Featured Books
શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 4

મહાઅમાત્યની ચિંતા

ખર્પરકનું અનુમાન સાચું હતું. રાજમાતા મીનલે સાંજે જ પહેલાં તો ખાનગી મંત્રણાસભા બોલાવી. મહાઅમાત્યને ત્યાં આવવાનું આમંત્રણ મળ્યું. કેશવે એ સમાચાર આપ્યા અને સાંતૂને એમાં રા’નો વિજય દેખાયો. રા’ જમાનાનો ખાધેલ વિચક્ષણ પુરુષ હતો. અત્યારે પાટણમાં ભેદ પાડવાની પરિસ્થિતિ તેણે જોઈ લીધી. તે જેટલો ઉગ્ર, કડક અને બરછટ હતો એટલો જ ઠંડો, શીળો અને કુનેહબાજ થઇ શકતો – થવું હોય ત્યારે. અત્યારે એ એકદમ ઠંડો થઇ ગયો. મદનપાલની વિપત્તિને એણે ભાવિના લેખ તરીકે શાંતિથી સ્વીકારી લીધી એમાં પણ આ જ હેતુ હતો. ‘પણ આપણે પૂછો તો ખરાં, બા!’ તેણે ધીમેથી મીનલદેવી પાસે મૂક્યું હતું: ‘કે આ અન્યાય થયો કેમ? મહાઅમાત્યની નજર બહાર આવું કાંઈ થઇ શકે? અને અન્યાયનું પણ કાંઈ નહિ, એ તો રાજવળામાં ખૂન થાતાં આવે. પણ રાજા ઊઠીને કોઈને મારવા જાય ઈ ન્યા ક્યાંનો? આ તો વાત સાંભળી છે તે કહું છું, ખોટી પણ હોય. મહાઅમાત્યજીએ પોતે આ કામો કર્યો હોત તો-તો વાંધો નો’તો. આ તો રાજા ઊઠીને પોતે, તેય બેસતો રાજા – હજી બર્બરક તો માથે ગાજે છે ત્યાં. મારે કાંઈ નથી બાપ, તમે કહેતાં હોવ તો હું કાલ ઊઠીને નાગવેલ ઉપર પાછો ખંખેરી મૂકું. તમારે ત્યાં વિરોધ જાગે તો મારે એ જોતો નથી. આ તો તમારો તેડાવ્યો આવ્યો ને ત્યાં તો મુરતમાં જ મડદું જોવા મળ્યું!’

રા’એ વસ્તુને ફેરવીને મૂકી દીધી હતી. તેની વાણીની અસર થઇ હતી. મીનલદેવીએ મંત્રણાસભા બોલાવી. એના સ્વભાવમાં રહેલી નૈસર્ગિક ન્યાયપ્રીતિ જાગી ઊઠી. રા’એ વસ્તુનો જ પૂરેપૂરો લાભ ઉઠાવવા ધાર્યો હતો. પણ એમાંથી વાત વળ ઉપર ચાલી ન જાય એ જોવાનું હતું. આજે મહાઅમાત્યની ચિંતાનો એ વિષય હતો. તેણે વિચાર કરતાં રાજદરબારમાં પ્રવેશ કર્યો.

દ્વાર ઉપર ખડા રહેલાં પ્રતિહારીઓએ ભાલાં નમાવ્યા. તે આગળ વધ્યો. રાજમંદિરને પહેલે પગથિયે એણે શાંત, સ્થિર ઊભેલો એક જુવાન પુરુષ દીઠો. તેણે બે હાથ જોડીને નમન કર્યું. મહાઅમાત્યે તે સહજ હોય તેમ ઝીલ્યું. બે પગથિયાં આગળ વધ્યો. પેલો જુવાન તેની પાછળ આવતો દેખાયો.

‘પ્રભુ!’

‘કેમ? શું છે કેશવ?’

‘પ્રભુ! એક વિજ્ઞપ્તિ છે.’ કેશવે બે હાથ જોડ્યા. મહાઅમાત્યને એ વિજ્ઞપ્તિમાં રસ હોય તેમ ન લાગ્યું. એમને કેશવ પ્રત્યે ખાસ પ્રેમ ન હતો, તેમ તિરસ્કાર પણ ન હતો. મુંજાલ કરતાં એ હજી ઓછી ઘાલમેલ કરી શકતો. પણ જયસિંહદેવે એક પ્રકારની સ્વતંત્ર મનોવૃત્તિ બતાવવા માંડી હતી. એ બધામાં આ નવા આગંતુકોનો હાથ હોય એમ એ જોતો. એમની ઉપેક્ષા કરવાથી એમનું વર્ચસ્વ ઘટે. મહાઅમાત્ય એટલા માટે યોગ્ય કારણ હોય તો જ એમને બોલાવતો કે એમની વાતને મહત્વ આપતો.

‘પ્રભુ! રા’ ક્યારના આંહીં આવ્યા છે. રાજમાતા પણ બેઠાં છે.’

‘બીજું કોણ-કોણ છે? મહારાજ આવ્યા છે?’

‘ના.’

‘ઠીક...’ સાંતૂએ આગળ પગલું ભર્યું.

‘મારી પાસે એક મહત્વની હકીકત આવી છે, પ્રભુ!...’

‘હા, તે ત્યાં આવજો ને... ત્યાં આવજો...’ સાંતૂએ ઉતાવળે કહ્યું. મુંજાલ એની પાછળ હસતોહસતો આવી રહ્યો હતો: ‘શું છે સેનાનાયક? મહાઅમાત્યજી પાસે ન હોય એવી મહત્વની વાત તમારી પાસે ક્યાંથી આકાશમાંથી આવીને પડી કે શું?’ તેણે કેશવની લઘુતા કરતાં મહાઅમાત્યની રાજનીતિ ઉપર કટાક્ષ કર્યો હતો.

‘એટલું કરજો ત્યારે. ખરે ટાણે મને બોલાવજો...’ કેશવ જવાબ આપીને પાછો નીચે ઊતરી ગયો.

‘હા-હા, હવે...’ મુંજાલ હસતો હસતો ચાલ્યો ગયો.

‘આ બધાય... પેલો કચ્છમંડલમાંથી દાદાકનો મહાદેવ! એ તો વળી અજબ છે! મહારાજને નવરત્ન દરબાર કરવો છે કે શું?’ મુંજાલ બોલ્યો.

‘તો ત્રણ તો થઇ ગયા.’ સાંતૂએ જવાબ વળ્યો.

‘કેશવ છે, મહાદેવ આવે છે, તમે છો. થઇ ગયા નાં ત્રણ? અને એમાંનો દરેક ત્રણ જેવો ગયો, તો એ ત્રણ મળીને નવ!’

મુંજાલે વાત હસવામાં ઉડાડી દીધી, પણ એ કટાક્ષ કળી ગયો. એને મહાઅમાત્યની જેટલી ચિંતા રહેતી એટલી જ બીજી બહુ નવા આવનારાઓની પણ હતી. એમાં કેશવ હતો. ત્યાં મહાદેવ આવતો હતો. એટલે બંનેને મહાઅમાત્ય સામે મૂકવાની એ વિચારણા કરી રહ્યો હતો. તો બંનેમાં બળ તૂટે. હજી શરૂઆત હતી, છતાં એટલામાં જ જયસિંહદેવના વિચક્ષણ સ્વભાવે મહાઅમાત્યને જરા મૂંઝવી દીધા હતા. એ વસ્તુ  વધતી રહે એ જોવા એ આતુર હતો. એમાં આ બંને આવનારા  ઉપયોગી હતાં. પણ આજની વાતમાં તો રા’નું તત્વ પણ ઉમેરાયું હતું. એટલે આજ પૂરતી તો એ સાંતૂની મૂંઝવણમાં પોતાની મૂંઝવણ જ માની રહ્યો. માત્ર એણે કેશવની વાતનું ધ્યાન રાખી લીધું.

સાંતૂએ અને મુંજાલે અંદર પ્રવેશ કર્યો. કર્ણદેવના ખાલી આસન પાસે એક સાદી સાદડી નાખીને મહારાણી મીનલદેવી ત્યાં બેઠી હતી. તેણે કાળું વસ્ત્ર પહેર્યું હતું. એના ચહેરા ઉપર વ્યગ્રતા દેખાતી હતી. અંતરમાં પણ ગ્લાનિ હતી. એના પ્રત્યે માણસ માંથી માથું નમાવ્યા વગર રહી ન શકે એવી એકદમ આકર્ષક સ્વચ્છતા એની આસપાસ દેખાઈ આવતી હતી. તેના હાથમાં સાદો રુદ્રાક્ષનો બેરખો ફરી રહ્યો હતો. તેની બરાબર સામે, સામેના ગોખલામાં, સોમનાથમંદિરની એક નાની પ્રતિકૃતિ હતી. તે વારંવાર બારણા તરફ જોતી હતી – હજી જયસિંહ આવ્યો ન હતો. એની પાસે... થોડે દૂર રા’ બેઠો હતો. તે એકદમ શાંત હતો. એના ખોળામાં એની લાંબી તલવાર પડી હતી. સાંતૂ આવીને બે હાથ જોડી જમણી બાજુ બેસી ગયો. બીજી તરફ મુંજાલ બેઠો.

‘આ તો, મહેતા! ભારે થઇ છે!’ મીનલદેવીએ સાંતૂને કહ્યું:

‘બીજું કાંઈ નહિ, આપણા સોલંકી નામ ઉપર બટ્ટો આવશે! આવું ક્યારેય થયું છે ખરું?’

‘શેનો બટ્ટો, મહારાણીબા?’ સાંતૂએ પ્રશ્ન કર્યો. અને તે રા’ સામે જોઈ રહ્યો. મીનલદેવીને તેના પ્રશ્નથી આશ્ચર્ય થયું. મુંજાલને અંદરઅંદર ગલગલિયાં થયાં. તેણે રા’ની સામે સાશંક દ્રષ્ટિ કરી. ધીમો, મક્કમ, ઠંડો બનીને રા’ બેઠો હતો. તે કાંઈ બોલ્યો નહિ.

‘આ તો હજી આપણે જાણે કુટુંબકથા કરી રહ્યાં છીએ.’ મીનલે કહ્યું. ‘પણ કાલે રાજસભા ભરાય ત્યાં આ પ્રત્યુત્તર શોભશે કે, મહેતા?’ જેને વરસો સુધી આપણે આશ્રય આપ્યો એને આપણા અકારણ આવી રીતે જનોઈવઢ હણી નાખવો – મને તો એમાં...’

‘હોય બાપ, હોય! એ તો જેવા જેના લેખ! એમાં મહાઅમાત્યે શું કરે... ને કુમાર મહારાજ એ તો હજી ઊગતા સૂરજ... એય શું કરે? એને કાંઈ ગતાગમ છે? કોકનો દોરીસંચાર તો હોય નાં? હોય, બાપ, હોય. ઈ તો જેવાં કરમ! નકર કાંઈ આમ ન થાય!’ રા’ બોલ્યો, બોલતાં-બોલતાં એણે દોરીસંચારનો ઘા મારી લીધો હતો.

‘કરમબરમ તો ઠીક, નવઘણજી! પણ મદનપાલજીને અમે જ આશરે રાખ્યા’તા. આંહીં તેઓ મોટા થયા હતાં. આંહીં જ તેઓ તો હતાં... ને આંહીં ના જ જાણે લાગતા હતાં.’ મુંજાલ બોલ્યો. મુંજાલના છેલ્લા શબ્દોમાં રહેલ કટાક્ષ રા’ કળી શક્યો નહિ. એને મુંજાલ-સાંતૂનો ભેદભાવ જ નજરે આવ્યો.

‘હા,બાપ! કેમ નહિ? એ તો આંહીંના જ – તમારા લાગતા...’ રા’ને લાગ્યું કે મુંજાલ એની તરફેણમાં છે, એટલે ઉત્સાહથી આગળ વધ્યો: ‘એ તો તમારાથી ક્યાં અજાણ્યું છે? કોઈ કે’ નહિ એમને અમારા, એટલા બધાં આંહીંના.’

‘હા, આંહીંના જ-’ મુંજાલે કહ્યું ને પછી ધીમેથી ઉમેર્યું, ‘... પણ લાગતા હતાં એટલું જ.’ ઘા માર્યો હોય તો લોહી ન નીકળે એવો ઠંડો રા’ થઇ ગયો, મુંજાલના વાક્ય કટાક્ષે એને ભોંભેગો કરી દીધો હતો. એટલામાં તો સાંતૂએ પૂરું કર્યું: ‘મુંજાલ! થાવું એમ કાંઈ સહેલું છે! કોઈ કોઈનું થતું નથી, ભૈ! અને તે પણ આ કળજગમાં? કળજગમાં તો આપણાં પણ આપણાં રે’તાં નથી, ભૈ!’

રા’ કળી ગયો. વાણિયા બંને એક જ હતા. તેણે જવાબ વાળ્યો: ‘ત્યારે તો, બાપ, એ જ વાત છે. રાજમાતાજી પણ એ જ કે’ છે ને? કે’વાનું હોય તો શું કરવા છાનુંછપનું રાખવું? મદનપાલમાં કે’વાપણું કાંઈ ખરું?’ તેણે પ્રશ્ન કર્યો, ‘હોય તો કહી દ્યો! આ રાજમાતા છે – જેવાં તમારાં, તેવાં અમારાં. બોલો.’

‘રા’, હવે તમતમારે જાઓ કાલે રાજસભામાં આવજો. ન્યાય મળે એ જોવાનું મારે માથે બસ?’ મીનલે કહ્યું થોડી વાર પછી રા’ નમીને ચાલતો થયો.

‘સાંતૂ મહેતા, મદનપાલને આપણે હણ્યો છે – આપણે એટલે મેં, મહારાજે, તમે સૌએ,’ મીનલે દ્રઢતાથી કહ્યું, ‘આ કામ આપણું સૌનું ગણાશે. પાટણની રાજસભા પાસે એ વાત મારે મૂકવાની છે! મેં નિશ્ચય કર્યો છે. હણનાર કોણ છે – ગમે તે હોય – રાજસભાને એની ખબર નથી. મારે આ વાતનો ન્યાય તો આપવો જ છે!’

‘મહારાણીબા! વાત રાજસભા પાસે મૂકવાની છે, એમ? શું કરવા? એવું એનું શું મહત્વ છે?’

‘કેમ મહત્વ નહિ? તો-તો કાલ કોઈ પ્રજાજન સલામત ન હોય. આનું મહત્વ નહિ, તો કોનું? તમે શું બોલો છો?’

આટલી સાદી, શાંત લાગતી નારીમાં વજ્જરટંકાર છે એ પહેલાં તો એકદમ માની શકાય નહિ. ‘તમે આ બોલો છો, સાંતૂ મહેતા? વર્ષો સુધી તમે એકચક્રી રાજ ચલાવ્યાં છે, પાટણને વશ રાખ્યું છે; તમને શું ખબર નથી કે તમે રાજસભામાં આ વાત રજૂ નહિ કરો તો આવતી કાલે પટ્ટણીઓ તમારી પાસે ન્યાય માગવા આવશે અને સામે મોંએ જવાબ માગશે! આ તો પાટણનગરી – તમે એને એવી બનાવી છે. હવે તમે એને અશક્તની પેઠે, આજ્ઞાંકિત બાળકની પેઠે, મૂર્ખ અનુયાયીની પેઠે નહિ રાખી શકો, મહેતા! નગરીને તમે ખબર નહિ આપો તો નગરી તમને ખબર આપશે! હું એટલા માટે કહું છું, આપણે રાજસભા બોલાવવી જ પડશે ને ન્યાય પણ જોખવો પડશે.’

‘પણ મહારાજ પોતે શું કે’ છે?’

‘મહારાજ શું કહે? મહાઅમાત્યજી જે કહે તે મહારાજ કહે!’ મુંજાલ બોલ્યો.

‘ત્યારે જયદેવ શું કહે છે... એ હું પૂછવા માટે તો આંહીં...’ એને બોલાવી રહી હતી. પણ એ તો આંહીં નથી...’

‘મહારાજ કહે છે, મહારાણીબા...’

મીનલદેવીનો શબ્દ અધૂરો રહી ગયો. કેશવ ત્યાં નમન કરીને ઊભો હતો. મીનલદેવીએ એને આગળ બોલવા ઈશારત કરી.

‘મહારાજ કહે છે, મહારાણીબા! કાલે સવારે રાજસભા ભરવાની છે તેમાં કુમારશર્મા આવવાના છે. આચાર્ય ભાંભૂદેવ આવવાના છે. નગરપાલ ધનશ્રેષ્ઠી આવવાના છે. સોરઠના રા’ પણ આવે. મહારાજ પોતે ત્યાં આવશે... મદનપાલને હણ્યાની વાતનો ન્યાય થશે! રાજમાતાની સમક્ષ જ એ વાત મુકાશે!’

‘ત્યાં ન્યાય થાશે?’ એકીસાથે સૌનાં મોંમાંથી શબ્દ નીકળી ગયો.

‘પણ મહારાજ પોતે ક્યાં છે?’ સાંતૂએ  પૂછ્યું.

‘તે કહેવાની મને આજ્ઞા નથી, મહાઅમાત્યજી!’ કેશવે દ્રઢ ઉત્તર વાળ્યો. એમાં રહેલ ગર્વે મુંજાલને આનંદ આપ્યો.

‘મને જે કહેવાની આજ્ઞા છે એટલું મેં કહ્યું, મહારાણીબા!’ મીનલદેવી પ્રશ્ન પૂછતી અટકી ગઈ.

‘થયું ત્યારે, મહારાજે પોતે જ જ્યારે રાજસભા બોલાવી છે ત્યારે તો હવે ક્યાં પ્રશ્ન જ રહે છે?...’

‘ચાલો ત્યારે, મુંજાલ!... સાંતૂ જવા માટે ઊઠ્યો.

પણ મુંજાલે કેશવના ગર્વમાં કાંઇક વિશેષ દીઠું હતું એને એનો ગૌરવશીલ સ્વભાવ ગમ્યો હતો – ખાસ કરીને અત્યારે, જ્યારે એનો ખપ હતો ત્યારે – પછીની વાત પછી કરીને પાછા ફરતાં એ એને શોધી રહ્યો હતો. એ હજી એટલામાં જ ઊભેલી એની નજરે ચડ્યો.

‘સેનાનાયક!’ મુંજાલ એની પાસે ગયો: ‘તમે ભારે કરી... પણ બધું છે શું? મહારાજ શું કરવા ધારે છે?’

‘મહારાજ શું  કરવા ધારે છે એ મહારાજ કોઈને કહેતા નથી એ તમને ખબર છે. આ વાતમાં જેટલી તમને ખબર છે એટલી જ મને ખબર છે. બાકી એક વાત બની છે. હમણાં જ દંડનાયકજી ત્રિભુવનપાલદેવ આવ્યા છે... ને ત્યાર પછી મહારાજે આ કહેવરાવ્યું. બર્બરક વિશે કાંઇક વધુ માહિતી મળી જ હશે.’

‘પણ કાલની રાજસભા... એનું શું? તમે કહેતા હતાં, કાંઈ તમારી પાસે છે... એ શું?’

‘આંહીં આવો!’ કેશવે ઉલ્લાસથી કહ્યું. મુંજાલનું હ્રદય તો એના આમંત્રણથી આનંદમાં ડોલી ઊઠ્યું – એનો વિશ્વાસ પોતે મેળવ્યો માટે નહિ, પણ એને ખાતરી થઇ ગઈ કે આ કેશવ માત્ર યોદ્ધો છે માટે. યોદ્ધાનો એને બહુ ડર ન હતો. એને પહોંચી શકાય. એટલે એને તો કેશવ પોતાના તંત્રમાં ઉપયોગી લાગ્યો. સાંતૂને એણે તરુણાવસ્થાથી આરાધ્યો હતો. પણ હવે એનો સમય ભરાઈ ચૂક્યો હતો. પરંતુ આ વિચક્ષણ તરુણ રાજાની પાસે ત્રીજો કોઈ ઘૂસી ન જાય એ જોવાનું હતું. એ જ ડર કેશવનો હતો. ત્યાં તો આજે કળાઈ ગયું કે એ તો નર્યો યોદ્ધો જ છે.

કેશવ એને રાજમંદિરની નીચેના એક ભોંયરામાં તેડી ગયો. ત્યાં એક ખૂણામાં ઝાંખો દીવો બળતો હતો. કેશવ એક ભરતભરેલું કાપડ લઇ આવ્યો. તેમાં હીરે મઢ્યું સુંદર કંડારણ હતું.

‘આ શું છે, ખબર છે?’

‘ના.’

‘ત્યારે આ બર્બરકની પત્ની... પિંગલિકા...એનું ભરત છે, જુઓ!’

‘હેં!’

‘હા, એનું ભરત છે. એમાં સોરઠના રા’ નવઘણનો સિંહશિકાર આલેખ્યો છે. એમાં મદનપાલની દીકરીનું ભરત પણ છે. જો આ... એનું નામ... હવે?’

મુંજાલ સડક થઇ ગયો. પોતે જે રાજાને હાથમાં લેવા માગે છે તે ઘણોઘણો વિચક્ષણ પુરુષ છે એની ખાતરી થઇ ગઈ. તેની મહત્વાકાંક્ષા વધી. ગુજરાતનો આવતો અભ્યુદય એ જોઈ શક્યો. પણ પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવાના કાર્યમાં નવાં બળો આવી રહ્યાં છે એ પણ એણે જોયું.

‘નાયક! આ તો તમે રા’નું બોલવું બંધ કરી દેશો!’

‘રા’ને પોતાને પણ બંધ કરી દેવાનો છે!’

‘અરે... અરે! સેનાનાયક! મહાઅમાત્યજી ને પૂછ્યું? એમાં રહેલું જોખમ...’

‘જુઓ, મુંજાલજી! હું તમને એક વાત કહું. આખો જમાનો પલટાઈ ગયો છે. મહારાજ જયસિંહદેવ જુદી જ માટીમાંથી ઘડાયા છે. કર્ણદેવનો યુગ આઠમી ગયો છે... હવે જોખમ... સાહસ.. એ બધું ભૂલી જાઓ. હવે એવી વાત કરશો તો પાછળ રહી જાશો. હું તો રહ્યો લડવૈયો. મારી દ્રષ્ટિ બહુ આઘે ન પડે... પણ આ તો મને જે જણાયું તે તમને કહું છું.’

મુંજાલ કેશવથી જુદો પડ્યો ત્યારે પોતાના વિચારમાં પોતે તલ્લીન થઇ ગયો હતો. પોતાનું સ્થાન જયસિંહદેવના દરબારમાં સ્થાપિત કરવું હોય તો એણે આખી નવી જ પ્રણાલિકા સ્થાપવી પડશે એમ એને લાગ્યું.

એટલામાં આવતી કાલની રાજસભાનો ડિંડિમિકાઘોષ એને કાને સંભળાયો.