ હું છું કાલ ન હોવ તો પ્રીતિને કોઈ ચિંતા ન થવી જોઈએ એ હેતુ થી જ ગયા વખતે અમુક વાત મેં કરી હતી. એ વાત કદાચ તમને અયોગ્ય લાગી હશે, પણ આ કારણ ના લીધે જ મેં એ વાત મૂકી હતી. અને મારી વાત કોઈ ગંભીર શર્ત તો નહોતી જ કે આટલો સમય એમાં વીતી જાય! આથી અહીં એટલે જ આવ્યો છું કે તમે શું કહો છો એ મને ખબર પડે!" એકદમ શાંતિથી અને બરાબર વહેવારીક રીતે પરેશભાઈએ વાત ઉચ્ચારી હતી.

સીમાબહેન અને હસમુખભાઈ તો ઘડીક એકદમ ચૂપ જ થઈ ગયા હતા. એમને આટલું સ્પષ્ટ કહેશે એ એમની કલ્પનાની બહાર જ હતું. અજયને તો કંઈ જ કહેવું હોય એવું લાગતું જ નહોતું. એ તો એની નજર નીચી કરીને જ બેઠો હતો. હસમુખભાઈ પણ મુંજવણમાં હતા એ સ્પષ્ટ દેખાય રહ્યું હતું. સીમાબહેન હવે બોલ્યા,
"હા, અજયે કહ્યું હતું એ વાત સાચી તમારી પણ હવે એ એવું નહીં કરે એટલો વિશ્વાસ તો તમારે પણ રાખવો જોઈએ. સબંધ બંને બાજુથી સરખા હોય તો જ ટકી શકે ને!"

સીમાબહેને વાત ગોળગોળ કરીને ફેરવી પડતી મૂકી હતી. પરેશભાઈને તો બધાના મન જ વાંચવા હતા કે જેથી ભવિષ્યમાં ક્યારેય કોઈ તકલીફ ન થાય. એમને જવાબ મળી ગયો હતો. આથી એમણે પણ વાત વધારી નહોતી.

આજ બધાએ જમવા માટે હોટલમાં જવાનું હતું. સ્તુતિ ચોખ્ખુ બોલતી તો થઈ જ ગઈ હતી. એ બહાર નીકળતી વખતે જીદ પકડીને બેઠી કે મારે કારમાં જ જવું છે. રીતસર વારે વારે એક જ રટણ લઈને બેઠી હતી. દાદા કે દાદી બંને માંથી કોઈ એવું ન બોલ્યું કે અજય બાઈકની બદલે કાર લઈલે અને અજયને ખુદને પણ પોતાની દીકરી પહેલીવાર ઘરે આવી છે તો એ ખુશ રહે કે એની ઈચ્છા પુરી કરે એવું ન થયું. એ તો એને સમજાવા લાગ્યા કે, બેટા બધા સાથે જઈએ તો જ કારમાં જવાય! પ્રીતિ તો આવું સાંભળીને અજય પર ગુસ્સે જ થઈ ગઈ હતી પણ એ ચૂપ જ રહી હતી.

અજયની વાત સાંબળીને એ ભૂતકાળમાં જતી રહી હતી. એને યાદ આવ્યું કે, સીમાબહેન કાયમ આજ વાક્ય બોલતા હતા. અને બધા સાથે બહાર જાય તો જ કાર ઘરની બહાર નીકળતી હતી. પ્રીતિને એ પણ યાદ આવ્યું કે, પાંચ વર્ષમાં એ ક્યારેય એકલી અજય સાથે કારમાં ક્યાંય ફરવા ગઈ નહોતી. અને જયારે બધા સાથે જતી ત્યારે પણ અજયની ડ્રાઇવિંગ સીટની બાજુમાં સીમાબહેન ભાવિનીને બેસાડતા અને કહેતા કે, તું આગળ બેસ તારે કાર ચાલવતા શીખવું છે તો તને જોઈને થોડું સમજાય! પ્રીતિને આ યાદ આવ્યું એટલે એમ થયું કે મમ્મીજીને હું અજય સાથે હોવ એ ક્યારેય ગમતું જ નહીં, કારણ કે ભાગ્યે ક્યાંક ક્યારેક બહાર જતા તો પણ એકલા ગયા હોય એટલે સીમાબહેન કોઈને કોઈ વાત પર ઝગડતા જ હતા.

અજયે હોટલ પહોંચ્યા એટલે બાઈકને બ્રેક મારી અને પ્રીતિ ભૂતકાળમાંથી બહાર આવી હતી.

હોટલમાં બધા અંદર પ્રવેશ્યા હતા. બધાએ પંજાબી ડીશ જમી હતી. પ્રીતિને તો બિલકુલ જમવાનું મન નહોતું પણ સ્તુતિને જમાડતા થોડું જમ્યું હતું. પ્રીતિ પરાણે હસતું મોઢું રાખી રહી હતી.

શું સ્તુતિના ભાગ્યમાં પિતાનો સ્નેહ હશે કે નહીં?
શું સીમાબહેન પરેશભાઈની વાતને સ્વીકાર્ય રાખી પોતાના દીકરાની ખુશી ઇચ્છશે કે અહમને જાળવશે? એ જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻