Featured Books
શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 6

જયસિંહ મહારાજની પહેલી રાજસભા

તરુણ જયસિંહદેવે રાજસભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં જ એની વેધક દ્રષ્ટિ રાજસભા-આખી વીંધીને, રાજદરબારની બહાર ચોગાનમાં માનવમેદની મળી હતી ત્યાં સુધી ચાલી ગઈ. તેણે રાજસભામાં ચારે તરફ એક નજર ફેરવી લીધી. રા’ને ક્યાંક દીઠો નહિ. એ છટકી જાય તો લોકમાં નવી શંકા જન્મે ને આજનું ન્યાયનું કામ ખોરંભે પડે. 

‘રા’ ક્યાં છે, મહેતા? કેમ દેખાયા નહિ?... આંહીં સૌને ભેગા કર્યા છે. અંદર રાજમાતા પાસે આચાર્ય ભાભૂદેવ, કુમારશર્માજી, શ્રેષ્ઠીજી – સૌ આવી ગયા છે અને રા’ પોતે જ કેમ દેખાતા નથી? ક્યાંક ઊપડી ગયા હોય નહિ! કેમ હજી દેખાયા નહિ? આંખમાં ક્યાંક ધૂળ નાખી જાય નહિ!’

‘ધૂળ તો શું નાખે, પ્રભુ! હવે આવવાની તૈયારીમાં...’ મુંજાલે કહ્યું.

એટલામાં ચોગાનમાં ઘોંઘાટ થયો. ‘રા’નવઘણજી!’ નામનો ઘોષ લોકમાંથી સંભળાયો.

પોતાના વૃદ્ધ અટંકી શરીરને તલવારનો ટેકો આપીને પગથિયાં ચડતો રા’ સૌની દ્રષ્ટિએ પડ્યો.

રા’ આવ્યો. નમીને એક તરફ બેઠો. મહારાજ જયસિંહદેવે એક સૂચક દ્રષ્ટિ મહાઅમાત્ય સાંતૂ ઉપર ફેરવી. મુંજાલ એ જોઈ રહ્યો. ઘડીભર બધે શાંતિ થઇ ગઈ. એને આ તરુણ રાજાનું વ્યક્તિત્વ હજી પૂરેપૂરું સમજાયું ન હતું. એની સ્વેચ્છા-મનોવૃત્તિ કયે વખતે કયું સ્વરૂપ લેશે એ જાણવું મુશ્કેલ હતું. તરુણ છતાં એણે દર્શાવેલું મનોબળ ભલભલાને પાણી ભરાવે તેવું હતું. તે બોલતો આત્મશ્રદ્ધાના રણકાથી, આજ્ઞા આપતો ગૌરવથી, વિનય બતાવતો અદભુત છટાથી. એની મોહક મુખમુદ્રામાં એનું ગરુડી ગર્વીલું, સીધું, સુંદર નાક અને એની મોટી, સ્વચ્છ, તેજસ્વી વ્યક્તિત્વને સંપૂર્ણ રૂપે પ્રગટ કરતી બે આંખો એનું આકર્ષણ ગમે તેવી ડંખીલી નજરને પણ બે ઘડી ખેંચી રાખે તેવાં હતાં. તરુણ રાજા અને વૃદ્ધ અમાત્ય – એ બેની વચ્ચે રહેલાં તફાવતનું ચિત્ર મુંજાલ પોતાના મનમાં ઉપસાવી રહ્યો. એમાંથી પોતાની ભાવિ કલ્પનાસૃષ્ટિ એ ઘડી રહ્યો. એને રાજાના ચહેરા તરફ દ્રષ્ટિ કરી. એ ચહેરામાં એક અનોખું જ ગૌરવ એણે જોયું. આંખમાં બેઠેલી સહજ વિનોદવૃત્તિની છાયાથી એ રમણીય લાગતું હતું છતાં લાખો ચહેરામાં એ ચહેરો પોતાની જુદી જ છાપ પાડતો લાગતો. તરુણ રાજા બધાથી જુદો જ આદમી બની રહેતો. એ સૌમાં ભળતો લાગે, - છતાં એમાંના કોઈનો એ ન હોય ને કોઈમાં એ ન હોય. એની પાસે એની પોતાની જ કહી શકાય એવી વિશિષ્ટ શૈલી હતી. મુંજાલે એ અનુભવ્યું ને એ ઊંડા વિચારમાં પડ્યો. એક પળે એ સામાન્ય જણાતો; બીજી જ પળે એની અસામાન્યતા સૌને આંજી નાખતી. એક પળે એ અત્યંત સ્પર્શય – હરકોઈ એનો પરિચય પામી શકે ને ક્ષોભ વિના એને મળી શકે એવો દેખાતો; બીજી પળે એની ઉત્તુંગ ભવ્યતા સ્વપ્નદ્રષ્ટાની મોહક છટાથી પ્રગટતી અને અસ્પર્શ્ય ને અગ્રાહ્ય બનાવી દેતી. એનું સ્વરૂપ મોહક, રમણીય, આકર્ષક, આંજી નાખે એવું, પણ સ્થિર અને શાંત નહિ, લખલખતું જણાતું.

મુંજાલ રાજમંત્રી ત્યાં બેઠોબેઠો આ બધું અવલોકન કરી રહ્યો હતો. એણે આ રાજસિંહાસન ઉપર કર્ણદેવને જોયા હતા. એમને હરકોઈ માણસ તરત સમજી શકે ને તેઓ પણ પોતાની જાતને એ જ રીતે પ્રગટ કરે. તેઓ એકદમ સીધાસાદા સામાન્ય મનુષ્ય હતા. આજે એજ સિંહાસન પાસે બેઠેલો તરુણ જયદેવ જાણે પોતાનું કોઈ જ સ્થાયી સ્વરૂપ ન હોય એવો બેઠો હતો. સ્થિર કહી શકાય એવું કોઈ વ્યક્તિત્વ રાજાનું ન હતું. એનું વ્યક્તિત્વ રાજાનું ન હતું. એનું વ્યક્તિત્વ જલપ્રવાહ જેવું હતું. પળેપળે નવું અને પળેપળે વધુ રમણીય રૂપે વહેતું! એના એક સ્વરૂપનો પૂરો પરિચય મળે-ન-મળે, ત્યાં તો એનું બીજું જ સ્વરૂપ પહેલાથી તદ્દન જુદું, તદ્દન નવું, તદ્દન અનોખું એવું જોવા મળતું. એના ચહેરામાં કોમળતા હતી, આંખમાં મૃદુતા જણાતી, પણ એને દેહ પણ દ્રષ્ટિ કરનાર ઠરી જતો. નરી લોહની વજ્જરતા એમાંથી પ્રગટતી. આ એનું ખરું સ્વરૂપ હતું. એ કોમલ લાગતો ને વજ્જર જેવો હતો. ભવ્ય હતો ને ભયંકર હતો? પાર્થિવ હતો. ને અપાર્થિવ પણ હતો. એટલે જ એ સમજાતો અને ન સમજાતો.

આટલી નાની વયમાં ને આટલી થોડી મુદતમાં પણ એણે પોતાના સ્વરૂપથી અનેકને આકર્ષ્યા હતાં. લોકો એને ચાહતા અને મનમાં ધ્રૂજતા. મંત્રીઓ શેહ પામતા અને મનમાં એને વશ કરવાનો વિચાર કરતા. રાજમાતા એને આજ્ઞા આપતાં, પણ મનમાં એ આજ્ઞા આપે એમ ઈચ્છતા. એ લોકપ્રિય બનતો હતો અને પોતાની દંતકથા સરજાવી રહ્યો હતો. રા’ આવીને બેઠો. રાજસભાના કાર્યથી શરૂઆતની ઘડી પાસે આવી રહી હતી, છતાં વારંવાર આવતા એના નામના જયઘોષથી એની લોકપ્રિયતા જણાઈ આવતી હતી.

એટલામાં પાસેનો પડદો ઊંચકાયો. ધોળાં વસ્ત્રોમાં શોભતું મીનલદેવીનું શરીર દેખાયું. એની અત્યંત સુંદર, અભિવાદન કરવા માટે જરાક મસ્તક નમાવવાની એની પોતાની જ છતાં સૌને નજરે ચડી અને લોકોએ રાજમાતાનો જય પોકાર્યો. શાંત. સ્થિર. પોતાની સાદાઈથી પોતાનું અનોખું તેજ પ્રકટાવતી ત્યાં આવીને ઊભી. તેની એક બાજુ આચાર્ય ભાભૂદેવ હતા. બીજી તરફ કુમારશર્મા હતા. નગરશ્રેષ્ઠી ધનનંદ આવી રહ્યા હતા. તેઓ ધીમાં પગલે સિંહાસન તરફ ગયા. સભા આખી હડુડુ કરતી બેઠી થઇ.

થોડીક વારમાં એક કાંકરી પડે તોપણ સંભળાય તેવી શાંતિ સ્થળેસ્થળમાં વ્યાપી ગઈ. લોકો એકદમ શાંત થઇ ગયા હતા, મહારાણીબા હવે શું કહે છે એ સાંભળવા એકકાન થઇ ગયા. બે-ચાર પળ એમ ને એમ ચાલી ગઈ.

એટલામાં રા’ ઊભો થતો દેખાયો.

‘સાંતૂ મહેતા! અમારે એક ફરિયાદ છે.’ રા’ મોટેથી બોલ્યો: ‘રાજમાતાજી છે, તમે છો, દંડનાયકજી, મહારાજ પોતે છે ને સૌથી વધુ તો જુગજુગ-જૂનું સોલંકીઓનું આ સિંહાસન છે, ન્યા આપજો. અન્યા કરશો તો આ લાજશે..’ રા’એ સિંહાસન તરફ અંગુલિનિર્દેશ કર્યો. ‘તમે કોઈએ ક્યાંય સાંભળ્યું છે ખરું કે માણસ ઊઠીને માણસને હણી નાખે, તો નહિ એનો ન્યા, નહિ ફરિયાદ, નહિ દાદ, નહિ નામ કે નહિ નિશાન! આવું અંધેર ક્યાંય દીઠું છે! આ તો, બાપ! હું જોઉં છું, એ તે પાટણ છે કે પાટણનું મડદું?’

‘નવઘણજી! તમતમારે જે વાત કહેવી હોય તે કહી નાખો ને! બીજી આડીઅવળી વાતનું અત્યારે શું કામ છે?’

સાંતૂએ રા’ને ઠેકાણાસર લાવવા માટે કહ્યું. એ રા’ની જુક્તિ કળી ગયો હતો. પાટણના નામે કે ગમે તેણે નામે એને તો એક જબરદસ્ત ભેદભાવ ઊભો કરી દેવો હતો.

‘આ લ્યો ને, બાપ! તમે ઊઠીને માગો છો ત્યારે સીધું જ કહી નાખું. આ અમારા મદનપાલજીને કોઈએ હણી નાખ્યા છે. આ એની જ વાત છે, લ્યો.’

‘કોને હણ્યા?’ સાંતૂએ અજાણ્યા થઈને પૂછ્યું.

‘એ તમે ગોતી કાઢો, ભા!’ રા’એ પ્રત્યુત્તર વાળ્યો. ‘તમારી રાજરમતુંમાં હું ડોસલો ક્યાંય ફસાઈ જાઉં! કોણે હણ્યા – તે લ્યો,  હું તો કહું કે તમે હણ્યા, તો તમે માનશો ખરા? કોણે હણ્યા એ સૌને ખબર છે, કોને ખબર નથ? કે પછી મારે મોઢે જ નામ પડાવવુ છે?’

‘બોલો, રા’! તમતમારે કહેવું હોય એ સુખેથી કહો. મદનપાલજીને કોને હણ્યા છે? તમે શું માનો છો?’ રાજમાતાનો અવાજ સંભળાયો.

રા’ એક ક્ષણ કાંઈ બોલ્યો નહિ. કાંકરી પડે તે સંભળાય એવી શાંતિ ફરીથી વ્યાપી ગઈ. રાજસભા આખી ક્ષોભ પામી ગઈ હતી. લોકો એકકાને જવાબ સાંભળવા – નામ સાંભળવા – આતુર થઇ ગયા હતા. રા’ની રાજભેદની રમતને મળતું ઉત્તેજન મહાઅમાત્યને ખૂંચી રહ્યું હતું, પણ તે હજી શાંત હતો.

‘મદનપાલજીને કોને હણ્યા છે, રા’? બોલો... ગમે તે હોય... તમતમારે નામ આપો. આ તો રાજસિંહાસન છે. સિંહાસન ઉપર બેસનારો કોઈ પણ સિંહાસન કરતા મોટો નથી. તમને ન્યાય મળશે જ... શું છે, બોલો...! કોને હણ્યા છે?’

મીનલદેવીની વાણી ગંભીર હતી. અવાજ મક્કમ હતો. અડગ નિશ્ચયનો એમાં ટંકારવ હતો, એક ઘડીભર તો એ સાંભળીને સભા ચિત્રવત્ સ્તબ્ધ થઇ ગઈ. બીજી ક્ષણે સાંતૂ પોતે ઊભો થયો.

‘મહારાણીબા! આ પ્રશ્ન અત્યંત નાજુક છે. આ સભા એ માટે નથી ને આ સભાનો પણ નથી. આ સભા એટલા માટે પણ નથી!’

‘હાઉં તંઈ, મારો બાપ! મહેતો સાચું બોલ્યા. જે કરવું નથી ઈની વળી વાતું શી કરવી?’

‘સાંતૂ મહેતા!’ મીનલદેવી બોલી. એના અવાજમાં મક્કમતા હતી: ‘આ સભા એટલા માટે જ છે. હું એટલા માટે જ આંહીં આવીને બેઠી છું. હણનારો ગમે તે હોય - ક્યાં છે સેનાનાયક કેશવ? મુંજાલ મહેતા! કેશવને બોલાવો! અને મદનપાલજીને હણનારને આંહીં હાજર કરો! ન્યાય માગનારો આવે છે ને તમે ન્યાયની ના પાડશો, એમ? પછી આ સિંહાસન ક્યાં રહ્યું? હું તો સિંહાસનને કાં તો વિક્રમી સિંહાસન રાખીશ અને નહિતર તમને સૌને સોંપી દઈશ. ક્યાં છે કેશવ? બોલાવો એને...’

મીનલદેવીના શબ્દોની લોકમાં અજબ અસર થઇ ગઈ. અત્યારે એ સૌના કરતાં વધારે મહાન સિદ્ધ થઇ.

‘હાઉં... મારી મા! આ ઈનું નામ તે ન્યા! આ મે’તાની ઘોડે આંટીઘૂંટીવાળું – ભૈ! અમને તલવારિયાને ઈમાં સમજણ નો પડે! ન્યા ઈ ન્યા –’ રા’એ પોતાની વાતને વેગ આપ્યો.

રા’એ વાતને વળે ચડાવી છે. રાજમાતા આદર્શ ઉપર દોડ્યાં છે. બંને વિદ્વાન આચાર્યો તો શાસ્ત્રમર્યાદાને પાળવાને બંધાયેલા છે. શ્રેષ્ઠીજી – એને ન્યાય આપ્યા વિના છૂટકો જ નથી. અને સાંતૂ મહેતા વાતના આ વળાંકે વ્યગ્ર થાય છે. મુંજાલે એક ક્ષણમાં પરિસ્થિતિ માપી લીધી.

‘સાંતૂ મહેતા! સેનાનાયક કેશવ નાગર ક્યાં છે? એને બોલાવો!’ મીનલે ફરીને કહ્યું.

મુંજાલ પોતે જ ઊભો થયો. તે બે ડગલાં આગળ વધ્યો. તેણે સાંતૂ મહેતાના કાનમાં કાંઇક કહ્યું, ‘હા-હા, એ બરાબર.’ સાંતૂએ ધીમેથી પ્રત્યુત્તર વાળ્યો. ‘એને જ બોલાવો. એ બરાબર છે. ઠીક, આ સાંભર્યું.’

મુંજાલ બહાર ગયો. એક ક્ષણમાં પાછો આવ્યો.

‘પણ કોણે માર્યા છે એ સાંતૂ મહેતાથી પોતપોતાથી વળી ક્યાં અજાણ્યું છે? કીડીએ કીડીનો સંચળ પાટણમાંથી માપી લ્યે છે એ મે’તાથી કાંઈ અજાણ્યું નો’ય. આ તો માતાજી! નૈં વૈદુંના ઢોંગ છે!’

‘મહેતા! તમને પાકે પાયે ખબર છે? તો બોલો... ભાભૂદેવ! સાંતૂ મહેતા જે કહે તે સાંભળી લ્યો...’

મીનલદેવીના આ શબ્દો એટલા પ્રશાંત હતાં કે એમાં રહેલી ઠંડી તાકાતનો પડઘો લોકમાં પડી ગયો. હરેકેહેરક ખૂણામાં જાદુભરેલી શાંતિ વ્યાપી ગઈ, પણ સૌનાં પેટમાં ધ્રાસકો પડી ગયો. મારો બેટો રા’ ક્યાંક કામ કાઢી જાય નહિ... ને પાટણમાં ભાગલા પાડીને ભાગી જાય નહિ, એ ભય પાસે ન્યાયની મહત્તા પણ ઓછી થવા માંડી; પણ મીનલદેવી સામે દ્રષ્ટિ માંડતાં જ એક રેખામાત્રનો તફાવત આંહીં નહિ ચાલે એમ સિદ્ધ લાગતું હતું.

સાંતૂ મહેતા હવે શું કહેશે કે શું કરશે એ અનુમાનથી લોક તળેઉપર થઇ ગયું.

એટલામાં તો હુડુડુ કરતી આખી સભા બેઠી થઇ ગઈ, કારણ કે તરુણ જયદેવ પોતે ઊભો થઇ ગયો હતો. એનો ઉત્તુંગ, પાતળો, કાંઇક શ્યામ વજ્ર જેવો તેજસ્વી દેહ એકદમ આકર્ષક, સુંદર, કોઈ ભવ્ય સ્વપ્ન – શિલ્પીની મનોરમ પ્રતિમા જેવો રાજસભા વચ્ચે શોભો ઊઠ્યો. એની આંખમાં એક પ્રકારની અનોખી તેજસ્વિતા પ્રકટી. એ બે ડગલાં આગળ વધ્યો અને સિંહાસનની સામે આવીને ઊભો રહી ગયો.

‘મદનપાલને તો મેં પોતે હણ્યો છે મા...!’ તેણે દ્રઢતાથી, શાંતિથી કહ્યું: ‘મેં પોતે જ એને હણ્યો છે.’

‘જયદેવ! તેં? ખરેખર? તેં પોતે કે બીજા કોઈએ? પ્રશ્ન આ છે. તેં હણ્યો છે કે હણનારને તેં દોર્યો છે?’ મીનલદેવીએ પૂછ્યું.

‘મેં પોતે હણ્યો છે, કોઈને દોર્યો નથી કે કોઈએ મને દોર્યો નથી. મારી જ તલવારથી એ કામ થયું છે.’

એક ક્ષણભર કોઈ કાંઈ બોલ્યું નહિ. મીનલદેવી ક્ષોભ પામેલી જણાઈ, પણ બીજી જ પળે એનો ચહેરો નિર્મળ થઇ ગયો. તેણે પોતાનું કપડું ધીમેથી સમાર્યું. હાથનો બેરખો બીજા હાથમાં બદલાવ્યો.

‘ભાભૂદેવ! તમે છો, શર્માજી છે, શ્રેષ્ઠીજી છે – આ જયદેવનો ન્યાય કરો. એણે મદનપાલજીને હણ્યા છે એમ એ પોતે કહે છે. મદનપાલજીનો દોષ શો હતો, જયદેવ?’

સામે કોણ છે એ જાણતી ન હોય તેમ એ શાંતિથી, ઠંડીથી, લેશ પણ ઉતાવળ કે વ્યગ્રતા વિના પૃચ્છા કરી રહી.

રા’એ એક છાની ચોરનજર સભામાં ફેરવી લીધી. ત્રિભુવનપાળ એને આકળો થતો. સાંતૂ અરધો આગળ વધ્યો હતો. મહાદેવ અશાંત હતો. તેણે ઊંડો સંતોષ અનુભવ્યો. કોઈકે જરાક પણ ઉતાવળું કે આકરું પગલું ભરશે કે એક વેણ પણ બોલશે, તો પણ પ્રશાંત જણાતી નારી ઘડીના છઠ્ઠા ભાગમાં એટલી તો દ્રઢ ને આગ્રહી  બનશે કે પછી એમાંથી એને એક તસુ પણ પછી ફેરવવી એ ત્રિલોકને ડોલાવવા જેવું થશે. એવી ઉતાવળ કોઈ કરે – મનમાં રા’ પ્રાર્થી રહ્યો. સાંતૂ આગળ વધ્યો હતો તે એકદમ અટકી ગયો. મુંજાલે તેના કાનમાં કહ્યું: ‘આ કેશવ આવ્યો. એને જ હવે આગળ ધકેલો ને! સામે પછી મહારાણીબા છે! ખડક ડગશે તો એ ડગશે!’

‘હા, હું પણ એ કહું છું, માતાજી!’ રા’ હજી બોલતો હતો, ‘વાંક – ગનો ઈનો હોય તો કહી બતાવો! ઈ ન્યા – બરોબર છે!’

‘એણે લીલા જેવા રાજવૈદને માર્યો... એનું શું?’ જયદેવે કહ્યું.

‘હા... ઈ બરોબર...’ રા’એ કાન પકડ્યો: ‘સોળ વાળ ને એ રતી. લીલા વૈદરાજને એણે માર્યો. દ્રમ્મ પણ લીધા. ઈ તો અમારું રા’નું કુટુંબ જરાક રિંગું પણ તો, બાપ! તમે રાજા છો. રાજસભા છે. એને હેડમાં કાં ન પૂર્યો? કાંઈ એ ગણો મારી નાખવાનો થયો?’

એટલામાં કેશવ આવતો દેખાયો. શમશેર નમાવીને એ શાંત ઊભો રહ્યો. એની પ્રચંડ તેજસ્વી કાયાને રા’એ એક ઈર્ષાળુ નજરથી માપી લીધી.

‘કેશવ! મદનપાલજીને કોને હણ્યા છે?’ મીનલદેવીએ પૂછ્યું.

‘આતતાયીને મહારાજ વિના બીજું કોણ હણી શકે? મદનપાલજી આતતાયી હતા. મહારાજે પોતે જ એમને હણ્યા છે!’

કેશવના જવાબે સૌને આનંદ આપ્યો. મુંજાલને યોદ્ધો ગણનાયોગ્ય લાગ્યો.

‘તને આ ખબર હતી?’

‘હા.’ 

‘તો તેં પોતે કેમ વાત રાજસિંહાસન પાસે ન આણી?’

કેશવ કાંઈ બોલ્યો નહિ. તે બે ડગલાં પાછળ હટ્યો. તેણે પોતાની પાસેથી એક ભરતભરેલો કાપડનો કકડો ખેંચી કાઢ્યો, પછી તે આગળ આવ્યો: ‘મેં વાત કે મ કરી તે હું કહું છું. આ શું છે તે મહારાજ જાણે છે, બીજો હું જાણું છું. ત્રીજું થોડુંઘણું મહાઅમાત્યજી જાણે છે.’ તેણે ભરતભરેલો કાપડનો મોટો ટુકડો ખુલ્લો કરીને બે હાથે હવામાં પકડી રાખ્યો.

‘બર્બરકની પત્ની – પિંગલિકાએનું નામ – એતો સૌએ સાંભળ્યું છે નાં? આ એનું કંડારણ છે. એમાં ભરતકામ મદનપાલજીની પુત્રીનું છે. બંનેનાં નામ આ રહ્યાં... જુઓ...’

કેશવે કકડો આગળ ધર્યો: ‘આમાં... નવઘણજીને પોતાને સિંહનો શિકાર કરતા દેખાડ્યાં છે. હવે  હું કહું છું કે જો મદનપાલજીને ત્યાં પિંગલિકા આવતીજતી ન હોય તો આ થયું શી રીતે? ને આવતીજતી હોય તો એ વાત અકાળે પ્રગટ કરું એવો હું ઘેલો બનું, એમ? મારા ઉપર મહારાજે પાટણની પ્રજાનો રક્ષણભાર મૂક્યો છે. હું વાત અકાળે કેમ પ્રકટ કરી શું? મહારાણીબા! હું તો આટલું સમજું – મહારાજે આતતાયીને હણ્યો છે – ને હજી આતતાયીને તેઓ હણશે. આ સિંહાસનને એવી કોઈ વાતનો ન્યાય માંગવાનો અધિકાર નથી – કોઈ પણ સિંહાસનને ન હોય. આથી વધુ મને ખબર નથી. વધુ ખબર રા’ને. આ રહ્યાં રા’, પૂછો એમને.’

કેશવ શાંત ઊભો રહ્યો. આંગળી વાઢી હોય તો લોહી ન નીકળે એવો શરમિંદો રા’ થઇ ગયો હતો. તે ઉપરનીચેથી કાંઈ બોલ્યો જ નહિ. 

શું થયું છે એ વાતને પ્રકટ થઇ જતાં બે પળ પણ લાગી નહિ. લોકોમાં કોલાહલ મચી ગયો. મીનલદેવીએ રા’ની સામે જોયું, પણ એનામાંથી ફરિયાદનો ઉત્સાહ જ જાણે ઓસરી ગયો હતો. ઊલટાનો તે ઊભો હતો ત્યાંથી બે ડગલાં પાછળ હઠી ગયો. ‘તો વાત ભલે મારી પાસે રહી...’ થોડી વાર પછી બોલ્યો: ‘હું મારે આ હાલ્યો... જય સોમનાથ! મારી ફરિયાદ હવે સોમનાથ પાસે. આંહીં મારે કાંઈ કહેવું નથી.’

રા’એ આડુંઅવળું જોયા વિના સભા છોડીને એકદમ ચાલતી જ પકડી.

પણ રા’એ સભામાંથી ચાલતી પકડી, અને એને કંઈ ન હોય તેમ સૌએ શાંતિથી જવા દીધો. ત્યારથી જ કેશવને એ વાત ખાઈ ગઈ હતી. એને બપોર સુધી ક્યાંય ચેન પડ્યું નહિ. એનામાં ઊછળતું લોહી હતું ને એની નસેનસમાં યુદ્ધનો રસ હતો. બીજા બધાં તો ઠીક, પણ એના મહારાજ જયદેવ જેવા પણ એ વિષે કંઈ ન બોલે, ત્યારે તો કેશવને પૃથ્વી પોતાના પગ નીચેથી સરી જતી લાગી. એને મન જયદેવ યુદ્ધનીતિ વિષે છેલ્લામાં છેલ્લું પ્રમાણ હતો. તે પાંજરામાં પુરાયેલા સિંહની માફક પોતાના વાડામાં અત્યારે ઘૂમી રહ્યો હતો. એટલામાં એણે કૃપાણને આવતો જોયો અને એનું અંતર આનંદથી ડોલી ઊઠ્યું. જયદેવનો એ વિશ્વાસુ નોકર હતો. એનો બાપ સંગ્રામ કર્ણદેવ મહારાજ પાસે હતો. એ આવે ત્યારે કાં મહારાજ જયદેવ એને કોઈ મધરાતી મુસાફરીએ મોકલવાના હોય, કાં કોઈકને પૃથ્વીના સાતમા પડમાંથી ખોદી કાઢવાનો હોય. કેશવે કૃપાણને જોયો ન જોયો ને એ બોલી ઊઠ્યો: ‘કેમ કૃપાણ? મહારાજ સંભારે છે?’

કૃપાણ પણ હસી પડ્યો: ‘હા, નાયકજી! જલદી સાંભરે છે!’

‘બીજું કોઈ બેઠું છે?’

‘ના-ના, બીજું કોઈ નથી.’

કેશવ ઉતાવળે તૈયાર થઇ ગયો.એ ના જેવો જ અધીરો એનો ઘોડો શ્યામવર્ણ હતો. એને કેશવ વિના ચેન પડતું નહિ. ને બંનેને કાંઈ ને કાંઈ અથડામણમાં આવ્યા વિના ચેન પડતું નહિ. ઘણા દિવસ થયાં પાટણમાં જાણે કાંઈ જીવન ન હોય એમ કેશવને લાગતું હતું. અત્યારે એને લાગ્યું કે ના, હજી પૃથ્વીમાં કાંઇક રસ રહ્યો છે. તેનો એ રસાસ્વાદ પામી ગયો હોય તેમ ઘોડો પણ એને જોતાં જ આનંદથી હણહણી ઊઠ્યો. કેશવ મહારાજ પાસે જવા નીકળ્યો.

રાજમહાલયના એક ગુપ્તમાં ગુપ્ત ખંડમાં અત્યારે તેઓ એકલા બેઠા હતા. ધીમેધીમે સોનેરી હીંચકાને પગની ઠેસથી જરા હલાવી રહ્યા હતા.

‘કેશવ!’ તેણે બહાર પગરવ સાંભળ્યો ને તરત કહ્યું: ‘કૃપાણ! કોણ કેશવ આવ્યો?’

‘હા પ્રભુ!’ કહેતોક ને કેશવ અંદર આવ્યો. જયદેવે એને ઈશારત કરી. તે છેક રાજાની પાસે ગયો.

‘ડોશી મરવા પડી છે.’ જયદેવ બોલ્યા: ‘ને એના મરણ સુધી આપણે રાહ જોવી પોસાય તેમ નથી. મા જાણશે તો મને અને તને બેયને ઊભા રાખી મૂકશે. પણ આ રા’ ભાગ્યો... સરપને છંછેડ્યો છે, એટલે એને પાછા સાણસામાં પૂરી દેવો છે. તારી પાસે કેટલું – હજાર ઘોડું છે?’

‘હા, હજારેક હશે!’

‘થયું. તો તું એની પાછળ પડ. અંહીથી તો સારસ્વતમંડલનું નામ લેવાનું છે, સમજ્યો? પણ ચંદ્રચૂડ પડ્યો છે ભાલમાં. એને રા’ મળે તે પહેલાં જો એ જીવતો પકડાઈ જાય, તો-તે રાતોરાત લાવીને – આ નીચે ભોંયરાં છે નાં... કોઈને જણાવવાનું નથી. ને ન પકડાય તો બેયને ઠેઠ વર્ધમાનગઢ સુધી તગેડીને તું સીધો વઢિયારપંથે થઈને સારસ્વતમંડલમાં આવી જા. તારા સમાચાર આવે એટલે આંહીંથી બર્બરકને ભીડવવા ઊપડશે – કાં મુંજાલ, કાં મહાદેવ!’

કેશવ નમન કરીને ઊપડ્યો. ‘પણ જો...’ જયદેવે એને પાછો બોલાવ્યો: ‘કોઈને ખબર કરવાની નથી. કોઈને ખબર પડવાની પણ નથી. રા’ સભામાંથી ચાલ્યો ગયો – એટલામાં તો તને કાંઈનું કાંઈ થઇ ગયું એ મેં જોયું. પણ ત્યાં રાજમાતા હતાં, મહાઅમાત્યજી હતા, ત્રિભુવન હતો. નહિ બોલવા જેવું હોય ત્યારે જ સૌ શાંત રહ્યા હશે નાં! ગલઢી મા મરે એની રાહ જોઈએ તો-તો રા’ પેધી જાય. આપણે વધુ રાહ જોવી નથી એ એક વાત. આપણે પણ રાહ જોઈએ છીએ એમ જ ભલે સૌ જાણે એ બીજી વાત. રા’ને પાછો લાવવો છે – છૂટો વહેવા દેવો નથી એ ત્રીજી વાત. ને તું સારસ્વતમંડલમાં જાય છે એ ચોથી વાત. હવે તું જા.’

કેશવ થોડી વાર પછી બહાર નીકળ્યો ત્યારે એના મનમાં ત્રિલોક –વિજેતાના સ્વપ્નાં રમી રહ્યાં હતાં.