Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 13

૧૩

પ્રતાપમલ્લ કૃષ્ણદેવ

કૃષ્ણદેવ આવ્યો. એ એક વાતનો નિશ્ચય કરીને આવ્યો હતો – રાજ કુમારપાલનું, પણ સત્તા એની પોતાની. એ એને સ્થાપે. આડો ચાલે તો ઉથાપી નાખે. એની પ્રતિષ્ઠા અત્યારે બળવાનમાં બળવાન  શસ્ત્રધારીઓને વશ કરીને ચક્રવર્તીપદે મહાલી રહી હતી. પોતાની એ અદ્વિતીય સ્થિતિનો એને ગર્વ પણ હતો. એને ભવિષ્યમાં માપી લેવાશે કરીને ઉદયને એને અનુકૂળ થઇ જવાની નીતિમાં પહેલેથી વિજય જોયો હતો. હવે એ કોઈક નક્કર યોજના કરી લેવા માગતો હતો. એનાથી થોડે અંતરે ઉદયન પણ એની પાછળ જ આવતો હતો. બંને સાળો-બનેવી ભેટી-મળી લે, પછી પોતે જવું, એ હિસાબે એના પગલાં પડી રહ્યાં હતાં. કૃષ્ણદેવને આવતો જોઇને કુમારપાલ બેઠો થઇ ગયો. હાથ લાંબા કરીને બંને ભેટ્યા. ‘આ વખતે તો બહુ લાંબે ગાળે દેખાયા કુમારપાલજી! અમે તો આશા પણ છોડી દીધી હતી. તમે આ ક્યાં સાંભળ્યું?’

‘એ વખતે હું માલવામાં હતો.’

‘એમ? ત્યાંથી આવીને પછી પ્રપામા રહ્યા? કહેવરાવ્યું હોત અમને! તમને ત્યાં કોઈએ જાણ્યા હશે? પરમાર ધારાવર્ષે વાત કરી તે તો અનુમાનની હશે, એમ જ નાં?’

‘એમ જ. ધારાવર્ષને મેં જ ઓળખ્યા નથી ને! વૌસરિનું શું થયું? ખબર પડી કાંઈ?’

‘એ તો હવે જણાશે. પણ વૌસરિને તમે નાણી જોયો છે? ક્યાંક એ વાતનો તાલ બગાડી દે નહિ!’

‘કોણ, વૌસરિ? એ ત્રણ વખત ભારતવર્ષ ફર્યો છે, કૃષ્ણદેવજી! અને હું સાત વખત!’

‘ભટકવાની વાત જુદી છે, કુમારપાલજી! ભટકી હરકોઈ શકે, પણ રાજપલટાની પળ જાળવવી અઘરી છે. એક જરા-જેટલી ભૂલ થાય... ને તમે અદ્ધર રહી જાઓ.’ કૃષ્ણદેવના શબ્દોમાં એના નિર્ણયની અક્કડતા દેખાતી હતી. પોતાની અનિવાર્ય સત્તાનું આને ભાન નથી એ ખ્યાલથી એ વસ્તુ ઉપર એ ભાર મૂકતો હતો. ‘તમે અમારા સંબંધી છો, કુમારપાલજી!’ બંને ખાટલા ઉપર બેઠા કે તરત એણે કહ્યું: ‘અત્યારે આવ્યા તો આંખ-માથા ઉપર. પણ મેં તમને આશ્રય આપ્યો છે એટલી વાત પણ બહાર જાય, તો મારી કિંમત ફૂટી બે બદામની થઇ જાય! અને કિંમત ન હોય, પછી તમતમારે ધોડા કર્યા કરો! મહારાજ જયદેવની અચળ પાદુકા જ પછી તો બળવાન. આમ વાત છે, કુમારપાલજી! હું તમારો છું, ને તમારો નથી. આંહીં તો અત્યારે ક્ષણેક્ષણના નવા નવા રંગ છે. આપણે સાવધ રહેવાનું છે – એ તો હું બેઠો છું એટલે વાંધો નથી. વિજય આપણો જ છે. પણ ભૂલ ગમે તે કરી બેસે – પરિણામની અનિવાર્યતા મારે આંગણે અથડાય, એવી વિચિત્ર પરિસ્થિતિ છે. એટલે મારે સૌથી વધારે ચેતતા રહેવાનું. મોટી જવાબદારીના મોટાં દુઃખ! પછી મળ્યા તમારી બહેનને?’

કુમારપાલ એના શબ્દોથી બે પળ વિચારમાં પડી ગયો હતો. આનો આધાર લઈને રહેવું એ કરતાં જંગલમાં ભટકવું શું ખોટું? ઝાડ કાંઈ પળેપળે ને શબ્દેશબ્દે આવી રીતે થોડું પરાધીનતાનું ભાન કરાવે? આ તો હરેક પળ એના હુંકારાને તમારે હકાર આપવાનો! તેણે ધીમેથી ઉત્સાહ વિના જવાબ વાળ્યો: ‘હા પ્રેમલ બિચારી આવી ગઈ. પ્રેમલ, દેવલ – કોઈને હું આપેલું વચન પાળી શક્યો નહિ. મને લાગી આવે છે. પણ...’

‘તે હવે પાળજો, એમાં શું?...’

‘એ તો બરાબર... ઉદયન મહેતો અત્યારે ક્યાં હશે? મારે એને પણ મળવું હતું.’

‘કેમ? ઉદયન મહેતો પછવાડે જ આવે છે...’ કૃષ્ણદેવે કહ્યું અને પછી નક્કર અવાજે એણે ઉમેર્યું: કુમારપાલજી! આપણે માલવામાં હતા એ સમો આજનો નથી હો! આ મહેતા પણ આંહીં કાંઈ કરી શકે તેમ નથી. કોઈ કાંઈ કરી શકે તેમ નથી. મહાઅમાત્યજી પોતે પણ સળી ચલાવી શકે તેમ નથી. મહારાજ જયસિંહદેવની પાદુકાને ફરતી સેંકડો ને હજારો શસ્ત્રબદ્ધ સૈનિકી ચોકી છે. મહારાજનો અંતિમ શબ્દ આપણી પાસે છે, બીજા કોઈ પાસે નથી. આપણા ઉપર આ રણકુશળ સામંતો, સૈનિકો, રાવરાણા, જોદ્ધાઓ – એમનો અદ્વિતીય વિશ્વાસ છે. મહારાજનો શબ્દ એમણે આંખમાથા ઉપર ઝીલ્યો છે. આપણે એ વિશ્વાસ વટાવી ખાવાનો છે. આ આખી વાતનો સાર... પણ બુદ્ધિ તમારામાં જોઈએ... મારી દીધી બુદ્ધિ...’ કૃષ્ણદેવ, ઉથાપનાર-સ્થાપનાર સત્તાદોરમા જ બોલી રહ્યો હતો. કુમારપાલ અધીરો થઇ ગયો હતો અને તેનો કાંઈક તીખો જવાબ આપવાની તૈયારી હતી. એટલામાં જ, જાણે દૈવયોગે દોરવાયો હોય તેવો, કોઈકનો હાથ પાછળથી એના ખભા ઉપર પડ્યો ને એ ચમકી ગયો. ત્યાં તો ‘મહારાજ! હું ઉદયન મહેતો! પ્રણામ કરવા આવ્યો છું. આ વખતે બહુ લાંબો ગાળો કાઢ્યો પ્રભુ!’ એમ બોલતો ઉદયન મંત્રી કુમારપાલની પડખે – પાસે ઊભો રહેલો દ્રષ્ટિએ પડ્યો. એના કાનમાં કૃષ્ણદેવના છેલ્લા શબ્દોની કર્કશતા અથડાતી હતી. કુમારપાલની સહેજ અધીરી હિલચાલે એને તરત સાવધ કરી દીધો. એ સમજી ગયો – સાળાબનેવી વચ્ચે એક શબ્દ વધુ નીકળશે પછી કોઈ કોઈના નહિ રહે. એટલે એણે એકદમ જ કહ્યું: ‘પ્રભુ! કૃષ્ણદેવજીની વાત બહુ સમજવા જેવી છે. સમો ભારે કટોકટીનો છે. કૃષ્ણદેવજી! આપણે રાહ જોતા હતા મહારાજની તે આવી ગયા છે, પણ તમારા વિના અમે ડગલું માંડવાના નથી. તો બોલો, હવે આપણે શું કરવું છે? નિર્ણય કરો.’ ઉદયને સીધેસીધી વાત જ ઉપાડી લીધી.

‘વૌસરિનું શું થયું એ તો પહેલાં જાણી લઈએ! એણે કાંઈ ફોડ્યું તો નહિ હોય? પછી આપણે નિરાંતે વિચાર કરીએ! કુમારપાલજી આંહીં છે એ વાતની ખબર પડે તો મારા ઉપર આભ તૂટી પડે. અમારા એ સગાં છે, એમને થાપવાની મારી ઈચ્છા પણ છે, પણ મારે મારું સંભાળીને કરવાનું છે! તમે શું કહો છો?’

‘એમ જ.’ ઉદયને જવાબ વાળ્યો. તેણે કૃષ્ણદેવની અત્યારની અક્કડતાને જાણે જાણી જ નહિ. ‘વૌસરિનું શું થયું એ નક્કી થાય...’

‘વૌસરિ પકડાયો. પણ એ તો ભટકતો ભિક્ષુક નીકળ્યો.’ તેજદેવ આવી રહ્યો હતો એણે કહ્યું. ‘અને પ્રભુ!’ તેણે કૃષ્ણદેવને કહ્યું: ‘તમને પ્રેમલબાએ પછી આવી જવાનું કહેવરાવ્યું છે.’

‘હા... હું આ આવ્યો... ઉદયન મહેતા...! તમે જરા વાત કરો... ત્યાં...!’ કુમારપાલ કૃષ્ણદેવને જતો જોઈ રહ્યો. એ ગયો એટલે એણે ઉદયનની સામે જોયું. 

‘મહેતા! આ શું કહે છે?’

‘પ્રભુ! સ્તંભતીર્થમા તમને પાડી આપ્યા’તા અક્ષર એ યાદ છે?’ ઉદયને બીજી વાત કહી. 

‘હા...’ કુમારપાલને કાંઈક વાત યાદ આવતી લાગી.

‘બરાબર એ જ આ સમય છે. આપણે થોડાક દી આને જાળવી લેવાનો છે!’

‘એને કે એના ગર્વને?’

‘બંનેને, મહારાજ! એના ગર્વને વડે એ છે, એના વડે એનો ગર્વ છે. એ ગર્વ ભલે રહ્યો. આપણને એ નડતો નથી, નડે તેમ નથી. એ છે તો આપણને ભવિષ્યની નિરાંત છે. માણસમાં શક્તિ હોય ને ગર્વ ન હોય, તો એ ભારે પડી જાય. આ ઠીક છે.’

‘પણ તમે તો સાંભળ્યું હશે નાં, મહેતા, પ્રેમલનું? પ્રેમલ સુખી છે?’

‘જુઓ, મહારાજ! હું કેટલીક વખત સાંભળતો નથી, કેટલીક વખત સમજતો નથી, કેટલીક વખત જાણતો નથી, કેટલીક વખત જોતો નથી. પણ હમણાં આ સઘળું એકીસાથે હું આચરી રહ્યો છું, પ્રભુ! આપણે ગમે તેમ થોડો વખત નભાવવાનું છે!’

‘પણ આ ગર્વિષ્ઠ મૂર્ખને આધારે? તો-તો આપણે કાંઈ જોતું નથી, મહેતા!’

ઉદયન કુમારપાલનું મન કળી ગયો. કૃષ્ણદેવના શબ્દેશબ્દમાં ઉપહાસનું ને નહિતર પછી સામાની લઘુતા માપવાનું ઝેર એણે પણ જોયું હતું.

પણ તેણે કુમારપાલના ખભે પ્રેમથી હાથ મૂક્યો: ‘મહારાજ! અત્યારે હવે એક પળની નહિ, એકએક વિપળની કિંમત છે. નિર્ણય આજે જ થઇ જવો જોઈએ અને લઇ લેવો જોઈએ. આને અંદર ઊંડો ઉતારી લેવો છે. છેલ્લી પળે એ ફરી બેસે તો? આપણે એને હમણાં જાળવી લેવો.’

‘પણ મેં તો નિર્ણય કરી નાખ્યો છે.’ કુમારપાલે દ્રઢતાથી કહ્યું.

‘શું?’

‘આના બે કટકા કરીને, આઠમી વખત ભારતવર્ષ ફરી આવું! આવાની અધીનતા? આવા ગર્વિષ્ઠની?’

‘જુઓ, મહારાજ! આપણું વાહન કાંઠે છે, એનું શું? વિજય હાથવેંતમા છે. તમારી પાસે, મહારાજ! ગુર્જરદેશને કટોકટીના સમયે બચાવ્યાનો મહામોલો વારસો રહ્યો છે. ક્ષેમરાજ મહારાજને સંભારો. એમણે પહેલું ઘર્ષણ ટાળ્યું, દેશ બચ્યો. દેવપ્રસાદ રાજભક્તિમાં જાત સમર્પી બેઠા. ઘર્ષણ ટાળ્યું. ત્રિભુવનપાલજી મહારાજ જયદેવનો પડછાયો થઈને રહ્યા અને હવે આજ તમે. તમારો પ્રશ્ન તમે તમારી રીતે ઉકેલો. તમે આ દેશને અણીની પળે બચાવવાનો વારસો જાળવતા આવ્યા છો. આજ શી રીતે એ તજી શકશો? પછી રજપૂતી ધર્મ રહ્યો ક્યાં? પછી બીજી મહત્તાને કરવી શું? શબ્દ ચિંતવવો એક વસ્તુ છે; બોલવો બીજી વસ્તુ છે; પણ કરવો એ ત્રીજી જ વસ્તુ છે, અત્યારે ભલે એ બોલતો. આપણું કામ તો એ કરી રહ્યો છે અને કરે તેમ છે. એનામાં જેટલી શક્તિ બીજામાં નથી. મારું માનો તો એને હમણાં મોટો ભા કરો. આપણે માટે એ બાખડશે. એને બાખડવા દો. પછી એને પણ માપી લેવાશે.’

‘પણ એને ટાઢું-ઊનું કાંઈ સદતું નથી એનું શું? એની તો વાત જ ન્યારી છે!’

‘કાંઈ ન્યારી નથી, મહારાજ! એની વાત સીધી છે. અત્યારે સત્તા એની છે. એ એ માગે છે. ભલે સત્તા એની, પછી? પછી એ શું કહેશે? હું તો એને થોડાંક કટકાંબટકાં પણ નાખી દેવાના મતનો છું. કોળિયાનો માર્યો એ ભોં ઉપર નજર માંડશે ને ઊંચે જુએ છે એ બંધ થશે. એ હમણાં પાછો આવશે... આપણે આ નિર્ણય કરી લો – આપણે એને ક્યાં ઓળખતા નથી? પણ અત્યારે એનું કામ છે, એટલે આપણે એને જાળવી લેવો છે.’ ઉદયને વાતને પછી વધુ લંબાવી નહિ. તેણે તરત બીજી જ વાત ઉપાડી: ‘પ્રભુ! આપણે મળ્યા કાંતિનગરીમાં એને કેટલો વખત થયો? મારે નિરાંતે તમારી વાત સાંભળવી છે, પણ... પણ અત્યારે આ વાત સિવાય બીજી વાતમાં ધ્યાન ગયું કે દોર તૂટ્યો જ છે! અત્યારે દોરડા ઉપર નટવાળી વાત છે. બેઠા છીએ આંહીં, પણ જીવ કૃષ્ણદેવમા છે! “મહારાજના અંતિમ શબ્દનો હું એક જ સાંભળનાર છું ને કોઈ નહિ કરે તો હું એકલો એનું પાલન કરીશ” – એવા વિશ્વાસથી એણે ઘણાને મેળવી લીધા છે. એટલે આને સાચવ્યો ઠીક રહેશે. ને પાછું એમાં બહુ કરવું પડે તેમ નથી. બે વેણ બોલો એટલે પત્યું! વાત આખા દેશની છે – દેશને ઘર્ષણમાંથી બચાવવાની. સિંહાસન તો ઠીક હવે, એ તો મેળવી લેવાય. મોડું મળે, પણ બધું છિન્નભિન્ન થઇ જાય. માટે આને જાળવવાની વાત છે.’

એટલામાં તો કૃષ્ણદેવ પાછો આવતો દેખાયો. એનો નિર્ણય એનાં પગલાંમાંથી જ વાંચી શકાતો હતો. ઉદયન એ કળી ગયો. તેણે કુમારપાલનો હાથ જરા દબાવ્યો – એવું કહેવા કે જોજો, આને હવે હાથમાંથી જવા દેતા નહિ! કૃષ્ણદેવે આવીને કહ્યું: ‘મહેતા! જરાક... આ તરફ...’ ઉદયન એની તરફ ગયો. કૃષ્ણદેવે એના કાનમાં ધીમેથી કહ્યું: ‘મને તો એની બહેને જ વાત કરી. આ છે લોભનો કટકો, મહેતા! પછી બધાયને અંગૂઠો બતાવે એવો છે! હમણાં એ જ મને કહેતો હતો, બહેનને કાંઈ અપાયું નથી. તો બેસતો રાજા ને ઊઠતો બકાલી. આપવું હોય તો આ સમો છે... લ્યો...’

તેણે સોમનાથી જલની કુંભિકા તેની સામે ધરી: ‘આ તો સોમનાથજલ છે...’

ઉદયનને સમજણ પડી ગઈ. બંધનમાં લીધા વિના આ પગલું ભરે તેવો નથી. એને એક આશ્ચર્ય થયું. આ ઊંડી સમજણ પ્રેમલની હોવી જોઈએ. હમણાં એ આવી, ત્યારે એ કળી ગઈ હશે. બનેવી-સાળો કેવળ રાજસત્તાની વાતો ઉપર જશે તો ઘર્ષણ અનિવાર્ય થઇ પડશે. પ્રેમલે આને બોલાવીને કુમારપાલની ઘસાતી વાત એટલા માટે કહી નાખી લાગે છે કે અને આ આવી કાંઈક માંગણીમાં પડતા સત્તાનો ખ્યાલ જરાક વાર ભૂલી જશે. એમ ને એમ બે-પાંચ દી જળવાઈ જાય, પછી દેખી લેવાશે. એણે પ્રેમલ માટે દયા હતી, પણ ત્યારે તો આવું યોજનારી નારી માટે એને માન થયું. તેણે જલકુંભિકા હાથમાં લીધી: ‘કૃષ્ણદેવજી! તમે આકાશ જોવામાં પૃથ્વી ભૂલી જતા હતા. મારે પણ તમને આ જ કહેવાનું હતું. પહેલું તમારું ઘર તો તમે સંભાળી લ્યો... તમે છો સંબંધી. તમને આપવાનું એમાં કાંઈ નવાઈ છે? પણ તમારા મોંમાં એ વાત શોભે નહિ; એટલે હું કહું છું કે તમે કહો છો?’

‘તમે જ કહેજો ને!’

‘પણ તમારી ઈચ્છા તો તમે મને જણાવો. એ પ્રમાણે હું વાત કરું...’

કૃષ્ણદેવ કાંઈ બોલ્યો નહિ.

‘તમે નહિ બોલો, તો હું બોલું છું. આવી મોટી વાતનો બદલો આ સિવાય બીજો શો હોઈ શકે? તમારે જે જોઈએ, તે મહારાજને ન જોઈએ. એટલું થાય તો બસ, નહિ?’ 

‘બસ, બસ...’ કૃષ્ણદેવે કહ્યું. 

‘ને પ્રેમલ તો એમની બહેન છે. ઠીક પડે તે ભલે ને એને આપે. ગામ, ગરાસ, દ્રમ્મ, સુવર્ણ – એમાં તમારે શું?’

‘બસ... બસ...’

‘પણ, કૃષ્ણદેવજી! આ વાત થઇ તમારી. એ વાત તમારા મોમાં ન શોભે. એ વાત કરવાની મારે હોય. ને મારે પણ ક્યાં વાગ્ભટ્ટ નથી? ને આમ્રભટ્ટ પણ છે. એટલે તમારે પણ મારે માટે બે વેણ બોલવાં પડશે. એના મોમાં હજી કરભંકનો તાજો સ્વાદ છે, ત્યાં સુધી એ બધી હા ભણશે.’

કૃષ્ણદેવને આ વાત રૂચી ગઈ. મુખ્ય સત્તા ઉપર કોઈનું ધ્યાન નથી એટલું જ એને જોવાનું હતું. તેણે કહ્યું: ‘એ પણ બરાબર છે.’

‘ત્યારે હું કહું છું મહારાજને.’

ઉદયન કુમારપાલ તરફ ગયો. આ બંનેનું ઘર્ષણ થોડો વખત આ રીતે શાંત થઇ ગયાનો એને આનંદ-આનંદ થઇ ગયો. હરપળે ને હરેક શબ્દે ચોકી રાખવી મુશ્કેલ હતી. તે કુમારપાલની પાસે ગયો. ધીમેથી એને વાત કરી: ‘મહારાજ! એક અવિચળ મહાન ભાવિ આપણી સમક્ષ પડ્યું છે. વચ્ચે આ થોડીક રમત...’

‘રમત?’

‘હા, પ્રભુ! રમત. એક વસ્તુ સમજવાની છે. એને જે જોઈએ તે આપીને પણ અત્યારે તો આપણે તક હાથ ધરો...’ ઉદયને સોમનાથી જલની કુંભિકા ત્યાં મૂકી. ‘આ લાવ્યા છે કૃષ્ણદેવજી, ભગવાન સોમનાથનું જલ. આપણે એ શંકા કાઢવાની રહી...’

‘શંકા? એની શંકા?’

‘શંકા નહિ, તો મનનું સમાધાન કરવું રહ્યું. આપણે એને વચન આપવાનું છે. એની મદદના બદલામાં...’

‘કે?’

‘એને જોઈએ તે આપણને ન જોઈએ.’

‘મંત્રીશ્વર!’ કુમારપાલે મક્કમતાથી કહ્યું, ‘હું રાજ વેચાતું લેવા નથી નીકળ્યો, મારી પાસે તો આ... છે!’ કુમારપાલે તલવાર ઉપર હાથ નાખ્યો. 

‘મહારાજ! મારી પાસે પણ એ ક્યાં નથી? મારી પાસે તો ત્રણ છે: વાગ્ભટ્ટ છે, આમ્રભટ્ટ છે ને મારી પાસે છે ને એ ત્રણ તમારી છે. પણ એનો સમો જુદો હોય. અત્યારે એનું શું છે? અત્યારે  આપણે એક મહાન ભાવિનો પાયો નાખવાનો છે. એમાં કૃષ્ણદેવનો ઉપયોગ છે. આટલી જ વાત છે. ગુર્જરદેશ એ માગે છે, પણ મુખ્ય વસ્તુ તો આ છે, ધ્યાનમાં લેવા જેવી કે આજ આપણી છે, કાલ કોઈકની હશે. નિર્ણય લેવો મહારાજના હાથમાં છે. હું તો સલાહ આપું. આપણી ત્વરા જ આપણને ઉગારે તેમ છે, બીજું કશું જ નહિ!’

‘પણ એને જોઈએ છે શું?’

‘અરે! આપણે શું કામ છે એનું? એને જોઈએ તે આપણે ન જોઈએ એમ કહી નાખો ને! માગીમાગીને એ શું માગશે? મોઢેરકનાં ગામડાં માગશે, દ્રમ્મ માગશે, સુવર્ણ માગશે, બે-ચાર ઉદ્યાન માગશે.’

‘તમે એને શું કહ્યું છે?’

‘એ જ. જે તમારે જોઈએ તે અમારે ન જોઈએ. કૂકડીનું મોં ઉકરડે. એ માગશે – પણ જીરવનારું પેટ તો જોશે નાં? અને એ શું માગશે?’

કુમારપાલ થોડી વાર વિચારમાં પડી ગયો લાગ્યો. એને આ ખરીદી જેવું જણાતું હતું અને તે પણ એને શું જોઈએ છે તે જાણ્યા વિના. ઉદયન એ સમજી ગયો. તેણે પ્રેમથી તેના ખભા ઉપર હાથ મુક્યો:

‘મહારાજ! આ કૃષ્ણદેવ માલવાવાળો હવે રહ્યો નથી. એની સત્તા અનિયંત્રિત થઇ પડી છે. શસ્ત્રબળને લીધે એ થાપે તેમ છે, ઉથાપે તેમ પણ છે. આ તક ગઈ તો ગઈ સમજવી. ગુર્જરદેશ છિન્નભિન્ન થઇ જશે.’

‘બોલાવો ત્યારે...’ કુમારપાલે ત્વરાથી અચાનક કહ્યું. ઉદયને એક ધીમી તાલી પાડી. કૃષ્ણદેવ પાસે આવ્યો. કુમારપાલે મૂંગામૂંગા સોમનાથજલ હાથમાં લીધું: ‘કૃષ્ણદેવજી! તમારે જોઈએ તે અમારે ન જોઈએ, બસ? અને મારી વતી ઉદયન મહેતા! હું પ્રેમલને કાંઈ આપી શક્યો નથી – તો આટલું નોંધી લેજો. મોઢેરક પંથકના ત્રણ ગામ, ત્રણ લક્ષ દ્રમ્મ, ત્રણ ઉદ્યાન. ત્રણ લક્ષ દ્રમ્મ મેં કહ્યાં નાં? તે વાર્ષિક સમજવા, હો! આજીવન આપવાના!’

પ્રેમલ ત્યાં અંધારામાં ઊભીઊભી આંખમાંથી આંસુ સારી રહી હતી. ઉદયનના મન સિવાય કોઈએ જાણ્યું પણ ન હતું કે આ આમ ગોઠવાયું તો ઘર્ષણ ટળ્યું હતું. ઉદયન એકલો મનમાં ને મનમાં પ્રેમલની સાદી ડાહપણભરેલી સમજણને પ્રશંસી રહ્યો હતો. 

‘સમજણ... અદ્ભુત સમજણ! ખરેખરી નારી!’ એના મનમાં એ વિચાર રમી રહ્યો હતો. ઉદયન ને કૃષ્ણદેવ થોડી વાર પછી ત્યાંથી નીકળ્યા, ત્યારે ભાવિ મંગળની એંધાણી જેવો ચંદ્રમા ઊગતો હતો.