Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 23

૨૩

રાજાધિરાજનો અંત

ઉદયન આ પરિસ્થિતિ વિશે ક્યારનો શાંત પ્રતીક્ષા કરી રહ્યો હતો. કૃષ્ણદેવ દિનપ્રતિદિન બળવાન થતો જતો હતો – બળવાન નહિ પણ ઉદ્ધત! રાજમહાલયમા એ રાજા જ હતો. હંમેશના નિયમ પ્રમાણે આજે સાંજે ઉદયન રાજખંડમા આવ્યો ત્યારે કુમારપાલ મહામનોમંથનમા હોય તેમ વિશાળ રાજખંડમા એકલો આમથી તેમ આંટા મારી રહેલો દેખાયો. ઘર્ષણ ઊભું કર્યા વિના કૃષ્ણદેવને વશ કેમ કરવો એ મંત્રીને કે કોઈને સમજાતું ન હતું. આંતરકલહ ઊભો થવાની બીકે સૌ શાંત રહી ગયા હતા, એટલે કૃષ્ણદેવે પગલાં આગળ માંડ્યાં હતાં.

‘મહેતા!’ કુમારપાલે એણે જોતા જ કહ્યું. ઉદયન ઊભો રહી ગયો. દીપિકામા તેલ પૂર્વ અનુચર આવતો લાગ્યો કુમારપાલ એના જવાની રાહ જોતો થોભ્યો. એ ગયો કે તરત એણે ઉદયનને નિશાની કરી. 

કુમારપાલે નાક ઉપર આંગળી મૂકી: ‘ધીમે, મહેતા! આપણને જોનારા ચારે તરફથી જુએ છે. આ ગયો એ ન જોયો? એ શું તેલ પૂરનારો અનુચર હતો? કૃષ્ણદેવને તમે ક્યાં ને કેમ ઊભા હતા એની વાત પણ પહોંચી જાય છે! તમે રાજમહાલયના મેદાનમાં થઈને આવ્યા નાં, અત્યારે?’

‘હા, કેમ?’

‘કેટલા શસ્ત્રધારીઓનો મુકામ ત્યાં લાગ્યો?’

‘છસો-સાતસો લાગ્યા. કેમ? એ તો પહેલેથી જ ત્યાં રહે છે, મહારાજ!’

‘એ જુદા, આ જુદા. આ બધા તો ગોધ્રકપંથના એણે ભેગા કર્યા છે. ભાવુકનો મનસૂબો ફર્યો છે. આટલી સત્તાથી એમને તૃપ્તિ નથી. એમનો વિચાર પ્રભાતે રાજમહાલયમાંથી એક સવારી કાઢવાનો છે!’

‘પણ રાજસવારી તો હંમેશાં નીકળે જ છે, પ્રભુ! એમાં શું?’ 

‘એ જુદી, આ જુદી. આ સવારી તો કાલે પ્રભાતે નીકળશે. આંહીં રાજમહાલયમાં પછી આપણું કોઈ નહિ રહે. સવારી ફરતીફરતી સરસ્વતીકંઠે જશે. સરસ્વતીપાર પણ જાય, એવી વાત ચાલે છે, પછી જે થાય તે ખરું! એમ કરતાંકરતાં સવારી સવારીરૂપે જ રહી જાય, એ પછી રાજમહાલયમા ફરે જ નહિ! વિચાર તો આંહીં સુધી લાગે છે.’

ઉદયન ચોંકી ગયો. આંતરકલહ અટકાવવા ધારેલી શાંતિને કૃષ્ણદેવ ઘોળીને પી જવા મંડ્યો હતો કે શું? એ કોયડારૂપ બનતો જતો હતો. બર્બરકના હાથે એને અદ્રશ્ય જ કરી દીધો હોય તો? તે વિચાર કરી રહ્યો. પણ બર્બરક ક્યાં હતો? એ દેખાતો ન હતો.

‘આ કોણે કહ્યું, પ્રભુ?’ તેણે પૃચ્છા કરી. 

કુમારપાલે એક ધીમી તાલી પાડી. એક સ્તંભની પાછળથી એક રજપૂત જેવો કોઈક નીકળી આવ્યો. તે સાદા વેશમાં જણાતો હતો. 

‘આને ઓળખો છો?’ કુમારપાલે પૂછ્યું. 

‘કોણ આ ભાઈ? ક્યાંના છે?’

‘એમને મેં બોલાવ્યા’તા અંગરક્ષક તરીકે. ભીમસિંહ એમનું નામ. પહેલાંના દિવસોમાં બોરડીના પાલામાં જેમણે રાજસેવકો સામે મને રક્ષણ આપ્યું હતું...એ આ ભાઈ!’

‘પ્રભુ!’ ભીમસિંહેં બે હાથ જોડ્યા, ‘આવી કોઈ વાતનો કોઈ દિવસ મહારાજ ઉલ્લેખ ન કરે, તો જ મારે આંહીં રહેવું છે.’

‘તમે સાંભળો તો ખરા. પણ સીધો પ્રવેશ નથી મળ્યો. એનો કોઈ ગોધ્રકપંથી છે, તેથી આ વાત મળી, નહિતર તો આ વાત અંધારામાં રહેત. કૃષ્ણદેવને હમણાં આવ્યા બતાવું... પણ આજ વાતનો હવે તાગ લેવો છે...!’ 

‘તાગ લેવો છે એટલે, મહારાજ!... તો-તો... આ આપણા ઉપર...’

‘જુઓ, મહેતા! તમે હવે...’

‘ના-ના; મારું બીજું કહેવાનું છે, પ્રભુ! બર્બરક ઠીક નહિ?’

ઉદયને પોતાની પાસેના સ્તંભ પાછળ જરાક અવાજ થતો સાંભળ્યો. એટલામાં હંમેશનો પરિચિત દંડ દેખાયો. બર્બરક ખરેખર આંહીં હતો કે શું? તેને નવાઈ લાગી. તે દિવસ પછી એના વિશે કાંઈ જણાયું ન હતું. મહારાજ કુમારપાલે એને સાધ્યો હતો કે શું? કે પછી જયસિંહદેવના દ્રોહીને હણવાની એણે જ તક પકડી હતી? ગમે તેમ, એ હજી આંહીં હતો.

‘બર્બરક તો આંહીં જ છે.’ કુમારપાલે કહ્યું, ‘પણ, કૃષ્ણદેવને મેં બોલાવ્યો છે – એ હમણાં આવશે. આપણે ચૌલિંગને વિશ્વાસમાં લેવો પડશે!’

‘વિશ્વાસમાં, ચૌલિંગને લેવાનો? પ્રભુ!’

‘તે વિના આ સાતસો-આઠસોને ભગાડશે કોણ? રાજસવારીનો ગજરાજ કલહપંચાનન સવારે આવે ત્યારે ચૌલિંગ હશે, તો એમના ઉપર ગજરાજને છોડી મૂકશે. નાસભાગ થઇ રહેશે. પછી બધા દરવાજા પાસેના ભોંયરામાં ભરાય કે કોઈક મકાનમાં પેસે, એટલી વાર. તરત ઉપર, તમારે ત્યાંનું એક ખંભાતી મોકલજો ને! બધા નરમઘેંશ થઇ જશે અને રાજસવારી તો નીકળતી હતી તેમ નીકળશે જ!’

બહારથી આવી રહેલી એક ઘોષણાએ બંનેને ચમકાવી દીધા. કાલે મહારાજની રાજસવારી સરસ્વતીપાર જવાની, એવી લોકજાહેરાત થઇ રહી હતી. ‘જેને મળવું હોય તે આવે!’ ઘોષણા આમંત્રણ આપી રહી હતી. 

કુમારપાલને હવે લાગ્યું કે એને મળેલી માહિતી સાચી હતી. ગોધ્રકપંથીઓની જમાવટ પણ આટલા માટે જ થઇ હતી. 

ઉદયને પ્રભાતમાં આવવાનો તાત્કાલિક નિશ્ચય કરી લીધો. જેવો પ્રસંગ રાજ્યારોહણનો હતો, એવો જ આ બીજો કટોકટીનો પ્રસંગ આવી રહ્યો હતો. આંતરકલહને નોતરીને પણ આ વસ્તુ અટકાવવી જોઈએ. તેણે અત્યારે જ મહાઅમાત્યને મળવાનો નિર્ણય કરી લીધો. પાટણની બહારનું તંત્ર શિથિલ બનતું જતું હતું, તે વખતે એક ઘટિકા પણ આવી અંધાધૂંધી ચાલે, તો એ નાશને જ નોતરે. એણે બે હાથ જોડ્યા: ‘મહારાજ! હું પ્રભાતમાં આંહીં હોઈશ.’

કુમારપાલ એની સામે જોઇને હસ્યો: ‘હજી તમે વ્યવસ્થિત સામનાના સ્વપ્નમાં પડ્યા છો, કાં? તમે પણ આ સ્તંભની પાછળ અદ્રશ્ય થઇ જાઓ, મહેતા! હમણાં કૃષ્ણદેવને આવ્યા બતાવું. એને કહી જોઈએ...’

‘પણ કૃષ્ણદેવ વાત માનશે, પ્રભુ? વખતે વાત વિફરશે!’

‘નહિ મને તો – એનો રસ્તો ક્યાં નથી? આ વાત હવે લંબાય એટલી ખોટનો ધંધો!’

બહારથી અવાજ આવતો જણાયો. કુમારપાલે ઉદયન સામે જોયું. બહાર નીકળવામાં હવે શંકા ઊભી કરવા જેવું થતું હતું. તેણે ઝડપ કરી. સ્તંભ પાછળ એ ઊભો રહી ગયો. 

બીજા સ્તંભ પાછળથી ક્રૂર તરતી બર્બરકની આંખ એના ઉપર પડેલી એણે દીઠી. એ ચોંકી ઊઠ્યો. એ આંખમાં એક જ વાત હતી: જયદેવ મહારાજના તમામ દ્રોહીઓનો જાણે નાશ કરવો, પછી આ રસ્તે કે તે રસ્તે! એટલામાં કોઈએ પ્રવેશ કર્યો લાગ્યો. આવનાર ચૌલિંગ હતો. 

તે બે હાથ જોડીને ત્યાં ઊભો રહ્યો. કુમારપાલે તેની સામે જોયું: ‘કોણે? – કૃષ્ણદેવજી એ મોકલ્યો છે!’

‘હા પ્રભુ!’

‘શું કરવા?’ કંઈ ખબર છે?’

‘ના.’

‘અમારે તને ભોંયરામા ભંડારવાનો છે...’ કુમારપાલે અચાનક કહ્યું. ચૌલિંગ ચોંકી ઊઠ્યો. આવી કોઈ વાત કૃષ્ણદેવે એને કરી ન હતી. 

‘પ્રભુ!’

‘કલહપંચાનનને’ તું જાણે છે, કલહપંચાનન તને જાણે છે. તું જ્યાંથી આવે છે – ચંદ્રાવતીથી – ત્યાં પાટણ માટે કોઈ પ્રેમ વરસાવતું બેઠું નથી. એટલે તારે ભોંયરામાં જવાનું છે. છે ને તૈયારી?’

કુમારપાલે એક ધીમો અવાજ આપ્યો. સ્તંભ પાછળથી બર્બરક આવતો જણાયો. એની હિંસક ક્રૂર દ્રષ્ટિ જોતા જ ચૌલિંગ ધ્રૂજી ઊઠ્યો.

‘અને આ તારો રખેવાળ...’ કુમારપાલે તેની સામે આંગળી ધરી: ‘ફાવશે નાં?’

પાછલું વાક્ય કુમારપાલે બર્બરક સામે જોઇને કહ્યું હતું. બર્બરકને તો એક જ વસ્તુ દોરી રહી હતી. પોતે તે દિવસે કુમારપાલને અદ્રશ્ય કરવા માટે ઊભો હતો. એમાં ન ફાવ્યો. એ હાથતાળી આપે તે પહેલાં મહારાજે એને જ ભોંયરામા પૂરી રખાવ્યો હતો. મહારાજને એનો ઉપયોગ શોધી કાઢવો હોય તેમ ઉદયનને લાગ્યું. બર્બરકને તો જયદેવ મહારાજના જે કોઈ દ્રોહ કરનારા મળે. તેને એક પછી એક હણવા એટલો જ હેતુ બસ હતો. તેણે બોલ્યા વિના દંડ ઉપર માથું નમાવ્યું. 

‘જો તારે તારા ઇષ્ટદેવ તુલસીશ્યામમા બેસી જવું છે નાં? બેસવું છે કે નથી બેસવું?’

બર્બરકે બોલ્યા વિના સામે જોયું. એને જાળવી લેવાની નીતિ મહારાજે ગ્રહણ કરી હતી. સિદ્ધરાજ મહારાજની પેઠે એ વશવર્તી થઇ રહે એવું ધીમેધીમે કરવાની મહારાજની ઈચ્છા લાગી; પણ ઉદયને બર્બરકની દ્રષ્ટિ જોઈ હતી. અત્યારે પણ એ એ જ જોઈ રહ્યો હતો. જયદેવ મહારાજ વિના બીજી કોઈ ભક્તિ એનામાં આવે એ અશક્ય હતું. મહારાજને અશક્ય સાથે કામ પાડતા ઉદયને જોયા. એ રમત અગ્નિની હતી, એ શાંત પ્રતીક્ષા કરતો રહ્યો. 

પણ ચૌલિંગે તો પોતાની સામે જીવતું મોત જોયું. એને લાગ્યું કે આંહીં આવવામાં એણે ભૂલ કરી હતી, પણ એનો ઉદ્ધાર એક હકીકતમાં હજી લાગેલો લાગ્યો. કલહપંચાનન એ અદ્વિતીય ગજરાજનો ઉપયોગ અત્યારે અપંગ બની જાય, મહારાજને એ પોસાય ખરું – અત્યારે જુદ્ધની ત્વરા છે ત્યારે? એટલે કોઈ રીતે એણે વિશ્વાસ પાછો પ્રાપ્ત કરવો જોઈએ. એણે બે હાથ જોડ્યા: ‘પ્રભુ! કોઈ રીતે હું પણ ઉપયોગી છું. કલહપંચાનન એ ગુજરાત છે, મહારાજ!’

‘ને એ તારી આજ્ઞામાં છે!’

‘હું મહારાજની આજ્ઞામાં છું.’ ચૌલિંગે હિંમત કરી.

‘ખોટું, કોણે કહ્યું?’

‘મહારાજ નાણી જુએ. આંક-ફેર પડે તો મહારાજની તલવાર, મારું માથું!’

‘એમ?’

‘હા, પ્રભુ! આના કરતાં તો એ સારું...’ ચૌલિંગે બર્બરક સામે જોયું. 

‘વખત આવે છે. ત્યારે જા, હમણાં તો ત્યાં બહાર ઊભો રહે. કૃષ્ણદેવજીને આવવા દે...’ બર્બરક પણ સરી ગયો. બહારથી કાંઈક ખડખડાટ થયો હતો. કૃષ્ણદેવ આવી રહ્યા હોવા જોઈએ. સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા એટલામાં તો સવારવાળો જુવાન દેખાયો. તેના હાથમાં તલવાર હતી. એણે આવીને બે હાથ જોડ્યા.. ત્યાં ઊભો રહ્યો.

‘ક્યાંથી આવો છો? અત્યારે તો કૃષ્ણદેવજીએ મોકલ્યા છે ને? એમને મળ્યા પછી?’

‘હા, પ્રભુ!’

‘શું છે તમારે? કેમ આવ્યા છો? આ તલવાર કેમ બધે ભેગી ફેરવો છો?’

‘પ્રભુ! એ તલવાર નથી.’ જુવાને શાંતિથી કહ્યું. ‘એ વજ્જર છે. વજ્જરની પણ જાણે ધાર છે. એનામાં લોહ કાપવાની શક્તિ છે! મહારાજના હાથમાં હોય તો જુદ્ધમાં કોઈ સમો ન ટકે!’

‘લાવો જોઈએ!’

પેલા જુવાને બે ડગલાં આગળ ભર્યા, નમન કર્યું, તલવાર સાદર કરી. કુમારપાલે તલવાર મ્યાનમાંથી બહાર કાઢી. દીવાનો પ્રકાશ એના ઉપર આવતાં એનામાંથી એક વીજળીનો ચમકારો ઊઠ્યો. કુમારપાલ છક થઇ ગયો. તલવાર ખરેખર અદ્ભુત હતી. કૃષ્ણદેવ આવે તે પહેલાં અણી થોડી પરીક્ષા કરી લેવી જોઈએ. તેણે બરાબર હાથમાં પકડી, ‘આ સામેનો લોહસ્તંભ છે. – નર્યો નક્કર લોહસ્તંભ!’ તેણે જુવાન સામે જોઇને કહ્યું, ‘તમે કહ્યું નાં કાપે છે? આ લોહસ્તંભ રહ્યો!’

‘વજ્જરનો કેમ નથી, પ્રભુ? મહારાજ ઘા કરી જુએ. ખંડાય તો મારું માથું, મહારાજનો ઘા, લોહસ્તંભ ઉપર પણ! જનોઈવઢ ઘા દેખાડે તો એક કોટિ દ્રમ્મ તલવારનું એ મૂલ્ય!’

‘એક કોટિ?’

‘કાશીરાજે બે કોટિ કહ્યા; પણ આ ચીજ ગુર્જરેશ્વરના હાથમાં આંહીં જ રહેવી જોઈએ... એને પરદેશ ન હોય! હું ગુજરાતનો છું, પ્રભુ!’

‘ત્યારે ઘા કરું છું!’ કુમારપાલે બે ડગલાં આગળ ભર્યા. તે લોહસ્તંભની બરાબર સામે આવી ગયો! એણે ઘા કરવા ખડ્ગ ઊંચું કર્યું. ત્યાં દ્વારમાંથી કોઈનો મશ્કરીનો રણકો આવ્યો: ‘કરો! કરો! ભા! પણ જોજો હો, તલવાર ભાંગે નહિ! આપણો તો રાંકનો ગોળ! વાપરી ખાતા નહિ, મહારાજ!’

કુમારપાલે ત્વરાથી પાછળ જોયું. 

કૃષ્ણદેવ ત્યાં ઊભો હતો. એની સાથે બીજા પણ કેટલાક સામંત હતા. કૃષ્ણદેવના શબ્દે એ સૌ હસી પડ્યા. કુમારપાલ એક ક્ષણ ક્ષોભ પામ્યો લાગ્યો.

‘ભાવુકજી! તમે તો હવે આની પણ આદરી! આ તો આપણી મા! એની ઉપાસના હોય! એની કાંઈ મશ્કરી થાય?’

‘ઉપાસના તો આપણે કરી રહ્યા, બાપ!’ કૃષ્ણદેવે તરત જવાબ વાળ્યો, ‘હાથમાં તલવાર છે ને ઘા કરતાં તો તમને બીક લાગે છે! રાંકનો ગોળ, ભા! વખત છે ને તલવાર ભાંગી ગઈ તો?’

‘કૃષ્ણદેવજી!’ કુમારપાલનો અવાજ બદલાઈ ગયો. એની આંખમા કસુંબાનો રંતુબલ રંગ દેખાયો, ‘ભાવુકજી! મેં તમને આજે ચેતવ્યા છે, ફરી ચેતવું છું – હવે આ બંધ કરો!’

‘તમે ચણા માગીને ખાવાવાળા! હવે તમે બંધ કરો!’ કૃષ્ણદેવ આગળ આવી ગયો.

‘ભાવુકજી! બસ હવે... હો... નહિતર...’

‘તને મોટો કોણે કર્યો છે? શું થશે નહિતર? આ જોયા છે?’ કૃષ્ણદેવે પોતાની સાથે આવેલા રાવરાણા તરફ અંગુલીનિર્દેશ કર્યો, ‘રાજ નહિ પચે, ભા!’ 

‘અરે! નહિ પચે શું? એ તો હજમ થઇ ગયું! લે ત્યારે...’ કુમારપાલે ઊંચું કરેલું ખડ્ગ કૃષ્ણદેવ ઉપર જ ઉતાર્યું. ઝાડ પડે તેમ કૃષ્ણદેવ નીચે જઈ પડ્યો. શોણિતની ધારા ચાલી. કુમારપાલ તરત  હાથમાં નાગી તલવારે જ દ્વાર તરફ ધસ્યો. કૃષ્ણદેવના સામંતો, રાવરાણા – સૌ ભાગ્યા. કુમારપાલ એની પાછળ દોડ્યો. ઉદયન, બર્બરક, ચૌલિંગ, ભીમસિંહ એકદમ જ એની પાછળ બહાર આવ્યા. મામલો ક્ષણમાં જ પલટાઈ ગયો હતો.  

કૃષ્ણદેવે પણ મૂર્ખાઈની હદ કરી હતી. મહારાજના કલહપંચાનન ગજરાજ ઉપર અત્યારે પોતે આવ્યો હતો. કુમારપાલની ગજરાજ ઉપર દ્રષ્ટિ પડી. ને એના કોપનો પાર રહ્યો નહિ. તે ગજરાજ તરફ દોડ્યો.

‘મહારાજ! હવે બસ...’

‘મહેતા! હવે અધૂરું ન હોય! ચૌલિંગ! કલહપંચાનનને ઉપાડો.’

‘મહારાજ!’ મહાવતે બે હાથ જોડ્યા, ‘કૃષ્ણદેવે જરાક પાયો છે!’

‘શું?’

‘મદ્ય! પોતે લીધો ને આને પણ દીધો!’

‘કોને – આને? વાહવાહ! આ તો ભગવાન સોમનાથે એને એવી બુદ્ધિ આપી. તો-તો ચૌલિંગ! પેલા રાજા-રાણા-સામંતો ભેગા મળ્યા છે ત્યાં મેદાનમાં લે એમના ઉપર છોડી મૂક!’

‘મહારાજ! આ ઘર્ષણ તો હમણાં પ્રગટ થશે! અપને ઘાસના ઢગલામાં અગ્નિ મૂકીએ છીએ!’

‘હવે એણે સળગવા દ્યો, મહેતા! નહિતર પછી આપણે સળગવું પડશે. ચૌલિંગ! કલહપંચાનનને લે! એ બધાના ઉપર લે! એની સૂંઢમા ગદા દે!’

એક પળમાં તો રાજમહાલયના મેદાનમાં ખળભળાટ મચી ગયો. ત્યાં કૃષ્ણદેવે બધાને ભેગા કર્યા હતા. કાલે પ્રભાતે કેવી રીતે વાત ઉપાડવી એની ચર્ચા થઇ રહી હતી. કૃષ્ણદેવ હમણાં આવશે – પછી નક્કી થશે, એમ નિરાંતે સૌ બેઠા હતા. ત્યાં તો સાક્ષાત રુદ્ર સમો મહારાજ કુમારપાલનો દેખાવ જોઇને સૌ ભડકી ઊઠ્યા, ‘ચૌલિંગ! એમના ઉપર જવા દે!’ મહારાજનો ભયાનક અવાજ આવ્યો, ‘બર્બરક! તું, જોજે કોઈ ભાગે નહિ! ભાગે એને પાછા ધકેલી દે!’

એકદમ મોટાં ખળભળાટ સાથે દોડાદોડી થઇ પડી. સૌને પોતપોતાની સહીસલામતી શોધવાની પડી હતી. ભાગવા જ મંડ્યા. દ્વાર પાસે નીકળતાં-નીકળતાં તો, એકાદ જણને કલહપંચાનને સૂંઢમા ઉપાડ્યો પણ લાગ્યો. એટલે હુડુડુ કરતું આખું તોળું ભોંયરામાં સમાઈ જવા દોડ્યું. દ્વારની પાસે તરત પહોંચવાનું ને અદ્રશ્ય થવાનું એક જ સાધન હતું. બે પળમાં તો બંને તરફનાં ભોંયરામા સૌ ઊતરી પડ્યા.

‘બર્બરક! એક ખંભાતી ત્યાં લગાવી દે. ભલે એ  બધા સવાર સુધી ત્યાં ચર્ચા કરે.’ કુમારપાલે આજ્ઞા કરી. ‘અને મહેતા! તમે માનપાન સાથે કૃષ્ણદેવને સુખાસનમાં ઘેર લઇ જાઓ, જીવ હોય તો વૈદને બોલાવજો. ન હોય તો ચંદન મંગાવજો. પેલો તલવારવાળો જુવાન ક્યાં ગયો? એને એક કોટિ દ્રમ્મ આપો! એની સમશેર નસીબદાર લાગે છે.

એક જ સપાટે કુમારપાલે, સૌને સાફ કરી નાંખ્યા હતા. તે તરત આખા રાજમહાલયનો બંદોબસ્ત કરવા ઊપડ્યો. એટલામાં તો વૌસરિ, કાકભટ્ટ એક પછી એક આવવા મંડ્યા. દરેક દ્વાર ઉપર નવી ચોકી ગોઠવવા માંડી. નવી વ્યવસ્થા થવા માંડી. કાલે નીકળનારી રાજસવારીના હુકમો અપાવા મંડ્યા. 

ઉદયન સુખાસનમા કૃષ્ણદેવને લઈને કાંઈ ન હોય તેમ એને ઘેર પહોચાડવા જઈ રહ્યો હતો.