૧૨
ભાઈ અને બહેન
કાકભટ્ટનો રસ્તો હવે ચોખ્ખો હતો. મલ્હારભટ્ટ ગયો કે તરત એણે પાટણનો માર્ગ પકડ્યો. મલ્હારભટ્ટે વખતે કોઈને પોતાની પાછળ મોકલ્યો હોય એમ ધારીને એ કાંઈ પણ બોલ્યા વિના આગળ વધતો હતો. કુમારપાલ ને હઠીલો જ્યાં ભેગા થવાના હતા તે વળાંક આવી જાય પછી એ રાજા હતો.
એ વળાંક આવ્યો. કોઈ બે સવારોને બોલ્યાચાલ્યા વિના પોતાના સવારોમાં ભળી જતા એણે જોયા. એ સમજી ગયો. એના આનંદનો પાર ન હતો. ધીમેધીમે પાછળ રહી જતાં એણે હઠીલાની સાથેના સવારની ઝાંખી કરી લીધી. એણે જોયું કે કુમારપાલ આવી ગયો હતો. ઘણા વખત પછી મળ્યા છતાં કાકે એને તરત ઓળખી કાઢ્યો. એનો ચહેરો જરા ઝાંખો પડ્યો હતો, પણ એ પોતે વધારે ચપળ જણાતો હતો. શરીરની વજ્જરતા એની એ હતી. કષ્ટને લીધે એ સાવધ બનેલો, વધારે સમર્થ થયેલો લાગ્યો. તુરંગાધ્યક્ષના પ્રેર્યા તેઓ ગયા હતા એવી વાત કહેતાં એમને હવે કોઈ રોકે તેમ ન હતું. એને મોટો ડર દરવાજે હતો. મલ્હારભટ્ટે વખતે કાંઈક કહેવરાવ્યું હોય તો કોઈ રોકટોક કરે; પણ એવું થાય તો તત્કાલ પગલાં માટે એ હવે તૈયાર હતો. એવું થાય તો પાંચ-દસ જણાએ દ્વારપાલને જ રોકી દેવો.
પણ એવું કંઈ થયું નહિ. મલ્હારભટ્ટ પોતાની ઉતાવળમાં પડ્યો હયો તેમ જણાયું. એક ઠેકાણે સહેજ ટકોર થઇ, પણ ‘કૃષ્ણદેવજીએ મોકલ્યા હતા – તુરંગાધ્યક્ષને પુછાવો’ એવો જવાબ આપીને સૌ ચાલતા થયા.
કૃષ્ણદેવના નામે બધું શાંત થતું લાગ્યું. દ્વારપ્રવેશ ટ હૈ જાય પછી સૌને જુદાજુદા વેરાઈ જવાનું હતું.
એટલામાં દરવાજો આવ્યો.
કાકે ત્રિલોચનપાલને ત્યાં જોયો અને એનું હ્રદય બેસી ગયું: ‘માર્યા! આ તો આહીં ઊભો છે!’
પણ એની સાથે જ કૃષ્ણદેવ ઊભો હતો. એનો અર્થ એ કે તુરંગાધ્યક્ષે પોતે ત્રિલોચનને કાંઈક વાત કરી હોવી જોઈએ. વગર રોકટોક ઘોડેસવારો પસાર થવા લાગ્યા. કાક પસાર થતાં જ કૃષ્ણદેવે એની આંખ પકડી: ‘કાકભટ્ટ!’
કાક ઊભો રહી ગયો.
બીજા બધા પસાર થઇ ગયા હતા. કદાચ બીજા કોઈ બહુ ભાવ ન પૂછે માટે જ પોતાને કૃષ્ણદેવે બોલાવ્યો હતો. કાકને કુમારપાલ ઓળખાઈ જવાનો ભય હતો.
એટલામાં કૃષ્ણદેવે તરત એને પૂછ્યું: ‘શું છે કાકભટ્ટજી! વિક્રમસિંહની વાત સાચી કે ખોટી?’ કાક સમજી ગયો. તેણે વાત લંબાવવાની હતી.
‘પ્રભુ! ખંડેરમાં તો જાણે કોઈ નથી, પણ પરમારરાજે કહ્યું હતું તે સાચું લાગે છે. પ્રપામા કાંઈક શંકા જેવું છે. ત્યાં ચોક્કસ કાંઈક હોવું જોઈએ!’
‘તો પછી તમે કેમ ગયા નહિ?’
‘ત્યાં મલ્હારભટ્ટ ગયા છે, એટલે તો, પ્રભુ! હું પાછો ફર્યો. એમને ત્રિલોચનપાલજીએ જ મોકલ્યા છે. બેનું શું કામ હતું ત્યાં?’
‘તો-તો બરાબર થયું ત્યારે. ત્રિલોચનપાલજી! આ જ વાત હતી નાં? પણ જુઓ, હવે હું તમને કહી રાખું: તમારે સમજવું જોઈએ. મહારાજ જયદેવ અવંતીનાથના શબ્દ અમારે મન હજી પણ પવિત્ર થાપણરૂપે છે. એમના અંતિમ શબ્દનો – એટલે કે એમની અંતિમ ઈચ્છાનો – ખરો વારસો તો અમારી પાસે જ છે. બીજા કોઈએ એ સાંભળ્યો નથી. કોઈએ એ જાણ્યો પણ નથી. એમાં શું હતું એ પણ એક રહસ્ય છે. પણ કુમારપાલ દેખા દે તો સૌથી પહેલો હું પોતે તમને કહેવા આવીશ, સમજ્યા? આમાં દેખ્યો કોઈ? અમને તો શંકાથી પર માનવા જોઈએ, ત્રિલોચનપાલજી! પછી તો જાણે...’ કૃષ્ણદેવના શબ્દમાં કાંઈક તીખાશ નીકળી. ત્રિલોચન જરાક, સહેજ શંકિત કંઈક આશ્ચર્યચકિત થતો જણાયો, પણ ત્યાં તો એનું ધ્યાન કાકે બીજી તરફ દોર્યું: ‘અમે પચાસ ગયા હતા કે કોઈક મળશે, પણ...’
‘તુરંગાધ્યક્ષજી!’ ત્રિલોચનને કૃષ્ણદેવનો શબ્દ વાગ્યો હતો, ‘હું તો સંદેશાનો સેવક છું!’
‘એ તો બરાબર છે, પણ હવે તમને નિરાંત થઇ નાં? આ બધા ગયા - પચાસ હતા કે એકાવન?’
‘પચાસ!’
‘થયું ત્યારે. પચાસ મારા મોકલ્યા ગયા હતા, પચાસ પાછા આવ્યા. અમને પરમારરાજે કહ્યું, એટલે તપાસ કરવાનું અનિવાર્ય થઇ ગયું. તમે તમારું કર્તવ્ય કર્યું. શું થયું પછી, કાકભટ્ટ? કોઈ હતું કે કોઈ હતું જ નહિ?’ કૃષ્ણદેવ હજી ત્રિલોચનનું ધ્યાન રોકી રાખવા માગતો હતો.
‘ત્યાં તો કોઈ ન હતું, પણ પ્રપામા ચોક્કસ કોઈક હશે એમ લાગે છે, પ્રભુ!’
‘મલ્હારભટ્ટ ત્યાં ગયા છે નાં? એટલે હમણાં ખબર! મલ્હારભટ્ટ જે સમાચાર લાવે તે અમને કહેવરાવજો, દુર્ગાધ્યક્ષજી! અને જુઓ... મેરુ ડગે પણ આ કૃષ્ણદેવ...’ વાક્ય પૂરું કર્યા વિના જ કૃષ્ણદેવે પ્રયાણ કર્યું.
બંને ચાલતા થયા. ત્રિલોચનપાલ એમને જતા જોઈ રહ્યો.
એક વખત પ્રવેશ થઇ ગયો, એટલે તે પછી તરત બધાએ જુદા-જુદે રસ્તે વેરાઈ જવું એ સૂચના અપાઈ હતી. બોલ્યા વિના એનો અમલ થઇ રહ્યો હતો. કૃષ્ણદેવને ‘નીલભવન’માં મળવાનું કહી કાક આગળ ગયો. એણે કુમારપાલ સાથે હઠીલાને જતો જોયો. સૌથી આગળ કૃષ્ણદેવનો ખાસ માણસ તેજદેવ રસ્તો દોરી જતો દેખાયો.
‘નીલભવન’ને બદલે કૃષ્ણદેવના પોતાના મહાલય તરફ તેજદેવને વળતો કાકે જોયો. એને એમ સૂચના હોવી જોઈએ એમ કાકભટ્ટે અનુમાન કર્યું. ‘નીલભવન’ની પાસેથી નીકળતા કાકે ઊંચી દ્રષ્ટિ કરી. સપ્તભૂમિકા ઉપર પ્રકાશ દેખાતો હતો. તેને લાગ્યું કે બધા આતુરતાથી રાહ જોતા જણાય છે. તુરંગાધ્યક્ષ બરાબર સમય પ્રમાણે આવ્યો ન હોત તો કદાચ પ્રવેશ મોંઘો પડી જાત એ વિચારે હજી એ ક્ષોભ પામતો હતો.
કૃષ્ણદેવના મહાલય પાસે એક નાનાસરખા મકાનમાં તેજદેવ કુમારપાલને લઇ ગયો. કાક પણ ત્યાં ગયો. આખો દિવસ વૃક્ષના કોટરમા બેસીને કુમારપાલ અકળાઈ ગયો હતો. એણે જતાંવેંત એક ખાટલા ઉપર લંબાવ્યું. બે ક્ષણ એ આંખો જ મીંચી ગયો. આનું પરિણામ શું આવશે, એના વિચાર એણે આવી રહ્યા હતા. એના હ્રદયમાં વૌસરિ વિશે પણ મંથન ચાલી રહ્યું હતું. એ પકડાયો હોય ને ઓછી હિંમત બતાવે તો આ સ્થળમાં પણ હજી પોતે અસ્થિર હતો. પણ વૌસરિ વજ્જર જેવો હતો. એનો વિશ્વાસ એણે ઘણી વખત નાણી જોયો હતો.
કાકે આવીને એણે પ્રણામ કર્યા, મોટેથી કહ્યું: ‘મહારાજ! હું કાકભટ્ટ!’
‘કાકભટ્ટ! કોણ, તમે છો? પાસે આવો, પાસે!’ આંખો ઉઘડ્યા વિના જ એણે કહ્યું: ‘બોલો, આંહીંના શું સમાચાર છે? તમારો હાથ મારા હાથમાં આપો. આપણે હાથ વડે ઓળખાણ તાજી કરીએ. વૌસરિએ આપેલો ભોગ મને આંહીં લાગી ગયો છે.’ એણે પોતાની છાતીએ હાથ મૂક્યો: ‘બદલો નહિ વાળી શકું તો? એવું તો નહિ થાય નાં?’
‘અરે, પ્રભુ! એ શું બોલ્યા? તમે જોયું નહિ હોય? પ્રવેશતાં ક્યાંય વધુ પડતી ટકોર થઇ?’
‘એમ કેમ થયું? મને નવાઈ લાગી!’
‘કારણ કે અમે સૌ કૃષ્ણદેવના મોકલ્યા વિક્રમસિંહના કોઈ માણસની શોધમાં બહાર ગયા હતા, એમ વાત ફેલાતી હતી, ને તુરંગાધ્યક્ષજીએ એ જ વાત કહી, પછી શું?’
‘પણ વહેમ – વહેમ તો પડશે નાં! વહેમ કાંઈ જાય? તુરંગાધ્યક્ષજીનું પોતાનું પછી શું?’
‘તુરંગાધ્યક્ષજી જબ્બર માણસ છે.’ કાકે કહ્યું. પછી બહુ જ ધીમેથી કાનમાં બોલ્યો: ‘તેઓ સૌને પહોંચી વળે તેમ છે. પોતાની અચળ રાજભક્તિ બતાવીને ને અંતિમ ઈચ્છાનો વારસો સાચવી રાખીને સૌમાં એમણે શ્રેષ્ઠતા મેળવી લીધી છે. તેઓ શંકાથી પર છે. પણ તે છતાં તમારે આંહીં એકાંતવાસ રાખવો પડશે, પ્રભુ! આંહીં પ્રકાશ પણ એટલા માટે જ મુકાયો નહિ હોય!’
‘એમ જ છે!’ તેજદેવ આવી રહ્યો હતો. તેણે ધીમેથી કહ્યું: ‘પ્રભુ! બહેન આવ્યાં છે!’ તેણે કુમારપાલને કહ્યું.
કુમારપાલ સડપ બેઠો થઇ ગયો. તેણે માથે લૂગડું વીંટી લીધું. અંધારામાં પ્રેમલનો ગદગદ કંઠ તેણે ઓળખી કાઢ્યો. તેની આંખમાં આંસુ આવી ગયાં. ‘ભાઈ... મારા! વી...રા!’ પ્રેમલ વધુ બોલી શકી નહિ. ખાટલાની ઈસ ઝાલીને ત્યાં જ બેસી ગઈ. તેની આંસુની ધાર કુમારપાલ પોતાના હાથમાં જાણે ઝીલી રહ્યો હતો. પળ-બે-પળ કોઈ બોલી શક્યું નહિ.
‘ભા...ઈ...!’
‘બે...ન! પ્રેમલ...! દેવલના શું સમાચાર છે? તમને હું કાંઈ મદદ...’
‘મહારાજ!’ કાકે અત્યંત ધીમાં અવાજે કહ્યું, ‘પ્રભુ! આપણે હજી ચેતતા રહેવાનું છે હો! તેજદેવ ત્યાં મહાલયને છેડે ઊભો છે ગુપચુપ – એ પણ એ વસ્તુ જ સૂચવે છે. હું તમને પછી મળીશ. અત્યારે હું જઉં. આંહીં ભો નથી – પણ ચેતતા તો રહેવાનું છે, પ્રભુ!’
બંને ભાઈબહેનને ત્યાં મૂકીને કાક ‘નીલભવન’ તરફ ગયો.
કુમારપાલના મનમાં અત્યારે સેંકડો વિચાર આવી રહ્યા હતા. પચાસ-પચાસ વરસ સુધી તેણે સુખનો દિવસ એક જોયો ન હતો. કાશ્મીરથી કન્યાકુમારી સુધી તે સાત વખત ફરી આવ્યો – સાતે વખત ચાલીને! એણે ભારતવર્ષ આખું જોયું. સાથુ ખાઈને, ચણા ફાકીને, કરભંક માગીને; પણ મહારાજ જયસિંહદેવે મૂકેલી પાટણની નગરી એણે ક્યાંય ન દીઠી. કોલ્હાપુર, કાંચી, કાંતિનગરી, કાશ્મીર, કોલંબપુર – ક્યાંય ગુજરાતની તેજસ્વિતા ન મળે! એના દિલમાં અત્યારે એક ઊર્મિ આવી ગઈ હતી. મહારાજ જયસિંહદેવ – એમનું ખરું સ્થાન તો ભારતેશ્વરનું હતું, પણ એમને મૂકેલું અખંડ ગુજરાત હું અખંડ રાખું તોપણ ઘણું! જયસિંહદેવ મહારાજની એના ઉપર કરડી નજર હતી, છતાં પણ કુમારપાલને તો જયસિંહદેવનું અદ્ભુત વીરત્વ હંમેશાં આકર્ષી રહ્યું હતું. આટલી મોટી લાંબી રખડપટ્ટીએ એને એક વસ્તુનો અનુભવ આપ્યો હતો: સ્વર્ગ બે ઠેકાણે જ હતા, એક આકાશમાં, બીજું આ પૃથ્વી ઉપર – સરસ્વતી – નદીની જલનૌકાઓમાં! ચાંદની રાતે એ જલનૌકાઓમાં વિહરતી લાડઘેલી ગર્વીલી ગુજરાતણો – એમને જોતાં કાશ્મીરી કુંજોના પુષ્પો પણ પાંખડી ઢાળે! એમના કંઠમાં પડેલી લાખો દ્રમ્મની મૌક્તિક-માળાઓ-સમૃદ્ધિ, સામર્થ્ય અને સંયમ – મહારાજ જયસિંહદેવે આવું ગુજરાત પાછળ મૂક્યું હતું! ગુજરાતના સંસ્મરણે હવે કુમારપાલ બે પળ બધું ભૂલી જવા માગતો હતો. પણ એણે એટલું બધું દુઃખ જોયું હતું કે આજની આ વાતનો પણ કેવો અંત આવશે એના વિશે એના મનમાં હજી કાંઈ આશા બંધાતી ન હતી. માત્ર એક જ વસ્તુ એણે હજી દોરી રહી હતી – અણનમ વજ્જરતા, દુઃખથી ભાંગી ન જવાની એની ટેક. પણ અત્યારે એ આંહીં અંધારામાં બેઠો હતો. સામે એની બહેન હતી. એ પણ બિચારી દુઃખી હતી. એ એ જાણતો હતો. દેવલ પણ દુઃખી હતી, પોતે એનો સગો ભાઈ કાંઈ જ મદદ કરી શકતો ન હતો. ઊલટો આ કૃષ્ણદેવના આધારે એ આંહીં આવ્યો હતો. એના મનમાં તુમુલ યુદ્ધ મચી ગયું. પોતે પ્રેમલને કોઈ દિવસ કાંઈ આપી પણ શક્યો ન હતો. અરે! અત્યારે એનો ચહેરો જોવા એ તલસી રહ્યો હતો, પરંતુ એટલી વાત પણ હજી શક્ય ન હતી. એણે એ વાત ઊંડી અસર કરી ગઈ. પોતાનું દુઃખ એ બે પળ ભૂલી ગયો.
‘પ્રેમલદે, મેં સાંભળ્યું છે એ સાચું?’ એણે અચાનક જરાક મોટા અવાજે પૂછ્યું.
‘શું, ભાઈ?’
‘તારે દુઃખ બહુ છે – આ કૃષ્ણદેવ તરફનું! સાચું કહેજે હોં! મોં તો તારું જોવાતું નથી, પણ ખોટી રીતે મને પટાવતી નહિ!’
પ્રેમલ સમજી ગઈ. તે ઘણી સમજણવાળી હતી. અત્યારે આ વાતનો સમય ક્યાં હતો? તે ધીમું વેદનાભર્યું હસી પડી: ‘અરે, ભાઈ! તમે – તમે તો હજી એના એ રહ્યા. મારે દુઃખ શું ને વાત શી? મારે ભોજરાજ જેવો દીકરો છે, બહાર ગયો લાગે છે...’
‘હું તને કહું. જો, રાજ ગુજરાતનું ન મળે તો કાંઈ નહિ.’ કુમારપાલના શબ્દમાં ભારે મનદુઃખ હતું. વર્ષો સુધી આણે દુઃખ સહન કર્યું છે એ વાત એને લાગી આવતી હતી. ‘તારા આંસુ ઉપર મારે રાજ જોઈતું નથી. પ્રેમલને દુઃખ દેનારો માણસ... એ મારો બનેવી હોય નાં – એને પણ હું ઘડીના છઠ્ઠા ભાગમાં હતો-ન-હતો કરી નાખું, બહેન! જેણે ભારતભૂમિને સાતસાત વખત ખેડી છે – એ આઠમી વખત પણ ખેડી લેશે, પણ તારાં આંસુ ઉપર હું રાજની ઈમારત ઊભી નહિ કરું, બહેન! પહેલી તો આ વાત છે... બીજું બધું પછી. આજ હું આંહીં આવ્યો છું, પણ મને આ વાત શલ્યની માફક ખૂંચી રહી છે.’ તે બોલતો-બોલતો ઊભો થઇ ગયો. પ્રેમલદેવીએ હેતથી એને પાછો બેસાર્યો. ‘વીરા મારા! હજી તો તમે આવ્યા છો. તમે કાંઈ જોયું નથી – ’
‘પણ મેં સાંભળ્યું છે – હું સાંભળતો આવ્યો છું. મારા રાજલોભ માટે હું તને દુઃખ આપનાર માણસની મદદ... પ્રેમલ!...’
‘જુઓ ત્યારે, ભાઈ!’ પ્રેમલે વાતને જુદો જ રંગ લેવરાવ્યો. એ સમજી ગઈ કે કુમારપાલ ક્યાંક બાજી બગાડી દેશે. તેણે શાંતિથી કહ્યું: ‘અત્યારે આ નગરી અજબ છે, તેમ જ તુરંગાધ્યક્ષ સાથે તમને લડાવીને પોતાનો સ્વાર્થ કાઢી લેવાવાળા પણ આંહીં બેઠા છે. કંચનબાના જ માણસો છે, લ્યો ને! એમને સોમેશ્વરની વાત ગળે છે.’
‘પણ ત્યારે તારે દુઃખ નથી, એમ? દેવલ ને તું બંને દુઃખી હો તો મારું જીવતર ધૂળ થાય. મારે તમે બંને પહેલાં, રાજ પછી. તમને છોડાવીને પછી હું રાજ મેળવીશ... હજી મારું શરીર, પ્રેમલ! હજી એ મને ધાર્યું કામ આપે તેમ છે.’
‘ભાઈ! મારા જેવી સુખી મેં તો કોઈ જોઈ નથી –’ વેદના ગળી જતી પ્રેમલ બોલી, ‘મારે એક તો દીકરો છે – લક્ષ્મણજતિ જેવો. આવો મહાલય છે. મોઢરેકનું રાજ ઘેર છે. પાટણની તુરંગસેના અમારે ત્યાં છે. હવે એમાં એક જ ખામી છે.’
‘શી?’
‘મારો ભાઈ રાજા નથી એ!’
પ્રેમલની આંખમાંથી આંસુ પડી રહ્યાં હતાં. એમાં વેદના હતી, દુઃખ હતું, આનંદ હતો – અને શું ન હતું? કુમારપાલને એ જાણતી હતી. ગુજરાતનું રાજ આઘું ખસેડીને એ પહેલાં જંગ માંડી બેસે, તુરંગાધ્યક્ષજી સાથે, એવો પ્રેમાળ હતો, એટલે એણે પોતાની કાંઈ જ વાત એને ન કહેવામાં અત્યારે ડહાપણ જોયું હતું.
એટલામાં તેજદેવ અચાનક દોડતો આવતો લાગ્યો.
બંને ભાઈબહેન શાંત થઇ ગયા.
‘પ્રભુ! તુરંગાધ્યક્ષજી પોતે આવે છે.’
‘જુઓ, આવ્યા નાં પોતે? અમે સૌ તમારી રાહ જ જોઈ રહ્યાં હતા. હંમેશાં તમારા સમાચાર એ મને પૂછે.’
પ્રેમલ ઊભી થઇ ગઈ. ‘ભાઈ, ત્યારે હું પછી તમને મળીશ. કાંઈક મંત્રણા કરવા આવતા હશે અને અત્યારે તો પળેપળની કિંમત છે. ઉદયન મહેતા પણ વખતે સાથે હશે...’