Featured Books
શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 12

૧૨

રા’નું શું કરવું?

રા’ને જયસિંહદેવે જતો રોક્યો હતો ને હમણાં એને દેખરેખમાં રાખ્યો હતો એ વાતની સાંતૂને જાણ થઇ હતી ને એ અતિ સાહસિક લાગી હતી. મુંજાલના કહેવાનો ભાવાર્થ એ એવી રીતે સમજ્યો હતો કે દંડનાયક પણ આ નીતિનો તો વિરોધી છે જ અને એ સાંતૂની વાતને સમર્થન આપે છે. રાજમાતા તો અત્યારે રા’ને છંછેડવાની વિરુદ્ધ જ હતાં. જગદેવ ગયો, એટલે સાંતૂએ પોતાની રાજનીતિની રેખા પ્રકટ કરવાની તક લીધી: ‘હવે પાછું મહારાણીબા! આના વિષે પણ સંભાળવું તો પડશે જ. ગમે તેમ પણ એ પરમાર છે. આના કરતાં તો રા’ જેવાને સાધ્યા હોય તો ખપ લાગે!’

‘પણ રા’ – રા’ કાંઈ માને? તેઓ તો તરત ઊપડી ગયા. તમે ન જોયું?’

‘ઊપડી ક્યાં જશે? ઊપડી કાંઈ નથી ગયા!’

‘ત્યારે?’

સાંતૂએ એક દ્રષ્ટિ જયદેવ તરફ કરી: ‘મહારાજને ખબર છે. કેશવ રા’ને પાછા લાવ્યો છે!’

‘આંહીં છે? હેં, જયદેવ?’ મીનલને આશ્ચર્ય થયું, ‘તેં વળી ક્યાં એને પાછો આણ્યો? અત્યારે એ ક્યાં કર્યું?’

‘છે તો આંહીં!’ જયદેવે કહ્યું.

‘પણ આ તો તેં હવાને બાંધવાનું નથી કર્યું! એ તો રા’ છે. ઉપર આ બર્બરકનું ગાજે છે ત્યાં સુધી તો એને શાંત રહેવા દીધો હોત!’

‘હવાને પણ બાંધવામાં કાંઈ વાંધો નહિ.’ સાંતૂ બોલ્યો, ‘પણ અત્યારે સમો જુદો છે. હજી ક્યાં બગડી ગયું છે? કાંઈ નિમિત્ત બતાવીને છોડી મૂકવો, કેમ દંડનાયકજી?

સાંતૂના પ્રત્યુત્તરમાં ત્રિભુવને સંમતિ કે અસંમતી કાંઈ દર્શાવી નહિ.

સાંતૂને શંકા પડી. મુંજાલે એને ખોટું તો નહિ કહ્યું હોય? પણ તેણે વાત શરુ કરી દીધી હતી એટલે અદ્ધર મુકાય તેમ ન હતી.

‘પણ, જયદેવ! ભાઈ! રા’ તો હવા છે. હવા કાંઈ બાંધી રખાય? સાંતૂ મહેતા કહે છે તે બરાબર છે. જાવા દે એને. ચંદ્રચૂડને બોલાવવાનું નિમિત્ત કાઢીને એને અત્યારે તો જાવા દ્યો. બર્બરકનું ગાજે છે. એમાં આ નાચકણાનું કુદકણું થાશે!’

મુંજાલ સાંભળી રહ્યો. પોતે સૂચવ્યો હતો તે માર્ગ હવે નકામો હતો. હવે તો મહારાજ પોતે જે જવાબ આપે તે સાંભળવાનો સમય હતો. તેણે એક છાની દ્રષ્ટિ દંડનાયક ઉપર કરી. દંડનાયકને જયદેવના પ્રત્યુત્તરમાં શ્રદ્ધા હોય તેમ એ તો શાંત બેઠો હતો.

‘મા!’ થોડીવાર પછી જયદેવ બોલ્યો. એનો અવાજ દ્રઢ હતો. ‘રા’ને કેશવે પાછો પકડી આણ્યો છે. મારા કહેવાથી એણે એ કર્યું છે. હવે રા’ નહિ છૂટે. એણે પાટણની રાજસભાની અવગણના કરી છે!’

‘પણ, જયદેવ!... આ રા’ નાક કાપી જાશે ને ભાગી જાશે!’

‘તો જૂનાગઢના કોટકિલ્લાનો એક પથ્થર પણ હવે નહિ રહે. હવે પાટણને અવગણીને કોઈ જીવી નહિ શકે – પછી એ રા’ હોય કે માલવા હોય. મેં રાજનીતિની આ રેખા ઘડી છે. ને એના ઉપર તમારા આશીર્વાદ હોય એટલે બસ!’

થોડી વાર કોઈ કાંઈ બોલ્યું નહિ. મહારાજનો નિશ્ચય અફર હતો. સાંતૂ મહેતાનો અવાજ વધારે ગંભીર થયો.

‘મહારાજ! સમય પ્રમાણેની રાજનીતિ વિના ક્યાંય રાજ સરજાતાં નથી. અત્યારે બર્બરકનું ઉપર ગાજે છે. આ દંડનાયકજી રહ્યા – એમને પૂછો. તેઓ કહેશે, લાટમાં શાંતિ દેખાય છે ખરી, પણ શાંતિ છે નહિ. એમાં પાછું રા’નું વધારવું એમ?’

‘ત્યારે આપણને એ ભલે અવગણે, એને નમતા-ભજતા રહેવું, એમ? એક વખત જરાક નમતું જોખનારો વધારે જોખમ ખેડે છે કે બિલકુલ નમતું ન આપનારો વધારે જોખમ ખેડે છે? આ રા’ આપણને આજે આટલું અવગણશે તો કાલે પાટણ ઉપર દોડશે.’

‘પણ એ કેટલા દી? બર્બરક ન હોય, લાટનું થાળે પડે, પછી એને ક્યાં માપી ભરાતો નથી?’

‘એક પછી એક સૌને માપવા જશું તો સૌ ટાપલી મારતા રહેશે. મહારાજ કર્ણદેવે જેમને મંડળેશ્વર ગણ્યા હોય, માંડલિક માન્યા હોય, દંડનાયક, સામંત, કે જે કાંઈ અધિકાર સોંપ્યો હોય એ અધિકાર પ્રમાણે પાટણના સિંહાસન પ્રત્યે એમણે વર્તવું જોઈએ. રા’એ પાટણની સભાને અવગણી છે. હવે એ નહિ છૂટે. હમણાં એ આંહીં જ રહેશે. બર્બરકનો વિજય થાશે ત્યારે જોઈ લેવાશે.’ 

સાંતૂને પોતાનો તેજોભંગ થતો લાગ્યો. મહારાણી એ કળી ગયાં. એટલામાં મુંજાલ બોલ્યો. પોતાનો અભ્યુદય કરવાની સોનેરી પળ એ જવા દેવા માંગતો ન હતો. 

‘એમ કરીએ તો, મહારાજ! રા’ને હમણાં છોડવો નહિ, પણ આપણે દાણો તો દાબીએ! વખત છે ને બર્બરક વિશેની કાંઇક નવીન ઉપયોગી માહિતી એની પાસેથી મળી આવે તો? કોને ખબર છે? એને પૂછી તો જોઈએ – ચંદ્રચૂડ વિષે પૂછી જોઈએ – એ રીતે એનો દાણો તો દાબીએ! આપણને લાગે છે કે રા’ ઉપયોગી થાય તેમ છે, તો છોડી મૂકીએ, નહિતર શું કરવા હમણાં છોડીએ?’

‘હા, જયદેવ! એ ઠીક લાગે છે...’ મીનલે કહ્યું.

‘જુઓ મા! તમે બોલશો એટલે તરત રા’ને હું છોડી દઈશ, હમણાં જ છોડી દઈશ. આ સાંતૂ મહેતા એમ કહે છે કે આપણે દુશ્મન કરીએ છીએ. હું કહું છું કે આપણે બે દુશ્મન ભેગા થતા અટકાવીએ છીએ. આને તમે રાજનીતિ નથી ગણતા મહેતા?’

જયસિંહનો પ્રશ્ન એકદમ ઉત્તર આપી શકાય તેવો ન હતો. એક ક્ષણ મૌન વ્યાપી ગયું.

‘હા-હા, એય રાજનીતિ, કેમ નહિ? બે દુશ્મનો ભેગા થાય તેના કરતાં એકને પૂરી રાખ્યો  એમાં ખોટું શું છે, મહેતા!’ ત્રિભુવનપાલ બોલ્યો.

‘પણ ત્રિભુવનપાલજી! આ તમને અકાળે નથી લાગતું?’

‘અરે! બધું અકાળે જ છે, મહાઅમાત્યજી! હવે પૂર્યો તો છે, ત્યારે હમણાં બે દી વધુ પૂરી રાખો. ત્યાં બર્બરકનું પતી જાશે.’

‘રા’ જૂનાગઢનો વહેલોમોડો ઘા મારી જાશે.’ સાંતૂએ કહ્યું.

‘ઘા મારી જાશે તો એને પહોંચવાવાળી આ ભૂજા ક્યાં નથી?’ ત્રિભુવને જયદેવની સામે જોઇને કહ્યું.

‘રા’ને મોડો છોડવો – તો વહેલો છોડીને સાથમાં કાં ન લેવો? તમે કહેતા હતા, લાટમાં પણ અશાંતિ છે... એનું શું?’

‘અરે! અશાંતિ દેશ-આખામાં છે. પણ એટલા માટે કાંઈ વાણિયાશાહી કામ આવશે?’

સાંતૂને લાગ્યું કે હવે તો હદ થાય છે. મુંજાલ એ જોઈ રહ્યો. તેણે એમાં પોતાનો ભવિષ્યનો માર્ગ પણ રૂંધાતો જોયો. આજે મહાઅમાત્યની અવગણના થાય છે, આવતી કાલે એની થાશે. એણે તો સાંતૂને કાઢવો રહ્યો ને દંડનાયકને પણ વશ રાખવો રહ્યો. તેણે બે હાથ જોડ્યા: ‘જુઓ, મહારાણીબા! મહારાજે જે કર્યું તે નહિ કર્યું નહિ થાય. કેશવ ને હું દાણો દાબીએ રા’નો – તે પછી ખબર પડે કે રા’ને છોડવો કે રાખવો...’

મીનલદેવી મુંજાલનું દ્રષ્ટિબિંદુ કળી ગઈ. રા’ છૂટે તો એ રીતે જયદેવને હાથે છૂટે ને મહાઅમાત્યનું માન પણ રહી જાય. વિષ્ટિકાર તરીકે પોતે આગળ આવે એ મુંજાલનું પોતાનું દ્રષ્ટિબિંદુ તો અકળ જ રહ્યું. આવતી કાલનો બુદ્ધિમાન પુરુષ આ છે – એ વાત મહારાણીને સમજાઈ ગઈ. તેમણે વાતમાં પોતાનો ટેકો પુરાવ્યો.

‘હા, જયદેવ! મુંજાલની વાત ખોટી નથી. એમ ને એમ છોડીશું તો, મહેતા, આ તો રા’ છે. ઉપકાર જાણવો તો એક બાજુ પર રહ્યો – હવાની સાથે અણનમ વૃત્તિ તમને ક્યાં અજાણી છે?’

‘એ વૃત્તિ જાણીને જ મેં કહ્યું હતું, મહારાણીબા! કે અત્યારે એને છંછેડવો સારો નથી. જુઓ હવે. મોકલો કેશવને, મુંજાલ સાથે જાય.’

‘પણ તમે, મુંજાલ મહેતા! ત્યાં જઈને શું કહેશો?’ ત્રિભુવને કહ્યું. 

‘મહારાજ જે આજ્ઞા આપશે તે.’ મુંજાલ બોલીને એ જયદેવ સામે જોઈ રહ્યો: ‘એની પાસે પ્રભુ! વખતે બર્બરકની કાંઇક માહિતી મળી જાય. એ પણ જમાનાનો ખાધેલ માણસ છે. બર્બરક જીવે કે મરે એમાં એને થોડું સનાન-સૂતક છે? એને તો પોતાનો ગજ જે રીતે વાગે એટલું જ કરવાનું છે. બર્બરકવાળી વાતમાં નિષ્ફળતા મળવાની છે એમ જાણી લીધું હશે, ને એની ખાતરી થઇ ગઈ હશે, તો એ તો પાઘડી ફેરવી બેસે. એટલે આપણે દાણો તો દાબી દઈએ!’

‘કેશવ ક્યાં છે? એને બોલાવો; પણ એ વાતમાં માલ નથી.’

‘આપણે જુઓ તો ખરા.’ મુંજાલે કહ્યું.

મહારાણીએ સમાધાનપંથને વધારે યોગ્ય બતાવવા પ્રયત્ન કર્યો: ‘તમને કેમ લાગે છે, સાંતૂ મહેતા! રા’માનશે?’

‘માને – ન મને, તોપણ અત્યારે તો આપણે જ આ સમાધાન સિદ્ધ કરી બતાવવું. ચંદ્રચૂડ ત્રણ તીરવા ભાલમાં પડ્યો છે. ને આંહીં આપણે બર્બરકનું ગાજે જ છે.’

જયદેવના ચહેરા ઉપર સહેજ કંટાળો દેખાયો. મુંજાલ કળી ગયો. શિથિલ રાજનીતિની કોઈ વાત જુવાન રાજાને ગમતી ન હતી. તેણે સાંતૂનું આવી રહેલું પતન જોયું. પોતાનું સ્થાન કુદરતી રીતે જ ત્યાં છે એવી છાપ પ્રકટ કરવાની દરેકેદરેક તક ઝડપી લેવામાં એણે પોતાનો અભ્યુદય દીઠો. એટલામાં કેશવ આવ્યો. થોડી વાર પછી કેશવ ને મુંજાલ બંને રા’ને મળવા ઊપડ્યા.

રા’ નહિ માને એ વાત કાંઈ મુંજાલથી પોતાથી અજાણ ન હતી, પણ પોતાને વિષ્ટિકારનું માન મળતું હતું એ એક વાત હતી ને કેશવને પોતાનો  બનાવીને, એની મારફત જ મહાદેવને મહારાજથી જુદો કરવાની યોજના આમાંથી જ કરવી એ બીજી વાત હતી. એ રીતે આ યોદ્ધો એને સાધવા જેવો લાગ્યો હતો. મહારાજની મહત્તા વિષેની વાત કહેવા એ ચોવીસે ઘડી તૈયાર હતો. મહારાજના અંતરમાં રમી રહેલી મહેચ્છાઓ જાણવા માટે પણ મુંજાલને એ શ્રેષ્ઠ સાધન જણાયું.

‘રા’ માનશે. કેશવ નાયકજી તમે શું ધારો છો?’ મુંજાલે જતાં-જતાં રસ્તામાં કહ્યું.

‘વખતે માને. સમો પલટાયો છે ને એને બર્બરક વિષે એવું શું પેટમાં બળતું હોય?’

મુંજાલને યોદ્ધો વધુ પડતો આશાવાદી લાગ્યો. એ મનમાં જ બોલ્યો: ‘આને ભૈરવી ખડકનો અનુભવ લાગતો નથી!’ મોટેથી એણે કહ્યું: ‘રા’ માને તો-તો એનો યશ તમને મળે. તમે જુદ્ધ પણ કરી દેખાડ્યું ને વિષ્ટિ પણ કરી બતાવી! સેનાપતિ ને સંધિવિગ્રહક બંને કામમાં તમને યશ. ચંદ્રચૂડ તો ભાલમાં જ પડ્યો છે ને?’

‘હજી સુધી તો ત્યાં છે!’

‘તો-તો ખરી રીતે રા’ના આવવાના ત્રણેત્રણ માર્ગ ઉપર આપણી નજર હંમેશને માટે હોય એવું થાય તો સારું. બીજું કાંઈ નહી, વખત છે ને ઘા મારી જાય, તો પાટણના સેનાનાયકનું નાક કપાઈ જાય. મેં તો સાંભળ્યું છે કે રા’એ પ્રતિજ્ઞા લીધી છે!’

‘શાની?’

‘તમને નથી ખબર? રા’એ પાટણનો દરવાજો તોડવાની પ્રતિજ્ઞા લીધી છે!’

‘તોડ્યો હવે! એ શું તોડતો’તો?’ કેશવે તિરસ્કારપૂર્વક કહ્યું.

‘તમે પાટણના સેનાનાયક છો ત્યાં સુધી તો એ ભલે ફીફાં ખાંડે, બાકી તો એક ખરેખરું મજબૂત દળ હવે કર્ણાવતીમાં મૂકી દેવું જોઈએ – જેમ સ્તંભતીર્થમાં છે નાં, તેમ. તો પછી રા’ ભલે આંટા મારે. કર્ણાવતી તો ગુજરાતનું નાક! પાટણથી બીજું મહત્વનું સ્થાન એનું. તો દંડનાયક પણ એવા જો કોઈક જોઈએ – આ તમારા મિત્ર મહાદેવ જેવા – લાટથી સૌરાષ્ટ્ર સુધી ને કચ્છમંડલ સુધી જેની અસર પડે!’ મુંજાલે કહ્યું.

‘વહેલે મોડે મહારાજે એમ કરવું પડશે!’

‘એમ થાય તો તમારો પાટણનો ભય ટળી જાય.’ કેશવ ઉપર વાતની અસર થઇ છે એ મુંજાલે જોયું. એટલામાં બંને રા’ના સ્થાન ઉપર આવી પહોંચ્યા.

રા’ને નીચે ભોંયરામાં રાખ્યો હતો. બંને જણા થોડે સુધી ભોંયરામાં ઊતર્યા. થોડી વાર ચાલ્યા પછી એક અજવાળિયું આવ્યું. સામેનાં ખંડનું લોખંડનું મજબૂત દ્વાર રક્ષતો એક સશસ્ત્ર સૈનિક ત્યાં ઊભો હતો. 

‘કેમ સિંધણ! બધું બરોબર છે નાં?’ કેશવે પૂછ્યું.

‘હા, પ્રભુ!’ સીંધણે અવાજ વાળ્યો.

રા’એ અંદરથી અવાજ પારખ્યો. તે દંશભરેલું મોટું હાસ્ય હસ્યો: ‘આવો ભા! આવો! જોવા આવ્યા હશો? આવો! આવો!’ તે ધીમેધીમે દ્વાર પાસે આવ્યો.

‘અમે, તો નવઘણજી! મહારાજનો સંદેશો લાવ્યા છીએ. સગાસગામાં આ વેરઝેર શાં?’ મુંજાલ બોલ્યો, ‘મહારાજે કહેવરાવ્યું છે કે રા’તો આપણા છે ને આપણા થઇને રહે તો આપણે તો એના જ છીએ! તમને તેડાવ્યા હતાં જ એટલા માટે. ચંદ્રચૂડજીનું –’

‘હા, ભા, હા! તમને આંઈવાળાને ભગવાને જીભ બેક હાથ મોટી આપી છે તો! અમારા થઇ જાતાંય તમને અવળે ને અળસી જાતાંય અવળે! આ પંથકનું પાણી કાંક મોળું ખરું નાં? એમાં એકનો એક રંગ ન મળે!’

‘રા’ નવઘણજી! આપ હવે વૃદ્ધ થયા છો. અનુભવી છો. સમયેસમયના જાણકાર છો, હવે તમને ગલઢે ગઢપણ આ વેર મૂકી જાવું ન છાજે!’ કેશવે કહ્યું, ‘હવે તો વેરઝેર ટાળી નાખવાનો સમો આવ્યો કહેવાય!’

એક જબરદસ્ત અટ્ટહાસ્યથી રા’નો ખંડ આખો ભરાઈ ગયો: ‘અરે! આ તમે આજકાલના છોકરા! રા’ તો, સાતસાત પેઢીથી મૂડીમતામાં વેર જ સોંપતા આવ્યા છે, કેશવ નાયક! રા’નાં વેર પૂરાં થાય નહિ, ને પૂરાં થાય તે દી રા’ રહે નહિ. વેરબેરનું તો ઠીક હવે! કેમ, મહારાજને ઊંઘ તો આવે છે નાં? બાબરો રીડિયારીડ ઓછી કરતો હોય તો? ઓટીવારનો એટલુંય ન સમજે કે મહારાજ રહ્યા નાના, એટલે પરભાતે ગલૂડિયાં ને ગભરું ઊંઘની લેરખીએ ચડે! પાછો હમણાં તો લીલો મળે નહિ, નકર તો ઊંઘની ગોળી પણ આપે!’

રા’ના શબ્દોમાં દંશ હતો, રણકામાં ઠંડી મશ્કરી હતી, રીતમાં તો ભયંકર વૈરની આગાહી હતી. એની બરછટ વાણીમાં ક્યાંય એક શબ્દ પણ નરમાશનો ન હતો. મુંજાલને તો ખાતરી હતી જ. કેશવ પણ પામી ગયો કે રા’ કાંઈ માને તેમ નથી. તેણે એક છેલ્લો પ્રયત્ન કર્યો: ‘નવઘણજી! તમારી નાગવેલ બહાર ખડી છે... ને તમને જૂનાગઢ જવા દેવાના છે...’

‘નાગવેલ બહાર હોય નહિ, ભા!’ રા’એ કહ્યું, ‘નાગનાં બચ્ચાં એમ જાળવવા સહેલાં નથી તો! એનો ખપ પડશે તે દી ઈ તો આવીને ઊભી રહેશે, ભા!’ 

‘એનો ખપ પડશે? હવે ક્યારે પડશે?’

‘એનોય ખપ જાગશે, ભા! ઈ તમને ખબર નો પડે. હજી તો રા’ જીવતો છે. હજી તો પાટણનો દરવાજો અખંડ છે, ભા! રા’ ને જીવતું મોત – જીવતું મોત નો’ય!’

‘તમે નવઘણજી, હાથે કરીને આ જીવતું મોત, વહોરી રહ્યા છો. તમારે ને બર્બરકને હવે શું છે? તમને માહિતી છે એની રજેરજ. બોલી દ્યો, એ ક્યાં સંતાઈને રહે છે? ને તમે છુટ્ટા! તમે તો અમારા જ છો!’ કેશવે કહ્યું.

રા’ ધીમું, ઠંડુ, ગાત્રમાત્રને થંભાવી દે તેવું, દંશભરેલું, સહેજ ઠેકડિયાત હાસ્ય હસ્યો: ‘છોકરાવ! હજી તમે ઊભાઊભા તાંસળી લૈને દૂધ માગીને પીઓ દૂધ, બાપલા! હજી તમે દૂધના ઘરાક ગણાઓ! તમે જૂનાગઢના રા’ને જોયા છે, જાણ્યા નથી. હજી તો, કેશવ નાયક! તમને હોઠ ઉપર માનું થાનેલું લાગ્યું છે, ભા! જૂનાગઢના કોઈ રા’ને બે રંગ રાખતો કોઈ દી કોઈએ જાણ્યો છે? ઘેર જાવ, ભા ઘેર જાવ, તમારી વાત સાંભળી લીધી. રા’ આજ ગલઢે ગઢપણ ભેરુની ભાળ આપશે, એમ? કોઈ નહિ ને જૂનાગઢનો રા’ ઊઠીને સોડનો ઘા મારશે, એમ? ખોટી થાવ મા, ભા! આંહીં મારે મજો છે!’

થોડી વાર પછી મુંજાલ ને કેશવ પાછા ફરી ગયા. કેશવ વિચારમગ્ન હતો. મુંજાલને તો રા’ના અણનમપણાની ખાતરી જ હતી.

‘રા’ જબરો છે!’ કેશવ રહીરહીને બોલ્યો, ‘હજી ચંદ્રચૂડ છૂટો છે. ખેંગાર પણ આટલામાં જ છે. તમે કહ્યું એ બરાબર છે. પાટણનો ખરો દરવાજો તો કર્ણાવતી છે, ત્યાં કોક મહાદેવ જેવા વિચક્ષણ નરની જરૂર છે!’

‘હું તો ક્યારનો જાણી ગયો છું કે મહાદેવ જેવા કર્ણાવતીમાં હોય, તો તમતમારે ખુલ્લું મૂકીને જ્યાં ફરવું હોય ત્યાં ફરો ને! પીઠ તો પહેલાં સંભાળવી, કેશવ નાયક!’

કેશવ નાયકને મુંજાલે આપેલી શિખામણ બરાબર લાગી હતી. મોડી રાતે એણે એક ભટ્ટને કનસડે દરવાજે ઉતાવળે જતો જોયો.

‘પૃથ્વીભટ્ટ! કેમ કોઈ ઊપડે છે કે શું?’

‘ખબર નથી, પ્રભુ! મહાદેવ મહેતા કર્ણાવતી જાય છે. એમને સૈન્ય-સહીત જવા દેવાનો સંદેશો આપવા દોડ્યો જાઉં છું!’

‘કોણે – મહારાજે આજ્ઞા આપી હશે?’

‘આજકાલ આજ્ઞા તો ત્યાંથી જ આવે છે નાં?’ પૃથ્વીભટ્ટ જવાબ આપીને ઉતાવળે ઊપડી ગયો.

મુંજાલ થોડી વાર અંધારામાં વિચાર કરતો ઊભો રહ્યો. એક ઘડી પછી એના મોં ઉપર નિશ્ચયાત્મક રેખા પ્રકટી. અંધારામાં એ વંચાય તેમ ન હતી, પણ વંચાય તો તેમાં સ્પષ્ટ અક્ષરે લખેલું મળી આવે કે મુંજાલે હવે મહાઅમાત્યપદ લેવાનો નિશ્ચય કર્યો છે. તેના પહેલા પગથિયા લેખે મહારાજ એની સલાહ લેતાં થાય એ જરૂરનું છે. મહાદેવ હમણાં દૂર થયો. કેશવ યોદ્ધો છે. જગદેવ નવો છે. દંડનાયકજી લાટમાં છે. સાંતૂનું સ્થાન ડગે છે. મુંજાલે પોતાનું સ્થાન પોતે ઝડપી લેવું જોઈએ – અતિ મોડું થાય તે પહેલાં – બીજો એ સ્થાન ઉપાડી લે તે પહેલાં.