ડ્રીમ ગર્લ 2
- રાકેશ ઠક્કર
આયુષ્માન ખુરાનાની લોકડાઉન પછી રજૂ થયેલી ચારેય ફિલ્મો ચંદીગઢ કરે આશિકી, અનેક, ડૉક્ટર G અને એન એક્શન હીરો ફ્લોપ રહી હતી. એણે દરેક ફિલ્મમાં એક અલગ પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ છેલ્લી કોમેડી ‘શુભ મંગલ સાવધાન’ ની જેમ કોઈ સફળ રહી ન હતી. કેમકે એ પછીની એકપણ સંપૂર્ણ કોમેડી ફિલ્મ ન હતી. ‘ડ્રીમ ગર્લ 2’ પસંદ આવવાનું કારણ આયુષ્માનની કોમેડી વધુ છે.
આ પરથી એવો અભિપ્રાય વ્યક્ત થયો છે કે એણે બીજી ફિલ્મો સાથે કોમેડી ઝોનરની ફિલ્મો પર વધારે ધ્યાન આપતા રહેવું પડશે. બાકી ફિલ્મના રીવ્યુ મિશ્ર આવ્યા હતા. પરંતુ બધાં સમીક્ષકોએ એમ જરૂર કહ્યું હતું કે આયુષ્માનના અભિનય સાથે કોમેડી સારી હોવાથી ટાઇમપાસ તરીકે એક વખત તો જોવા જેવી છે. આયુષ્માને ખરેખર ‘પૂજા’ બનવા ઘણી મહેનત કરી છે અને એ પડદા પર દેખાય છે. ચાલમાં કે ડાન્સમાં જ નહીં દરેક અંદાજમાં એણે છોકરીનો અવતાર સાબિત કરી દીધો છે.
‘ડ્રીમ ગર્લ’ માં આયુષ્માને છોકરીનો અવાજ કાઢીને ચોંકાવ્યા બાદ હવે છોકરી બનવાનો પડકાર ઝીલી બતાવ્યો છે. એ પોતાના પાત્રમાં ઘૂસી જવાની કળા ધરાવે છે. એટલું જ નહીં કરમ અને પૂજા વચ્ચે એ સ્વીચઓવર સહજતાથી કરી ગયો છે. છોકરી બનવાનો અને એક નહીં ચાર પુરૂષોને પટાવવાનો મુદ્દો અસલ જીવનમાં ભલે અશક્ય લાગતો હોય પણ આયુષ્માનના અભિનયનો જ એ કમાલ છે કે પોતાની અદાઓથી મહેફિલ લૂંટી જાય છે. ઘણી વખત એવું લાગશે કે ‘પૂજા’ નો અભિનય ‘કરમ’ પર હાવી થઈ ગયો છે. ‘ડ્રીમ ગર્લ’ માં ફોન પર ‘પૂજા’ ના અવાજમાં પુરૂષોને રીઝવવાનું કામ સરળ હતું. આ વખતે સાક્ષાત પૂજા બનીને પુરૂષોને ફસાવવામાં પણ એ સફળ થાય છે.
ફિલ્મમાં ‘પૂજા’ બનીને થાકી ગયેલો કરમ બનતો આયુષ્માન એના મિત્ર સ્માઇલીને સાચું કહે છે કે છોકરી બનવું બહુ મુશ્કેલ છે અને એનાથી મુશ્કેલ છોકરી હોવું એ છે. આયુષ્માનના અભિનયનો જ કમાલ કહેવાય કે ‘પૂજા’ તરીકે પડદા પર દેખાય ત્યારે ધમાલ મચાવી દે છે. સ્ત્રીના પ્રોસ્થેટિક મેકઅપ વગર પણ ભૂમિકા ભજવી શકાય છે એ સાબિત થયું છે. નાના શહેરના કરમનો એના પિતા સાથેનો સંઘર્ષ અને પરી સાથેની પ્રેમ કહાનીને એણે ન્યાય આપ્યો છે. નિર્દેશક રાજ શાંડિલ્યએ ગઈ વખતની જેમ જ ભરપૂર મનોરંજન પૂરું પાડવાનો દરેક પ્રયત્ન કર્યો છે. છતાં એ માનવું પડશે કે કરમ અને માહી વચ્ચેની વાર્તા જેટલી જમાવટ કરમ અને પરી વચ્ચેની વાર્તામાં કરી શક્યા નથી. જો વાર્તાને થોડી વધુ સંભાળી લીધી હોત તો વચ્ચે ઘણી જગ્યાએ ડગમગી ના ગઈ હોત.
‘ડ્રીમ ગર્લ 2’ માં એક એવા માણસ કરમ (આયુષ્માન) ની વાર્તા છે જે પોતે છોકરી હોવાનો દેખાવ ઊભો કરે છે. તે રોજગારી માટે પિતા જગજીત (અન્નુ કપૂર) સાથે જગરાતા કરે છે. પિતાએ બેંકમાંથી લોન અને લોકો પાસેથી રૂપિયા ઉધાર લીધા હોય છે. કરમને પરી (અનન્યા) સાથે પ્રેમ થયો હોય છે. પણ એના પિતા જયપાલ (મનોજ જોશી) જગજીત જેવા ઉધારીયાને ત્યાં છોકરી આપવા તૈયાર નથી. એ એવી શરત સાથે રાજી થાય છે કે કરમે છ મહિનામાં બધી ઉધારી ચૂકવી દેવાની રહેશે. ત્યારે રૂપિયા કમાવવા એનો મિત્ર સ્માઇલી (મનજોત) છોકરી બનવાનો અને સોનાબારમાં કામ કરવાનો વિચાર આપે છે.
તે કમનથી સેક્સી ‘પૂજા’ નો અવતાર ધારણ કરે છે. દરમ્યાનમાં સંજોગો એવા ઊભા થાય છે કે કરમ ‘પૂજા’ તરીકે શાહરૂખ (અભિષેક) સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. કરમે પરીને પોતે ‘પૂજા’ નું નાટક કરતો હોવાનું કહ્યું હોતું નથી. ‘પૂજા’ બનીને કરમ મુશ્કેલીમાંથી બહાર નીકળે છે કે વધારે ફસાય છે અને બીજી કઈ મુશ્કેલીઓ આવે છે. શું એ પૈસાની વ્યવસ્થા કરીને પરી સાથે લગ્ન કરવામાં સફળ થાય છે? એ જાણવા માટે ફિલ્મ જોવી જોઈએ.
રાજે ‘ડ્રીમ ગર્લ’ ની સફળતાનો લાભ લેવા ‘ડ્રીમ ગર્લ 2’ બનાવી એની સામે કોઈને વાંધો હોય ના શકે પણ વાર્તા એનાથી નબળી પસંદ કરી છે. ‘ડ્રીમ ગર્લ’ ની ફોન પરની પૂજા સાચી લાગતી હતી પણ ‘ડ્રીમ ગર્લ 2’ ની સાવ કાલ્પનિક લાગે છે. વાર્તામાં જે ઉતાર- ચઢાવ આવવા જોઈએ એની કમી લાગશે. કોમેડી ઘણી જગ્યાએ ફિલ્મને બચાવી લે છે. રાજની અગાઉની ફિલ્મ ‘જનહિત મેં જારી’ ની વાર્તા ચોરીની હોવાનો આરોપ લાગ્યો હતો. સારું છે કે આ વખતે એવું કંઇ કોઈએ કહ્યું નથી.
અન્નુ કપૂર, પરેશ રાવલ, વિજય વર્મા, અસરાની વગેરે કાબેલ હાસ્ય કલાકારોને લીધા છે. એમણે તો સારું કામ કર્યું છે પણ ઘણી જગ્યાએ એમના બિનજરૂરી ટ્રેક ફિલ્મને વધારે ખેંચે છે. આયુષ્માન કરમ ઉપરાંત પૂજા તરીકે પણ છે. આમ હીરો અને હીરોઈન એજ હોવાથી અસલ હીરોઈન અનન્યા પાંડેને બહુ તક મળી નથી. કદાચ એના પાત્રની જરૂર ન હતી. એને તક આપવા જેવી હતી એવું લાગે એવો એનો અભિનય પણ નથી એ અલગ વાત છે. એ ચંકી પાંડેની પુત્રી હોવાથી ફિલ્મો મેળવી રહી હોવાનું વધારે લાગશે. છ ફિલ્મો પછી પણ એ પોતાની પ્રતિભા બતાવી શકી નથી.
ફિલ્મનો અંત બહુ ખાસ નથી પરંતુ ટુકડાઓમાં સારી કોમેડી આપી જાય છે. ક્યારેક કોમેડી શૉ જેવી પણ લાગશે. વન લાઇનર સૌથી વધુ હસાવી જાય છે. ‘જબ ફિલ્મ દેખને ગયા તો સની દેઓલ કી જગહ સની લિયોની ગદર મચા રહી થી’ જેવા વાક્યો વાર્તા સાથે દર્શકોનું વધારે જોડાણ કરી આપે છે. રાજપાલ યાદવ સારું હસાવી જાય છે. સીમા પાહવા પોતાના અંદાજથી મનોરંજન પૂરું પાડે છે. લોજીક વાપરવાથી મજા આવે એમ નથી. ફિલ્મનું ગીત- સંગીત મદદરૂપ બનવાને બદલે કમજોર કડી બને છે. ‘દિલ કા ટેલિફોન 2.0’ ને બાદ કરતાં કોઈ ગીત પ્રભાવિત કરતું નથી. જમનાપાર, નાચ કે મેં મરજાવાંગી પ્રભાવિત કરતા નથી. બેકગ્રાઉન્ડ સંગીત સારું છે.
****