Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 29

૨૯

વિક્રમસિંહનો સત્કાર!

કાક જ્યારે ઉતારે પહોંચ્યો ત્યારે એનું મગજ જાણે કોઈ કામ કરતું ન હોય તેવું જણાયું. નર્મદાતટનું દ્રશ્ય એની નજર સામે હજી તર્યા કરતું હતું. હવામાં ઊછળતો કેશવનો શ્યામ વાજી એની નજર સામેથી ખસતો ન હતો. એણે જે જોયું એ હજી પણ એના માનવામાં આવી શકતું ન હતું, આયુધ સામે ઊભો હતો છતાં એણે બૂમ મારી: ‘આયુધ!’ 

આયુધ બે હાથ જોડીને સામે આવ્યો: ‘પ્રભુ! શું છે? હું તો આંહીં જ ઊભો છું!’

‘અરે, આયુધ! તેં કોઈ બે જણાને તૈયાર થઈને હમણાં જતા જોયા?’

‘હા પ્રભુ! તમારા આવ્યા પહેલાં થોડી વારે, આપણી સામેના પેલા ભૃગુઆશ્રમમાંથી બે સવારો ઊપડી ગયા હોય એમ જણાય છે!’

‘કોણ હતા એ? કઈ બાજુ ગયા?’

‘કોણ હતા? એ તો એ જ. ભૃગુઆશ્રમમા ઊતર્યા છે તેમાનાં બે. માલવા તરફ ગયા જણાય છે!’

કાક સમજી ગયો. મલ્હારભટ્ટ ને ત્રિલોચન ઊપડી ગયા હોવા જોઈએ. એણે પણ તાત્કાલિક નિર્ણય જ કરી લેવાનો હતો. નર્મદાના આરસકિનારા ઉપર એક વખત ફરીને કેશવની જગ્યા નિહાળવાનું એને ઘણું મન હતું. એના હ્રદયમા કેશવની ઊંડી છાપ પડી ગઈ હતી. પાટણનું ગૌરવ અખંડિત રહેવું જોઈએ, એ એનો જીવનસૂર એણે છેલ્લી પળ સુધી સાચવી રાખ્યો અને રાજભક્તિની તો પરાકાષ્ઠા દર્શાવી દીધી! કેવળ પ્રાચીન સમયમાં જોવા મળે એવી એ ભક્તિ હતી. જયસિંહની મહાન માણસોની પરંપરાનો છેલ્લો મહાન પુરુષ આજે અદ્રશ્ય થઇ ગયો લાગ્યો. કાકને હ્રદયમાં એક પ્રકારની વેદના થઇ રહી હતી. આવો માણસ! એ એને મળી શક્યો હોત! પણ હવે એ વિશે વિચાર કરવામાં એનાથી એક પળ પણ બગાડાય તેમ ન હતું. તે આયુધ તરફ ફર્યો: ‘આયુધ! આપણે એક ઝડપી સાંઢણી પ્રાપ્ત કરો. આપણે આંહીંથી ભાગવું છે. માલવાને વીંધીને ચંદ્રાવતી પહોંચતાં હવે નેવાંનાં પાણી મોભે ચડાવવાના છે. આપણે અત્યારે જ ઊપડવું છે!’

‘અત્યારે?’

‘અત્યારે નહિ, હમણાં જ, આ પળે, જો આંહીંથી જ ઊપડતું હોય તો એક પગલું પણ આગળપાછળ ચાલવું નથી!’

આયુધ ઊપડ્યો. એણે આંહીં આટલાં દિવસમાં કોઈ ને કોઈ રાયકાને સાધ્યા હતા, તેવા એકને ઉપાડી લાવ્યો. એની પાસે સારી સાંઢણી લાગી. મોંમાગ્યા દ્રમ્મ આપીને પણ અત્યારે જ ઊપડવાનું હતું. 

કાક ને આયુધે ખંખેરી મૂક્યાં. કાકને શ્રદ્ધા હતી કે એ બંને ઘોડેસવારોને પહોંચી વળશે. મળે તો ત્રિલોચનને કાંઈ કહેવું કે એને એક તરફ રાખી દઈને આગળ વધ્યે જવું, એ વિશે કાક વિચાર કરી રહ્યો. એને વિચાર કરતાં જણાયું કે હવે તો એને ખંખેરી મૂકવાં એ ઠીક છે. ત્રિલોચન આવે ત્યાં ભૂમિકા તૈયાર કરી રાખવી. ત્રિલોચનને મહારાજ જાળવી શકે, તો એની શક્તિ ઉપયોગી નીવડે તેવી હતી. 

કાકને કેશવે કૈં-કૈં દિશામાં વિચાર કરતો કરી મૂક્યો હતો. સિદ્ધરાજ મહારાજે સ્થાપેલી પરંપરા કુમારપાલ તો સાચવશે, જો એ વિદ્વાનોનો સંસર્ગ સાધશે તો. પણ હજી એને સ્થિર જ થવામાં વાંધો હતો. એના રખડુ જીવનને લીધે એને જે વ્યવહારુ ડાહપણ મળ્યું હતું, એટલું વિદ્યાવ્યાસંગી જીવન ઓછું પણ થયું હતું, પાટણને એ શોભશે? પાટણના સિંહાસનની હવે જે મહત્તા છે તેમાં એ શોભશે? એને ગુરુ હેમચંદ્ર સાંભર્યા. એમના વિના બીજો કોઈ વિદ્યાની ઉપાસના નહિ ઉપાડે. બીજા તમામ પોતપોતાનો સંપ્રદાય સ્થાપવાનો ઉદ્યોગ કરશે. હવે તો ઉદયન મહેતાને કહીને પહેલી વાત – વિદ્યાપ્રવાહ ચાલુ રાખવાની – કરવાની હતી. આ બધું એને કેશવની સંસ્કારી મહત્તાએ દેખાડ્યું. જીવનન્યોછાવરી કરીને પણ જે માણસ પાટણના ગૌરવને અખંડિત રાખવાની પ્રતિજ્ઞા પાળે – અને રાજભક્તિ પણ સાથેસાથે સાચવે – એ કેટલો મહાન દેશજન હતો!

પણ અત્યારે એને ઉતાવળે ચંદ્રાવતી પહોંચવાનું હતું. રાયકો ઘણો હોંશિયાર માણસ જણાયો. જ્યાં મુકામ કરે ત્યાં એની કોઈ તપાસ ન કરે, એવી જગ્યા શોધી કાઢવાની એનામાં કુદરતી શક્તિ લાગી. કાકભટ્ટે રાતદી જોયા વિના ખંખેરી જ મૂક્યાં. એણે રસ્તામાં ત્રિલોચન ને મલ્હારભટ્ટને એક ઠેકાણે જોયા. ઘોડાં માટે સાંઢણીની વાટાઘાટમા એઓ પડ્યા હોય તેમ જણાયું. એમને એક તરફ રાખીને એ આગળ વધ્યો. 

ચંદ્રાવતી પહોંચ્યો ત્યાં એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. એને જાણે કુદરતે જ વખતસર આણી મૂક્યો હતો. મહારાજ કુમારપાલ ત્યાં આવી ગયા હતા. ચંદ્રાવતીની બહાર આનકની તૈયારી સબળ થતી જણાઈ. પહેલો એને ડારવાનો હતો, પણ એમાં ચંદ્રાવતીને માપવાની જરૂર હતી. એટલે સોલંકી સેનાની છાવણી આવીને પડી ગઈ હતી. બીજું સૈન્ય આવી રહ્યું હતું. કાક ત્વરાથી આગળ વધ્યો. કોઈ મહાન ઉત્સવની આંહીં તૈયારી થતી હોય તેમ એને જણાયું. તત્કાલ એ મંત્રી ઉદયન પાસે પહોંચી ગયો. ત્યાં ગયો ત્યાં ખબર પડી કે મંત્રીશ્વર તો મહારાજ પાસે ગયા હતા. 

‘ક્યારે આવવાના છે? કાકે તપાસ કરી. 

તેજદેવ ત્યાં હતો. તેણે જવાબ વાળ્યો: ‘મંત્રીશ્વર તો હવે રાતે મોડેથી આવશે!’

એટલામાં તો અર્બુદશિખરાવલિ ઉપર દીપીકાઓ પ્રગટેલી જોઇને કાકને કેશવની પેલી પળપળની વાત યાદ આવી ગઈ. એણે ઉતાવળે જ પૂછ્યું: ‘આ બધું શું છે. તેજદેવ? કાંઈ મહોત્સવ છે?’

‘મહારાજ અર્બુદરાજે એક મહોત્સવ યોજ્યો છે. મહારાજને એઓ અત્યારે બોલાવવા આવવાના છે!’

‘કોણ, અર્બુદપતિ?’

‘હા.’

કાકે પ્રત્યુત્તર આપવા-લેવા ન થોભતાં, તરત જ મહારાજની શિબિર તરફ સાંઢણી હંકારી મૂકી. ક્યાંય થોભીને મુસાફરીના થાકનો આરામ લેવામાં પણ એણે  ભય જોયો.

તે સીધો મહારાજની શિબિર પાસે પહોંચ્યો. એને લાગ્યું કે એને ઈશ્વરે જ વખતસર મોકલેલ છે. શિબિરના દ્વાર પાસે જ મહારાજનો કલહપંચાનન ઊભો હતો. અર્બુદપતિનો ગજરાજ કૈલાસ પણ એણે ત્યાં જોયો. એને કેશવની પળપળની વાતનો ભયપડઘો ફરીને સંભળાયો. એણે લગભગ સાંઢણી ઉપરથી પડતું મૂક્યું. તે મહારાજને મળવા અંદર ગયો. 

ભીમસિંહ ત્યાં હતો. એણે કાકને રોકી દીધો: ‘અંદર મહારાજ અર્બુદપતિ છે. મંત્રણા ચાલે છે.’

‘અરે! ભીમસિંહજી! પણ...’ કાકે તેના કાનમાં કાંઈક કહ્યું. ‘હેં!’ તે આશ્ચર્યચકિત થઇ ગયો. સીધો પ્રવેશ કરવા કરતાં મહારાજને મળીને વાત કરી લેવાય ને અર્બુદપતિ જાણે નહિ, તેવી ત્વરિત વાત હવે કાકને જોઈતી હતી. ભીમસિંહ તેને પાછળના દ્વારે લઇ ગયો. 

ત્યાંથી કાક સપાટાબંધ જ્યાં મહારાજ કુમારપાલ, મંત્રીશ્વર ઉદયન અને વિક્રમસિંહ કાંઈક ગંભીર મંત્રણા ચલાવી રહ્યા હતા તેની પાસેના ખંડમાં આવી ગયો. કાકે કાન દીધા. અંદર આનકજુદ્ધની જ મંત્રણા ચાલતી એણે સાંભળી. કાકના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. સૌથી વધારે ઉત્સાહ વિક્રમસિંહના અવાજમાં હતો: ‘મહારાજ! મારું માનો તો આનકને આગળ આવવા દો. એને એવો સપડાવશું કે એ પોતાના સાત ભવ સંભારશે! આપણે, હું તો કહું છું, આ મહોત્સવમાંથી પરવારો કે તરત પ્રયાણનો શંખનાદ કરવો. દિવસ હવે ભાંગવો નથી!’

‘પણ, વિક્રમરાજ! તમે તૈયારી કરી?’ ઉદયન મંત્રીશ્વરે પૂછ્યું લાગ્યું. વિક્રમનો પ્રત્યુત્તર સાંભળીને તો કાક હાથ જીભ કાઢી ગયો!

‘મહામંત્રીજી! હું તો તૈયાર જ છું. નિર્ણય તો તમારે લેવાનો છે. મને તમે વગર દ્ર્મ્મે ખરીદેલો તમારો દાસ જ ગણી લ્યો. મારે તમને બતાવી દેવું છે કે હું તમારો છું!’

‘તમે અમારા છો, એ હવે કહેવાની જરૂર જ ન હોય, વિક્રમદેવજી! તમે અમારા છો. અમે તમારા છીએ. ચંદ્રાવતીએ પાટણને ક્યારેય છેહ દીધો સાંભળ્યો છે? તમે સાથે હો, તો અમારા સેનને એક સહસ્ત્ર ગજસેનાનું બળ મળ્યું એમ ગણીએ!’ ઉદયને વિક્રમને સાથે લેવાની વાત મૂકી હતી. 

‘હું તૈયાર છું. પ્રભુ!’ વિક્રમ બોલ્યો. તેની ભાષાની મૃદુતા તેની પોતાની અનોખી જ શૈલી દેખાડતી હતી. ‘આજ્ઞા આપો એટલી વાર. મહારાજ કહે પણ પછી આ તરફ વખતે બલ્લાલ સળગશે તો આપણે પાછાં પગલાં ભરવા પડશે. ને એ વખતે પાછાં પગલાં ભરશો એટલે આનકરાજ દબાવતો આવશે. આ તો જુદ્ધની રમત છે. તમે વિચાર કરી જુઓ, મંત્રીરાજ! તમે જૂના જોગી છો! મને ઠીક લાગ્યું તે તમને હું કહું છું!’ 

વાત તો વિક્રમની સાચી હતી, પણ એ તો એ વિશ્વાસપાત્ર હોય તો. 

‘પણ વિક્રમદેવજી!’ મહારાજ કુમારપાલ કહી રહ્યા હતા, ‘તમે આંહીં રહો, પછી મારી પડખે કોણ?’

‘તો ભલે મહારાજ! હું તો તૈયાર છું. તો હું રજા લઉં? મહારાજની ત્યાં મહાલયમાં રાહ જોવું છું, મહાલયનો ઉત્સવ આંહીં રાખવો હોય તો. પ્રભુ! એમ આજ્ઞા આપો.’

વિક્રમ બેઠો થતો લાગ્યો.   

‘ના-ના, વિક્રમદેવજી! આવતી વખતે, વખતે આ રસ્તે પાછા ન પણ ફરીએ.’

ઉદયને જવાબ વાળ્યો. તેને એક તીક્ષ્ણ દ્રષ્ટિથી વિક્રમની મુખમુદ્રા જોતો કાકે જોયો. પણ વિક્રમ ઘણો જ ચાલાક હતો. એણે લેશ પણ ઉતાવળ કે જરા પણ અવ્યવસ્થા, અશાંતિ, ગભરાટ બતાવ્યાં જણાયાં નહિ. તેણે નમીને રજા લીધી લાગી. હતો તેવો જ એ કોયડારૂપ રહ્યો હોય તેમ લાગ્યું. 

કુમારપાલ ને મંત્રીશ્વર ઉદયન વિચારમાં પડ્યા જણાયા. આને એટલો બધો વિવેક બતાવ્યો હતો તે છેક કાંઈ ગપ હોય? કાંઈ વિશ્વાસ બંનેના મનમાં આવી ગયેલો કાકે અનુભવ્યો. વિક્રમ દૂર ગયો લાગ્યો કે તેણે તરત જ પ્રવેશ કર્યો:

‘પ્રભુ! માફી માંગુ છું, પાછળને દ્વારથી આવવા માટે...’ રાજા ને મંત્રી બંને ચોંકી ઊઠ્યા. કાક ત્યાં ઊભો હતો. એના અંગ ઉપર હજી ધૂળના થર જામ્યા હતા. આટલું ચાલતાં પણ એને શ્રમ જણાતો હતો. થાકનો પાર ન હતો. આંખમાં ભાર હતો. આટલી મુલાકાત માટે એણે મહામહેનતે શરીરને ઊભું રાખ્યું હોય તેવું જણાતું હતું. એના આવા વિચિત્ર વેશ તરફ કુમારપાલ જોઈ રહ્યો: અરે! કાકભટ્ટ! તું ક્યારે આવ્યો? આંહીં તો તારી કાગને ડોળે રાહ જોવાય છે એ તમે ખબર છે? તું હવે થોડોક આરામ લે, ત્યાં અમે આવ્યા...’ મહારાજ કુમારપાલ ને મંત્રીશ્વર ઉદયન જવાની તૈયારી જ કરતા જણાયા. 

‘પણ ક્યાં જવાનું છે, પ્રભુ?’ કાકે ઉતાવળે એકશ્વાસે કહ્યું. ઉદયન એની સામે જોઈ રહ્યો: ‘કાકભટ્ટ! શું છે?’

‘અરે! પણ, મહારાજ! ક્યાંક જતા નહિ, પ્રભુ! માંડીને વાત પછી થશે. હું રાતદી દેખ્યા વિના દોડતો આવ્યો છું – આ કહેવા માટે. ત્યાં વિક્રમના મહાલયમાં અનિવાર્ય મૃત્યુ બેઠું છે! ત્યાં નીચે એણે આગયંત્ર રચ્યું છે – મહાલયને જલાવી દે એવું આગયંત્ર!’

‘હેં? ખરેખર?’ મહારાજ અને મંત્રી બંને એકસાથે ચમકી ગયા, ‘તને કેમ ખબર પડી? સાચી વાત છે? કોણે કહ્યું?’

પણ પ્રત્યુત્તર ન આપતાં એટલું બોલવાનો શ્રમ પડ્યો હોય તેમ કાક નીચે ઢળી પડ્યો હતો. એની રાતદીની દોડનો થાક એના ઉપર, આટલી વાત થઇ ગઈ કે તરત, સવાર થઇ ગયો હતો. એને ઢળી પડતા બચાવવા ઉદયન એકદમ દોડ્યો. પણ તે પહેલાં તો એ ઢળી પડ્યો હોતો. એને મૂર્છા આવી ગઈ હતી. 

ભીમસિંહ હાથ જોડીને આ તરફથી આવીને વિજ્ઞપ્તિ કરી રહ્યો હતો – ‘મહારાજ! અર્બુદપતિના સામંત વ્યાઘ્રરાજ આવેલ છે. મહારાજને વિજ્ઞપ્તિ કરી રહ્યા છે. મહોત્સવમા હવે સૌ રાહ જોઈ રહ્યા છે!’

કુમારપાલ પ્રત્યુત્તર આપે તે પહેલાં જ ઉદયને કહ્યું – જવાબ દઈ દીધો: ‘ભીમસિંહજી! મહારાજને અચાનક વમન થવા માંડ્યું છે. વ્યાઘ્રરાજને કહી દો. અને વૈદરાજને બોલાવવા એકદમ મોકલો. અને તમે આ હમણાં સાંઢણી આવી છે તેના ઉપર બીજું કોણ છે તેની તપાસ કરો. તેને આંહીં બોલાવો. મંત્રીમંડળ હમણાં આવી રહ્યું છે, એ વ્યાઘ્રરાજને કહો. મહારાજ નહિ આવે. મહારાજનું શરીરસ્વાથ્ય ઠીક નથી! વૈદને એકદમ બોલાવવા પાલખી મોકલો ભીમસિંહ!’

ભીમસિંહ નમીને ગયો.