Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 30

૩૦

ફેરવી તોળ્યું!

થોડી વાર પછી ઉદયન પાસે આયુધ આવ્યો. પણ રાતદીના એક પળના પણ આરામ વિના કરેલી કાકભટ્ટની ત્વરિત મુસાફરી સિવાય બીજો પ્રકાશ તેની પાસેથી મળ્યો નહિ. એટલામાં વૈદરાજ આવ્યા. કાકભટ્ટની માવજતમાં સૌ પડી ગયા. 

થોડી વાર પછી ઉદયન એકલો વિક્રમદેવના મહાલયે જવા નીકળ્યો. 

એ ત્યાં પહોંચ્યો, તો મહોત્સવની તૈયારી સંપૂર્ણ થઇ ગઈ હતી અનેક યોદ્ધાઓ, સૈનિકો, સામંતો ત્યાં મંડપમાં મહારાજની રાહ જોતા ભેગા થયા હતા. વિક્રમસિંહ અધીરાઈથી મહારાજને આવકારવાની પ્રતીક્ષા કરતો ત્યાં દ્વાર પાસે જ ઊભેલો જણાયો. ઉદયન એકલો આવ્યો એ એણે જોયું. એના પેટમાં ધ્રાસકો પડ્યો. એટલામાં વ્યાઘ્રરાજ એની પાસે આવી પહોંચ્યો. તેણે ધીમેથી કહ્યું: ‘પ્રભુ! ચેતી ગયો લાગે છે. એને શંકા પડી જણાય છે. આપણે ફેરવી તોળો!’

‘પણ શું થાય? આવતો હતો ને!’

‘આવતો હતો, પણ કોઈકે ચેતવ્યો લાગે છે. કોઈક સાંઢણી તો ત્યાં ઊભી હતી!’

‘સાંઢણી ઉપર આવ્યું કોણ’

‘કોક કાકભટ્ટ કહે છે!’

વિક્રમસિંહ પામી ગયો – છેક છેલ્લી પળે એણે ગમે તેમ આને ચેતવી દીધો લાગે છે. તેણે તત્કાલ વાત ફેરવી નાખવામાં હવે સલામતી દીઠી. તે ઉદયનની સામે જ ગયો. ‘અરે! મંત્રીશ્વરજી! અચાનક શું થયું મહારાજને? આપણે, વ્યાઘ્રરાજ!’ તેણે બૂમ પાડી. વ્યાઘ્રરાજ પાસે આવીને ઊભો રહ્યો. ‘આપણે મહોત્સવ બંધ કરવો. વૈદરાજજીને બોલાવો. પ્રભુ! આપણે ત્યાં જઈએ, મહારાજની પાસે!’ તેણે ઉદયનને કહ્યું.  

‘વિક્રમદેવજી! તમે ક્યાં નવા રાજરમતના જાણકાર છો? તમે બધું જ જાણો છો. અત્યારે મહારાજની માંદગીને મહત્વ અપાય, એમાં પણ આપણને તો સો વસા ખોટ નહિ? એટલે આપણે આંહીં ચાલતું જ રાખો. મહારાજને અચાનક એમ થઇ ગયું. એમને પેટવાયુની જરા પીડા છે. તે પહેલાં પણ આમ થયું હતું!’

વિક્રમ પામી ગયો: વાણિયે હાંક્યું છે ધતિંગ! ‘પણ પ્રભુ! મને હવે હૈયે ધરપત ન વળે – મહારાજને જોયા વિના. તો એકલો જઈ આવું?’

‘આપણે પછી જઈએ, વિક્રમદેવજી! મહારાજને વૈદરાજે હમણાં નિંદ્રાની દવા આપીને હું અહીં આવ્યો. ભલે અત્યારે બે ઘડી સૂઈ રહે. પેલી કહેવત નથી કે કોણે ખબર છે કે વહેલા ઊઠ્યે ફાયદો કે મોડા ઊઠ્યે! અત્યારે અચાનક થાય, વખતે ફાયદામાં હોય!’

વિક્રમને હવે કોઈ દ્વાર ખાતરી કરવાનું બાકી રહ્યું નહિ, ઉલટું તેણે હવે તો સંભાળવાનું આવ્યું. મહાલયમાં નીચે ખદિરના કોલસા જમાવ્યા હતા. નીલમણિ નૃત્ય કરતી દ્વારમાંથી બહાર નીકળે કે તત્કાલ એને ભભૂકાવાના હતા. સૂચના આપેલા બર્બરકનાં ભૂતડાં જેવાં ભીલડાં નીચે બેઠાં હતાં. નર્તિકાની ઘૂઘરીઓ વાગવી શરુ થઇ હતી. એ બંધ થાય ને મહાલય ભડભડ બળી ઊઠે – એટલે હાથે કરીને પોતાના દગાની વાત પોતે પ્રગટ કરવા જેવું હવે થવાનું હતું. વિક્રમદેવ વ્યગ્ર થઇ ગયો. ઉદયન સમજી ગયો – આને હવે કાંઈક છુપાવવું હતું. 

મહોત્સવમાં હવે મહારાજની ગેરહાજરીથી જાણે પોતાને ઉત્સાહ રહ્યો ન હોય તેમ વિક્રમસિંહે કટાણું મોં કર્યું. ઉદયને હવે એને પ્રકાશમાં નખશિખ વેધક દ્રષ્ટિથી નિહાળવા માંડ્યો. વિક્રમને એક હજાર જોદ્ધાના બંધન કરતાં આ બંધન આકરું જણાવા માંડ્યું. એનું ઠીંગણું, બેઠાઘાટનું, જાડું દગાખોર શરીર ઉદયન માથાથી પગ સુધી જોઈ ગયો. એમાં ચપટું, જાડું, માણસના પાછળથી ફોદા ઉખાડવાની શક્તિ ધરાવતું એનું નાક એને ભયંકર જણાયું. તીખી, તીક્ષ્ણ, નાનીમોટી દગાખોર બે આંખો પણ એટલી જ ભયંકર હતી. એની ઊંચાઈ મંત્રીએ ફરીને નિહાળી – બરાબર સાઠ તસુ. એ ઊંચાઈ ભયંકર હતી. મંત્રીએ એની અશાંતિનો હવે લાભ લીધો: ‘વિક્રમદેવજી! આંહીં તમારે દાવાનલ પ્રગટે ડુંગરમા, ત્યારે તો ભેર થતી હશે!’

‘હેં પ્રભુ! પ્રભુ!’ વિક્રમદેવને ખાતરી થઇ ગઈ કે વાણિયે બેટે ગમે ત્યાંથી વાતનો પત્તો મેળવ્યો લાગે છે. એ વ્યગ્ર થઇ ગયો. પણ તે અનુભવી હતો. તેણે તરત તાલી પાડી. વ્યાઘ્રરાજને બોલવ્યો. વ્યાઘ્રરાજ આવ્યો,

‘વ્યાઘ્રરાજ! આ વસ્તુ હવે મને રુચે ખરી? આ બાજુ મહારાજ જેવા અસ્વસ્થ થયા છે ને આપણે આ આદર્યું છે. બંધ કરાવો બધું. પણ જુઓ, નર્તિકા ભલે હમણાં નાચે. જોવાવાળા ભલે જુએ, તમે અનુચરોને મોકલી ધીમેધીમે દીપાવલીને એક પછી એક બંધ કરાવો, સમજ્યા? જાઓ અને આપણી ભોજનવ્યવસ્થા કરાવો. મંત્રીશ્વર ત્યાં આવે છે. કાં, પ્રભુ?’તેણે ઉદયન તરફ જોયું.

‘હા-હા, ભલા માણસ! અણી ચૂક્યા જેવી વાત સમજો ને! બીજી વખત ક્યાં એને નથી બોલાવાતી? બીજી વખત જોશું!’

વિક્રમ ધ્રૂજી ઊઠ્યો. આ મારો બેટો અણી ચૂક્યો એમ બોલે છે, એનો અર્થ શો? એ બધું જ જાણતો હશે? તેને હવે શંકા નિર્મૂળ કરવાની હતી. તેણે વ્યાઘ્રરાજને બોલાવ્યો: ‘વ્યાઘ્રરાજજી! આંહીં આવજો જરા!’

વ્યાઘ્રરાજ જરા આઘે ગયો હતો તે પાછો ફર્યો. વિક્રમે તત્કાલ કહ્યું. ‘જશવીરજીને કહેજો, સવારે મહારાજનું સૈન્ય કૂચ કરશે. કાં, પ્રભુ?’

‘હા.’ ઉદયને શાંતિથી કહ્યું. ‘કૂચ હવે અનિવાર્ય છે. આનક આગળ વધ્યાના સમાચાર છે.’

ત્યારે પ્રભાતે મહારાજનું સૈન્ય કૂચ કરે અને આપણું પણ સાથેસાથ ઊપડે. અત્યારે ઘોષ કરવી દ્યો. હું  પોતે ત્યાં હોઈશ. હું જુદ્ધમાં ભાગ લેવા જવાનો છું!’ શંકા નિર્મૂળ કરવા માટે એ તૈયાર થઇ ગયો હતો.

‘વાહ! વિક્રમદેવજી! વાહ! ભલો તાત્કાલિક નિર્ણય લઇ લીધો?’ ઉદયને તરત કહ્યું. ‘સામંત તો તમારા જેવા હોય તો સામ્રાજ્ય શોભે! તરત સમજી ગયા. આનું નામ રાજનીતિ! બીજો હોય તો હેંહેંફેંફેં થઇ જાય!’

વિક્રમને છેલ્લો મર્મભેદી શબ્દ વીંધી ગયો, પણ તેણે બોલ્યા વિના જ બે હાથ જોડ્યા, માથું નમાવ્યું. 

થોડી વાર પછી ભોજનગૃહ તરફ મંત્રીશ્વર સાથે વિક્રમ ચાલ્યો. ઉદયને રસ્તામાં જ કહ્યું: ‘મહારાજ! અગ્નિઠારની ગંધ આવી રહી છે. ક્યાંય દાવાનળના સમાચાર છે કે શું?’ વાક્ય તો એક જ મંત્રીશ્વરે કહ્યું, પણ વિક્રમ રાતોપીળો થઇ ગયો. પણ તે સમય વર્તી જનારો વિચક્ષણ પુરુષ હતો. તેણે જવાબ વાળ્યો: ‘મહારાજ! આંહીં તો દાવાનળ સળગે ને ઠરે, ચાલ્યા જ કરે; જેવી ઋતુ!’

‘હા... ત્યારે!’

એટલામાં સૈન્યમાં ઘોષ થતો હતો: ‘પ્રભાતે મહારાજ કુમારપાલ સાથે અર્બુદનાથ વિક્રમદેવજી જવાનાં છે. સૌ રણમેદાન ઉપર આવી મળે. સાદ સાંભળજો..’

‘પ્રભુ! વ્યાઘ્રરાજજીએ ભારે ત્વરા કરી લાગે છે. સંદેશો સૈન્યમાં પહોંચાડી પણ દીધો. મહારાજે મને આજે કહ્યું હતું કે રણવ્યવસ્થા તો વિક્રમદેવજીની જ છે!’  

‘મહારાજ તો મોટા છે, પ્રભુ! હું શું રણજોદ્ધો હતો? પણ મહારાજની છત્રછાયા છે, તો આ જુદ્ધમાં ફરી દેખાડશું!’

રાજા વિક્રમ અને મંત્રીશ્વર બંને મૂંગામૂંગા આગળ વધી રહ્યા – પોતપોતાના વિચારમાં.

વિક્રમ વિચાર કરી રહ્યો હતો: ‘આ વખતે છટક્યો. પાછા ફરતાં આ જુક્તિ હવે કામ નહિ લાગે! બીજી વ્યવસ્થા ગોઠવવી પડશે.’

ઉદયન વિચાર કરી રહ્યો હતો: ‘પરમાર ધારાવર્ષદેવને પણ મળવાનું કહેવરાવી દઈએ. આને હવે ત્યાં જ પદચ્યુત કરવો પડશે. હવે ફરીને એણે આબુ દેખાડવું જ નથી ને!’