૩૪
દ્વન્દ્વજુદ્ધ
ત્યાગભટ્ટ વાઘની ઝડપે કૂદતો દેખાયો. તે સીધો કલહપંચાનનના હોદ્દા ઉપર જ ઊતરતો જણાયો. એક જ પળ અને એની સમશેર મહારાજ કુમારપાલના ઉપર જનોઈવઢ કાપ દેતી પડી ગઈ હોત; પણ એના પગ હાથીના કુંભસ્થળને સ્પર્શે-ન-સ્પર્શે ત્યાં તો શ્યામલે કલહપંચાનનને જરાક જ પાછો હઠાવી લીધો. એટલી ત્વરાથી એ થયું કે ત્યાગભટ્ટ સીધો જમીન ઉપર જ જઈ પડ્યો. એ ઊભો થવા જાય તે પહેલાં તો એના માથા ઉપર ચારે તલવારો લટકી રહી હતી. એક ભાલો એની છાતી ઉપર મંડાયો હતો. એક પણ ઘા થાય તે પહેલાં તો તેને તરત જ બે મલ્લોએ પકડી લીધો.
આ શું થઇ ગયું એ અર્ણોરાજને ખબર જ ન પડી. શ્યામલે કલહપંચાનનને એક સહેજ અંકુશભાષાનો ઈશારો-માત્ર આપ્યો હતો. પણ અનેક જુદ્ધમા જેણે વિજય-પરાજયની પળેપળનો અભ્યાસ કર્યો હતો તે ગજરાજે તરત જ એવી કુનેહથી પોતાની ટક્કરને જરાક જ ઢીલી મૂકીને, સહેજ પાછા હઠવાનું કર્યું હતું કે પ્રતિમાતંગ, ટક્કરનું બળ તૂટતાં, આગલા પગે વાંકો થઇ પડી જતો માંડ માંડ ઊભો રહી શક્યો!
પણ એટલી નાનકડી ક્રિયાએ તો ગજબનો પલટો આણી દીધો.
કુમારપાલે દેવમંગલને માંડ સ્થિર થતો દીઠો-ન-દીઠો કે એ પોતે જ આકાશમાંથી વીજળી પડે તેમ ઊછળીને અર્ણોરાજના હોદ્દામાં જઈને પડ્યો! ત્યાગભટ્ટનું શું થયું, - આ શું થયું, આ કેમ થયું – એવા કાંઈ વિચાર અર્ણોરાજના મગજમાં પ્રવેશે તે પહેલાં તો એના માથા ઉપર એણે ભયંકર તલવાર લટકતી જોઈ. ‘આનક! તૈયાર થઇ જા, એલા જાંગડ!’ એવા ભયાનક રણનાદે એના કાન વીંધી નાખ્યા.
આ દ્રશ્યે ચારે તરફ ચૌલુક્ય-સૈન્યમા ઉત્સાહનું પૂર પ્રગટાવ્યું. ઉદયન, વાગ્ભટ્ટ, સજ્જન, ભીમસિંહ – સૌએ મહારાજની જયઘોષણાના નાદ કરી મૂક્યા ને ચારે તરફથી પુરપાટે મહારાજના ગજજુદ્ધ તરફ સૈનિકો દોડ્યા.
અર્ણોરાજનો હાથી ગભરાઈ ગયો હતો. મહાવત નીચે પડતાં ને એની સામેની ટક્કર અચાનક ઢીલી પડતા, એ આગલા પગે લાંબો થતો ને ઢળી પડતો સહેજમાં બચી ગયો હતો. પણ એનો એ થાક એના અંગેઅંગમા એણે વિહ્વળ બનાવતો સોંસરવો પેસી ગયો હતો. જરાક સ્થિર થતાં જ એ ભાગવા માટે પાછો ફર્યો, પણ કુમારપાલે એ એક જ પળમાં, આનકને એવો તો એક જબરજસ્ત હડસેલો માર્યો કે તે ધબ દઈને નીચે જ ઢળી પડ્યો. ‘દેવમંગલ’ એક ડગલું પાછું ફરે, ત્યાં ઉપરથી કુમારપાલ અચાનક ઉપર કૂદી પડ્યો.
કટોકટીની પળ તો હવે આવી. અર્ણોરાજને ઢળતો જોયો અને મહાવતે ઊભા થઈને દોડી ‘દેવમંગલને’ તત્કાલ અંકુશમાં લઇ લીધો. એણે એને લડતા જોદ્ધા ઉપર જ લીધો. પણ એટલામાં તો કલહપંચાનનને પડખેથી એક ધક્કો આવી ચડ્યો. હવે તો મહાવતને જ ઉલાળી મૂકીને, હાથી ઊભી પૂંછડીએ ભાગવા જ મંડ્યો.
એના ઉપરથી છત્ર ઊડી ગયું. હોદ્દો હાલમડોલ થઇ ગયો. એના શણગાર વેરવિખેર થઇ ગયા. એનાં આભૂષણો આડાંઅવળાં ઊડતાં દેખાયાં
એક જબરજસ્ત જયઘોષણાએ આખી ચૌલુક્ય-સેનાને ઉત્સાહના પૂરમાં તણાતી કરી મૂકી. જયઘોષણા, રણભેરી, જયગીતોથી આકાશને તો જાણે સોંસરવું વીંધી નાખવું હોય તેમ તુમુલ માધની પરંપરા ઊપડી.
કુમારપાલે અર્ણોરાજને મલ્લજુદ્ધમા જ હંફાવી દીધો... અને બંધનમાં મૂકીને તે ઊભો થઇ ગયો: ‘કેમ ક્ષત્રિયરાજ! અમે આમ આવ્યા તે તમને ગમતું હતું, કાં? નાક વિનાના વીરપુરુષ! મહારાજ સિદ્ધરાજે એક વખત કાપ્યું હતું, તોય ફરીને ઊગ્યું, કાં? હવે આ વખતે ઊગી રહ્યું!’
તેણે અર્ણોરાજને કટુ વાક્યથી વીંધી નાખ્યો. એટલી વારમાં તો ચારે તરફથી સૈનિકોએ દોડીને ત્યાં દુર્ભેદ્ય કિલ્લો રચી દીધો.
કુમારપાલે કલહપંચાનન ઉપર ઊભા રહીને, આખી સેના સાંભળે એવો રણઘોષી મહાવિજયનો શંખનાદ કર્યો અને પોતાનું વસ્ત્ર હવામાં ઉડાડતાં જયનાદ પોકાર્યો. એ નાદનો પડઘો ‘જય સોમનાથ’ની મહાઘોષણા સાથે આખા સૈન્યમાંથી આવ્યો. કુમારપાલે તરત મોટો સાદ પડાવ્યો: ‘કોઈ કોઈને મારતા નહિ હવે. આનકરાજ આંહીં હેડમાં પડ્યા છે. દ્વન્દ્વજુદ્ધની અમારી નૃપતિઓની રણપ્રતિજ્ઞા પૂરી થાય છે. અધૂરો ઘા અધૂરો જ રહી જાય. મંત્રીશ્વર! આજ્ઞા કરી દ્યો!’
‘ચૌલુક્યોનો વિજય થયો છે!’ ‘વિજય ચૌલુક્યોનો થયો છે!’ ‘મહારાજ કુમારપાલ જીત્યા છે!’ ‘આનકરાજ બંદીવાન છે!’ મોટાં અવાજની ગર્જનામાંથી રણભૂમિ ગજવા માંડી. ચારણ, બંદીજન, ભાટકવિઓએ પ્રશસ્તિની વીરસાંકિત કાવ્યપંક્તિઓ લલકારવા માંડી.
આનકરાજનું સૈન્ય પાછું હઠવા માંડ્યું. કુમારપાલે તરત આનકરાજ સહિત પોતાની સેનાને આગળ વધવાની આજ્ઞા આપી દીધી.