Featured Books
શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 20

૨૦

રા’ નવઘણની મૃત્યુશય્યા

સોરઠનો સિંહ પોતાની ગુફામાં છેલ્લા શ્વાસ લેતો હતો. આસપાસ જીવનભર અણનમ રહેલાં કેટલાક સામંતો બેઠા હતા. ઢોલિયાની પાસે ઓશીકા બાજુ રાણી બેઠાં હતા. રા’ના કપાળ ઉપર એમનો હાથ હતો. આંખમાં આંસુ હતા. ખૂણામાં ત્રિપુંડ લગાવીને બ્રાહ્મણો મૃત્યુંજયનો પાઠ કરવા બેસી ગયા હતા. રા’ના કુંવર રાયઘણ, શેરઘણ, ચંદ્રચૂડ ઢોલિયા સામે ઊભા હતાં. સર્વત્ર શોકની છાયા હતી.  રા’નો જીવ જાતો ન હતો. તે ઢોલિયામાં આમથી તેમ પછડાતો હતો. આંખો એની  બંધ હતી. દસોંદી ભાટ ને ચારણો ભેગા થઇ ગયા હતા. એક તરફ ઘીના દીવા પાસે બેસીને એક બ્રાહ્મણ જળયંત્ર જોઈ રહ્યો હતો. રા’ના જીવનત્યાગની ઘડી, એની ગણતરી પ્રમાણે હજી આવી ન હતી. તે હાંફળોફાંફળો ઊઠ્યો, ઢોલિયા પાસે આવ્યો, રા’ની સામે જોયું, પછી રાણી પાસે સર્યો, ધીમેથી બોલ્યો: ‘રા’ની છત્રીસ ઘટિકા પહેલાં ઉપાડે તો ખુદ યમદેવને પણ આંહીં ઊભા રાખીને પ્રશ્ન કરું! ચંદ્ર, સૂર્ય ને નક્ષત્ર જેની ગણતરીએ પગલાં માંડે છે, એની ગણતરી ખોટી પડશે ત્યારે તો પૃથ્વી રસાતાળ જાશે, બા! ને ઘડીમાં જ ખેંગારજીને આવ્યા દેખાડું!’

એ બોલીને હજી પાછો પણ નહોતો ફર્યો, ત્યે એક અનુચર બહારથી દોડતો આવ્યો દેખાયો. સૌએ બોલ્યા વિના જતેની સામે જોયું: ‘કુમાર ખેંગારજી આવ્યા છે!’ અનુચરે બે હાથ જોડ્યા. ‘સાંઢણી આ દરવાજે રહી –’ 

‘હેં! આવ્યા? હેં!’ એકીસાથે સામંતોનો અવાજ આવ્યો.

‘આવ્યો?’ રાણીએ પૂછ્યું, ‘ક્યાં છે?’

‘કોણ આવ્યું?’ રા’એ અચાનક આંખ ઉઘાડી નાખી. એનામાં જાણે ચેતન આવ્યું હતું.

સામેથી એક આકર્ષક તેજસ્વી  યુવાન અવી રહ્યો હતો. એની દ્રષ્ટિમાં આખી સૃષ્ટિને મોહ થાય એટલી મોહિની ભરી હતી. ચહેરો એનો એક અનોખા જ પ્રકારની તેજસ્વિતા પ્રગટાવી રહ્યો હતો. એનામાં કાંઈક એવું હતું કે એની પડખે ઊભા રહેતાં જ જીવનનો મહિમા વીસરી જવાય ને મૃત્યુની મોહક છાયાનું આકર્ષણ થાય. મૃત્યુને હાથમાં રમાડનારા, રૂપાળા, આકર્ષક, વીર તરુણો, કોઈકોઈ વખત આ પૃથ્વી ઉપર રમવા માટે ભૂલા પડી જાય – એ ભૂલા પડેલા વર્ગનો આ એક અત્યંત સુંદર જુવાન હતો. એ દોડતો આવી રહ્યો હતો. તેણે રા’ના પ્રશ્નનો અધીરાઈથી દૂરથી જ ઉત્તર વાળી દીધો: ‘એ તો હું આવ્યો છું, બાપુ! હું ખેંગાર!’

‘કોણ, ખેંગાર આવ્યો, દીકરા? ભલે આવ્યો, ભા! ભલે... પણ સબળ જયદેવે તને નીકળવા દીધો?’

રા’ નવઘણ રણમાં નાગવેલ સાથે સપડાયો ત્યાંથી કચ્છના ઘાંઘા રબારીને થાપ આપીને માંડમાંડ ભાગી છૂટ્યો હતો. પરંતુ આ બીજી વખતે પણ પાંચાળમાં સિદ્ધરાજે ભિડવ્યો હતો ને શરણું સ્વીકાર્યું ને ખેંગાર પાટણમાં રહે – રા’ જીવતો હોય ત્યાં સુધી – આ ગોઠવણ સ્વીકારી ત્યાર પછી જ એને જૂનાગઢ આવવા દીધો હતો. એક દિવસ એની જિંદગીનો સૌથી આકરો લાગ્યો હતો. નાગવેલ માંદગીને લીધે કમજોર થયેલી, એટલે એ ફરી વાર સપડાઈ ગયો. પણ જૂનાગઢ પાછા ફરતાં તો નાગવેલ પણ ફાટી પડી. એ વાતને દિવસો વીતી ગયા. પણ રા’ એ વાત ભૂલ્યો નહિ. ખેંગાર ઘણુંખરું પાટણમાં રહેતો કે એને રાખવામાં આવ્યો, એમાં સિદ્ધરાજનો વગર કહ્યાનો સંકેત આ હતો કે રા’ નવી હિલચાલ ન કરી શકે. એટલે એણે સિદ્ધરાજ વિષે પૂછ્યું.

‘થાપ આપી, બાપુ!’

‘હાં, મારો બેટો... ખરો!’ રા’નો અવાજ આનંદથી ડોલી ઊઠ્યો કે પાસેના સૌને એક પ્રકારનો હર્ષ થઇ ગયો. પણ એ આશા ઠગારી હતી. એટલો ઉત્સાહ રા’ના શરીરને થકવવા માટે બસ હતો. એક ક્ષણ એ પાછો બોલ્યો નહિ.

‘થાપ મારી નાં, ખેંગાર?’ રા’એ પાછો પ્રશ્ન કર્યો: ‘હવે તો વળી કાંક પૂછડું વળગાડ્યું છે ને તારા એણે?’ ‘રાજાએ’ એમ પણ રા’ બોલ્યો નહિ.

‘હા, બાપુ! બર્બરકજિષ્ણુ જયસિંહ સિદ્ધરાજ!’

‘ઓહોહોહો! કાંઈ લાંબુ પૂછડું છે! ત્યાં ગુજરાતમાં વાંદરાનું જોર રિયું નાં – ત્યાં પૂછડાંનુંય જોર! મારું બેટું એક બાબરું હાર્યું એમાં તો આવડું લાંબુ લપશીંદર જેવું નામ રાખ્યું! ને કે’ છે, સક્કા પાડ્યા છે!’

‘હા, બાપુ! વીર વિક્રમને પગલે એને જાવું છે!’

‘થયું તૈં, એનું નાક જ વાઢો! જૂનોગઢ ઠેઠ કાશી-કાશ્મીર સુધી લોકની જીભે ચડી જાય! ખેંગાર! હવે, બેટા! હું તો જાણે ઘડી-બે-ઘડીનો મહેમાન છું. તારી જ રાહ જોવાતી હતી, જાવું તો સૌને વસમું લાગે; કામ પૂરું કર્યું હોય એને મીઠું લાગે!’   

‘ભગવાન સોમનાથ હજી તમને બેઠા કરશે, બાપુ! ને તમે જ કામ પૂરાં કરશો!’

‘હવે, બેટા, બસ! ભગવાન આબરૂ-સોતો ઉપાડે લ્યે, એટલે થ્યું... રાણી!’

રાણીએ ડોકું લંબાવ્યું. તેણે ધીરેથી રા’ના કપાળે હાથ મૂક્યો. બીજે હાથે જરા વીંઝણો નાખ્યો.

‘તમે રાણીપદે હતાં,’ રા’ જરાક ફિક્કું હસ્યો, ‘પણ મેં તમને મહારાણી ક્યારેય માન્યાં નથી. મહારાણી તો મારી એક જ હતી – નાગવેલ. બીજી વાર એ ફસકી: પછી એક હજાર દી ગ્યા, પણ મને ઈ એક હજાર જુગ જેવા લાગ્યા છે! એના વિનાની જિંદગી પછી વેઠિયા વેઠ જેવી ગાળી કાઢી. સિંહાસન જ ગ્યું સમજો ને! ઓહોહો! મહારાણીએ કાંઈ મારી હારે વગડો ને વિગ્રહ માણ્યાં છે! હજી બીજે જન્મારે તમે રાણી હો, એ મહારાણી હોય, જૂનોગઢનો વગડો રખડવાનો હોય, દુશ્મનો આવા ને આવા મળ્યા હોય, રા’ની આબરૂ રણક્ષેત્રમાં રહી ગઈ હોય – જિંદગી એક શું, એવી તો હજાર માણતાંય ધરવ નો થાય!’

‘કહ્યું છે નાં કે તરવાર, તુરંગ ને તરુણી – ત્રણ જોડનાં મળ્યાં તો માણસ જિંદગી તરી ગ્યો! મને ત્રણેય જોડનાં મળ્યાં! હું તો હવે તરી બેઠો છું, ખેંગાર! પણ રા’ તો વંશપરંપરા વેર વરસમાં મૂકતા આવે છે. તમેય બાપ! વેર મૂકતા જાજો, ગાડી જૂનોગઢની, વેર વિનાની નમાલી નો કરતા, બાપ! મારેય તમને વારસામાં વેર સોંપવા છે. મને જરાક ટેકો દ્યો, રાણી! હું જરાક બેસું...’ રાણીએ રા’ને હાથનો ટેકો દઈને બેઠો કર્યો. રા’ ઢોલિયામાં જરાક ઢળતો બેઠો. રાણીએ પાછળ તકિયો સરકાવ્યો. રા’એ પાછળ હાથ કરીને એ કાઢી નાખ્યો: ‘રાણી! એનો આધાર રા’ને આજ હવે નો’ય. ત્યાં ઢાલ મૂકો મારી!’

રા’ને બોલતાં થાક ચડી ગયો. એમાં બેસવાનો શ્રમ એને ભારે પડી ગયો. પણ એ મન મારીને અણનમ બેઠો રહોય. તેણે બધા દીકરા ઉપર એક પછી એક દ્રષ્ટિ ફેરવી. તેનું મન જરાક ખિન્ન થયું. ત્રણમાંથી કોઈના મોં ઉપર જુદ્ધનો જુનવાણી રણરંગી રસ એણે ન દીઠો, ‘કરીએ તો સારું’ એવી લોકની શરમ ત્યાં એણે જોઈ. તેણે રાણી સામે જોયું. રાણી એનો ભાવ કળી ગઈ. ‘રાણી! નાગવેલ તો ગઈ, એટલે શું કહું તમને! પણ જુનાગઢની ગાદીની આબરૂ, વખતે તમારે રાખવાનો વારો આવશે હોં! સાંઢણી હજી હાંકી જાણો છો કે?’

‘ભગવાન સોમનાથ તમને સો વરસના કરે, મારા રા’! પણ વખત એવો આવશે તો હું બેઠી છું. તમારું પડખું સેવ્યું છે. પણ કેમ સૌ મૂંગા ઊભા છો, ચાંદા?’

‘બાપુના અધૂરાં કામ તો વેઢે છે, મા! પણ પૂરા કરવાં એ કાંઈ છોકરાના ખેલ નથી. ભોયરાનો કિલ્લો તો ભાંગે! સૌથી મોટા રાયઘણે કહ્યું, ‘પણ ઉમેટાનો હંસરાજ મહીડો, ક્યાં મહીકાંઠો ને ક્યાં સોરઠકાંઠો...! એનું શું થાય?

‘મહીડાને તો હું મારું, બાપુ!’ બીજા શેરઘણે કહ્યું, ‘પણ પાટણનો દરવાજો – એ કાંઈ તૂટે? સિદ્ધરાજ બેઠો છે, જગદેવ ત્યાં છે, ત્રિભુવનપાલ છે, મુંજાલ મહેતા છે – અને પાટણનો દરવાજો કોઈ ભાંગી જાય – એ કોઈ ભાંગે? અને હવે આપણી નાગવેલ ક્યાં છે?’

‘મારા નામે દરવાજો હું તોડું!’ ચંદ્રચૂડે કહ્યું ‘પણ સિદ્ધરાજના દસોંદીના ગાલ ફાડવા એ કામ હું નહિ કરું!’

‘જૂનોગઢની ગાદી તો, દીકરા! વંશપરંપરા વેરની સોંપણી કરતી આવી છે. આજ પણ એ ગાદી તો એને વરશે, જે આ ચાર કામ કરશે. છે તમારા કોઈમાં પાણી કે પછી રાણી મને પાણી આપે? બોલો!’ રા’ને થાક ચડ્યો. તે આંખ મીંચી ગયો. એનું જાણે કોઈ સ્વપ્નું મરી ગયું હતું.

એટલામાં તો ખેંગાર આગળ આવ્યો. રાણી તેની સામે જોઈ રહી. ‘બાપુ!’ રા’એ આંખ ઉઘાડી નાખી. નેહભરેલી ભીની આંખે એ ખેંગાર સામે જોઈ રહોય. ‘હું ખેંગાર, બાપુ! તમારી પાસે પાણી મૂકું છું – ચારેચાર કામ હું કરું: ભોંયરાને ભોંભેગો કરું, મહીડાને મારું, દરવાજો પાટણનો તોડું, પણ પાટણ રાજાનું નાક પણ કાપું...’

‘વેંત ભરીને હોં!’

રા’ના મોં ઉપર અનેરું તેજ આવી ગયું.

‘બરાબર વેંત ભરીને, બાપુ! જુગજુગાંતરમાં નાક વાઢવાની કથા રહી જાય!’ 

‘હં... મારો બાપ! રાણી! આ ગાદીનો વારસો આને શોભે... ખેંગાર!’

‘અને બાપુ! દસોંદીના ગાલ પણ ફાડું!’ ખેંગારે કહી નાખ્યું.

સામંતોમાં અરેરાટી ફેલાઈ ગઈ. ચારણ-ભાટો સ્તબ્ધ થઇ ગયા. ચંદ્રચૂડ ખેંગાર સામે જોઈ રહ્યો. રાણી પણ એક ઘડીભર ક્ષોભ પામી ગઈ. બ્રાહ્મણો ફાટી આંખે તાકી રહ્યા. 

‘કટારથી નહિ હોં, બાપુ!’ ખેંગારે તરત કહ્યું, ‘પણ આ એક એક કામ થાય – ને દુશ્મનનો દસોંદી પણ મોંમાં આંગળાં નાખી જાય. એ તો ચારણ છે, એ તો પરાક્રમનો ગવૈયો છે. એ ક્યાં કોઈ માણસનો ગવૈયો છે. સિદ્ધરાજનો દસોંદી પણ ફાટી આંખે, ધોળા દીનાં આ પરાક્રમ ગયા વિના રહી શકે જ નહિ: એના ગળામાંથી ગાણું જોર કરીને બહાર નીકળે. અને એ એકએક છંદ છોડે ને હું હીરા, માણેક, મોતીથી એના ગાલ ઠાંસીઠાંસીને ભરું, બાપુ! એના ગાલ ફાટી જાય!’

‘અરે! રંગ છે રંગ! ખેંગાર! જૂનાગઢના રા’! રંગ છે તને! બુદ્ધિ તો બાપ!  તેં બતાવી. ને તું જ નાક જેસંઘનું કાપવાનો!’ રા’ નવઘણ રંગમાં આવીને બોલી ઊઠ્યો. એણે લાંબો હાથ કરીને રા’ખેંગારનો હાથ પકડ્યો: ‘બેટા મારા! રંગ છે તને! રંગ છે આ પડખેથી આ લે, જૂનાગઢના રા’ની જુગજુગ જૂની સમશેર. એને અરિ વિનાની રાખતો નહિ, બાપ! અને અરિ વિનાની કોઈને સોંપતો અહીં, ભા! જાવ મા!... હવે તમને તમારો આ પુત્ર સંભાળશે!’

રા’એ બે હાથે તલવાર લઇ, મૂઠ ને પીંછે પકડી, એને ભાવથી ઉંચી કરી, પોતાને મસ્તકે અડાડી, ભાવપૂર્વક એને પ્રણામ કર્યા ને ખેંગારના હાથમાં એ સોંપી દીધી. 

સામંતો, મંત્રીઓ, રાજકુમારો, અનુચરો – સૌના કંઠમાંથી એક અવાજ નીકળ્યો: ‘રા’ ખેંગારનો જય!’

‘રાણી, હવે મને ગંગાજળ આપો. તમારા હાથનું છેલ્લુંવેલ્લું પાણી પી લઉં. આજ હવે સુખની અવધ થઇ ગઈ છે. હવે એમાં બીજું કાંઈ હાલે એમ નથી.’

રાણીએ રા’ને મોઢે પાણીનું પવાલું ધર્યું ને રા’નું માથું ઢળી પડ્યું. ગિરિમાળાના ડુંગરને ખબર પડી કે એનો અણનમ રા’ ગયો. સોમનાથનો ભક્ત ગયો, સોરઠનો સિંહ ગયો... અને એના મનમાં હોય તેમ દિનકર પણ ઝાંખો થઇ ગયો.