Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 22

૨૨

રાજાધિરાજ!

ચૌલિંગ પાટણ આવ્યો ત્યારે આ સ્થિતિ હતી. એણે જોયું કે એનું કામ ઘણું મુશ્કેલ હતું. એ એકદમ પ્રગટ થાય તો-તો એનો કોઈ ભરોસો જ ન કરે, એટલું જ નહિ, કદાચ બંધન જ મળે. આમ્રભટ્ટને સાધવામાં પણ એ જ જોખમ હતું. એટલે એને આમ્રભટ્ટને સાધવાની વાત માંડી વાળવી પડી. પહેલાં તો કોઈ રીતે એને મહારાજનો વિશ્વાસ મેળવવાનો હતો. મહારાજને અત્યારે એની જરૂર પણ હતી. એને ખબર મળ્યા કે કલહપંચાનનને વશ રાખનાર કોઈ મળતો ન હતો. મહાવત વિના એ ગજેન્દ્ર કોડીનો હતો. એને યોગ્ય મહાવત હોય તો એનું મૂલ હજાર હાથીથી પણ અધિક હતું. મહારાજને હાથીની કિંમત હતી, પણ આંહીં હવે મહારાજને મળી શકાય તેવું રહ્યું ન હતું. રાજમહાલયની ફરતી સશસ્ત્ર ચોકી ખડી હતી. મહાલયનો એકએક દરવાજો દુર્ગની જેમ રક્ષવામાં આવ્યો હતો, કૃષ્ણદેવ જ ત્યાં કર્તાહર્તા હતો. એની આજ્ઞા વિના એક ચકલું પણ ફરકે તેમ ન હતું. એની જ સર્વત્ર સત્તા હતી. એટલે એણે થોડા દિવસ પાટણના રંગઢંગ જોયા. એને પણ એક આશ્ચર્ય થયું. એણે જે પાટણ છોડ્યું એ પાટણ આજના કરતાં જુદું હતું. આજે તો કૃષ્ણદેવના નામથી સૌ ધ્રુજતા. સૈન્ય, સામંત, રાવરાણા એને જ રાજા માનતા. મહારાજ કુમારપાલને કોને મળવા દેવા કે ન દેવા એ માટેનો અધિકાર પણ એની પાસે હતો. કોઈ પણ માણસ કંઈ જ ન કરી શકે, એવી હવા કૃષ્ણદેવે સ્થાપી હતી. લોકમાં પણ એના નામનો ભય હતો. મહારાજ ખરા, પણ નામના જ હતા, એવી શંકા પણ ઊઠવા માંડી હતી. ઉદયનને પણ ચૌલિંગે શાંત દીઠો. પણ એને લાગ્યું કે આમાં ક્યાંક એને તક મળી રહેશે. 

કુમારપાલ મહારાજ રાજપાટિકામા નીકળે, કેવળ ત્યારે જ મળવાનો મોકો હતો. સરસ્વતીના કાંઠે એમને એક વખત એણે એ પ્રમાણે જોયા હતા. કૃષ્ણદેવ તે વખતે પણ સાથે તો હતો, છતાં મળવાવાળા ઠીક છૂટથી ત્યારે મળી શકતા લાગ્યા. ચૌલિંગને પણ એવી જ તક પકડવાની રહી, બીજો કોઈ ઉપાય ન હતો. એ હંમેશાં ત્યાં જવા લાગ્યો. એક દિવસ પ્રભાતમાં ગયો તો પાટણના દરવાજા આજે કાંઈક વહેલા ઊઘડ્યા હોય તેમ લાગ્યું. ખબર પડી કે મહારાજ રાજપાટિકામા આ રસ્તે આવવાના છે. તે સૌ સાથે ત્યાં થોભી ગયો. 

સૂર્યનાં કિરણ આવતાં-આવતાંમાં સામે કાંઠેથી કેટલીક હોડીઓ આવતી દ્રષ્ટિએ પડી. રાત-આખી સામા કાંઠે પડ્યા રહેલા અનેકો છુટકારાનો દમ ખેંચતા લાગ્યા. દેશવિદેશના કળા કૉવિદો, કારીગરો, રત્નમાણેકના વેપારીઓ, ઘોડાના સોદાગરો, રાજપુરુષો, પંડિતો, મલ્લો, વારાંગનાઓ, જોદ્ધાઓ, વિદેશના અધિકૃત પુરુષો, ગુપ્તચરો, છળકપટ કરનારાઓ, ધનુષધારીઓ, જાદુગરો – અનેક માણસો આવી રહ્યાં હતાં. પાટણમાં પ્રવેશ મેળવે તે પહેલાં દ્વારપાલની પાસે એમને જવાનું થતું. એ પ્રમાણે ત્યાં સેંકડોની જમાવત થતી ચાલી. કોઈને એકદમ પ્રવેશ તો મળે  તેમ ન હતો. ચૌલિંગ ઊભોઊભો આ જોઈ રહ્યો હતો.

એટલામાં પાછળથી ઘોડેસવારોના પડઘા સંભળાયા. સમર્થ હાવળ ઊઠી. રાજઘંટાઘોષ કાને પડ્યો. મહારાજ કુમારપાલ ત્યાં આવતા લાગ્યા. લોકોમાં હિલચાલ થઇ ગઈ. મહારાજના ગજરાજને માર્ગ આપવા રસ્તો થઇ ગયો. દ્વારપાલ ને સૌ અદબથી ઊભા રહી ગયા. થોડી વારમાં મહારાજનો ગજરાજ દેખાયો. 

સોનેરી છત્ર નીચે મહારાજની પાસે જ કૃષ્ણદેવ પણ બેઠેલો ચૌલિંગની નજરે પડ્યો. કૃષ્ણદેવના ગર્વ વિશે સાંભળ્યું હતું, એ નજરે જોતાં સાચું લાગ્યું. સવારીમાં પાછળ બે શસ્ત્રધારી રક્ષક હતા. મહારાજનો મહાકદાવર ગજરાજ ‘કલહપંચાનન’ ત્યાં આવીને ઊભો ને ત્યાં ઊભેલાં તમામના માથાં બે હાથ જોડીને મહારાજને નમી રહ્યાં. દેશવિદેશના અનેક આ જોઈ રહ્યા. એક નાનોસરખો પહાડ જાણે આવ્યો હોય એવો ‘કલહપંચાનન’ દેખાતો હતો. એનું ગૌરવ અદ્ભુત હતું. એનું સામર્થ્ય ભલભલાને થથરાવી મૂકે તેવું જણાતું હતું. એના મહાવતના મોં ઉપર આ હાથીને અંકુશમાં રાખવાની ચિંતા બેસી ગયેલી દેખાતી હતી. ચૌલિંગ એને ઓળખતો ન હતો. એ હજી નવો લાગતો હતો. સૌને ખબર હતી કે હાથીને એક જ હાથની દોસ્તી હતી. ચૌલિંગનો એક નાનો અવાજ પણ એને વશ કરવા માટે બસ હતો. પણ ચૌલિંગ તો અદ્રશ્ય થઇ ગયો હતો, એટલે આ હાથની રણકુશળતામા એટલી ખામી આવી હતી. ધીમેધીમે બીજા હાથને એ ટેવાતો જતો હતો, પણ હાથ નવો છે એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ચૌલિંગે આવી વાતો થતી ત્યાં સાંભળી. એ ખુશ થયો. પણ ઓળખની ન જવાય એ સંભાળ એણે લેવાની હતી.   

મહારાજે પોતાના માટે દ્વારપાલે કામ અટકાવ્યું એ જોયું, ને એને નિશાની કરી. હાથી ત્યાં એક તરફ ઊભો રહી ગયો એટલે કામ ચાલતું થયું. ચૌલિંગે એ તરફ જોયું. પોતાની આસપાસના અનેકોનાં મોં ઉપર એણે પ્રશંસા દીઠી: ‘પણ એ તો આનામાંથી છૂટે ત્યારે નાં?’ કોઈકે ધીમેથી હાથ દબાવીને કહ્યું, ‘પોતે તો અદ્ભુત છે!’

‘બોલતો નહિ હો! અત્યારે ઠેરઠેર માણસો જ માણસો છે!’

એટલામાં મોટેથી બોલાયેલા કૃષ્ણદેવના શબ્દે આસપાસના ઘોડેસવારોમા છાનું હાસ્યનું મોજું ફેલાવી દીધેલું લાગ્યું. 

‘દ્વારપાલજી! જે ચાલે છે તે અટકાવો મા. મહારાજ પચાસ વરસ થોભ્યા છે, તો બે પળ વધુ!’

‘કૃષ્ણદેવજી! આપણા માટે કામ અટકે એ ઠીક નહિ. આ આખી રાત સામે કાંઠે હતા... કેમ ભૂલ્યા તમે?’

‘હું તો કાંઈ ભૂલ્યો નથી!’ કૃષ્ણદેવે વિનોદ કર્યો, ‘અને તમેય ક્યાં ભૂલ્યા છો? તમે આમ હજાર વખત કાંઠે પડ્યા રહ્યા હો, ત્યારે જ આ વાત સમજો નાં? જણનારીને ખબર પડે; વેણની પીડા વાંઝણી શું જાણે? મહારાજ જાણે, ભા! કે ન જાણે? પચાસ વરસ સુધી પથ્થર ભાંગ્યા છે. મહારાજે ભાંગ્યા છે એટલા કોઈ નહિ ભાંગે!’

હાસ્યનું એક બીજું મોજું ત્યાં ફરી વળ્યું. કુમારપાલના મોં ઉપર ખિન્નતા દેખાણી, પણ એ શાંત હતો. એટલામાં નવા આવનારા વિદેશીઓમાંથી એક જુવાન આગળ આવતો જણાયો. એના હાથમાં એક લાંબી રત્નજડિત મ્યાન કરેલી તલવાર હતી. તે મહારાજના ગજ પાસે આવ્યો. મહારાજને તલવાર ભેટ કરવા એણે હાથ લાંબો કર્યો કે કોણ જાણે શું થયું, ગજરાજની સૂંઢનો એક આકાશઉછાળ ઝડપી સપાટો આવ્યો અને એને હવામાં અદ્ધર લટકતો સૌએ દીઠો! એની તલવાર પણ લટકી રહી! માણસોમાં મોટો કોલાહલ થઇ ગયો. ઘોડેસવારોનો ધસારો થયો. કૃષ્ણદેવજી ને કુમારપાલ બંને હાં હાં હાં કહેતા ઊભા થઇ ગયા, પણ પંચાનનની આંખમાં સિંહની ઉગ્રતા આવી ગઈ હતી. એક જ પળ – અને આ કોણ જાણે કોણ અભાગી જુવાનનું, આકાશમાં ફેંકાઈને પાછું આવતું શરીર ફોદેફોદા થઇ જવાનું. ભયંકર ભાવિ જોઇને સૌ ધ્રૂજી ઊઠતા હતા. એને બચાવવા માટેનો મહાવતનો અવાજ વ્યર્થ જતો હતો. એણે અંકુશ હાથમાં લીધો, પણ મહારાજ કુમારપાલે એનો હાથ પકડી લીધો: ‘અરે મૂરખ! આ તું શું કરે છે? પંચાનન તરત એને ઉલાળી મૂકશે!’

કૃષ્ણદેવ સૂંઢને જ કાપી નાખે એવો તલવારી ઘા હાથી ઉપર જ કરવા તૈયાર થઇ ગયો હતો: પણ મહારાજનો બીજો હાથ એને વારતો એના હાથ ઉપર પડ્યો: ‘અરે, કૃષ્ણદેવ આ શું કરો છો? ગુજરાત ખોવું છે? એના ઉપર ઘા?’

પણ આ બધી ઝપાટાબંધ થતી વિગતો વિષે સાચો ખ્યાલ આવે-ન-આવે તે પહેલાં તો પંચાનન પાસે થઇ રહેલો કોઈનો ધીમો પ્રેમભર્યો અવાજ સંભળાયો: ‘પંચાનન! શું છે, બેટા! એ ક્યાં મહારાજ ઉપર ઘા કરવા આવ્યો છે? મૂકી દે, મૂકી દે, બેટા! એને મૂકી દે. નીચે મૂકી દે. મારું નહિ માને? છોડ દે... છોડ...! નીચું... નીચું... નીચું!’

બધા ત્યાં ચિત્રવત થઇ ગયા હતા. એટલામાં સૌના આશ્ચર્ય વચ્ચે કલહપંચાનન  નીચે નમતો દેખાયો, તેણે ધીમેથી પેલાં માણસને ધરતી ઉપર મૂકી દીધો. એ તો ભયથી અધમૂઆ જેવો થઇ ગયો હતો. ધરતી ઉપર પગ ઠરતાં જ એ ભાગ્યો ને છેટે જઈને જ ઊભો રહ્યો. 

‘કોણ છો તમે?’ મહારાજ કુમારપાલે ચૌલિંગને જોઇને તરત પૂછ્યું, પંચાનન ઉપર કાબૂ ધરાવનાર આ માણસ કોણ હશે એ સમજાયું નહિ. ‘ક્યાંના છો?’

પણ એટલામાં તો કૃષ્ણદેવ જ બોલતો સંભળાયો: ‘એ પછી, મહારાજ! તેજપાલજી! આ માણસને હાથ કરો. પેલા ને પણ પકડો. ભલું હશે તો ચૌલિંગ લાગે છે! તે વિના પંચાનન આટલી ઝડપે ન માને!’ 

‘પણ એને પકડવો છે શું કરવા?’

‘તમે એ ન સમજો, પ્રભુ!; કૃષ્ણદેવે ઉપેક્ષાથી કહ્યું, ‘તમે પચાસ વરસ રખડ્યા – એમ એક દીમાં રાજરમત આવડી જશે! તેજપાલ, બેયને જાપ્તામાં રાખો.’ કૃષ્ણદેવે બીજા તરફ દ્રષ્ટિ કરી: ‘અલ્યા! તું કોણ છે? ક્યાંનો છે? આ તલવાર લઈને શું આવ્યો છે? એમાં એવું શું ભર્યું છે? આંહીં શું કરવા આવ્યો છે? તેજપાલ! એને પણ  હાથ કરો ને પછી લાવજો...’

‘મહારાજ! હું તો આ તલવાર લાવ્યો છું, મહારાજ કુમારપાલને બતાવવા!’ પેલાં જુવાને બે હાથ જોડ્યા, ‘મહારાજની યુદ્ધકીર્તિ સાંભળી ને આ તલવાર એમના માટે લાવ્યો છું!’

‘શું છે એમાં એવું? એમાં સોનુંરૂપું ભર્યું છે?’ કૃષ્ણદેવે તોછડાઈથી પૂછ્યું. ‘નહિતર આંહીં કોઈએ તલવાર નહિ દીઠી હોય હમણાં જીવનો ન જાત?’

‘કૃષ્ણદેવજી!’ કુમારપાલે કહ્યું, ‘પેલું તમને યાદ છે? બોલવું સંભાળીને. વખતે આની આ વસ્તુ અદ્ભુત હોય!’ 

‘હોય એમ નહિ, મહારાજ!’ પેલો જુવાન આગળ આવી ગયો: ‘એ અદ્ભુત છે જ. લોહસ્તંભ આ તલવાર કાપે! ન કાપે તો મહારાજની તલવાર અને મારું માથું!’ 

‘પણ, ભાઈ! અમારે લોહસ્તંભ કાપવાનું કામ નથી. અમારે તો, સોનાના સ્તંભનું કામ છે. આંહીં પચાસ વરસ લોઢાં જ ઘસ્યા છે! હવે થોડાંક દી તો સોનામાં આળોટવા દ્યો! મહારાજને હવે લોઢાં નથી જોવાં.’ કૃષ્ણદેવની વાણી વધુ કડવી થઇ. 

કુમારપાલને આ જડતા આકરી લાગી, તેણે વાત ટૂંકાવી:

‘કૃષ્ણદેવજી! એમને બંનેને કહો, ત્યાં આવે, આજ રાતે!’

‘ક્યાં?’

‘રાજમહાલયમા: આપણે એમની વાત તો સાંભળીએ!’

‘ભૈ, તેજપાલજી! એ બંનેની વાત મહારાજ સાંભળવાના છે.’ કૃષ્ણદેવ બોલ્યો. પણ એ શબ્દેશબ્દે ઘા મારતો હતો: ‘બૈરાંને વાતો ગમે; વૃદ્ધોને વાતો ગમે. મહારાજ હવે વાતો તો સાંભળે! લાવજો એમને રાતે, ત્યાં મહાલયમા – લ્યો!’ કૃષ્ણદેવે એમને આવવાની રાજા આપતી એક મુદ્રા તેજપાલ તરફ ફેંકી, ‘ચાલો, પંચાનનને ઉપાડો, મહાવત! આજ તમે કાળી ટીલી લાવત!’

કાંઈ ન હોય તેમ પંચાનન ચાલ્યો: ‘તમે પણ આવજો ને, કૃષ્ણદેવજી! મારે તમને બે વાત કહેવી છે!’ કુમારપાલે અચાનક જ કહ્યું.

‘કોને, મને?’ કૃષ્ણદેવ માનતો ન હોય તેમ તેની સામે જોઈ રહ્યો, પછી વાતમાં કાંઈ ન હોય તેમ બોલ્યો:

‘બે કે એક?’ કૃષ્ણદેવના અવાજમાં મશ્કરી આવી હતી. 

‘એક!’ કુમારપાલે શાંત ગૌરવથી જવાબ દીધો. 

‘એક કે અરધી?; કૃષ્ણદેવનો જવાબ વધુ મશ્કરો બન્યો. 

‘જુઓ, કૃષ્ણદેવજી!’ કુમારપાલ અવાજને શાંત રાખવા યત્ન કરતો દેખાયો. કૃષ્ણદેવે એ જોયું. તે મનમાં હસ્યો. મોટેથી બોલ્યો: ‘જોજો હો! રડી પડતા નહિ!’

કુમારપાલે જાણે સાંભળ્યું ન હોય તેમ કહ્યું, ‘કૃષ્ણદેવજી! વિવેકને દશમો નિધિ કહ્યો છે!’

‘પણ આપણે ક્યાં વાણિયા છીએ તે નિધિને સંભાળ્યા કરીએ? આપણે સંભાળવાનું એક – આપણું આ છત્ર...!’

‘એ તો તમે સંભાળો ભલે, પણ બનેવીરાજ! આપણે રાજસભામા હોઈએ રાજસવારીમા હોઈએ  અને એકાંતમા હોઈએ – એ ત્રણ વાતનો ભેદ સાંભળવાની વાત છે. એકાંતમા વિનોદ સારો લાગે, પણ સભામાં, સવારીમાં શું કરવા આપણે ઝાઝી વાત કરવી? બધા સાંભળે, કૃષ્ણદેવજી!’

‘સાંભળે તો શું થાય?’ કૃષ્ણદેવ રવાડે ચડ્યો, ‘કોને ખબર નથી! સહુ જાણે તો છે જ!’ 

‘જાણે બધા – પણ સૌ જાણે છે કે એ વખત ગયો?’

‘પણ કોને લીધે?’

‘એ શું હું નથી જાણતો? ભાવુકજી! તમે હો નહિ ને આ સમો ન હોય. સામાને તમે ઘડ્યો. હવે સમાસમાની વાતને પણ ઘડો, કૃષ્ણદેવજી!’

‘તે તો હું ઘડું છું. સમાને હું ન ઓળખું? તમને ખબર છે? આ હજી ઊકળતો ચરુ છે. ફેંકાઈ જાતાં વાર નહિ લાગે! હજી આ વાતની ગડ જ કોઈને નથી બેઠી ને! હું તો તમને જે કહું છું, તે બે ઘડી આપણને વિનોદ થાય તે માટે. પણ હેં શાલકજી! બીનાને તમે વિનોદ પૂરો પાડો છો તે તમને ખબર નહિ હોય. હસવું આવે એવી આજની જ આ વાત નથી? મૂઠી જણા માટે જેણે તલવાર વટાવી ખાધી એવા તમે – તમારી પાસે આજ આ તલવારની પરીક્ષા કરાવવા આવ્યો છે! છે ને અક્કલ? હવે આમાં હસવું ન આવે તો શું આવે, તમે જ કહ્યો!’

કુમારપાલ સમજી ગયો: આ મૂરખ છે. સત્તાએ એણે બુદ્ધિ રહેવા દીધી નથી. તે મોટેથી બોલ્યો: ‘હસવા જેવું જ છે હો! કેવો સમો – ને કેવો સમો – !’

‘ને કોને લીધે?’

કુમારપાલ બોલ્યો નહિ. 

‘ખોટું લાગ્યું નાં? તમને પાછું ખોટું લાગતાં વાર નહિ! અસ્સલ તમારી બેન જેવો જ સ્વભાવ! થાક્યો, ભૈ, તમારાથી ને એ આ તમારી કમઅક્કલથી!’

‘કૃષ્ણદેવજી!’ કુમારપાલે એક વખત વધુ ગમ ખાધી. એણે વાત જ બદલી નાખી, ‘પેલા બર્બરકનો પણ પછી પત્તો લાગ્યો નહિ. એ શું? એ તે ભાગી ગયો કે એનું શું થયું? આંહીં તો ક્યાંય નથી. એ ગયો હોય તો ક્યાં ગયો હોય?’

‘સોરઠ. એ સિવાય એને સંઘરે કોણ? સોરઠનો રા’ છે. આપણી સાથે એને નિતનો કજીયો.’ કૃષ્ણદેવે જવાબ વાળ્યો. કુમારપાલ તેની સામે જોઈ રહ્યો. બર્બરક વિશે આને કાંઈ ખ્યાલ રહ્યો હોય તેમ લાગ્યું નહિ.

‘આ ચૌલિંગનું આપણે શું કરવું એ પણ મોટો સવાલ થઇ પડશે. એને રખાશે નહિ, બંધન અપાશે નહિ, જવા દેવાનું જોખમ પણ ખેડાશે નહિ. અને એના વિના આપણો રણકેસરી ગજરાજ બે કોડીનો! એનું શું કરવું?’

‘ભૈ! શાલકજી! તમે એમ આખી ધરતી માથે લેશો તો થાકી જશો. તમે જરાક શાંતિ રાખો. સંભાળવાવાળો હું ક્યાં બેઠો નથી બાર વરસનો? તમે માથું મારવા માંડશો તો વાતનું વતેસર થઇ જશે. આ ચૌલિંગ છે, બર્બરક છે, કેશવ સેનાપતિ છે, ત્યાગભટ્ટ છે, અર્ણોરાજ છે, સોરઠનો રા’ છે, વિક્રમસિંહ છે – કેટલાકને ગણશો? ને આંહીં પણ ખરી રીતે તમને કોણ ગણે છે? તમે આ રાજરમતને પહોંચી શકશો? એનું ઊંડાણ માપી શકશો? મફતના બની જશો. બાકી મારા ઉપર આધાર રાખશો ને શાંતિ રાખશો, તો બધું હું ઠેકાણે પાડી દઈશ!’

‘એમ કે?’ કુમારપાલના પ્રત્યુત્તરમા કટાક્ષ ને ઉપહાસ બંને હતા. પણ એ કળવા જેટલી શાંતિ અત્યારે કૃષ્ણદેવમાં ન હતી. અત્યારે જ હવે એ કુમારપાલને ભોં-ભેગો નરમઘેંશ કરી નાખવાના તાનમાં હતો. ઘા ભેગો ઘસરકો, પછી વાત ઉખેળવી જ ન પડે.

‘હા, કુમારપાલજી! તમે માથું નહિ મારો તો તમે રાજા રહેશો. પણ રાજાધિરાજ મારા જેવો જ રહેશે. કલહપંચાનન રણગજેન્દ્ર રહેશે. નહિતર તો તમને ખબર છે, હાથમાં કેવળ ગજઘંટા રહી જાય! આ તો રાજના મામલા છે!’ 

આ અસહ્ય ગર્વે કુમારપાલને એક પળભર ઊંચોનીચો કરી દીધો, પણ તેણે એકદમ સ્વસ્થતા મેળવી લીધી: ‘કૃષ્ણદેવજી!’ તેણે શાંતિથી કહ્યું, ‘તમે છો એટલે રાજરમતનું તો ઠીક, થાળે પડશે, પણ સાચવવા જેવું હજી ઘણું છે!’

પણ કૃષ્ણદેવને તો એની શાંતિમાં પોતાનો વિજય દેખાતો હતો સત્તાને શાણપણ નહિ, એનો જાણે એ પ્રત્યક્ષ નમૂનો હતો.

‘આટલી ટાપલી પડી, પ્રભુ! તો તમારામાં આટલી બુદ્ધિ જાગી. આ તો હું સગો રહ્યો એટલે કડવો થાઉં! બાકી બીજાને શું? અંતરનું મને દાઝે. બીજો કહેશે, ભલે ને પાછો સાધુ થઈને ભીખ માગતો ભટક્યા કરે! તમે વાળી આંહીં બધાયને ભેગા કરવા માંડ્યા છે કે શું?’

‘કોને બધાને?’

‘આ તમને મદદ કરી છે એ બધાને!’

‘ભાવુકજી! એમાં તમે જ સૌથી પહેલા નથી? મારે તમારી કદર સૌથી પહેલાં કરવી રહી, બીજા તો પછી!’

‘મારી કદરનું તો ઠીક, તમતમારે રાજા રહેજો ને! રાજાધિરાજ જેવો હું બેઠો છું, પછી તમારો વાળ વાંકો કરનાર છે કોણ?’

કુમારપાલ એની સામે જોઈ રહ્યો. કૃષ્ણદેવનું મન પોતાની મહત્તા ગાવામાં ખોવાઈ ગયેલું જણાયું. એ બોલ્યો નહિ.

‘શું બોલું, ભાવુકજી! હું તો તમારી આ રાજરમતની બુદ્ધિ નીરખું છું. તમે હો નહિ ને પ્રશ્ન એકે થાળે પડે નહિ!’

‘હેં, ત્યારે હવે સમજ્યા ખરા, પણ રહીરહીને! ભાઈ-બહેન બંને અક્કલનાં ઓથમીર! કૃષ્ણદેવ મોટેથી બોલ્યો. સાંભળનારામાં હાસ્યનું મોજું જણાયું. 

કુમારપાલે હદ ઉપરાંત અત્યંત શાંતિ રાખી. એની ગર્વવાણીમા ખોવાઈ ગયેલી બુદ્ધિને એણે શોધવા માંડી – ક્યાંય રહી હોય તો! પણ એ ક્યાંય ન મળી. હ્રદયને જોવા પ્રત્યત્ન કર્યો. એ ગુમ થયેલું હતું. એણે ઊંડી વેદના અનુભવી. પણ નિશ્ચય તો તાત્કાલિક કરી લીધો. પ્રથમ નિશ્ચયનો એ પડઘો હતો: ‘મૂરખ મરે ને મારે. મૂરખને પાસે રખાય જ નહિ!’