Featured Books
શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 35

૩૫

રાણી ભોપલદે!

કુમારપાલ ત્યાં રણભૂમિમા જ છાવણી નાખીને પડ્યો રહ્યો. કાકભટ્ટના કોઈક સંદેશાની એ રાહ જોતો હતો. નડૂલના કેલ્હણને એણે અત્યારે જવા તો દીધો, પણ પોતાનું સૈન્ય નડૂલ લેવાનું એણે નક્કી કર્યું હતું. પણ કાકભટ્ટનો સંદેશો મળે, તો સૈન્યનું દિશાપ્રયાણ નક્કી થાય તેમ હતું. 

બલ્લાલ કર્ણાટકનો હતો, એટલે માલવામાં એનાં મૂળ હજી ઊંડાં બેઠાં ન હતાં. એને કર્ણાટક પાછો હાંકી કાઢવાનો હતો એટલું જ. કાક એટલું ચોક્કસ કરી નાખશે એની કુમારપાલને ખાતરી હતી. એટલે વિજયોત્સવ ઊજવતું ચૌલુક્ય-સૈન્ય થોડો વખત આરામ લઇ લે તો પછી એને માલવા કે અર્બુદગિરિ તરફ ઊપડવાનું સહેલું થઇ પડે.

હવે રણભૂમિની કટુતા ઘસાઈ ગઈ હતી. બંને સૈન્યો એકબ્જાને આનંદવિનોદમાં સહભાગી થવા આમંત્રી રહ્યાં હતાં. આનકને પણ પોતાના પરાજયનો ડંખ ધીમેધીમે ભૂલવા જેવો જણાતો હતો. 

એવામાં એક મધરાતે એક સાંઢણી આવી. એ આવીને સીધી ઉદયન મંત્રીશ્વરની શિબિર પાસે હંકારી ગઈ અને થોડી વાર પછી શાકંભરીના સૈન્ય-સોંસરવી શાકંભરીના પંથે ઊપડી ગઈ. 

તમામને આશ્ચર્ય થયું – આ સાંઢણી કોની? ઉપર કોઈ સ્ત્રીજન હતું! પણ મંત્રીશ્વરને કોણ પૂછે? કોઈની હિંમત ચાલી નહિ. ભીમસિંહે તપાસ કરી. એની વાત હસી કાઢવામાં આવી. મહારાજને કાને વાત આવી. ઉદયને બે હાથ જોડ્યા: ‘પ્રભુ! હું પણ માણસ છું. મારે પણ કાંઈક તો મહારાજથી છુપાવવાનું હોય. આ છુપાવવાનું છે!’

‘પણ એ હતું કોણ, મહેતા? તમને મળવા આવ્યું, પછી શાકંભરી ગયું – કોણ કાંચનબા હતા?’ 

‘એવું જ કોઈ, પ્રભુ!’

‘પણ પાટણમાં બધું છે તો બરાબર નાં?’

‘ન હોય તો આપણે એક પળ પણ આંહીં થોભીએ ખરા?

પાટણનો કોઈ સંદેશો આવ્યો છે ને એ સંદેશો શાકંભરી ગયો છે, એટલી જ વાત મળી. કુમારપાલને ચિંતા થઇ – પાટણમાં કોઈ અનિષ્ટ તો નહિ બન્યું હોય? કોઈ સ્વજનનું મૃત્યુ? ઉદયન એ છુપાવતો હોય!

પણ ઉદયને કાંઈ વધારે વાત અત્યારે આપી નહિ.

એટલામાં તો ભીમસિંહે હાથ જોડ્યા: ‘મહારાજ! આનકરાજનો દૂત આવેલ છે.’

આનકને કુમારપાલે એક દિવસ પહેલાં જ હજી મુક્ત કર્યો હતો. છેલ્લા દિવસોમાં એણે ગુર્જરેશ્વરના પ્રીતિભાજન થવાની ઠીક તાલાવેલી જણાતી હતી. મંત્રીશ્વરે પણ એનો ઠીક મેળ સાધ્યો હતો. એણે વ્યાઘ્રરાજને પોતાની મેળે જ શાકંભરી પાછા ફરવાનું કહી દીધું. વિક્રમને પણ ચેતવ્યો: ‘આ રણજોદ્ધો છે, અનુભવી છે. હમણાં માથું ઊંચું કરતાં નહિ, રાજ! નહિતર રાજ ખોશો!’

વિક્રમ મહારાજની ખડેપગે સેવા ક્રરી રહ્યો હતો. કુમારપાલ ધારાવર્ષદેવના આવવાની રાહ જોતો બેઠો હતો. વાતાવરણ આ પ્રમાણે બદલાયું હતું. 

એટલે આનકનો દૂત આવ્યો તેથી મહારાજને આશ્ચર્ય ન થયું. સંધિની વાત તો નક્કી થઇ ગઈ હતી. આનકે ગુર્જરેશ્વરના સામંત રહેવાનું હતું. બીજા ફેરફાર મહારાજે સૂચવ્યા તે એણે સ્વીકારી લીધા હતા. આનકના બંને તોફાની પુત્રોમાંથી કોઈ ફરક્યો ન હતો, પણ હજી તો આનક જ રાજા હતો, એટલે મહારાજે એ વાતને ઉખેળી નહિ. 

આનકનો દૂત અંદર આવ્યો. રાતના વખતે દૂત કેમ આવ્યો હશે તે વિશે કુમારપાલને પણ નવાઈ લાગી. અત્યારે દીપિકાનો ઝાંખો પ્રકાશ હતો ને દૂત એવી રીતે ઊભો હતો કે તેનું શરીર છાયામાં આવી ગયું હતું. પણ મહારાજને નવાઈ લાગી. આનકના કોઈ દૂતમાં આવું રૂપ એમણે જોયું ન હતું. આ તો દૂત સામે જોતાં એનું રૂપ જ જકડી રાખે તેવું હતું.

‘કોણે – આનકરાજે મોકલ્યો છે? શું છે?’ મહારાજે એને પૂછ્યું.

‘આનકરાજે સંદેશો મોકલ્યો છે, પ્રભુ!’ દૂતે હાથ જોડ્યા.

‘ક્યાં છે એ સંદેશો?’ 

‘મારે મોંએ!’

કુમારપાલ સાંભળવા માટે શાંત બેઠો રહ્યો: ‘બોલ! હું સાંભળું છું!’

‘ટૂંકો જ છે, પ્રભુ!’ 

આપહિ જમ્મહિ અન્નહિ વિ, ગોરિસુ દીજ્જહિ ક્ન્તુ,

ગય મત્તહ ચત્તડ:કુસહ, જો અબ્ભિડઈ હસન્તુ

(હે દેવી! આ જન્મમાં કે આવતા જન્મમાં તું મને એવો પતિ આપજે, જે હસતો-હસતો મત્ત ગજેન્દ્રોને ભેટતા પાછો પડતો ન હોય.)

કુમારપાલ ભડકી ગયો. ‘અરે! કોઈ ગાંડો છે શું?’ પછી તેને લાગ્યું કે કોઈના ઉપરનો સંદેશો આ અબુધ સંદેશવાહક આંહીં સંભળાવી રહ્યો હતો!

‘આ સંદેશો કોઈ બીજાનો હશે, દૂત! તું ભૂલ કરી બેઠો છે!’

‘ભૂલ તો એની નથી થઇ, પ્રભુ! ભૂલ કરી હોય તો અમે કરી છે!’ એક બાજુથી ઉદયન હસતોહસતો આવી રહ્યો હતો. 

કુમારપાલે હવે દૂત સામે જોયું અને એ ચમકી ઊઠ્યો: ‘અરે! આ તો દે કે કોણ? આ બધું શું છે?’

‘એક નાટક, મહારાજ!’ મહારાણી ભોપલદે પોતાની પાઘડી-બાઘડી એક બાજુ ફેંકીને હસતીહસતી ત્યાં ઊભી હતી!

‘પ્રભુ!’ ઉદયન હાથ જોડીને આગળ આવ્યો, ‘મહારાણીબા હશે છે, પણ સંદેશો સાચો છે હો! આનકરાજે કહેવરાવ્યો છે. બા તો ફક્ત દૂત બન્યાં છે!’

‘એટલે? આ શું છે બધું?’

‘એટલે એમ, પ્રભુ! કે બા કાંચનદેવીબા પાટણથી આવ્યાં છે/’

‘હા, ત્યારે તમે મહેતા! તે દિવસે ન કહી તે સાંઢણીની વાત કાં તો આ હશે!’

‘હા, પ્રભુ! એમાં મહારાણીબા પણ આવ્યાં. આનકરાજને હંમેશાં આપનો બનાવવો હોય, મહારાજ! તો એનું આ કહેણ આપણે સ્વીકારી લીએ. મહારાણીબા આવ્યાં છે જ એટલા માટે.’

‘હેં!’ કુમારપાલ વાત સમજીને આશ્ચર્ય પામી ગયો, ‘દે એટલા માટે આવેલ છે? હેં, દે? આવું તમને કોને શીખવ્યું?’

‘મહારાજ! તમે જ!’ ભોપલદે પ્રેમથી બોલી, ‘મહારાજે મને દુઃખમાં છાયા પેઠે ફેરવી. હવે આજે આ વિજયમાં મને સંભારો પણ છો? મેં કીધું, મહારાજ મને પાછળથી વિસારી દે, તે પેહલા હમણાં જ મને વિસારી દે એવું કાંઈક ન કરું? તે આ કર્યું!’

‘પણ શું આ? આ બધું શું છે?’

‘મહારાજ! આનકરાજની પુત્રી છે. જલ્હણા નામ.’

‘અરે! દે! કાંઈ ગાંડા છો? તમે મને છાયાછત્ર કર્યું...’

‘મહારાજ! બોલો તો ભગવાન સોમનાથના સોગન! પણ સાંભળો તો ખરા, પ્રભુ! મેં ઉદયન મહેતાને પૂછ્યું...’

‘હા, એ ઠીક કર્યું! એને ઘરમાં બે-ત્રણ શેઠાણીઓ ખરી નાં? પણ એઓ તો શેઠ છે, હું કાંઈ શેઠ છું, દે? હું તો હજી ગઈ કાલે – તમને ક્યાં ખબર નથી? તમે હો નહિ, દે! અને હું કાંઈ ટકી શકું? તમારી વાણી – એણે મને જે ટકાવ્યો છે, તે હું એટલી વારમાં ભૂલી જાઉં એટલો બધો તમે મને નગુણો ધારો છો? એટલે આ કૌભાંડ...’

‘કૌભાંડ નથી, મારા નાથ! તમે હવે દેથળીના સામંત નથી, તમે ગુર્જરેશ્વર છો. મહારાજ સિદ્ધરાજે જે રાજ મૂક્યું, તેનાથી ત્રણગણું તમે મેળવશો, પણ એ રહેશે કોના આધારે? રાજવારસ ક્યાં છે? ભાવબૃહસ્પતિની વાણી શું સફળ કરવી છે? હું પણ નારી છું, પ્રભુ! તમે પચાસને આંગણે બેઠા છો. હું ઓગણપચાસને ઉંબરે ઊભી છું. રાજવારસ લાવો પ્રભુ! હું માંગુ છું. તે વિના આ રાજપાટ તો શોણિતની નદીઓ હવે વહેવરાવે! એક વખત શરુ થઇ ગઈ એટલે થઇ ગઈ. આનકને પણ આપણી પ્રીતિ મેળવવી છે. જ્લ્હણા એની પુત્રી, મહારાજ ઉપર એને પ્રેમ છે. એ આ રીતે પાટણનો આ  દિશામાં સમર્થ સામંત બને છે. આ તક શું જવા દેવી? મહારાજ સિદ્ધરાજે પણ આ રાજનીતિ લીધી હતી. આપણે પણ એને સગો કરીએ છીએ. કાંચનબાને પોતાના સોમેશ્વરનો પક્ષ સબળ થતો જણાય છે. મને સારું લાગે છે, મહેતાને ગમે છે, હવે શો વાંધો છે?’

‘પણ દેવી!...’

‘મેં જ આ ગોઠવ્યું છે, પ્રભુ! એમ સમજી લ્યો ને! સાંભળો આ મંગલવાદ્યો વગાડતા કાં તો આનકરાજ પોતે આવતા લાગે છે. હવે? હવે શું એમને ના કહેશો? જ્લ્હણા જલબેડું લઈને આંગણે આવીને ઊભી રહેત તો શું ના કહેત? ચોસર રમવા મહારાજને બોલાવત તો શું મહારાજ ના કહી શકત? આ એણે પ્રેમબાજીને મળવા બોલાવ્યા છે એમ સમજો ને, મહારાજ! અમને નારીને તમે કોઈ દિવસ નહિ ઓળખો, હો! તમને એક આડી નજર બીજે નાખતા જોયા હોત તો હું ઊભી ને ઊભી સળગી જાત! પણ આજ હું તમારો હાથ આ જ્લ્હણા માટે માગવા પોતે આવી છું, શા માટે? ખબર છે, પ્રભુ? પાટણ – પાટણમાં રહીને કોઈ નાનું રહી શકતું નથી, ક્ષુદ્ર રહી શકતું નથી, ક્ષુલ્લક રહી શકતું નથી, લઘુ સ્વાર્થી રહી શકતું નથી! ચૌલુક્યોએ ત્યાં એવી હવા સર્જી છે. હવે તમે મૂંગા બેઠા જોયા કરો – જે થાય તે!’

એટલામાં તો ભીમસિંહ ફરીને દોડતો આવ્યો. મંગલવાદ્યોના સ્પસ્ટ સ્વરો પાસે આવતા સંભળાતા હતા. ‘મહારાજ! આનકરાજનાં મહારાણી, આનકરાજ પોતે ને જલ્હણા દેવી આવ્યાં છે!’

‘દેવી...’ કુમારપાલ કાંઈ બોલી શક્યા નહિ. ઊભા થઈને આગળ ગયા વિના તો એનો છૂટકો ન હતો. 

‘મહારાજ!’ ભોપલદે એને નમી રહી. ‘મહારાજ શતાયુ હો!’