૨૯
ખર્પરક પણ થંભી જાય છે
જેમજેમ દિવસો જતા ગયા, તેમતેમ રા’ ખેંગારને ચટપટી થવા લાગી હતી. પંદર દિવસ તો જોતજોતામાં વહી ગયા. મહીડાને આપેલી પહેલી મુદત તો ચાલી ગઈ. બીજી મુદત પણ ચાલી ન જાય તે માટે એણે દેશળને અને વિશળને રાયઘણ સાથે તુરત જ નીકળવાનું કહેવરાવ્યું હતું. રાયઘણ આવવાની હરપળે રાહ જોતો હતો. મહીડાજીને માપવો બાકી હતો. એણે દેવડાજીને ત્યાં રહેવાનું તો ક્યારનું છોડી દીધું હતું. એ અવારનવાર મુંજાલ મહેતાને મળતો, પણ દેવડીની વાતની લેશ પણ ગંધ ક્યાંય ન જાય એની પૂરેપૂરી તકેદારી રાખી રહ્યો હતો. દેવડોજી પોતે જે જાણતો તે બોલે તેમ ન હતો, કારણ કે એને તો એમાં નુકસાન હતું. વળી, એ હમણાં અવારનવાર કચ્છપંથકમા જતો-આવતો, એટલે ખેંગારને એ તરફથી તો નિરાંત હતી. તે દિવસે પોતે લચ્છીને સાંભળી ત્યારે ઝાડ ઉપર બીજો જણ પણ હતો. જાણ્યા પછી એણે એ રસ્તો જ ત્યજી દીધો હતો. દેવડીને પણ ચેતવી દીધી હતી. રાયઘણ આવે, પોતાની યોજના થાય, ત્યાર પછી પોતે એક દિવસ આવશે અને એ દિવસે તો જૂનાગઢનો પંથ લેવાનો હશે – એવો સંકેત ક્યારનો થઇ ચૂક્યો હતો. હવે રાયઘણ આજે આવી રહ્યો હતો. કાલે મહારાજને મળવાનું હતું.
ખેંગારને અચાનક એક મિત્ર મળી ગયો. ઠારણ વિષે એને શંકા તો હતી, પણ ઠારણનો છદ્મવેશ એટલો તો સંપૂર્ણ હતો – ભાષા, વેશ, કેશ, ગાત્ર – એ તમામમાં એણે એવી તો અદ્ભુત કારીગરી કરી હતી કે હજી ખેંગાર એને ઓળખતો હતો, છતાં જાણે કે પૂરેપૂરો ઓળખી શક્યો ન હતો.
અધરાતે ખેંગાર દેવડાજીના વાડા પાસેથી નીકળ્યો. રાયઘણ પાટણમાં પ્રવેશ કરે ને મહારાજને મળે તે પહેલાં તેને મળી લેવાનો એણે વિચાર હતો. સવાર વખતે દોડાદોડમા એ વાત જ રહી જાશે. તે દેવડાજીના વાડા પાસેથી પસાર થતો હતો, પણ રાંગની નીચેથી આવી રહેલા અત્યંત ધીમા અવાજે એના પગને જરાક થંભાવી દીધા. તેણે કાનને જમીન સાથે મેળવ્યો. એને કાંઈક શંકા પડી. તે ઝપાટાબંધ પાસેના રસ્તા ઉપર જ જમીનસરસો લાંબો થઈને સૂઈ ગયો, વધારે વખત તો ન હતો. એની આડે મોટો માટીનો ઢગલો પડ્યો હતો.
થોડી વાર થઇ... અને ખેંગારે ભુર્ગભમાંથી શિલા ધીમેથી ઊંચી થતી જોઈ. બે ક્ષણમાં તો એક માણસને માટીના ઢગલાથી થોડે દૂર આવીને ઊભેલો જોયો.
‘કોણ હશે?’ એના મનમાં મોટો પ્રશ્ન થયો. તે શાંત પડ્યો રહ્યો.
બીજી બે પળ વીતી અને એણે એક ધીમો અવાજ પકડી લીધો: ‘જોયું નાં? ખબર પડી કોઈને? આપણે બહાર પણ આવી ગયાં!’
‘ઠારણ!... તારી વાત સાચી છે. આ ભોંયરા વાટે આપણે બહાર આવ્યાં. એ જ પ્રમાણે મોટા રસ્તા મારફત કોટિધ્વજ પણ નીકળી શકે. તેં કોટિધ્વજને એમ કેળવ્યો પણ છે. કોઈને ખબર ન પડે તેવી રીતે તારી બંને ભોંયરાની ગોઠવણ છે, પણ તું તારી રીતે તારું કામ કર્યે જા. દેવડી – રા’ની રાણી આવી રીતે ભાગે, તો રા’નું નામ લાજે! એ તો એની રીતે ભાગશે!’ ખેંગારને અચંબો થયો. બોલનાર દેવડી હતી. તે સાંભળી રહ્યો. મનમાં ને મનમાં એણે દેવડીની મૂર્તિ નીરખી લીધી. સામે ઠારણ ઊભો હતો.
‘મેં તો તમારા ઉપર વિશ્વાસ મૂકીને મારી વાત તમને કરી નાંખી છે. અમારી તો ખર્પરક-કર્પદકની જુગલજોડી છે. અમે તો આવાં સાહસ કરતા આવ્યા છીએ. તમને ખબર નહિ હોય, ઉજ્જૈનીમા અમારી ગાદી છેક વીર વિક્રમના સમાથી ચાલતી આવે છે. એ ગાદીએ જેટલા ખર્પરક – કર્પદક આવે એ તમામેતમામ મા ભવાનીનું સાંનિધ્ય સેવે, દુનિયાને મુગ્ધ કરનારું સાહસ કરે, ચોપાટ-સોગઠાં રમે, જિંદગીને કોઈ અજબ જેવા જુગારી રંગથી રંગી જાણે. અમારે મન દુનિયામાં સમયનું અસ્તિત્વ નથી. તમે સૌ જેનાથી ધ્રૂજો છો એ કાળ અમારે માટે નથી. અમારે તો રાત ને દિવસ – ચોવીસે ઘડી ને આઠે પહોર- કાંકરી ગાંડી થતી હોય કે રાજા શેહ પામતો હોય! અમારે મન સમય કાંઈ જ નથી! મારે તો કોટિધ્વજ લઇ જવાનો છે. તમારે આવવું હોય તો ખેંગારજી હજી અહીં હશે, ત્યાં તમને જૂનોગઢની ગિરિમાળા દેખાડી દઉં. મને એમાં સાહસ સિવાય બીજો કોઈ રસ નથી!’
‘એમ મારાથી ન નીકળાય, ઠારણ! હું તો રા’ની સાંઢણી સોનરેખ હાંકતી હોઉં! આમ ન હોય!’ દેવડી બોલી.
‘પણ ભલાં થઈને... કોઈને આ વાત કહેતાં નહિ. આ તો તમને ખાતરી કરાવી દીધી કે બહાર નીકળતાં આટલી જ વાર! ને કોટિધ્વજ આંહીં ન હોય – તો તમને નિરાંત. પાછળ પડીને તમને પહોંચશે કોણ?’
‘કોટિધ્વજ આંહીં ન હોય...? એ તેં શું કહ્યું?’ દેવડીએ પૂછ્યું.
‘કોટિધ્વજ તો કાલે ઊપડી જાશે. પરમ દિવસે આ ઘોડાર સળગશે. પણ તમે આઘાંપાછાં થઇ જાજો!’
રા’ આશ્ચર્ય પામીને ઠારણમાંથી ઊભી થતી ખર્પરકની વાત સાંભળતો હતો. તે મનમાં ને મનમાં ઠારણને ધન્યવાદ આપી રહ્યો. મારો બેટો આ મહાઠગ પાટણને ઠીક મળ્યો છે! એણે પોતાની સોનરેખને જૂનોગઢને માર્ગે ઝપાટાબંધ ધસતી – ને કોટિધ્વજ વિના સિદ્ધરાજને હાથ અફાળતો કલ્પનામાં જોયો. તે મનમાં ને મનમાં ખર્પરક ઉપર ખુશખુશ થઇ ગયો. એટલામાં દેવડીનો બોલ એણે સંભળાયો અને એ થંભી ગયો. દેવડીના શબ્દનો રણકો એણે કોઈ મહાસત્વશાળી ધાતુના રણકા જેવો કાને પડ્યો:
‘ગમે તેમ, પણ તું તો જુગારી છે, ઠારણ! રા’ જૂનોગઢના જુગારી નથી. એ તો જોદ્ધો છે. આંહીં પાટણમાં કોટિધ્વજ ન હતો માટે રા’ ઘા મારી ગયા – તારા મનને એ વાત નિર્માલ્ય લાગે, રા’ની તો યાવચ્ચંદ્રદિવાકરૌ કલંકકથા બની જાય. કોટિધ્વજ તારાથી હમણાં નહિ લઇ જવાય!’
‘હમણાં નહિ લઇ જવાય?’ ખર્પરક તો આશ્ચર્યમાં થંભી ગયો. એણે તો માન્યું હતું કે દેવડી એણે આ વાતમાં મદદ કરશે. એણે જુગારીને પણ દિલની આ દિલાવરી સ્પર્શી ગઈ. ‘પણ તમને ખબર છે, તમે શું કરી રહ્યાં છો? તમે ભયંકર જુદ્ધને નોતરી રહ્યાં છો! તમારો પોતાનો નાશ વહોરી રહ્યાં છો! કોટિધ્વજ આંહીં હશે, તો તમે જૂનોગઢ પહોંચી રહ્યા! રસ્તે જ જુદ્ધ જાગશે એનું શું?’
‘જુદ્ધથી ભડકવાનું કોને હોય? રા’ને? રા’ કોઈ દિ’ જુદ્ધથી ભડકતા નથી.’
‘પણ ત્યારે તો... મારી... વાત...’
‘તારી વાત ભોંમાં ભંડારાઈ જાશે એ વિષે તું નિશ્ચિંત રહેજે. પણ કોટિધ્વજને લઇ જવાનો સહેજ પણ જો પ્રયત્ન તે કર્યો... તો...’
‘પ્રયત્ન શું...? હમણાં હું મૂંગો જ મરીશ...’
‘તે ભલે. રા’નો – જૂનોગઢનો કીર્તિધ્વજ તો કોટિધ્વજ આંહીં હોય ને સોનરેખ હાથ મારે એમાં રહ્યો છે. અમારે તો જુદ્ધના દાવ ખેલવાના છે. જુગારના નહિ.’
ખેંગાર પોતાનો પોંચો કરડી રહ્યો. એના દિલમાં એક અજબ જેવી વીજળી ચાલી ગઈ. આજ દેવડીએ એણે ચોર થાતો બચાવ્યો હતો. એ દેવડીને મોંએ પોતે વાત કરી ગયો હતો એ એને સાંભરી આવી. દેવડીએ તો એ શબ્દેશબ્દ સાચો માન્યો ને પોતે તો ત્યારે માત્ર બોલવા ખાતર બોલ્યો એમ જ સમજવું નાં? ખર્પરકના શબ્દે એણે જરાક પણ આનંદ થયો, એનો ખેદ એને બાળી રહ્યો. એણે પ્રગટ થઈને દેવડી પાસે ક્ષમા માગવાનું મન થઇ આવ્યું, પણ એ શાંત પડ્યો રહ્યો.
બે પળ પછી દેવડી ને ખર્પરક અદ્રશ્ય થયાં, એટલે ખેંગાર પોતાને માર્ગે પડ્યો. પણ હવે રાયઘણ આવ્યો હતો; એની પાસે પણ કાંઈક આવી જ વાત હશે તો – એ વિષે એનું મનોમંથન ચાલી રહ્યું.